પુલહાશ્રમ યાત્રા PULHASHRAM -- MUKTINATH YATRA

Submitted by JGPatel on Sun, 16/06/2013 - 6:43am

પુલહાશ્રમ યાત્રા ( PULHASHRAM ) કઇ રીતે પહોંચી શકાય?
વિમાન રસ્તે- દિલ્હી,કાનપુર, કલકત્તાથી અથવા કાઠમંડુ જતા કોઇપણ વિમાનમાં કાઠમંડુ ( KATHMANDU ) પહોંચવું. પોખરા કે જોમસોમ ઇંટરનેશનલ ફ્લાઇટો જતી નથી. માટે નાના સ્થાનિક વિમાનમાં પોખારા ( POKHARA )અને ત્યાંથી જોમસોમ ( JOMSOM )જવાય છે.
રોડ મારફતે- કોઇપણ રસ્તે ગોરખપુર પહોંચવું. ત્યાંથી ઉત્તરમાં 80 કી.મી. દુર નૌતનવા- સુનૌલી બોર્ડર આવે છે. બોર્ડર પાસે નેપાલ (NEPAL )સરહદમાં દાખલ થતાં જ તરત જમણી બાજુએ ભૈરવા જુના બસ સ્ટેન્ડ પાછળ નજીકમાં જ ભૈરવા સ્વા. ના. મંદિર છે ત્યાં ઉતારાની સગવડ છે. ભારતની સરહદ વટાવી નેપાલમાં દાખલ થતાં જ ભૈરવાથી પોખરા કે કાઠમંડુ જવા માટે પ્રાઇવેટ ટેક્ષી કે સરકારી બસ મળે છે. બોર્ડરથી પોખરા (વાયા તાનસેન) 180 કી.મી. થાય છે અને વાયા નારાયણઘાટ-મુગલી થઇ 264 કી.મી. થાય છે. કાઠમંડુથી પોખરા 200 કી.મી થાય છે. રસ્તા પહાડી હોવાથી 10-12 કલાક રનીંગ ટાઇમ થાય છે.
પોખરામાં એરોડ્રામથી નજીક (દક્ષિણમાં આશરે 2 કી.મી દુર ) શ્રી સ્વામિનારાયણ (રામ) મંદિર છે. મંદિરમાં ઉતારાની અને જાતે રાંધવાની સગવડ છે. (સરનામું-પારદી વિરૌટા, પોખરા. સંપર્ક- શ્રી શ્રીજી સ્વામી ફોન નં.-00977-61-460356. મો. 00977-9846050534) પોખરાથી જોમસોમ વિમાન મારફતે- (125 કી.મી.) જવા માટે સવારના 5-30 થી સવારના દસેક વાગ્યા સુધી જ નાના (આશરે 16 સીટના ) વિમાન વીસેક મીનીટમાં જોમસોમ પહોંચાડે છે. જતાં આવતાની ટીકીટ આશરે રુપિયા 5000 થાય છે. હવામાન સારું હોય તો જ વિમાન જાય છે.
જોમસોમમાં એરોડ્રામથી દક્ષિણ દિશામાં સીધા રસ્તે એકાદ કી.મી દુર શ્રી સ્વામિનારાયણ મંદિર (નદીના પટમાં) છે. ત્યાં રહેવાની અને જાતે રાંધવાની સગવડ છે. અહીં શ્રી સંત સ્વામી વ્યવસ્થા સંભાળે છે. તેમનો મો. નં. 00977-9857650061 છે. પોખરાથી જોમસોમ જીપકાર રસ્તે- આ રસ્તે આખો દિવસ લાગે છે. વળતાં પણ આખો દિવસ થાય છે. ભાડું આશરે રુ. 3000 થાય છે. પોખરાથી જીપ રસ્તે જતાં જોમસોમ પહોંચતા પહેલાં થોડે દુર ગલતેશ્વર ગામ છે. અહીં ભરતજીનો આશ્રમ છે. ભરતજી ( BHARATJI )અહીં રહેતાં અને મુક્તિનાથમાં તપ કરતાં. અહીં વહેતી ગંડકી નદીમાંથી મૃગલીના બચ્ચાને બચાવવા જતાં ભરતજીને અહીં મોહ થયો હતો.
જોમસોમથી પુલહાશ્રમ - (18 કી.મી.) પગપાળા ચાલતાં છએક કલાક થાય છે. ત્યાં સ્થાનિક જીપકાર એસોશીયેશનની જીપથી 2 કલાકમાં પુલહાશ્રમ પહોંચાય છે. જવાનું ભાડું આશરે રુ. 300 છે. હવા પાતળી હોવાથી ચાલવામાં તકલીફ પડે છે. (કપુરની ગોટી સુંઘવાથી શ્વાસમાં રાહત ર્હે છે.) પુલહાશ્રમમાં જ્યાં જીપ સ્ટેન્ડ છે ત્યાંથી નજીકમાં જ રાનીપૌઆ ગામમાં રોડ ઉપર જ રાનીપૌઆ ધર્મશાળા છે. રાત રહેવા માટે ત્યાં સગવડ છે. જોમસોમ શ્રી સ્વામિનારાયણ મદિરની એક મોટી રુમ આ ધર્મશાળામાં છે જેમાં પાગરણ અને રાંધવાની સગવડ છે. આ રુમની ચાવી જોમસોમમાં શ્રી સંત સ્વામી પાસે રહે છે. પુલહાશ્રમમાં રાત રહેવાની ઇચ્છા હોય તો ચાવી લેતા જવી. રાનીપૌઆથી મુક્તિનાથ મંદિર ચાલતાં વીસેક મિનિટમાં પહોંચી શકાય છે. અહીંથી ચાલવામાં અશક્તિમાન વ્યક્તિને મોટરસાયકલવાળા રુ. 200 (આશરે) માં ત્રણેક મિનિટમાં મુક્તિનાથના મુખ્ય દરવાજે પહોંચાડે છે. જોમસોમથી જીપમાં પુલહાશ્રમ સવારે જઇ સાંજે પુલહાશ્રમ પરત આવી શકાય છે. વળતાં જોમસોમમાં રાતવાસો કરવો પડે છે. અહીં પણ જોમસોમથી પોખરા જવા માટે સવારના 5-30થી દસેક વાગ્યા સુધી જ વિમાની સેવા ચાલે છે. રસ્તામાં થોડી સાઇડમાં કાગબેની ( KAGBENI ) તીર્થ આવે છે. જીપ છેક નદીના સંગમ સુધી જાય છે. અહીં દામોદરકુંડ ( DAMODARKUND )થી આવતી નારાયણીગંગા અને મુક્તિનાથથી આવતી ગંડકી નદીનો સંગમ છે. શાલીગ્રામનું અસલ ઉત્પતી સ્થાન દામોદરકુંડ (DAMODARKUND) ગણાય છે.આ શાલીગ્રામ નદીના પ્રવાહમાં વહેતાં વહેતાં અહીં કાગબેનીમાં અને જોમસોમ સુધી પણ આવે છે જીપના ડ્રાઇવરને સમજાવીને થોડું વધારે ભાડું આપીને કાગબેની દર્શન કરવા જેવા છે. જોમસોમથી કાગબેની 6 કી.મી. અને ત્યાંથી પુલહાશ્રમ 15 કી.મી. થાય છે. પુલહાશ્રમની યાત્રા હાલના સમયમાં જરા પણ કઠીન રહી નથી.
પોખરા- નેપાલનું અતિ પ્રખ્યાત સ્થળ છે. અહીં ફેવા લેક, ડેવીસ ફોલ, ગુપ્તેશ્વર મહાદેવ, મહેન્દ્ર ગુફા, સેતી (SETI )ગંડકી ખીણ વગેરે જોવાલાયક સ્થળો છે. સેતી નદીમાં શ્રી નીલકંઠવર્ણી (NEELKANTHVARNI )એ સ્નાન કરેલ છે. પોખરા શહેરમાં આ નદી જમીનની અંદર (લગભગ સાત આઠ કી.મી. અંડર ગ્રાઉંડ ) વહે છે. વનવિચરણ દરમ્યાન હિમાલયે નિલકંઠવર્ણીને માર્ગ બતાવીને કહ્યું હતું કે સામે પર્વતની ગુફામાંથી જ્ળ આવે છે તેમાં પ્રવેશ કરો. કદાચ સેતી નદીની તે આ ગુફા હોઇ શકે.
પુલહાશ્રમ – મુક્તિનાથ ( PULHASHRAM – MUKTINATH )
આ મંદિરના પરિસરમાં મુક્તિનાથ ભગવાનનું મંદિર ઉપરાંત નીલકંઠવર્ણી મંદિર, જ્વાલામાઇ મંદિર, નૃસિહ મંદિર (ગોમ્પા) કૃષ્ના મંદિર, શિવ મંદિર વગેરે નાના મોટા મંદિરો છે. પાતાળ ગંગા છે.
મુખ્ય દરવાજા પાસે બે મોટા પ્રેયર વ્હીલ ( PREYAR WHILL છે જેનાં ઉપર 100 મિલિયન બૌધ્ધ મંત્ર લખેલ છે.