અધ્યાય - ૮
ॐ
श्रीपरमात्मने नमः
अथाष्टमोऽध्यायः
अर्जुन उवाच
किं तद्ब्रह्म किमध्यात्मं किं कर्म पुरुषोत्तम ।
अधिभूतं च किं प्रोक्तमधिदैवं किमुच्यते ॥८- १॥
अधियज्ञः कथं कोऽत्र देहेऽस्मिन्मधुसूदन ।
प्रयाणकाले च कथं ज्ञेयोऽसि नियतात्मभिः ॥८- २॥
અર્જુન પૂછે છે =
હે પુરૂષોત્તમ ! તે બ્રહ્મ શું છે ? અધ્યાત્મ શું ? અને કર્મ શું ? અધિભૂત શું કહેવાય ? અને અધિદૈવ શું કહેવાય છે ? હે મધુસૂદન ! આ દેહમાં અધિયજ્ઞ કોણ ? અને તે કેવો જાણવો ? અને મનને જીતનારાઓએ અન્તકાળે તમને કેવી રીતે જાણવા ? એ બધુંય મને કહી સમઝાવો ! ।।૮- ૧-૨।।
श्रीभगवानुवाच
अक्षरं ब्रह्म परमं स्वभावोऽध्यात्ममुच्यते ।
भूतभावोद्भवकरो विसर्गः कर्मसंज्ञितः ॥८- ३॥
શ્રી ભગવાન કહે છે =
પરમ-સર્વોત્કૃષ્ટ એવું જે અક્ષર એજ બ્રહ્મ છે. અને ક્ષેત્રજ્ઞોનો સ્વભાવ એ અધ્યાત્મ કહેવાય છે. ભૂત પ્રાણીમાત્રના દેવમનુષ્યાદિક જુદા જુદા ભાવ અને તેની ઉત્પત્તિ કરનારો વિસર્ગ એ કર્મ નામે કહેવાય છે. ।।૮- ૩।।
अधिभूतं क्षरो भावः पुरुषश्चाधिदैवतम् ।
अधियज्ञोऽहमेवात्र देहे देहभृतां वर ॥८- ४॥
પ્રાણિઓનો ક્ષર ભાવ એ અધિભૂત છે. અને પુરૂષ એ અધિદૈવત છે. અને દેહધારીઓમાં શ્રેષ્ઠ હે અર્જુન ! આ દેહમાં-મારા શરીરભૂત બ્રહ્માદિક દેવોમાં, અધિયજ્ઞ-યજ્ઞોમાં અગ્રપૂજ્ય તો હું જ-સર્વાત્મા છું. ।।૮- ૪।।
अन्तकाले च मामेव स्मरन्मुक्त्वा कलेवरम् ।
यः प्रयाति स मद्भावं याति नास्त्यत्र संशयः ॥८- ५॥
અને અન્તકાળે સર્વાત્મા વાસુદેવ એવા મને જ સંભારતાં સંભારતાં શરીરનો ત્યાગ કરીને જાયછે. તે મારાજ સ્વરૂપને પામે છે આમાં કાંઇ સંશય નથી જ. ।।૮- ૫।।
यं यं वापि स्मरन्भावं त्यजत्यन्ते कलेवरम् ।
तं तमेवैति कौन्तेय सदा तद्भावभावितः ॥८- ६॥
વધારે શું ? અન્તકાળે જે જે ભાવનું સ્મરણ કરતાં કરતાં શરીરનો ત્યાગ કરે છે, તો તે માણસ હે કૌન્તેય ! સદાય તે ભાવથીવાસનાથી વાસિત થયેલો હોવાથી તે તે ભાવનેજ પામે છે. ।।૮- ૬।।
तस्मात्सर्वेषु कालेषु मामनुस्मर युध्य च ।
मय्यर्पितमनोबुद्धिर्मामेवैष्यस्यसंशयम् ॥८- ७॥
માટે તું પણ સર્વ કાળમાં મારૂંજ સ્મરણ કરતો રહે અને સ્વધર્મરૂપ યુદ્ધ પણ કર ! અને મારામાં જ મન અને બુદ્ધિને સર્વથા અર્પણ કરવાથી મને જ પામીશ. આમાં કાંઇ સંશય નથી. ।।૮- ૭।।
अभ्यासयोगयुक्तेन चेतसा नान्यगामिना ।
परमं पुरुषं दिव्यं याति पार्थानुचिन्तयन् ॥८- ८॥
હે પાર્થ ! અભ્યાસ-યોગયુક્ત અને અનન્યગામિ એવા ચિત્તથી દિવ્યાકાર પરમ પુરૂષનું ચિન્તવન કરતાં કરતાં તેને જ પામે છે. ।।૮- ૮।।
कविं पुराणमनुशासितार-
मणोरणीयांसमनुस्मरेद्यः ।
सर्वस्य धातारमचिन्त्यरूप
मादित्यवर्णं तमसः परस्तात् ॥८- ९॥
प्रयाणकाले मनसाचलेन
भक्त्या युक्तो योगबलेन चैव ।
भ्रुवोर्मध्ये प्राणमावेश्य सम्यक्
स तं परं पुरुषमुपैति दिव्यम् ॥८- १०॥
यदक्षरं वेदविदो वदन्ति
विशन्ति यद्यतयो वीतरागाः ।
यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति
तत्ते पदं संग्रहेण प्रवक्ष्ये ॥८- ११॥
તે પરમ પુરૂષ, કવિ-ત્રિકાળદર્શી, પુરાતન, સર્વનું નિયમન કરનારા, સૂક્ષ્મથી પણ અતિ સૂક્ષ્મ, સર્વને રચનારા, મન-વાણીને પણ અગોચર એવું અચિન્ત્ય-અલૌકિક રૂપ-આકૃતિ જેની છે, આદિત્યના જેવો સમુજ્જવળ વર્ણજેનો છે. અને માયાના તમથી પર રહેલા, એવા પરમ પુરૂષને જે સતત સંભાર્યા કરે છે. અને મરણ સમયમાં પણ નિશ્ચળ મન રાખીને, ભક્તિયુક્ત થઇને, અને યોગસામર્થ્યથી પ્રાણને ભૃકુટિના મધ્યમાં બરોબર સ્થિર રાખીને જે સ્મરણ કરે, તે પુરૂષજ તે દિવ્યાકાર પરમ પુરૂષને પામે છે.। જેને વેદવિત્ પુરૂષો અક્ષર એમ કહે છે, દુનીયાંના રાગ સિવાયના વશેન્દ્રિય ઉપાસક પુરૂષો જેમાં પ્રવેશ કરે છે. જેને ઇચ્છાનારા બ્રહ્મચર્ય વ્રત પાળે છે. તે પદ હું તને સંક્ષેપથી કહીશ કહેવાનો છું. ।।૮- ૯-૧૧।।
सर्वद्वाराणि संयम्य मनो हृदि निरुध्य च ।
मूर्ध्न्याधायात्मनः प्राणमास्थितो योगधारणाम् ॥८- १२॥
ओमित्येकाक्षरं ब्रह्म व्याहरन्मामनुस्मरन् ।
यः प्रयाति त्यजन्देहं स याति परमां गतिम् ॥८- १३॥
સર્વ ઇન્દ્રિયદ્વારને સ્વવશમાં કરીને, મનને હ્રદયમાં એકાગ્ર કરીને, પોતાના પ્રાણને મસ્તકમાં સ્થિર કરીને, યોગથી પરમાત્મસ્વરૂપમાં ધારણા પામેલો. ।
અને પરબ્રહ્મના વાચક ઓંકારરૂપ એકાક્ષરને જપતો અને મને અખંડ સંભારતો થકો દેહનો ત્યાગ કરીને જે જાયછે, તે પુરૂષ પરમ ગતિ પામે છે. ।।૮- ૧૨-૧૩।।
अनन्यचेताः सततं यो मां स्मरति नित्यशः ।
तस्याहं सुलभः पार्थ नित्ययुक्तस्य योगिनः ॥८- १४॥
હે પાર્થ ! અખંડ અનન્યચિત્ત થઇને જે મને નિરન્તર અવિચ્છિન્ન સંભારે છે, તો તેવા અખંડ મારામાં જોડાયેલા યોગીને હું સર્વથા સુલભજ છું. ।।૮- ૧૪।।
मामुपेत्य पुनर्जन्म दुःखालयमशाश्वतम् ।
नाप्नुवन्ति महात्मानः संसिद्धिं परमां गताः ॥८- १५॥
મારી પ્રાપ્તિરૂપ પરમ સમ્યક્ સિદ્ધિને પામેલા મહાત્માઓ મારા ધામમાં મને પામીને ફરીને દુ:ખની પરમ્પરાથી ભરેલું અશાશ્વત જન્મ (વિગેરે વિકારોને) નથી પામતા. ।।૮- ૧૫।।
आब्रह्मभुवनाल्लोकाः पुनरावर्तिनोऽर्जुन ।
मामुपेत्य तु कौन्तेय पुनर्जन्म न विद्यते ॥८- १६॥
હે અર્જુન ! બ્રહ્માના ભુવન સુધીના લોકો બધાય પુનરાવૃત્તિવાળા છે, પણ હે કૌન્તેય ! મને પામ્યા પછી તો ફરીને જન્મ પામવાનું રહેતુંજ નથી. ।।૮- ૧૬।।
सहस्रयुगपर्यन्तमहर्यद्ब्रह्मणो विदुः ।
रात्रिं युगसहस्रान्तां तेऽहोरात्रविदो जनाः ॥८- १७॥
(હવે-પ્રસંગાત્ બ્રહ્માના આયુષ્યનું પ્રમાણ કહે છે-) ચાર યુગ મળીને એક મહાયુગ કહેવાય છે, અને એવા એક હજાર મહાયુગ સુધીના મહાકાળને બ્રહ્માનો એક દિવસ અને એક હજાર મહાયુગની એક રાત્રિ, એમ બ્રહ્માના અહોરાત્રને જાણનારા કહેછે. ।।૮- ૧૭।।
अव्यक्ताद्व्यक्तयः सर्वाः प्रभवन्त्यहरागमे ।
रात्र्यागमे प्रलीयन्ते तत्रैवाव्यक्तसंज्ञके ॥८- १८॥
બ્રહ્માના દિવસની શરૂઆત થતાં અવ્યકતમાંથી સર્વ વ્યક્તિઓ ઉત્પન્ન થઇ આવે છે. અને પાછી રાત્રિ આવતાં તેજ અવ્યકતમાં સર્વથા લીન થઇ જાય છે. ।।૮- ૧૮।।
भूतग्रामः स एवायं भूत्वा भूत्वा प्रलीयते ।
रात्र्यागमेऽवशः पार्थ प्रभवत्यहरागमे ॥८- १९॥
તેજ આ પ્રાણીમાત્રનો સમૂહ પરવશ થકો વારંવાર ઉત્પન્ન થઇને હે પાર્થ ! રાત્રિ આવતાં લય પામે છે. અને પાછો દિવસ આવતાં ઉત્પન્ન થઇ આવે છે. ।।૮- ૧૯।।
परस्तस्मात्तु भावोऽन्योऽव्यक्तोऽव्यक्तात्सनातनः ।
यः स सर्वेषु भूतेषु नश्यत्सु न विनश्यति ॥८- २०॥
अव्यक्तोऽक्षर इत्युक्तस्तमाहुः परमां गतिम् ।
यं प्राप्य न निवर्तन्ते तद्धाम परमं मम ॥८- २१॥
પણ આ અવ્યક્ત થકી પર બીજો સનાતન અવ્યક્ત ભાવ-પદાર્થ છે. કે જે સર્વ ભૂતો નાશ પામતાં પણ એ પોતે નાશ નથી પામતો. જે અવ્યક્ત ભાવને અક્ષર એમ કહે છે. અને તેને પરમ ગતિ-પ્રાપ્ય સ્થાન કહે છે. કે જેને પામીને પાછા નથી ફરતા તે મારૂં પરમ સર્વોત્કૃષ્ટ ધામ છે. ।।૮- ૨૦-૨૧।।
पुरुषः स परः पार्थ भक्त्या लभ्यस्त्वनन्यया ।
यस्यान्तःस्थानि भूतानि येन सर्वमिदं ततम् ॥८- २२॥
હે પાર્થ ! જેની અન્દર આ ભૂત-પ્રાણીમાત્ર રહેલાં છે. અને જેણે આ સઘળું વિશ્વ સંકલ્પ માત્રથી વિસ્તાર્યું છે. અથવા જેનાથી વ્યાપ્ત છે. તે પર પુરૂષ પરમાત્મા અનન્ય ભક્તિથીજ મળે છે. (બીજો માર્ગજ નથી.) ।।૮- ૨૨।।
यत्र काले त्वनावृत्तिमावृत्तिं चैव योगिनः ।
प्रयाता यान्ति तं कालं वक्ष्यामि भरतर्षभ ॥८- २३॥
હવે કર્મયોગીઓ જે કાળમાં મરણ પામતાં અનાવૃત્તિ અને આવૃત્તિ પામે છે, તે કાળને હે ભરતવર્ષભ ! હું તને કહું છું ।।૮- ૨૩।।
अग्निर्ज्योतिरहः शुक्लः षण्मासा उत्तरायणम् ।
तत्र प्रयाता गच्छन्ति ब्रह्म ब्रह्मविदो जनाः ॥८- २४॥
અગ્નિ, જ્યોતિ; દિવસ, શુકલ પક્ષ, ઉત્તરાયનના છ માસ, આ કાળમાં જનારા બ્રહ્મવિત્ પુરૂષો બ્રહ્મને પામે છે. ।।૮- ૨૪।।
धूमो रात्रिस्तथा कृष्णः षण्मासा दक्षिणायनम् ।
तत्र चान्द्रमसं ज्योतिर्योगी प्राप्य निवर्तते ॥८- २५॥
ધૂમ, રાત્રિ, તથા કૃષ્ણ પક્ષ અને દક્ષિણાયનના છ માસ, તે કાળમાં જનારો યોગી ચંદ્રના લોકને પામીને પુણ્ય ખૂટતાં પાછો ફરે છે. ।।૮- ૨૫।।
शुक्लकृष्णे गती ह्येते जगतः शाश्वते मते ।
एकया यात्यनावृत्तिमन्ययावर्तते पुनः ॥८- २६॥
આ શુક્લ અને કૃષ્ણ એ બન્ને માર્ગો જગતના અનાદિ જ માનેલા છે. તેમાંથી એકથી જનાર અનાવૃત્તિ-મુક્તિ પામે છે. અને બીજાથી જનાર પાછો આવે છે. ।।૮- ૨૬।।
नैते सृती पार्थ जानन्योगी मुह्यति कश्चन ।
तस्मात्सर्वेषु कालेषु योगयुक्तो भवार्जुन ॥८- २७॥
હે પાર્થ ! આ બન્ને માર્ગ સમઝનારો કોઇ પણ યોગી કયારેય મોહ પામતો નથી. માટે હે અર્જુન ! તું સર્વ કાળમાં યોગયુક્ત થા ! ।।૮- ૨૭।।
वेदेषु यज्ञेषु तपःसु चैव
दानेषु यत् पुण्यफलं प्रदिष्टम् ।
अत्येति तत्सर्वमिदं विदित्वा
योगी परं स्थानमुपैति चाद्यम् ॥८- २८॥
વેદોમાં, યજ્ઞોમાં, તપમાં અને સર્વ દાનોમાં જે પુણ્યફળ કહેલું છે. તે સર્વ ફળ ઉલ્લંધી જઇને બન્ને માર્ગના તત્ત્વને જાણનારો યોગી આદ્ય સનાતન પરમ સ્થાનને પામે છે. ।।૮- ૨૮।।
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे अक्षरब्रह्मयोगो नामाष्टमोऽध्यायः ॥८॥
ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે અક્ષર પર-બ્રહ્મયોગો નામ અષ્ટમોઽધ્યાયઃ।।૮।।