શ્ર્લોક ૨૦૩-૨૧૨ ઉપસંહાર

Submitted by swaminarayanworld on Fri, 08/01/2010 - 10:56am

અને અમારે આશ્રિત એવા જે સત્‍સંગી બાઇભાઇ સર્વે તેમના જે સામાન્‍ય ધર્મ અને વિશેષ ધર્મ તે જેતે સંક્ષેપે કરીને આવી રીતે અમે લખ્‍યા છે અને આ ધર્મનો જે વિસ્‍તાર તે તો અમારા સંપ્રદાયના જે ગ્રંથ તે થકી જાણવો (ર૦૩)

અને સર્વે જે સચ્‍છાસ્‍ત્ર તેનો જે સાર તેને અમે અમારી બુદ્ધિએ કરીને ઉદ્ધારીને આ શિક્ષાપત્રી જેતે લખી છે, તે કેવી છે તો સર્વે મનુષ્‍યમાત્રને મનવાંછિત ફળની દેનારી છે. (ર૦૪)

એ હેતુ માટે અમારા આશ્રિત જે સત્‍સંગી તેમણે સાવધાન પણે કરીને નિત્‍યપ્રત્‍યે આ શિક્ષાપત્રીને અનુસરીને જ વર્તવું પણ પોતાના મનને જાણે તો કયારેય ન વર્તવું (ર૦પ)

અને જે અમારા આશ્રિત પુરુષ ને સ્‍ત્રીઓ તે જેતે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તો તે ધર્મ, અર્થ, કામ ને મોક્ષ એ ચાર પુરુષાર્થની સિદ્ધિને નિશ્ર્ચેય પામશે. (ર૦૬)

અને જે બાઇ ભાઇ આ શિક્ષાપત્રી પ્રમાણે નહિ વર્તે તે તો અમારા સંપ્રદાયથકી બાહેર છે એમ અમારા સંપ્રદાયવાળા સ્‍ત્રી પુરુષ તેમણે જાણવું (ર૦૭)

અને અમારા જે આશ્રિત સંતસંગી તેમણે આ શિક્ષાપત્રીનો નિત્‍યપ્રત્‍યે પાઠ કરવો અને જેમને ભણતાં આવડતું ન હોય તેમણે તો આદરથકી આ શિક્ષાપત્રીનું શ્રવણ કરવું (ર૦૮)

અને આ શિક્ષાપત્રીને વાંચી સંભળાવે એવો કોઇ ન હોય ત્‍યારે તો નિત્‍યપ્રત્‍યે આ શિક્ષાપત્રીની પૂજા કરવી અને આ જે અમારી વાણી તે અમારું સ્‍વરુપ છે એ રીતે પરમ આદર થકી માનવી (ર૦૯)

અને આ જે અમારી શિક્ષાપત્રી તે જેતે દૈવી સંપદાએ કરીને યુક્ત જે જન હોય તેને  આપવી અને જે જન આસુરી સંપદાએ કરીને યુકત હોય તેને તો કયારેય ન આપવી (ર૧૦)

સંવત ૧૮૮૨ અઢારસો બ્‍યાસીના મહાસુદી પંચમીને દિવસે આ શિક્ષાપત્રી અમે લખી છે તે પરમ કલ્‍યાણકારી છે (૨૧૧)

અને પોતાના આશ્રિત જે ભકતજન તેમની જે સમગ્ર પીડા તેના નાશ કરનારા એવા અને ધર્મ સહિત જે ભકિત તેની રક્ષાના કરનારા એવા અને પોતાના ભકતજનને મનવાંછિત સુખના આપનારા એવા જે શ્રીકૃષ્‍ણ ભગવાન તે જેતે અમારા સમગ્ર મંગળને વિસ્‍તારો (૨૧૨)

ઇતિ શ્રી સહજાનંદસ્‍વામિશિષ્‍ય નિત્‍યાનંદમુનિલિખિતા શિક્ષાપત્રીટીકા સમાપ્‍ત..