શતાનંદસ્વામી કહે છે, હે પ્રભુ ! તમે આહારને જીતનારા છો. વનમાં પાંચ પાંચ દિવસ અન્ન નથી મળ્યું, છતાં જરાય ક્ષોભ નથી કે હું ભૂખ્યો છું. પોતે આહાર જીતે છે અને આશ્રિત જનને આહાર જીતવાનું કહે છે. પ્રભુને રસાસ્વાદમાં જરાય રસ નથી. રામાવતારે ૧૪ વર્ષ વનમાં ફર્યા ત્યારે પણ આહારને ખૂબ જીત્યા છો. કૃષ્ણાવતારે છપ્પન ભોગ મૂકીને વિદુરજીની મોળી ભાજી જમ્યા.
સ્વામિનારાયણ ભગવાન જેતલપુરમાં મેવા મીઠાઈના થાળ તજીને જીવણ ભકતનો મઠનો રોટલો જમ્યા. આ કથા પણ સમજણ માગી લે એવી છે. એક બાજુ ભગવાનને એમ કહે છે કે, ભગવાનને રસાસ્વાદમાં જરાય પ્રીતિ નથી, જીતાહારી છે, અને બીજી બાજુ જોઈએ તો ભગવાનને છપ્પન ભોગ ધરાવવામાં આવે છે, આનું સમજવું કેમ ? તો ભગવાનને ભૂખ લાગતી જ નથી.
-: ભાવ જાગે તો ભગવાનને ભૂખ લાગે :-
ભગવાન સદાય ભોકતા છે, પૂર્ણ છે. ભગવાનને ભૂખ કયારે લાગે ? ભકતનો ભાવ જાગે તો ભગવાનને ભૂખ લાગે. જયાં ભાવ છે ત્યાં જ માગીને ખાવાની ઈચ્છા થાય. ભાવ વિના પડા બરફી દેશે તોય ભાવશે નહિ.
મનુષ્ય માત્રને ભગવાન આહાર જીતવાનો ઊપદેશ આપે છે. વધારે જમવાથી જઠરાગ્નિ મંદ પડી જાય છે. માટે માપસર જમવું. અલ્પ આહાર કરવો. બે ભાગ અન્નથી ભરો, એક ભાગ પાણીથી ભરો, એક ભાગ ખાલી રાખો. પવનને અવર જવર માટે, બાકી દાબીને પેટ ભરવું તે વિકૃતિ છે.
શ્રીજીમહારાજ કચ્છમાં પધાર્યા. તેરા ગામમાં રોકાયા, સંતો ભિક્ષા માગવા ગયા. રોટલા, દાળ, ભાત આવું બધું મળ્યું. પહેલાં સંતો સંસારીનું રાંધેલું ભોજન જમતા. કાચું સીધું લે અને પછી પોતાના હાથે રસોઈ બનાવી ઠાકોરજીને જમાડીને જમે. જે કાંઈ ભિક્ષામાં મળે કપડામાં બાંધીને તળાવમાં થોડીવાર બોળે, રસ નીકળી જાય પછી તેના લાડવા જેટલા ગોળા બનાવીને પછી જમે.
આખા દિવસમાં એક જ વખત અને એક જ લાડવા જેટલો ગોળો જમતા. જમવાની શરૂઆત કરી ત્યાં શ્રીજીમહારાજ સંતોની બાજુમાં આવીને બેસી ગયા. સંતો મને પણ જમવાનું આપો.
મૂળજી બ્રહ્મચારીએ કહ્યું, "હે મહારાજ ! આપના માટે દૂધપાક અને શીરો બનાવ્યા છે, તે લાવું છું." શ્રીજીએ કહ્યું, "એ નથી જમવું, પણ આજે જે સંતો જમે છે તે જમવું છે." સંતોએ કહ્યું, "પ્રભુ ! તમારાથી આવું રસકસ વિનાનું ન જમાય." ત્યારે શ્રીજીમહારાજે
સરસ ઊત્તર આપ્યો, "સંતો તમે જમો તો અમે કેમ ન જમીએ ?" ભગવાન સામે વધારે બોલાય નહિ, તેથી પાત્રમાં રસકસ વિનાનો લૂખો ગોળો એક આપ્યો. ભગવાન જમતાં જમતાં કહે છે, "સંતો આતો ઔષધ છે." તે કેવું ઔષધ છે ? તે સાંભળો.
જમતાં થકાં કરે વખાણ, વળી વહાલો વદે મુખે વાણ ।
આ તો ચૂરણ ઔષધરૂપ, ટાળે વિકાર ને કરે અનુપ ।।
સર્વ પ્રકારના વિકારને ટાળી નાખે એવું આ ઔષધ છે. આહાર નિરસ તો ભજન થાય સરસ. સાત્ત્વિક આહારથી સાત્ત્વિક વિચાર જાગે છે. બધા સંતો જમી રહ્યા પછી સભામાં બેઠા. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું, "સંતો ! તમને ભિક્ષા લેવા માટે શા માટે મૂકુ છું , ખબર છે ? ભીખ માગવી એ તો હલકી પ્રવ્રુતિ છે, હું સમર્થ છું. સંતો ! તમે ડુંગર ઊપર બેઠા હો ને ત્યાં મિષ્ટાંનના થાળ શીરો પુરી દાળભાત બધું પહાચતું કરી દઉં, મારા હાથમાં અષ્ટ સિધ્ધિ અને નવ નિધિ છે. જે ધારું તે કરી શકું. તમને કયાંય ફરવા જવું ન પડે, એક જગ્યાએ બેસીને શાંતિથી ભજન કરો. પર્વતની ટોચે બેઠા હો તો ત્યાં ભોજન પહાચાડું હો !!! મારા સંતો ભીખારી નથી, માગણ નથી, એવા કરોડો સંતોને જમાડી શકું. સર્વ શકિતમાન છું, પણ શા માટે ભિક્ષા લેવા મોકલું છું ?" શ્રીજી કહે છે સાંભળો.
ભિક્ષા મંગાવું તમ પાસ, મારા મનમાં ધારી હુલાસ ।
કોટિ જીવનું કલ્યાણ થાય, વળી તમારો ધર્મ પળાય ।।
શ્રીજીમહારાજ કહે છે, "હે સંતો ! જેનું તમે અન્ન જમશો, તેનું કલ્યાણ થશે. કારણ કે એ અન્ન જમીને તમે ભજન કીર્તન કરો છો. તેનું પુણ્ય તે અન્ન જમાડનારને મળશે. તેથી તેનું અંતઃકરણ ઊજળું થશે, સત્સંગ ઓળખાશે અને ભક્તિ કરવાનું મન થશે. તેથી તમને ભિક્ષા લેવા મોકલીએ છીએ."
લૌકિક સ્વાદમાં જેનું મન ફસાય તે બરાબર ભક્તિ કરી શકે નહિ. બહુ બોલવાથી શકિતનો નાશ થાય છે. અને બહુ જમવાથી પણ શકિતનો નાશ થાય છે. શતાનંદ સ્વામી કહે છે :- "હે પ્રભુ ! તમે આહારને જીતનારા છો અને ભકતજનોને આહાર જીતવાનો ઊપદેશ આપો છો." ત્યાર પછીનો મંત્ર છે.