વિદુર નીતિ

Submitted by swaminarayanworld on Sat, 16/01/2016 - 9:00pm

 શિક્ષાપત્રી શ્ર્લોક ૯૪

મહાભારતમાં ઉદ્યોગપર્વ સર્વોત્તમ ગણાય છે કારણ કે વિદુરજીએ ધૃતરાષ્ટ્રને કહેલ વચનો ઉદ્યોગપર્વ અંતર્ગત ‘પ્રજાગરપર્વ’માં આવેલ છે. તેથી જ મહાભારતમાં ‘ઉદ્યોગપર્વ એ સાર છે’ તેમ પંડિતો કહે છે. ઉત્તરા અને અભિમન્યુના લગ્ન થયા પછી વિરાટ રાજાના સભાગૃહમાં મેળાવડો હતો ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું : ‘હે રાજા-મહારાજાઓ, દુર્યોધને છળકપટ કરીને પાંડવોનું રાજ્ય પડાવી લીધું. પાંડવોને તેર-તેર વર્ષો સુધી પાર વિનાનાં દુ:ખ આપ્યાં તે તમારાથી અજાણ નથી. પરંતુ હસ્તિનાપુરના રાજ્ય ઉપર પાંડવોનો વંશપરંપરાનો હક્ક છે માટે વગર તકરારે દુર્યોધને તેમનું રાજ્ય તેમને પાછું આપવું જોઈએ. અને જો સદભાવપૂર્વક પાછું ન આપે તો બંને પક્ષનું હિત સધાતું હોય એવો કોઈ માર્ગ આપણે બધા મળી વિચારી કાઢીએ તો સારું.’ ત્યારે પાંડવો, શ્રીકૃષ્ણ, બળરામ, સાત્યકી, દ્રુપદરાજા વગેરેએ વિચારી એવું નક્કી કર્યું કે – આપણે એક દૂતને હસ્તિનાપુર મોકલી સંધિનો પ્રસ્તાવ મૂકીએ. પછી દ્રુપદરાજાએ પોતાના વૃદ્ધ ચતુર પુરોહિતને મોકલી સંધિના બધી પ્રકારના પ્રયત્નો કરવા કહ્યું.

દ્રુપદરાજાનો પુરોહિત દૂત બનીને હસ્તિનાપુર આવી પહોંચ્યો. તેણે આવીને જોયું તો દુર્યોધને મોટું લશ્કર ભેગું કર્યું હતું. પુરોહિતે બંને પક્ષ વચ્ચે સંધિ સધાય તે માટે ખૂબ પ્રયત્ન કરી જોયો પણ તેથી કાંઈ વળ્યું નહિ. ત્યારે ધૃતરાષ્ટ્રે પુરોહિતને કહ્યું કે – તમે પાંડવો પાસે જાઓ હું સંધિ કરવા માટે તમારી પાછળ સંજયને મોકલું છું. પુરોહિત પાછો ફર્યો. ધૃતરાષ્ટ્રે સંજયને દૂત બનાવીને મોકલ્યો. પાંડવો પાસે આવી સંજયે કહ્યું : ‘તમે આ રાજ્ય લેવાનું માંડીવાળો, યુદ્ધનો વિચાર પણ છોડી દો. તમે તો સદા ધર્મમાં મતિ રાખનારા છો, તમારા માટે તો ભોગતૃષ્ણા નહિ પરંતુ ક્ષમા જ ભૂષણરૂપ છે. રાજ્ય માટે સંબંધીઓ સાથે યુદ્ધ કરવાનું તમને શોભે નહિ…’ વગેરે વચનો કહ્યાં. ત્યારે યુધિષ્ઠિરે કહ્યું : ‘અમે અમારું પૈતૃક રાજ્ય નથી માગતા પરંતુ ઈન્દ્રપ્રસ્થનું રાજ્ય આપે તો બસ છે. નહિ તો અમારે રાજ્ય માટે યુદ્ધ કરવું પડશે. યુદ્ધ કરવું એ ક્ષત્રિયોનો ધર્મ છે. યુદ્ધથી વિમુખ થવું એ તો ક્ષત્રિયની કાયરતા કહેવાય અને આ તો વળી ધર્મયુદ્ધ છે. મારું હૃદય તો યુદ્ધની ના પાડે છે છતાંયે ધર્મના રક્ષણ માટે આ કરવું પડે છે. આ બધું સાંભળી છેવટે સંજય ત્યાંથી પાછો ફર્યો. હસ્તિનાપુર આવી બધા જ સમાચાર ધૃતરાષ્ટ્રને કહ્યા અને સંજયે હવે ઘેર જવાની રજા માગી અને ધૃતરાષ્ટ્ર પાસે વિદાય લીધી.

આ બાજુ હવે સમાચાર સાંભળી ધૃતરાષ્ટ્રના અંતરમાં ઉત્પાત મચ્યો. રાત્રિ ઘણી વહી ગઈ હતી. હસ્તિનાપુર નિ:શબ્દ અને નિદ્રાવશ બની ગયું હતું. માત્ર જેના માથા ઉપર આવડા મોટા વિશાળ સામ્રાજ્યનો બોજો છે અને જે અનુપમ ઐશ્વર્યનો અધીશ્વર છે તેને આજે નિદ્રા નથી. છેવટે તેનાથી જ્યારે કાંઈ કરતાં રહેવાયું નહિ ત્યારે તેણે વિદુરને તેડાવ્યા અને કહ્યું કે : ‘હે વિદુર ! મને આજે જરાય ઊંઘ આવતી નથી. તમે મહાજ્ઞાની છો. કાંઈક સારી વાત સંભળાવો. ત્યારે વિદુરે ધૃતરાષ્ટ્રને જે ઉપદેશ વચનો કહ્યાં તે ‘વિદુરનીતિ’ એવા નામથી જગતમાં પ્રસિદ્ધ છે.

મહાભારત

-૦૫ ઉદ્યોગપર્વ  (અધ્યાય ૧-૧૯૬)

       --પ્રજાગરપર્વ  (અધ્યાય ૩૩-૪૦)