અધ્યાય ૯
ગોળી ફોડવાથી યશોદાએ શ્રીકૃષ્ણને દામણાંથી બાંધ્યા.
શુકદેવજી કહે છે- એક દિવસે ઘરની દાસીઓ બીજા કામમાં જોડાઇ જતાં નંદરાયની સ્ત્રી યશોદા પોતે દહીંનું મંથન કરવા લાગ્યાં.૧ ભગવાનનાં જે જે બાળચરિત્ર અહીં કહ્યાં તે સર્વેનું સ્મરણ કરી છાશ કરવાના સમયમાં યશોદા તે બાળ ચરિત્રનું ગાયન કરતાં હતાં.
૨ એ સમયમાં સુંદર ભુ્રકુટિવાળાં યશોદાએ વિશાળ નિતંબ ઉપર રેશમી ચણિયો પહેર્યો હતો. અને એ ચણિયાને કંદોરાથી બાંધ્યો હતો, પુત્ર ઉપર સ્નેહને લીધે સ્તનમાંથી દૂધ ઝરતું હતું, શરીર હાલતું હતું, નેતરું ખેંચવાના પરિશ્રમને લીધે હાથમાં કંકણ અને કાનમાં કુંડળ હાલતાં હતાં. મોઢાપર પસીનો વળ્યો હતો, અને ચોટલામાંથી માલતીનાં ફૂલ ખરી પડતાં હતાં.૩ દહીંનું મંથન કરતાં માતાજીની પાસે ધાવવાની ઇચ્છાથી આવીને પ્રીતિ ઉપજાવતા ભગવાને દહીં વલોવવાનો રવૈયો ઝાલીને તેમને રોક્યાં.૪ ભગવાનને ખોળામાં બેસાડીને યશોદા સ્નેહને લીધે જેમાંથી દૂધ ઝરતું હતું એવું પોતાનું સ્તન ધવરાવતાં હતાં અને મંદહાસ્યવાળું તેમનું મુખ જોતાં હતાં, તેટલામાં ગરમ કરવા મૂકેલું દૂધ ઉભરાઇ જતાં તેની સંભાળ લેવા સારુ ભગવાન તૃપ્ત થયા ન હોતા, તોપણ તેમને મૂકીને વેગથી ત્યાં ગયાં.૫ ભગવાનને તેથી રીસ ચઢી, લાલ હોઠ ફરકવા લાગ્યા, ખોટાં ખોટાં આંસુ આવી ગયાં પછી દાંતવતે હોઠ દબાવીને પથ્થરથી છાસની ગોળી ફોડી નાખી અને પછી ઘરની અંદર જઇને એકાંતમાં માખણ ખાવા લાગ્યા.૬ બહુ જ ગરમ થયેલા દૂધને ચૂલા ઉપરથી ઉતારી યશોદા પાછાં છાશ કરવાના સ્થાનકમાં આવ્યાં, ત્યાં દહીંની ગોળીને ફૂટેલી જોઇ, એટલે તે પોતાના પુત્રનું કામ છે એમ જાણી ભગવાનને ત્યાં નહીં દેખતાં હસી પડ્યાં.
૭ પછી ઊંધાવાળેલા ખાંડણિયા ઉપર બેઠેલા, શીંકાનાં માખણને વાંદરાને ખવરાવતા અને ચોરીને લીધે ચકળવકળ જોયા કરતા પુત્રને જોઇને તેને પકડવા સારુ ધીરે ધીરે પછવાડેથી આવ્યાં. ૮ લાકડી લઇને આવતાં માતાજીને જોઇ, ભગવાન તુરત ખાંડણિયા ઉપરથી ઊતરીને ભય પામેલાની પેઠે ભાગ્યા. યશોદા તેમની પછવાડે દોડ્યાં પણ પહોંચી શક્યાં નહીં, કેમકે, તપથી તદાકાર કરેલું અને પ્રવેશ કરવાને યોગ્ય યોગીઓનું મન પણ તેને પહોંચી શકતું નથી. ૯ વેગને લીધે જશોદાની પછવાડે ચોટલામાંથી ફૂલ ખરતાં હતાં અને મોટા તથા હાલતા નિતંબના ભારથી દોડવામાં મૂંઝાતાં એવાં યશોદાએ માંડ માંડ દોડીને ભગવાનને પકડ્યા. ૧૦ વાંકમાં આવેલા, રોતા, આંજણથી ખરડાયેલી આંખોને બે હાથે ચોળતા, જોયા કરતા અને ભયથી વિહ્વળ નેત્રવાળા એવા શ્રીકૃષ્ણનો હાથ પકડી યશોદાએ તેમને બીવડાવવા સારુ ધમકી આપી.૧૧ બાળકપર પ્રીતિવાળાં અને ભગવાનની શક્તિને નહીં જાણતાં યશોદાએ પોતાના પુત્રને ભયભીત જાણી, લાકડી મૂકી દઇને તેમને દોરડાંથી બાંધવાની ઇચ્છા કરી. ૧૨ ભગવાન પોતાના ધામમાં રહેલા હોવાથી કેવળ જગતની અંદર નથી. અને કેવળ જગતથી બહાર ધામમાં પણ નથી. સર્વત્ર વ્યાપક હોવાથી આગળ નથી અને પાછળ પણ નથી. અર્થાત્ કોઇ જગ્યા એવી નથી કે જયાં ભગવાન ન હોય. અને જે જગતના શરીરી આત્મા છે, એવા અવ્યક્ત અને મનુષ્યદેહ વાળા ભગવાનને પુત્ર માની, યશોદા જેમ પ્રાકૃત બાળકને બાંધે તેમ ખાંડણિયા સાથે દોરડીથી બાંધવા લાગ્યાં.૧૩-૧૪ વાંકમાં આવેલા તે શ્રીકૃષ્ણને બાંધતાં દોરડું બે આંગળ ઓછું થયું, એટલે યશોદાએ તેની સાથે બીજું દોરડું સાંધ્યું.૧૫ તે પણ બે આંગળ ઓછું પડતાં તેની સાથે ત્રીજું સાંધ્યું, તો તે પણ બે આંગળ ઓછું થયું. એવી રીતે જેટલાં દોરડાં લીધાં તે સર્વે તેટલાં જ ઓછાં થયાં. ૧૬ ઘરનાં સઘળાં દોરડાં સાંધ્યાં તોપણ ઓછાં થતાં આવ્યાં, તેથી બીજી ગોપીઓ હસવા લાગતાં, હસી પડેલાં યશોદા પોતે પણ વિસ્મય પામી ગયાં.૧૭ પછી પોતાની માતાને પરિશ્રમથી પસીનો વળી ગયો તે જોઇને કૃપાથી શ્રીકૃષ્ણ ભગવાન દોરડાંથી બંધાયા. ૧૮ હે પરીક્ષિત રાજા ! જે ભગવાનને લોકપાળ દેવ સહિત આ સઘળું જગત વશ છે, તે ભગવાને પોતે સ્વતંત્ર હોવા છતાં પણ આવી રીતે ભક્તવશપણું દેખાડ્યું.૧૯ મુક્તિ આપનાર ભગવાન પાસેથી બ્રહ્મા, સદાશિવ અને અંગમાં રહેનારાં લક્ષ્મીજીને પણ કૃપા નથી મળી એમ નથી, પરંતુ યશોદાજીને જે કૃપા મળી તે કૃપા કોઇને મળી નથી.૨૦ શ્રીકૃષ્ણ ભગવાન જેવા ભક્તિવાળાઓને સહેજ મળે છે તેવા દેહાભિમાની તપસ્વી આદિ લોકોને અને દેહાભિમાન વગરના જ્ઞાની લોકોને પણ સહેજ મળતા નથી. ૨૧ પછી માતા યશોદા ઘરના કામકાજમાં લાગી જતાં બંધાએલા પ્રભુ યમલાર્જુન કે જે પૂર્વજન્મમાં કુબેરજીના પુત્ર યક્ષ હતા તેમને દીઠા. ૨૨ પૂર્વે નળકૂબર અને મણિગ્રીવ એવા નામથી પ્રખ્યાત થયેલા અને મોટી લક્ષ્મીવાળા બે કુબેરજીના પુત્ર હતા, તેઓ લક્ષ્મીના મદને લીધે નારદજીનો શાપ લાગવાથી વૃક્ષપણું પામ્યા હતા. ૨૩
ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો નવમો અધ્યાય સંપૂર્ણ.