અધ્યાય ૫૫
શંબરાસુરે કરેલું પ્રદ્યુમ્નનું હરણ અને શંબરાસુરનો વધ કરી, રતિની સાથે દ્વારિકા આવતા પ્રદ્યુમ્ન.
શુકદેવજી કહે છે હે રાજા ! વાસુદેવ ભગવાનની વિભૂતિરૂપ એવો કામ પૂર્વે મહાદેવના ક્રોધથી બળી ગયો હતો. તે પાછો ફરીવાર પોતાના દેહના સંયોગને માટે ભગવાનને જ પ્રાપ્ત થયો.૧ એ કામદેવ રુક્મિણીમાં ભગવાનના વીર્યથી ઉત્પન્ન થયા, અને પ્રદ્યુમ્ન એવા નામે પ્રખ્યાત થયા હતા. એ પ્રદ્યુમ્ન કોઇ રીતે પોતાના પિતાથી ન્યૂન ન હતા.૨ કામદેવનો શત્રુ શંબરાસુર, એ પ્રદ્યુમ્નને પોતાનો શત્રુ જાણી, તેમના જન્મને હજુ દશ દિવસ પૂરા થયા ન હતા, ત્યાં જ તે બાળકને યથેષ્ટ રૂપ ધરીને હરી ગયો. અને તેમને સમુદ્રમાં નાખી દઇ પોતાને ઘેર ગયો. પ્રદ્યુમ્નને સમુદ્રમાં કોઇ મોટું માછલું ગળી ગયું. એ માછલાને માછીમારોએ મોટી જાળથી વીંટી લઇને, બીજાં માછલાંઓની સાથે પકડી લીધું.૩-૪ માછીમારો પણ મોટાં માછલાંને શંબરાસુરની પાસે ભેટ લાવ્યા.૫ માછલાંના પેટમાંથી પુત્ર નીકળ્યો, તેને જોઇ તે પુત્રને રસોયાઓએ માયાવતીને આપ્યો. માયાવતીને શંકા આવતાં નારદજીએ આવીને તેને કહ્યું કે આ તારો પતિ કામદેવ છે, તે શ્રીકૃષ્ણથી રુક્મિણીમાં ઉત્પન્ન થયેલ છે અને શંબરાસુરના હરી જવાથી માછલાંના પેટમાં આવેલ છે. એ માયાવતી કામદેવની રતિ નામની સ્ત્રી હતી તે બળી ગયેલા પોતાના પતિને દેહની પ્રાપ્તિ થવાની વાટ જોતી હતી.૬-૭ એ રતિ, રૂપ અને નામ બદલાવીને આવેલી હોવાને લીધે શંબરાસુરે તેને દાળ-ભાત કરવાના કામમાં રાખી હતી. એ રતિએ તે બાળકને કામદેવ જાણી તેના ઉપર સ્નેહ કર્યો.૮ થોડા કાળમાં જ જેને યુવાની આવી છે, એવા તે પ્રદ્યુમ્ન પોતાને જોનારી સ્ત્રીઓને મોહ ઉત્પન્ન કરવા લાગ્યા.૯ હે રાજા ! કમળની પાંખડીઓની સમાન નેત્રવાળા, લાંબા હાથવાળા અને મનુષ્યલોકમાં સર્વોત્તમ રૂપાળા, એ પતિ સામું લાજ સહિત હાસ્યથી ઊંચી કરેલી ભ્રૃકુટીથી જોતી રતિ, પ્રીતિથી તેને કામનાની ભાવથી સેવવા લાગી.૧૦ એ રતિને પ્રદ્યુમ્ને કહ્યું કે હે મા ! તમારી બુદ્ધિ વિપરીત કેમ થઇ છે ? કે જેથી આબરૂ મૂકીને પત્નીની પેઠે વર્તો છો.૧૧ રતિએ કહ્યું કે હે પ્રભુ ! તમે નારાયણના પુત્ર છો અને શંબરાસુર નારાયણના ઘરમાંથી લાવ્યો છે, હું રતિ નામે તમારી સ્ત્રી છું અને તમે કામદેવરૂપ મારા પતિ છો.૧૨ તમને દશ દિવસ થયા ન હતા ત્યાં જ આ શંબરાસુરે સમુદ્રમાં નાખ્યા હતા અને સમુદ્રમાં માછલું ગળી ગયું હતું. હે પ્રભુ ! માછલાંના ઉદરમાંથી અહીં આવ્યા છો.૧૩ સેંકડો માયાને જાણનાર અને ઘણી મહેનતથી જીતાય એવા પોતાના શત્રુ શંબરાસુરને મોહનાદિ માયાથી મારો.૧૪ જેનો પુત્ર જતો રહ્યો છે એવાં, અને પુત્રના સ્નેહથી વ્યાકુળ અને વાછરડાં વિનાની ગાયની પેઠે દુઃખ ભોગવતાં તમારી મા ટીટોડીની પેઠે રુદન કરે છે.૧૫
શુકદેવજી કહે છે આ પ્રમાણે કહી તે માયાવતીએ મહાત્મા પ્રદ્યુમ્નને સર્વે માયાઓનો વિનાશ કરનારી મહામાયા નામની વિદ્યાનો ઉપદેશ કર્યો.૧૬ પછી પ્રદ્યુમ્ને શંબરાસુરની પાસે આવી અસહ્ય ગાળો દઇ તિરસ્કાર કરી કજિયો ઉત્પન્ન કરતાં તેને યુદ્ધ કરવા માટે હાકલ કરી.૧૭ દુર્વચનોથી તિરસ્કાર પામેલો તે શંબરાસુર પગના પ્રહારથી છંછડાયેલા સર્પની પેઠે ક્રોધથી આંખો રાતી કરી ગદા હાથમાં લઇને યુદ્ધ કરવા બહાર નીકળ્યો.૧૮ વેગથી ગદાને ફેરવી મહાત્મા પ્રદ્યુમ્નની ઉપર નાખી અને વજ્રના કડાકા જેવી કઠણ ગર્જના કરી.૧૯ હે રાજા ! ક્રોધ પામેલા પ્રદ્યુમ્ને તે આવતી ગદાને પોતાની ગદાથી દૂર કરીને શંબરાસુર ઉપર પોતાની ગદા ફેંકી.૨૦ પછી મયદાનવે ઉત્પન્ન કરેલી દૈત્યોની માયાનો આશ્રય કરી, આકાશમાં ઊભેલો શંબરાસુર પ્રદ્યુમ્ન ઉપર અસ્ત્રોની વૃષ્ટિ કરવા લાગ્યો. ૨૧ અસ્ત્રોની વૃષ્ટિથી પીડા પામેલા પ્રદ્યુમ્ને સર્વે માયાઓનો નાશ કરનારી પોતાની સત્ત્વગુણમય મહા વિદ્યાનો પ્રયોગ કર્યો.૨૨ પછી શંબરાસુરે યક્ષ, ગંધર્વ, પિશાચ, સર્પ અને રાક્ષસોની સેંકડો માયાના પ્રયોગો કર્યા, તે સર્વે પ્રયોગોને પ્રદ્યુમ્ને ટાળી નાખ્યા.૨૩ પછી પ્રદ્યુમ્ને સજાવેલી તલવાર કાઢીને મુગટ તથા કુંડળ સહિત અને રાતી દાઢીમૂછોવાળું શંબરાસુરનું માથું તેના ધડ ઉપરથી કાપી નાખ્યું.૨૪ સ્તુતિ કરતા દેવતાઓ પુષ્પના સમૂહથી પ્રદ્યુમ્નને વધાવ્યા પછી આકાશમાં ચાલનારી તેમની સ્ત્રી રતિ આકાશ માર્ગથી પ્રદ્યુમ્નને દ્વારકામાં તેડી ગઇ.૨૫ હે રાજા ! સેંકડો સ્ત્રીઓથી ભરેલા ભગવાનના ઉત્તમ અંત:પુરમાં પ્રદ્યુમ્ને જેમ વીજળીની સાથે મેઘ પ્રવેશ કરે તેમ રતિની સાથે પ્રવેશ કર્યો.૨૬ મેઘ જેવા શ્યામ, પીળાં રેશમી વસ્ત્રવાળા, લાંબા હાથવાળા, રાતી આંખોવાળા, સુંદર મંદહાસ્ય કરતા, રૂડા મુખવાળા અને શ્યામ તથા વાંકા કેશરૂપી ભ્રમરોથી જેનું મુખારવિંદ શોભી રહ્યું હતું એવા એ પ્રદ્યુમ્નને જોઇ, તેમને શ્રીકૃષ્ણ માનીને લજાએલી કૃષ્ણની સ્ત્રીઓ ચારેકોર છુપાવા લાગી.૨૭-૨૮ પછી શ્રીવત્સ આદિ ચિહ્નોના અભાવરૂપ થોડા વિલક્ષણપણાથી ‘‘આ શ્રીકૃષ્ણ નથી’’ આવો નિશ્ચય કરી રાજી થયેલી અને બહુજ વિસ્મય પામેલી સ્ત્રીઓ એ પ્રદ્યુમ્ન અને તેમની રતિનામની સ્ત્રીની પાસે આવી.૨૯ પછી પ્રદ્યુમ્નને શ્યામ કટાક્ષવાળાં અને મધુર બોલનારાં રુક્મિણીને પોતાના સ્તનમાંથી સ્નેહને લીધે દૂધ ઝરવા લાગ્યું, અને પોતાનો જતો રહેલો પુત્ર સાંભર્યો.૩૦ આ કમળ સરખા નેત્રવાળો રત્ન જેવો પુરુષ કોણ છે ? કોનો હશે ? કોના પેટમાં રહ્યો હશે ? અને આ કોણ સ્ત્રી આને મળી છે ?૩૧ મારો પુત્ર પણ સુવાવડના ઘરમાંથી હરાઇ જવાને લીધે જતો રહ્યો છે, તે જો કોઇ ઠેકાણે જીવતો હોય તો તેની અવસ્થા અને રૂપ આના જેવાં જ હોય !!!.૩૨ આકૃતિ, અવયવો, ગતિ, સ્વર, હાસ્ય અને જોવાની ઢબમાં આને શ્રીકૃષ્ણનું સમાનપણું શી રીતે મળ્યું હશે ?૩૩ જે બાળક મારા ગર્ભમાં રહ્યો હતો તે જ આ હોવો જોઇએ, આના ઉપર મને બહુ પ્રીતિ ઉત્પન્ન થઇ છે અને મારો ડાબો હાથ પણ ફરકે છે! ! !૩૪ આ પ્રમાણે રુક્મિણી વિચાર કરતાં હતાં તેટલીવારમાં દેવકી અને વસુદેવની સાથે શ્રીકૃષ્ણ ત્યાં આવ્યા.૩૫ શ્રીકૃષ્ણ ભગવાન સર્વ જાણતા હતા તોપણ ચૂપ રહ્યા. અને નારદજીએ જે શંબરાસુર હરી ગયો હતો તે સર્વે વાત કહી દેખાડી.૩૬ આ મોટા આશ્ચર્યની વાત સાંભળી જાણે મરણ પામીને પાછા આવેલ હોય, તેમ ઘણાં વર્ષ સુધી ખોવાઇને પાછા આવેલા પ્રદ્યુમ્નનો ભગવાનના અંત:પુરની સ્ત્રીઓએ સત્કાર કર્યો.૩૭ દેવકી, વસુદેવ, શ્રીકૃષ્ણ, બલરામ, રુક્મિણી તથા બીજી સર્વે સ્ત્રીઓએ સ્ત્રી પુરુષના જોડલાનું આલિંગન કરી આનંદ પામ્યાં.૩૮ ખોવાઇ ગયેલા પ્રદ્યુમ્નને પાછા આવેલા સાંભળી દ્વારકાનાં માણસો અહો !! જાણે મરી ગયા પછી પાછો આવેલ હોય તેમ આ બાળક પાછો આવ્યો; ઘણું જ સારું થયું એમ બોલવા લાગ્યાં.૩૯ પ્રદ્યુમ્નનું શ્રીકૃષ્ણ સમાન રૂપ જોઇ તેમાં વારંવાર સ્વામીની ભાવના થતાં તેમની માતાઓ પણ પ્રથમ એકાંતમાં ઘણો પ્રેમ કરી ભ્રાંતિથી ભૂલી ગઇ, એ કાંઇ આશ્ચર્ય સમજવું નહીં કેમકે જે કામદેવ સ્મરણ માત્રથી જ ચિત્તને ક્ષોભ ઉપજાવનાર છે, તે જ પોતે વળી શ્રીકૃષ્ણના પુત્ર થઇને પ્રત્યક્ષ જોવામાં આવે ત્યારે એમ થવું સંભવિત જ છે, જ્યારે માતાઓની પણ પ્રથમ આ પ્રમાણે ભૂલ થઇ, ત્યારે બીજી સ્ત્રીઓની તો ભૂલ થાય તેમાં શું કહેવું ?૪૦
ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો પંચાવનમો અધ્યાય સંપૂર્ણ.