ગઢડા પ્રથમ – ૪૩ : ચાર પ્રકારની મુકિતનું
સંવત્ ૧૮૭૬ના માઘ સુદિ ૭ સાતમને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર સાંજને સમે વિરાજમાન હતા ને માથે ધોળી પાઘ બાંધી હતી ને ધોળી ચાદર ઓઢી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો ને પાઘને વિષે પીળા પુષ્પના તોરા લટકતા હતા, ને કંઠને વિષે પીળા પુષ્પના હાર પહેર્યા હતા, ને બે કાનને ઉપર પીળા પુષ્પના ગુચ્છ ખોશ્યા હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.
તે સમે શ્રીજીમહારાજ સર્વે ભક્તજન ઉપર કરુણાની દૃષ્ટિએ કરીને સર્વ સામું જોઇને બોલ્યા જે, “સર્વે સાંભળો, એક પ્રશ્ર્ન પુછીએ છીએ જે, શ્રીમદ્ભાગવત પુરાણમાં કહ્યું છે જે, ‘ભગવાનના ભક્ત હોય તે ચારપ્રકારની મુકિતને નથી ઇચ્છતા.’અને બીજા પણ જે જે ભગવાનના મોટા ભક્ત છે તે એમ કહે છે જે, ‘ભગવાનના ભક્ત હોય તે ચાર પ્રકારની મુકિતને નથી ઇચ્છતા. તે ચાર પ્રકારની મુકિત તે શું ? તો એક તો ભગવાનના લોકમાં રહેવું, અને બીજું ભગવાનને સમીપે રહેવું અને ત્રીજું ભગવાનના સરખું રૂપ પામવું અને ચોથું ભગવાનના સરખું ઐશ્વર્ય પામવું, એવી રીતે જે ચાર પ્રકારની મુકિત તેને તો ભગવાનનો ભક્ત નથી ઇચ્છતો, ને કેવળ ભગવાનની સેવાનેજ ઇચ્છે છે. તે એ ભક્ત ચાર પ્રકારની મુકિતને શા સારૂં નથી ઇચ્છતો, એ પ્રશ્ર્ન છે”? તેનો ઉત્તર જેને જેવો આવડે તેવો તે કરો. પછી સર્વે પરમહંસ ઉત્તર કરવા લાગ્યા પણ ઉત્તર થયો નહિ. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે એ પ્રશ્ર્નનો ઉત્તર અમે કરીએ છીએ જે, જે ભગવાનનો ભક્ત થઇને એ ચાર પ્રકારની મુકિતની ઇચ્છા રાખે તો તે સકામ ભક્ત કહેવાય, અને જે એ ચતુર્ધા મુકિતને ન ઇચ્છે ને કેવળ ભગવાનની સેવાનેજ ઇચ્છે તે નિષ્કામ ભક્ત કહેવાય. તે શ્રીમદ્ભાગવતમાં કહ્યું છે જે
“મત્સેવયા પ્રતિતં ચ સાલોકયાદિ ચતુષ્ટયમ્ | નેચ્છન્ત્િા સેવયા પૂર્ણા: કુતોન્યત્કાલવિપલુતમ્ ||
સાલોકય-સાર્ષ્ટિસામિપય સારુપૈકત્વમપયુત | દીયમાનં ન ગૃહણન્ત્િા વિના મત્સેવનં જના: ||”
એનો અર્થ એ છે જે, જે ભગવાનના નિષ્કામ ભક્ત છે, તે સેવા જે ભગવાનની પરિચર્યા કરવી તે જો એ ચતુર્ધા મુકિતમાં ન હોય તો એને ઇચ્છેજ નહિ, ને એક સેવાનેજ ઇચ્છે છે. અને એવા જે નિષ્કામ ભક્ત તેમને ભગવાન પોતાની સેવામાં રાખે છે, અને એ ભક્ત નથી ઇચ્છતા તો પણ બળાત્કારે ભગવાન એને પોતાનાં ઐશ્વર્ય સુખને પમાડે છે. તે કપિલદેવ ભગવાને કહ્યું છે જે
“અથો વિભૂતિં મમ માયાવિનસ્તામૈશ્વર્યમષ્ટાંગમનુપ્રવૃત્તમ્ |
શ્રિયં ભાગવતીં વા સ્પુહ્યન્તિ ભદ્રાં પરસ્ય મે તે અશ્રુવતે તુ લોકે ||”
અને એ નિષ્કામ ભક્તને જ ગીતામાં ભગવાને જ્ઞાની કહ્યો છે, અને જે સકામ ભક્ત છે તેને અર્થાર્થિ કહ્યો છે. માટે ભગવાનના ભક્તને ભગવાનની સેવા વિના બીજું કાંઇ ન ઇચ્છવું. અને ઇચ્છે તો એમાં એટલી કાચ્યપ કહેવાય અને જો કાચ્યપ હોય તો, નિષ્કામ એવા જે ભગવાનના એકાંતિક ભક્ત તેનો સમાગમ કરીને, એ કાચ્યપને ટાળવી.” ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૪૩||