ધૃતરાષ્ટ્ર બોલ્યા :- હે મહાબુદ્ધિમાન વિદુર ! તમે ફરીથી ધર્મ તથા અર્થવાળાં વચન કહો, કારણ કે તમે આ સંબંધમાં વિચિત્ર અને અદ્ભૂત ભાષણ કરો છો, તે સાંભળી મને તૃપ્તિ થતી નથી. ૧
સર્વથી વધારે ઉત્તમ શું ?
સર્વ તીર્થોમાં સ્નાન કરવું અને પ્રાણીમાત્ર ઉપર સમદૃષ્ટિ રાખવી, એ બન્ને સમાન છે, અથવા સમદૃષ્ટિ કાંઇક વિશેષ છે. આથી હે રાજા ! તમે પોતાના પુત્રો કૌરવો તથા પાંડવો ઉપર નિત્ય સમદૃષ્ટિ રાખો. એથી આલોકમાં ઉત્તમ કીર્તિ પામીને તમે મરણ પછી સ્વર્ગલોક પામશો. ૨-૩
હે પુરૂષવ્યાઘ્ર ! જ્યાં સુધી આલોકમાં મનુષ્યની પવિત્ર કીર્તિનું ગાન થાય છે, ત્યાં સુધી તે મનુષ્ય સ્વર્ગલોકમાં સન્માન પામે છે. આ વિષયમાં કેશીની નામની કન્યાને પરણવા માટે વિરોચન તથા સુધન્વા વચ્ચે જે સંવાદ થયો હતો, તે પ્રાચીન ઇતિહાસ ઉદાહરણમાં કહેવાય છે. ૪-૫
કેશીનીને પરણવા માટે સુધન્વા તથા વિરોચનનો સંવાદ
હે રાજન્ ! કેશીની નામની એક અનુપમ રૂપાળી કન્યા પોતાને શ્રેષ્ઠ પતિ મળે એ ઇચ્છાથી સ્વયંવર મંડપમાં આવી તે વખતે તેને મેળવવા ઇચ્છતો દૈત્યપુત્ર વિરોચન ત્યાં આવ્યો, ત્યારે કેશીનીએ તે દૈત્યેન્દ્રને આ પ્રમાણે પૂછ્યું.૬-૭
કેશીની બોલી :- હે વિરોચન ! બ્રાહ્મણો શ્રેષ્ઠ હશે કે દૈત્યો શ્રેષ્ઠ હશે? જો બ્રાહ્મણો શ્રેષ્ઠ હોય, તો શા માટે સુધન્વા બ્રાહ્મણ પલંગ ઉપર ન બેસે ?૮
વિરોચન બોલ્યો :- હે કેશીની ! અમે પ્રજાપતિથી ઉત્પન્ન થયા છીએ, એટલે અમે સર્વથી શ્રેષ્ઠ છીએ. આ સર્વલોક અમારા જ છે, એટલે અમારી આગળ દેવો કોણ અને બ્રાહ્મણો કોણ ? ૯
કેશીની બોલી :- હે વિરોચન ! આ સ્વયંવરમાં જ આપણે આ વાતની ખાતરી કરીશું. કાલે સવારે સુધન્વા અહીં આવનારો છે. તે વખતે તમને બન્નેને હું એકઠા મળેલા જોઇશ. ૧૦
વિરોચન બોલ્યો :- હે કલ્યાણી ! તું કહે છે તેમ હું કરીશ. હે ભીરુ ! કાલે સવારે સુધન્વાને અને મને એકઠા મળેલા જોજે. ૧૧
વિદુર બોલ્યા :- હે રાજશ્રેષ્ઠ ! તે વાત વીતી ગઇ અને બીજા દિવસનું સૂર્યમંડળ ઉદય પામ્યું, એટલે હે વિભુ ! જે સ્થાને વિરોચન કેશીનીની સાથે બેઠો હતો, તે સ્થાને સુધન્વા આવી પહોંચ્યો. પછી સુધન્વા પ્રહ્લાદપુત્ર વિરોચન તથા કેશીનીની પાસે ગયો. આમ હે ભરતશ્રેષ્ઠ ! એ બ્રાહ્મણને આવેલો જોઇને કેશીની ઉભી થઇ, તેણે તેને આસન આપ્યું અને પાદ્ય તથા અર્ઘ્ય આપ્યાં. એટલામાં વિરોચને સુવર્ણાસન ઉપર મારી સાથે બેસો, એવી સુધન્વાને પ્રાર્થના કરી. ૧૨-૧૩
સુધન્વા બોલ્યો :- હે પ્રહ્લાદપુત્ર ! હું તારા સુવર્ણમય શ્રેષ્ઠ આસનનો માત્ર સ્પર્શ જ કરીશ, પણ તારા સમાન થઇને હું તારી સાથે એક આસન પર બેસીશ નહિ. ૧૪
વિરોચન બોલ્યો :- હે સુધન્વા ! તને તો પાટલો, સાદડી અથવા દર્ભનું સારૂં આસન જ યોગ્ય છે, તું મારી સાથે એક આસન પર બેસવાને યોગ્ય પણ નથી. ૧૫
સુધન્વા બોલ્યો :- પિતા પુત્ર સાથે બેસી શકે, બે બ્રાહ્મણ સાથે બેસીશકે, બે ક્ષત્રિય સાથે બેસી શકે, બે વૃદ્ધ વૈશ્ય એક આસને બેસી શકે, અને બેશુદ્ર એક આસન પર બેસી શકે, પરંતુ જુદી જાતિના પુરૂષો એક આસન પર બેસી શકે નહિ. હું બેઠો હોઉં તે વખતે તારો પિતા મારા પગ આગળ ઊભો રહીને મારી સેવા કરે છે, પરંતુ તું હજી બાળક છે અને ઘરમાં લાડથી ઉછર્યો છે, તેથી તું કાંઇ જાણતો નથી. ૧૬-૧૭
વિરોચન બોલ્યો :- હે સુધન્વા ! સુવર્ણ, ગાય, ઘોડા વગેરે જે ધન અમારા અસુરો પાસે છે, તે બધું શરતમાં મૂકીને આપણે બન્ને કોઇ જાણકાર પુરૂષને એ વિષે પ્રશ્ન પૂછીએ. ૧૮
સુધન્વા બોલ્યો :- હે વિરોચન ! તારૂં સુવર્ણ, ગાય અને ઘોડો એ સર્વેતારી પાસે જ રહેવા દે. આપણે બન્નેના પ્રાણની શરત કરીને જે જાણકાર પુરૂષ હોય તેને પ્રશ્ન પૂછીએ. ૧૯
વિરોચન બોલ્યો :- આપણે બન્ને પ્રાણની શરત કરીને કોને પૂછવા જઇશું ? કારણ કે હું દેવોની આગળ તથા મનુષ્યોની આગળ કદી પણ ઊભો રહીશ નહિ. ૨૦
સુધન્વા બોલ્યો :- આપણે પ્રાણની શરત કરીને તારા પિતાની આગળ જ જઇશું, કારણ કે એ પ્રહ્લાદ પોતાના પુત્રને માટે પણ કદી અસત્ય બોલશે નહિ. ૨૧
વિદુર બોલ્યા :- આ પ્રમાણે ક્રોધે ભરાયેલા વિરોચન તથા સુધન્વા પ્રાણની શરત કરીને તે જ વખતે વિરોચનના પિતા પ્રહ્લાદ જ્યાં બેઠા હતા ત્યાં ગયા. ૨૨
પ્રહ્લાદ બોલ્યા :- અરે !!! આજ સુધી જે કદી સાથે ચાલ્યા નથી તેઆ બન્ને, ક્રોધ પામેલા બે ઝેરી સાપોની જેમ એક જ માર્ગે અહીં આવતા જણાય છે. હે વિરોચન ! તમે બન્ને પહેલાં કદી સાથે ફરતા ન હતા, અને આજે આમ બન્ને સાથે કેમ ? હું તને પૂછું કે, સુધન્વાની સાથે તારે મૈત્રી થઇ છે કે શું ? ૨૩-૨૪
પ્રહ્લાદ પાસે વિરોચને પોતાની શરત જણાવી
વિરોચન બોલ્યો :- મારે સુધન્વા સાથે મૈત્રી નથી, પણ અમે બન્નેએ પ્રાણની શરત કરી છે. માટે હે પ્રહ્લાદ ! હું સત્ય પૂછું છું. તમે પ્રશ્નનો મિથ્યા ઉપદેશ આપશો નહિ. ૨૫
પ્રહ્લાદ બોલ્યા :- હે બ્રહ્મન્ ! તમે પૂજવા યોગ્ય છો. અરે આ ! કોઇ સુધન્વાને માટે જળ, મધુપર્ક તથા મધુપર્કને માટે પુષ્ટ કરેલી શ્વેત ગાય લઇ આવો. ૨૬
સુધન્વાનો ઉત્તમતા વિષે પ્રશ્ન
સુધન્વા બોલ્યો :- જળ તથા મધુપર્ક તો મને માર્ગમાં જ અર્પણ થયાં છે, પણ હે પ્રહ્લાદ ! હું આ પ્રશ્ન કરૂં છું, તેનો તમે સત્ય ઉત્તર આપો. શું બ્રાહ્મણો શ્રેષ્ઠ છે કે વિરોચન ? ૨૭
પ્રહ્લાદ બોલ્યા :- એક તરફ મારો પુત્ર છે અને બીજી તરફ સાક્ષાત્ તમે અહીં બેઠા છો. આમ તમે બન્ને વિવાદ કરી રહ્યા છો, ત્યારે મારા જેવો શી રીતે પ્રશ્નનો ઉત્તર આપી શકે ? ૨૮
સુધન્વા બોલ્યો :- હે બુદ્ધિમાન ! તમે ગાય તથા બીજું જે પ્રિય ધન હોય તે તમારા ઔરસ પુત્રને જ આપજો, પણ તમારે વિવાદ કરતા અમને બન્નેને સત્ય કહેવું જ જોઇએ. ૨૯
પ્રહ્લાદ બોલ્યા :- હે સુધન્વા ! હું પૂછું છું કે, મનુષ્ય સત્ય ન બોલે અથવા અસત્ય જ કહે, તો તે મિથ્યાવાદીને શું દુઃખ પડે ? ૩૦
સુધન્વા બોલ્યા :- જેના ઉપર શોક્ય આવી હોય એવી સ્ત્રીને, જુગારમાં સર્વસ્વ હારેલાને અને ભાર ઉપાડવાથી જેનું અંગ કળતું હોય તેને જેવી દુઃખમય રાત કાઢવી પડે છે, તેવી જ દુઃખમય રાત્રી અન્યાય યુક્તબોલનારને કાઢવી પડે છે. પોતાના નગરમાં જ કેદ પડેલો, ક્ષુધાથી વ્યાકુળ થયેલો અને આંગણા બહાર જ પુષ્કળ શત્રુઓ જોનારો જે દુઃખ પામે છે, તે દુઃખ ખોટી સાક્ષી પૂરનારને પ્રાપ્ત થાય છે. ૩૧-૩૨
સામાન્ય પશુને માટે ખોટું બોલનારો પોતાના પાંચ પૂર્વજોને નરકમાં નાખે છે, ગાયને માટે ખોટું બોલનારો દશ પૂર્વજોને નરકમાં નાખે છે, ઘોડાને માટે ખોટું બોલનારો સો પૂર્વજોને નરકમાં નાખે છે અને પુરૂષને માટે ખોટું બોલનારો હજાર પૂર્વજોને નરકમાં નાખે છે, અને ભૂમિને માટે ખોટું બોલનારો પોતાના સર્વસ્વનો નાશ કરે છે. આથી તમે ભૂમિ તુલ્ય કેશિનીને માટે ખોટું બોલશો નહિ. ૩૩-૩૪
પ્રહ્લાદ બોલ્યા :- હે વિરોચન ! આ સુધન્વાના પિતા અંગિરા મારા કરતા શ્રેષ્ઠ છે, સુધન્વા તારા કરતાં શ્રેષ્ઠ છે અને એની માતા તારી માતા કરતાં શ્રેષ્ઠ છે. માટે સુધન્વાએ તને જીત્યો છે. હે વિરોચન ! આ સુધન્વા તારા પ્રાણનો સ્વામી છે. હવે હે સુધન્વા ! તમે મને વિરોચન પાછો આપો, એમ હું ઇચ્છું છું. ૩૫-૩૬
સુધન્વા બોલ્યા :- હે પ્રહ્લાદ તમે ધર્મનો સ્વીકાર કર્યો છે અને પુત્ર લોભને લીધે ખોટું બોલ્યા નથી, તેથી તમારો દુર્લભ પુત્ર હું તમને પાછો આપું છું. હે પ્રહ્લાદ ! આ મેં આપ્યો તારો પુત્ર વિરોચન. એ મારી સમક્ષ જ આ કુમારી કેશીનીના પગ ધુઓ. (અર્થાત્ તેની સાથે લગ્ન કરો.) ૩૭-૩૮
વિદુરજી બોલ્યા :- માટે હે રાજેન્દ્ર તમારે પૃથ્વીને માટે જુઠું બોલવું યોગ્ય નથી, પુત્રને માટે અસત્ય બોલીને તમે પુત્રો તથા અમાત્યોની સાથે નાશ ન પામો. ૩૯
સારી મતિ સુખકારી છે.
દેવો કાંઇ ગોવાળોની પેઠે હાથમાં લાકડી લઇને રક્ષણ કરતા નથી, પણ તેઓ તો જેનું રક્ષણ કરવા ઇચ્છે છે. તેની બુદ્ધિમાં તેઓ વધારો કરે છે.૪૦
પુરૂષ જેમ જેમ શુભ કર્મો કરવામાં મન જોડે છે, તેમ તેમ તેના સર્વ અર્થો સિદ્ધ થાય છે, એમાં સંશય નથી. ૪૧
કપટીની વહાર કોઇ પણ કરતું નથી ?
કપટથી કર્મ કરનારા કપટીઓને વેદો પાપથી તારતા નથી, પણ પાંખ આવેલાં પક્ષીઓ જેમ માળાને છોડી જાય છે, તેમ એ વેદો કપટી મનુષ્યને અંતકાળે છોડી જાય છે. ૪૨
તજવાલાયક વસ્તુઓ
મદિરાપાન, ક્લેશ, ઘણા સાથે વેર, પતિ પત્ની વચ્ચે વિયોગ પડાવવો, જ્ઞાતિમાં ભેદ પડાવવો, રાજાના શત્રુની સંગતિ, સ્ત્રીપુરૂષનો કલેશ અને નિંદાપાત્ર માર્ગ એ છોડી દેવા એમ વિદ્વાનો કહે છે. ૪૩
સાક્ષી કોને લેવા નહિ ?
જે હાથની રેખા જોવાનો ધંધો કરતો હોય, જે પહેલાં ચોર હોય પણ પાછળથી વેપારી બન્યો હોય, જે સળી અથવા પાસાથી શુકન કહીને ધૂતી ખાતો હોય, જે વૈદ્ય હોય, શત્રુ, મિત્ર અને ભાંડભવાયો હોય એ સાતને સાક્ષીમાં લેવા નહિ. ૪૪
માન ખાતર કરેલાં કર્મનું ફળ
અગ્નિહોત્ર, ધ્યાન, અધ્યયન અને યજ્ઞ આ ચાર અભય આપનારાં છે, પરંતુ એ જ ચાર જો ઉલટી રીતે દંભથી અથવા મનની લાલસાથી કરવામાં આવ્યાં હોય, તો દુઃખ આપનારાં થાય છે. ૪૫
બ્રહ્મહત્યા કોને કહેવાય ?
ઘર બાળનાર, ઝેર દેનાર, ભગભક્ષક (ભડવો) સોમરસ વેચનાર, બાણ બનાવનાર, નક્ષત્ર સૂચવનાર, ચાડિયો, મિત્રદ્રોહી, પરસ્ત્રીનો સંગ કરનાર, ગર્ભપાત કરાવનાર, ગુરુની સ્ત્રી સાથે ગમન કરનાર, બ્રાહ્મણ હોઇને મદ્યપાન કરનાર, અતિ ક્રૂર, કાગડાની પેઠે ઘામાં ચાંચો મારનાર અર્થાત્ દુઃખમાં વધારો કરનાર, નાસ્તિક, વેદની નિંદા કરનાર, ગામોટ રાજાએ આપેલી આજીવિકારૂપ નોકરીમાં લાંચરુશવત લેનાર, જેનો જનોઇ દેવાનો સમય જતો રહ્યો હોય તે, ખેડુત અને જે પોતે સમર્થ છતાં ‘‘મારૂં રક્ષણ કર’’એમ કહેવા છતાં મારી નાખે તે, આ સર્વે બ્રહ્મહત્યા કરનારા જેવા પાતકી છે. ૪૬-૪૮
પરીક્ષા કરવાના સાધનો
તરણાના અગ્નિથી અંધારામાં રહેલી વસ્તુ જણાય છે, વર્તન ઉપરથી મનુષ્યની ધાર્મિકતા પરખાય છે અને વ્યવહારથી તેની સાધુતા વરતાય છે, શૂરાની પરીક્ષા ભયના પ્રસંગમાં થાય છે, ધીરજની પરીક્ષા આર્થિક આપત્તિમાં થાય છે, મિત્રોની પરીક્ષા સંકટમાં થાય છે અને શત્રુઓની પરીક્ષા આપત્તિમાં થાય છે. ૪૯
રૂપાદિનો નાશ કરનારી વસ્તુ
વૃદ્ધાવસ્થા રૂપને હરે છે, આશા ધૈર્યને હરે છે, મૃત્યુ પ્રાણને હરે છે, ઇર્ષ્યા ધર્માચરણને હરે છે, ક્રોધ લક્ષ્મીને હરે છે, નીચની સેવા શીલને હરે છે, કામ લજ્જાને હરે છે અને અભિમાન સર્વને હરી લે છે. ૫૦
લક્ષ્મી મંગલ કાર્યો કરવાથી ઉત્પન્ન થાય છે, પૌઢતાથી વધે છે, ડહાપણથી મૂળ ઘાલે છે અને ઇન્દ્રિયોને વશ કરવાથી સંયમથી સ્થિર થાય છે. બુદ્ધિ, કુલીનતા, ઇન્દ્રિય નિગ્રહ, શાસ્ત્રજ્ઞાન, પરાક્રમ, માપસર ભાષણ, યથાશક્તિ દાન અને કૃતજ્ઞતા આ આઠ ગુણો પુરૂષને દીપાવે છે. ૫૧-૫૨
હે તાત ! એક ગુણ આ મહાન મહિમાવાળા આઠ ગુણોનો બલપૂર્વક આશ્રયરૂપ છે, રાજા જ્યારે મનુષ્યને સત્કારે છે, ત્યારે આગલા રાજસન્માનરૂપી એ ગુણ સર્વગુણોને શોભાવે છે. ૫૩
સ્વર્ગ આપનારી આઠ વસ્તુઓ
હે મહારાજ ! મનુષ્ય લોકમાં યજ્ઞ, દાન, અધ્યયન, તપ, ઇન્દ્રિય નિગ્રહ, સત્ય, સરળતા અને અક્રુરતા આ આઠ ગુણો સ્વર્ગલોક આપનારા છે. એમાંના ચાર ગુણો સત્પુરૂષોમાં સ્વાભાવિક હોય છે અને ચાર ગુણોને સત્પુરૂષો અનુસરે છે. યજ્ઞ, દાન, અધ્યયન અને તપ આ ચાર જોડાયેલા છે, ત્યારે ઇન્દ્રિય નિગ્રહ, સત્ય, સરળતા તથા દયાળુતા આ ચારને સજ્જનો અનુસરે છે. ૫૪-૫૫
ધર્મના આઠ માર્ગયજ્ઞ, અધ્યયન, દાન, તપ, સત્ય, ક્ષમા, દયા અને ઉદારતા આ આઠ પ્રકારનો ધર્મનો માર્ગ કહેવામાં આવ્યો છે. એમાંના પ્રથમના ચારનો વર્ગ દંભને માટે પણ સેવન કરાય છે. અને પાછલા ચારનો વર્ગ મહાત્મા સિવાય બીજામાં રહેતો નથી. ૫૬-૫૭
સભા વગેરેની ઓળખાણ
તે સભા નથી, જેમાં વૃદ્ધો નથી; તે વૃદ્ધો નથી, કે જે ધર્મ કહેતા નથી; તે ધર્મ નથી, જેમાં સત્ય નથી; અને તે સત્ય નથી, જે છળથી મુક્ત નથી. ૫૮
સ્વર્ગમાં લઇ જનારી દશ વસ્તુ
સત્ય, સૌમ્યરૂપ, શાસ્ત્રાભ્યાસ, દેવોપાસના, કુલીનતા, શીલ, બળ, ધન, શૌર્ય અને યુક્તિયુક્ત વચન આ દશ સ્વર્ગના હેતુ છે. ૫૯
પુણ્ય પાપનાં ફળ
પાપી મનુષ્ય પાપ કરીને પાપનું જ ફળ ભોગવે છે અને પુણ્ય કીર્તિવાળો મનુષ્ય પુણ્ય કરીને અત્યંત પુણ્યને જ ભોગવે છે. ૬૦
બુદ્ધિનાશનો હેતુ
તેથી સદાચારી પુરૂષે પાપ કરવું નહિ. વારંવાર કરવામાં આવેલું પાપ બુદ્ધિનો નાશ કરે છે, એમ બુદ્ધિ રહિત થયેલો પુરૂષ નિત્ય પાપકર્મ જ કર્યા કરે છે, ત્યારે વારંવાર કરવામાં આવેલું પુણ્ય બુદ્ધિની વૃદ્ધિ કરે છે.૬૧-૬૨
સુમતિનું ફળ
આમ વિશાળ બિદ્ધિવાળો પુરૂષ નિત્ય પુણ્યકર્મ જ કર્યા કરે છે. પુણ્ય કરનારો પુરૂષ પુણ્યકીર્તિ રળીને પુણ્યસ્થાનમાં જાય છે. તેથી પુરૂષે સાવધાન થઇને સત્કર્મનું જ સેવન કરવું. ૬૩
કોણ મહા આપત્તિમાં આવે છે ?
ઇર્ષ્યાળુ, બીજાના મર્મને દુઃખ આપનાર, અપ્રિય વાણીવાળો, વેરકર્તા અને શઠ એ મનુષ્યો પાપાચારણ કરવાથી થોડા સમયમાં જ મોટું દુઃખ પામે છે, પણ જે ઇર્ષ્યા રહિત છે અને સમજદાર છે તે સર્વદા સારાં કામો કરવાને લીધે મહાન કષ્ટ પામતો નથી અને સર્વત્ર દીપી રહે છે. ૬૪-૬૫
પંડિત કોને જાણવો ?
જે વિદ્વાનો પાસેથી ડહાપણ જ મેળવે છે, તે પંડિત છે; કારણ કે તે ડાહ્યો મનુષ્ય ધર્મ તથા અર્થ સંપાદન કરીને સુખપૂર્વક જીવન ગાળે છે. ૬૬
કામ ક્યારે કરવું ? જે કામ કરવાથી રાત્રે સુખે રહેવાય, તે કામ દિવસે જ કરી લેવું. જે કામ કરવાથી ચોમાસાના ચાર મહિનામાં સુખે રહેવાય તે કામ આગલા આઠ મહિનામાં જ કરી લેવું. ઊતરતી વય પ્રાપ્ત થતાં જે કાર્ય કરવાથી સુખે રહેવાય તે કાર્ય આગલી વયમાં જ કરી લેવું. પણ જે કામ કરવાથી મૃત્યુ પછી સુખ મળે તે કામ તો આખા જીવન સુધી કર્યા જ કરવું.૬૭-૬૮
પરિણામે વખાણ થાય છે.
ડાહ્યા મનુષ્યો સારી રીતે પચેલા અન્નની, યુવાનીને ઓળંગી ગયેલી પત્નીની, સંગ્રામમાં વિજયને વરી આવેલા શૂરવીરની અને તત્ત્વના પારને પામેલા તપસ્વીની પ્રશંસા થાય છે. ૬૯
પાપીનાં છિદ્રો વધારે ઉઘાડાં પડે
જે મનુષ્ય અધર્મથી મળેલા ધન વડે પોતાનું છિદ્ર ઢાંકવા જાય છે, તેનું તે છિદ્ર ઢંકાતું તો નથી જ ઊલટું તેથી તેનું બીજું છિદ્ર ઉઘાડું પડે છે. ૭૦
કોણ કોને શિક્ષા કરી શકે છે.
ગુરુ જીતેન્દ્રિયોના શાસક છે, રાજા દુરાત્માઓનો શાસક છે અને વૈવસ્વત યમ ગુપ્ત પાપીઓના શાસક છે. (તેથી તે તેને શિક્ષા કરી શકે છે.)૭૧
કોનું સ્વરૂપ જણાતું નથી ?
ઋષિઓનું, નદીનું, કુળનું, મહાત્માઓનું અને સ્ત્રીઓનાં દુશ્ચરિત્રનું મૂળ જાણી શકાતું નથી. ૭૨
કયો રાજા ઘણા કાળ સુધી રાજ્ય કરી શકે ?
હે રાજન્ ! બ્રાહ્મણોની પૂજા કરવામાં તત્પર, દાતા, પોતાની જ્ઞીતિના લોકો સાથે સરળતાથી વર્તનાર અને શીલસંપન્ન ક્ષત્રિય લાંબા કાળ સુધી રાજ્ય કરી શકે છે. ૭૩
કયો માણસ કમાઇ શકે છે ?
શૂરો, વિદ્વાન તથા સેવા કરી જાણનારો, આ ત્રણ પુરૂષો સુવર્ણનાં પુષ્પોવાળી પૃથ્વીનાં સુવર્ણ પુષ્પો વીણી લે છે. ૭૪
હે ભારત ! બુદ્ધિથી સાધ્ય થતાં કામો શ્રેષ્ઠ છે. બાહુબળથી સાધ્યથતાં કામો મધ્યમ છે, કપટથી સાધ્ય થતાં કામો અધમ છે અને સંકટથી સાધ્ય થતાં કામો અધમાધમ છે. ૭૫
હે રાજા ! દુર્યોધન, શકુનિ, મૂર્ખ દુશાસન તથા કર્ણને રાજ્યભાર સોંપીને તમે કેવી રીતે ઐશ્વર્યની ઇચ્છા રાખો છો ? ૭૬
હે ભરતશ્રેષ્ઠ ! પાંડવો સર્વગુણોથી સંપન્ન છે અને તમારા પ્રત્યે પિતૃદૃષ્ટિ રાખીને વર્તે છે, તો તમે તેમના પ્રત્યે પુત્રદૃષ્ટિ રાખીને વર્તો. ૭૭
ઇતિ શ્રીમહાભારતે ઉદ્યોગપર્વ અંતર્ગત પ્રજાગરપર્વમાં વિદુરનીતિવાક્યનો તૃતીયો અધ્યાયઃ ।।૩।।