૪૮. શ્રીજીનો ધર્મોપદેશ,સત્સંગવિચરણ,માંગરોળમાં વાવ ગળાવી ઉત્સવ કર્યો ત્યારે પોતાનું ચતુર્ભુજરૂ

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 11:26am

પૂર્વછાયો-

સુંદર સારી કથા કહું, ત્યાર પછીની જાણજયો જેહ ।

અતિ ચરિત્ર પવિત્ર છે, સહુ સુણજયો કરી સનેહ ।।૧।।

સતસંગી સ્વામીતણા, નિરમળ અતિ નરનાર ।

હરિ બેઠા સભા કરી, ત્યાગી સંત ગૃહી બ્રહ્મચાર ।।૨।।

મુખ આગે મુકુંદ આદિ, બેઠા બહુ બ્રહ્મચાર ।

ત્યારપછી મુક્તાનંદ આદિ, બેઠા સંત અપાર ।।૩।।

ત્યાર પછી મયારામ આદિ, બેઠા દ્વિજ સુજાણ ।

ત્યાર પછી મુળજી આદિ, બેઠા ક્ષત્રિ પ્રમાણ ।।૪।।

ચોપાઇ-

બેઠા વૈશ્ય પર્વતાદિ જેહરે, શૂદ્ર કાળાનાઇ આદિ તેહ રે ।

બેઠા પુરૂષ પુરૂષમાં મળી રે, તે કેડ્યે બેઠી બાયું મંડળી રે ।।૫।।

દ્વિજ લાડકી આદિ જે બાઇ રે, બેઠી જેમ ન અડે કોઇ ભાઇ રે ।

બીજા આશ્રિત જન છે જેહ રે, બહુ મળી બેઠા સહુ તેહ રે ।।૬।।

સર્વે હાથ જોડી પાય નમે રે, અમારા ગુરૂમૂર્તિ છો તમે રે ।

વળી સહજે આપો છો આનંદ રે, માટે સત્ય નામ સહજાનંદ રે ।।૭।।

સદ્ગુણે શોભાનું છો ધામ રે, વળી તમે છો સ્વામીને ઠામ રે ।

માટે અમને જાણી તમારાં રે, કહેજયો શિખનાં વચન સારાં રે ।।૮।।

પ્રભુ તમારી આજ્ઞાને વિષે રે, રહેશું શ્રદ્ધાસહિત હમેશ રે ।

માટે કહેવાનું ઘટે તેમ કહેજયો રે, સારી સુખની શિખામણ્ય દેજયો રે ।।૯।।

એમ સહુ મળી કહે જન રે, તેનાં સાંભળ્યાં નાથે વચન રે ।

પછી બોલ્યા નારાયણમુનિ રે, શિખામણ હિતકારી સહુની રે ।।૧૦।।

કહ્યું ધર્મશાસ્ત્રને વચને રે, ધર્મમાંહિ રાખવા જનને રે ।

કહે નર દેવને પિતર રે, શેષ શશિ સુર ને ઇતર રે ।।૧૧।।

જે જે પામ્યા સુખ ને મોટાઇ રે, તેતો રહેતા થકા ધર્મમાંઇ રે ।

કહ્યું છે શ્રુતિ સ્મૃતિમાં એમ રે, સત્ય ધર્મને મુકાય કેમ રે ।।૧૨।।

તેતો મોટા પુરૂષને મળે રે, ત્યારે સહુસહુના ધર્મ પળે રે ।

તે વાસુદેવમાહાત્મ્ય માંઇ રે, કહ્યા છે સહુના ધર્મ ત્યાંઇ રે ।।૧૩।।

એમ ઉદ્ધવસ્વામીએ કહ્યું છે રે, તે સર્વે મારે હૈયે રહ્યું છે રે ।

માટે ધર્મને સહુ અનુસરો રે, ભાવે કૃષ્ણની ભગતિ કરો રે ।।૧૪।।

પાળો એટલી આગન્યા મારી રે, જેણે સુખી થાઓ નરનારી રે ।

એહ શિખામણનાં વચન રે, સવેર્હૃદયમાં ધારજયો જન રે ।।૧૫।।

વળી પ્રાકૃત જીવની રીતે રે, શોક સ્વામીનો મ કરો ચિત્તે રે ।

એવું અખંડરૂપ અવિનાશ રે, તેતો કેદિયે ન થાય નાશ રે ।।૧૬।।

થાય પ્રકટ ભૂમિયે મહારાજ રે, તેતો જીવોના કલ્યાણ કાજ રે ।

એનું ઉદ્ભવને અંતર્ધાન રે, તેતો સ્વતંત્રપણે નિદાન રે ।।૧૭।।

પણ કાળ કરમને વશ રે, નોય જીવો પેર્યે પરવશ રે ।

એમ સમઝે છે દૈવી જન રે, આસુરી મોહ પામે છે મન રે ।।૧૮।।

માટે શોકને સર્વે તજો રે, પ્રત્યક્ષ પરમેશ્વરને ભજો રે ।

માની મનમાં ઉપદેશ રે, હવે જાઓ સહુ દેશ પ્રદેશ રે ।।૧૯।।

હું પણ જાઉંછું પુર ધોરાજી રે, તમે રહેજયો સહુ જન રાજી રે ।

કહું સાંભળજયો સહુ જન રે, એમ બોલ્યા પ્રભુજી વચન રે ।।૨૦।।

સુણી શોક તજયો સહુજન રે, જાણ્યા પ્રભુજીને ગુરુ મન રે ।

પછી ગયાં ઘેરે નરનારી રે, હૃદે હરિની મૂરતિ ધારી રે ।।૨૧।।

હરિ નિજગુરૂને વિરહે રે, ચિત્તે ક્ષોભ ને દુઃખી છે દેહે રે ।

પણ અંતર દર્શન કરી રે, ધારી રહ્યા છે ધીરજ હરિ રે ।।૨૨।।

પોતે હર્યો તે સર્વનો શોક રે, માટે હરિનામ કહે લોક રે ।

પછી બહુ સંત લઇ સાથ રે, ત્યાંથી ચાલ્યા નીલકંઠ નાથ રે ।।૨૩।।

ધર્મ પ્રવર્તાવામાં છે ચિત્ત રે, આવ્યા ધોરાજી સંત સહિત રે ।

તિયાં અતિ હેતે કરી જન રે, કર્યું પ્રભુજીનું તે પૂજન રે ।।૨૪।।

દઇ દર્શન આવ્યા ભાડેર રે, નિજજન પર કરી મેર રે ।

ત્યાંથી માણાવદ્ર ગયા નાથ રે, નીરખી જન થયા છે સનાથ રે ।।૨૫।।

ત્યાંથી પિપલાણામાં પધાર્યા રે, જનને મન મોદ વધાર્યા રે ।

ત્યાંથી આવ્યા ગામ અગત્રાઇ રે, જીયાં ભક્ત છે પર્વતભાઇ રે ।।૨૬।।

ત્યાંથી આવ્યા ગામ કાલવાણી રે, નિજદાસ પર દયા આણી રે ।

કિયાં એક દિન કિયાં દોય રે, કિયાં ત્રણ દિન રહ્યા સોય રે ।।૨૭।।

સહુને જ્ઞાન આપી સમજાવ્યા રે, પોતપોતાને ધર્મે રખાવ્યા રે ।

પોતે ગુરૂની આગન્યા માની રે, બેઠા વાહન પર સુખદાની રે ।।૨૮।।

ભારેભારે વસ્ત્ર ને ભૂષણ રે, પહેર્યાં જનહિતે તે જીવન રે ।

સ્ત્રિયોને ધર્મમાં રખાવા રે, બોલ્યા તેશું તેને સુખ થાવા રે ।।૨૯।।

કર્યું મોટી ઉપાધિનું ગ્રહણ રે, પણ રતિ નથી અંતઃકરણ રે ।

કોઇ સમે ને કોઇ ઠેકાણે રે, નથી આસક્ત સૌ જન જાણે રે ।।૩૦।।

સર્વે ધર્મને સ્થાપવા કાજ રે, ગયા માંગરોળે મહારાજ રે ।

શહેર બાર છે સુંદર વટ રે, શોભે સિંધુતીરે ત્યાં નિકટ રે ।।૩૧।।

કયુર્ં એકાંતે વડે આસન રે, તિયાં આવ્યા છે જિજ્ઞાસુ જન રે ।

કરી દર્શન પામ્યા આનંદ રે, વાધ્યો હર્ષ જોઇ જગવંદ રે ।।૩૨।।

તિયાં સંત વસે છે સમોહ રે, જેને કામ ક્રોધ નહિ મોહ રે ।

વ્યાપકાનંદ સ્વરૂપાનંદ રે, એહાદિ નિરખી પામ્યા આનંદ રે ।।૩૩।।

ગોવર્ધન દામોદર જેહ રે, રામચંદ્ર સુરચંદ તેહ રે ।

રતનજી આદ્યે એ વણિક રે, ક્ષત્રિ મંછારામ ભક્ત એક રે ।।૩૪।।

ધનજી માધો આણંદભાઇ રે, ત્રિકમ ને રાજુ ભાણબાઇ રે ।

એહાદિ લઇ શૂદ્ર અપાર રે, સહુ આવી બેઠાં નરનાર રે ।।૩૫।।

કરે સેવા પુછે સમાચાર રે, ભલે પધાર્યા પ્રાણઆધાર રે ।

તેહ પ્રત્યે હરિ ધિરા રહી રે, જેમ છે તેમ વારતા કહી રે ।।૩૬।।

કહ્યું સ્વામી રામાનંદ જેહ રે, ગયા સ્વધામમાં તજી દેહ રે ।

સુણી સર્વે શોકાતુર થયા રે, સ્વામી આપણને છળી ગયા રે ।।૩૭।।

ત્યારે હરિ કહે સંત સુજાણ રે, પ્રભુ રહ્યા છે પ્રકટ પ્રમાણ રે ।

બહુ સમર્થ છે બાળ નાના રે, સહુ જાણશે નહિ રહે છાના રે ।।૩૮।।

એમ કહીને ધીરજ આપી રે, શોક સ્વામીની કોરનો કાપી રે ।

પછી વાવ્ય તિયાં એક હતી રે, જેનું સ્વાદુ જળ મીઠું અતિ રે ।।૩૯।।

તેતો કાળે કરી બુરાણિ રે, નાવે કામે તે કોઇને પાણી રે ।

તેતો ગળાવી આપે મહારાજે રે, સહુને જળ પિવાને કાજે રે ।।૪૦।।

કાઢ્યો ગાળ ને જળ નિસર્યું રે, પછી કર્યું એ વાવ્યનું ભર્યું રે ।

કર્યો મોટો ઉત્સવ તે દિન રે, તેડ્યા બ્રાહ્મણ કરવા ભોજન રે ।।૪૧।।

થોડો ઘણો લીધો સરાજામ રે, આદર્યું તેપર મોટું કામ રે ।

દ્વિજ શહેરના સર્વે નોતર્યા રે, તેણે મનમાન્યા મોદક કર્યા રે ।।૪૨।।

તીર્થવાસીને કાજે તૈયાર રે, કર્યો શિરો પુરી ને કંસાર રે ।

સતસંગીને કહ્યું વચન રે, જમો આજ ઉત્સવનું અન્ન રે ।।૪૩।।

કહે કવિશ્વાસી કેમ થાશે રે, સિધું ખુટશે ને લાજ જાશે રે ।

પણ ન ખુટ્યું સીધું ને લોટ રે, નાવી દાળ મશાલાની ખોટ્ય રે ।।૪૪।।

જમ્યા દ્વિજ હજારો હજાર રે, બીજા સત્સંગી જમ્યા અપાર રે ।

રૂડી રીત્યે શું કર્યો સમૈયો રે, તેતો મુખે કેમ જાય કૈયો રે ।।૪૫।।

દેવતાની તૃપ્તિને કાજે રે, કરાવ્યો હવન મહારાજે રે ।

કરતાં પૂજન દેવતાતણું રે, દીઠું જને ત્યાં આશ્ચર્ય ઘણું રે ।।૪૬।।

સતસંગી સાધુ સહુ કોઇ રે, સહુ રહ્યાતા હરિને જોઇ રે ।

ત્યાં તો થયું અલૌકિક દર્શન રે, જોઇ મગન થયાં સહુ જન રે ।।૪૭।।

દીઠાં ચાર આયુધ ચારે હાથે રે, સારો મુગટ ધર્યો છે માથે રે ।

પહેર્યાં પીતાંબર હેમરૂપ રે, ઘનશ્યામ મૂર્તિ અનૂપ રે ।।૪૮।।

શ્રીવત્સ ચિહ્ન શોભે છે ઘણું રે, એવું દર્શન થયું હરિતણું રે ।

તેને ડાબે પડખે દયાળ રે, દિઠી શ્વેત મૂરતિ વિશાળ રે ।।૪૯।।

ચાર મુખ ને અષ્ટ છે દ્રગ રે, ચાર હાથ ને ચાર છે પગ રે ।

જોડિ રહ્યા જુગ કર આગે રે, ગ્રહિ એકે પૂજા અનુરાગે રે ।।૫૦।।

એક હાથમાં છે ધર્મશાસ્ત્ર રે, શ્વેતાંબરે શોભે છે સુંદર રે ।

અંગોઅંગ શોભે અલંકાર રે, રત્નજડિત મુકુટ સાર રે ।।૫૧।।

અતિશાંત એવા ધર્મ ભાળી રે, જોયું જમણીકોરે નિહાળી રે ।

દિઠાં દ્વિભુજવાળાં ભગતિ રે, વસ્ત્ર ઘરેણે શોભે છે અતિ રે ।।૫૨।।

ગૌરતન કનક કર થાળી રે, પૂજાવિધિ લીધી છે તે ભાળી રે ।

એવા વિષ્ણુ ભક્તિ ધર્મ જોઇ રે, પામ્યાં વિસ્મય જન સહુ કોઇ રે ।।૫૩।।

કહે મનુષ્યાકારે આ મુરાર રે, એવું દિઠું છે મુહૂર્ત વાર રે ।

પછી પૂજાવિધિ પુરો થિયો રે, સર્વે જન મન મોદ આવિયો રે ।।૫૪।।

પછી વેદવિત્ જે બ્રહ્મન્ રે, બીજાં મળ્યાં હતાં બહુ જન રે ।

કરી નિશ્ચય તે થયા આશ્રિત રે, રહ્યાં વચનમાં કરી પ્રીત્ય રે ।।૫૫।।

મેલી બીજા દેવની ઉપાસ રે, થયા શ્રીકૃષ્ણદેવના દાસ રે ।

એમ નિજ ઐશ્વર્ય અનૂપ રે, દેખાડ્યું એ પ્રકારનું રૂપ રે ।।૫૬।।

જોઇ બ્રાહ્મણને બીજાં જન રે, દૃઢ નિશ્ચય કરી લીધું મન રે ।

એહ દેખાડ્યો પ્રૌઢ પ્રતાપ રે, જોઇ જન મગન થયાં આપ રે ।।૫૭।।

ઋતુ વસંત સમાને વિષે રે, કયુર્ં ચરિત્ર એ જગદીશે રે ।

એહ ચરિત્ર શ્રીહરિતણું રે, કહ્યું થોડું ને રહ્યું છે ઘણું રે ।।૫૮।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે શ્રી માંગરોળે મહારાજે ઉત્સવ કર્યો એ નામે અડતાલીસમું પ્રકરણમ્ ।।૪૮।।