અધ્યાય ૮૨
સૂર્યગ્રહણ પ્રસંગે કુરુક્ષેત્રમાં નંદ યશોદા અને ગોપીઓને આપેલું મળવાનું વચન સત્ય કરતા શ્રીકૃષ્ણ ભગવાન.
શુકદેવજી કહે છે શ્રીકૃષ્ણ અને બળભદ્ર દ્વારકામાં રહેતા હતા. ત્યાં એક દિવસે જેવું પ્રલયકાળમાં થાય છે, તેવું મોટું સૂર્યગ્રહણ થયું હતું.૧ હે રાજા ! જોષીઓના કહેવાથી સૂર્યગ્રહણ થવાનું જાણીને પુણ્ય કરવાની ઇચ્છાથી સર્વદેશના માણસો પ્રથમથી જ કુરુક્ષેત્રમાં ગયાં હતાં, જ્યાં ઉત્તમ પરશુરામે પૃથ્વીને નિઃક્ષત્રિય કરતાં રાજાઓના લોહીના ઓઘથી મોટા ધરા કર્યા હતા, અને જ્યાં ભગવાન પરશુરામે પોતાને પાપનો સ્પર્શ નહીં છતાંપણ લોકોને ધર્મની મર્યાદા શીખવવા સારુ બીજા પ્રાકૃત મનુષ્યની પેઠે પાપ મટાડવા સારુ યજ્ઞો કર્યા હતા.૨-૪ એ મોટી તીર્થયાત્રા કરવા સારુ ભરતખંડની પ્રજા, અક્રૂર, વસુદેવ, ઉગ્રસેન, ગદ, પ્રદ્યુમ્ન તથા સાંબ આદિ યાદવો પણ પોતાના પાપનો નાશ કરવા સારુ તે ક્ષેત્રમાં આવ્યા હતા. અનિરુદ્ધ અને સેનાપતિ કૃતવર્મા, એ બે યાદવો સુચંદ્ર, શુક્ર અને સારણની સાથે દ્વારકાની રક્ષા કરવા સારુ રહ્યા હતા.૫-૬ તે યાદવો વિમાન સરખા રથ, તરંગની પેઠે ચાલનારા ઘોડા, નાદ કરતા વાદળાં જેવા હાથીઓ અને વિદ્યાધર સરખી કાંતિવાળા મનુષ્યોની સાથે તેઓ કુરુક્ષેત્રમાં ગયા હતા.૭ મોટા તેજવાળા, સુવર્ણની માળા પહેરનારા અને માળા, વસ્ત્ર તથા કવચો જેઓનાં દિવ્ય હતાં, એવા તે લોકો સ્ત્રીની સાથે દેવતાઓની પેઠે માર્ગમાં શોભતા હતા.૮ એ ભાગ્યશાળી લોકોએ સાવધાન અંત:કરણથી કુરુક્ષેત્રમાં સ્નાન કરીને બ્રાહ્મણને વસ્ત્ર, ફૂલની તથા સુવર્ણની માળાવાળી ગાયોનાં દાન દીધાં.૯ પછી યાદવોએ પરશુરામના ધરામાં વિધિ સહિત મોક્ષસ્નાન કરીને ‘અમને ભગવાનમાં ભક્તિ થજો’ એવો સંકલ્પ કરી, ઉત્તમ બ્રાહ્મણોને ઉત્તમ પ્રકારનાં દાન દીધાં.૧૦ શ્રીકૃષ્ણને જ ઇષ્ટદેવ માનનારા યાદવો પોતે પણ બ્રાહ્મણોની આજ્ઞા લઇ, જમીને શીતળ છાયાવાળાં વૃક્ષોના મૂળમાં ઇચ્છા પ્રમાણે બેઠા.૧૧ ત્યાં આવેલા મત્સ્ય, ઉશીનર, કોસલ્ય, વિદર્ભ, કુરુ અને સૃંજય વંશના પોતાના મિત્ર અને સંબંધી રાજાઓને યાદવોએ દીઠા.૧૨ કાંબોજ, કેક્ય, મદ્ર, કુંતી, આનર્ત અને કેરલ દેશના રાજાઓ. બીજા પણ પોતાના પક્ષના તથા પર પક્ષના સેંકડો લોકો અને એ સિવાય સ્નેહી નંદાદિ ગોવાળો અને ઘણા કાળની ઉત્કંઠાવાળી ગોપીઓ પણ જોવામાં આવી.૧૩ પરસ્પરનાં દર્શનથી થયેલા હર્ષના વેગથી પ્રફુલ્લિત થયેલા હૃદય તથા મુખકમળની શોભાવાળા, રોમાંચિત થયેલા, પ્રેમથી રોકાઇ ગયેલી વાણીવાળા અને જેઓના નેત્રોમાંથી આંસુ ઝરતાં હતાં, એવા એ સર્વે લોકો પરસ્પરનું આલિંગન કરીને આનંદ પામ્યા.૧૪ સ્નેહને લીધે આંસુભરેલાં નેત્રવાળી અને મંદહાસ્ય વાળી સ્ત્રીઓ પરસ્પર એકબીજાને જોઇને હાથથી આલિંગન કરવા લાગી.૧૫ પછી નાની અવસ્થાવાળા લોકોએ વૃદ્ધોને પગે લાગીને તથા સ્વાગત અને કુશળ પૂછીને પરસ્પર ભગવાનની વાતો કરવા લાગ્યા.૧૬ કુંતીએ ભાઇઓ, બહેનો, તેઓના દીકરા, માબાપ, ભાઇઓની સ્ત્રીઓ અને ભગવાનને જોઇને તેઓની સાથે પરસ્પર પ્રેમની વાત કરવાથી સર્વે શોક છોડી દીધા.૧૭
કુંતી વસુદેવને કહે છે હે આર્ય ! હે ભાઇ ! હું મારા આત્માને અપૂર્ણ મનોરથ વાળો માનું છું. કેમકે તમે સમર્થ છતાં વિપત્તિઓ પડવાના સમયમાં પણ મારી સંભાળ લેતા નથી.૧૮ જેને દૈવ પ્રતિકૂળ હોય તે માણસ સ્વજન હોય તોપણ તેને સંબંધી, જ્ઞાતિ, પુત્રો ભાઇઓ કે માબાપ પણ સંભારે નહીં.૧૯
વસુદેવ કહે છે હે કલ્યાણી ! દૈવના રમકડાં જેવા માણસ જાતના અમો ઉપર દોષ મૂકો નહીં, કેમકે જગતમાં કરવું અથવા કરાવવું ઇશ્વરની ઇચ્છા પ્રમાણે જ થાય છે.૨૦ હે બહેન ! કંસે આપેલા દુઃખથી અમે બીજી દિશાઓમાં ભાગી ગયા હતા તે અમો દૈવની ઇચ્છાથી હમણાં જ ઠેકાણે આવ્યા છીએ.૨૧
શુકદેવજી કહે છે હે રાજા ! અહીં જેટલા રાજાઓ આવેલા હતા, એ સર્વે રાજાઓનો વસુદેવ અને ઉગ્રસેનાદિ યદુવંશીઓએ ખૂબ સત્કાર કર્યો અને એ સર્વે રાજાઓ પણ ભગવાનનાં દર્શનના પરમ આનંદથી બહુ જ સંતોષ પામ્યા.૨૨ ભીષ્મ, દ્રોણ, ધૃતરાષ્ટ્ર, ગાંધારીના પુત્રો, સ્ત્રી સહિત પાંડવો, કુંતી, સૃંજય, વિદુર, કૃપાચાર્ય, કુંતીભોજ, વિરાટ, ભીષ્મક, નગ્નજીત, દ્રુપદ, શલ્ય, ધૃષ્ટકેતુ, કાશીનો રાજા, મદ્રદેશનો રાજા, કેક્યદેશનો રાજા, યુધામન્યુ, સુશર્મા, બાલ્હિકાદિક, તેઓના પુત્રો અને યુધિષ્ઠિરને અનુસરતા બીજા પણ રાજાઓ હતા, તેઓ લક્ષ્મીના નિવાસરૂપ ભગવાનના શરીરને અને તેમની સ્ત્રીઓને જોઇને વિસ્મય પામ્યા.૨૩- ૨૬ બળભદ્ર અને શ્રીકૃષ્ણે જેઓનું સારી રીતે પૂજન કર્યું હતું, એવા તે લોકો પ્રીતિ પામીને જે યાદવોને ભગવાને સ્વીકૃત કર્યા હતા, તે યાદવોને વખાણવા લાગ્યા કે ‘‘અહો ! હે ઉગ્રસેન રાજા ! અહીં મનુષ્યોમાં તમારો જન્મ સફળ છે, કેમકે જેનાં દર્શન યોગીઓને પણ દુર્લભ છે તે ભગવાનને તમે વારંવાર દેખો છો.૨૭-૨૮ વેદે વખાણેલી જેની કીર્તિ, જેનાં ચરણ ધોયાનું જળ ગંગાજી અને જેના વચનરૂપ વેદ આ જગતને અત્યંત પવિત્ર કરે છે, તથા આ પૃથ્વી કાળની ગતિથી શક્તિ રહિત થઇ ગઇ છે, તોપણ જેનાં ચરણારવિંદના સ્પર્શથી ઉત્તમ શક્તિ પામીને અમોને સર્વે વસ્તુ પૂરી પાડે છે, તે ભગવાનની સાથે દર્શન, સ્પર્શ, અનુસરણ, ગોષ્ટિ, શય્યા, આસન, ભોજન, વિવાહ અને સપિંડતાના સંબંધથી તમે જોડાએલા છો, અને તમે નરકના માર્ગરૂપ ઘરમાં રહ્યા છતાં પણ તમારા ઘરમાં સ્વર્ગ તથા મોક્ષની તૃષ્ણા જ્યાં નિવૃત્તિ પામે છે એવા વિષ્ણુ પ્રગટ થયા છે, માટે તમ લોકોનો જન્મ સફળ છે.૨૯-૩૦ કુરુક્ષેત્રમાં વાસ કરવા સારુ સર્વે પદાર્થો ગાડાંઓમાં ભરીને ત્યાં આવેલા નંદરાય, શ્રીકૃષ્ણ આદિ યાદવોને ત્યાં આવેલા જાણી, ગોવાળોની સાથે દર્શન કરવાની ઇચ્છાથી આવ્યા.૩૧ નંદરાયને જોઇ રાજી થયેલા અને ઘણે કાળે દર્શન થવાથી સંભ્રમને પામેલા યાદવોએ પ્રાણની સામે જેમ શરીર ઊભા થાય, તેમ નંદરાયની સામા ઊભા થઇને દૃઢ આલિંગન કર્યું.૩૨ પ્રેમથી વિહ્વળ, કંસે આપેલાં દુઃખોને અને ગોકુળમાં દીકરાઓરૂપી થાપણ મૂકી હતી તે વાતને સંભારતા વસુદેવ નંદરાયનું આલિંગન કરીને બહુ જ રાજી થયા.૩૩ હે રાજા ! શ્રીકૃષ્ણ અને બલરામ, પોતાનાં માબાપ નંદ અને યશોદાનું આલિંગન કરી તથા પ્રણામ કરી પ્રેમનાં આંસુ ગળામાં આવી જતાં કાંઇ પણ બોલ્યા નહીં.૩૪ ભાગ્યશાળી નંદ અને યશોદા એ બે પુત્રોને પોતાના આસન પર બેસાડીને હાથથી આલિંગન કરી આંસુ પાડવા લાગ્યાં.૩૫ યશોદાએ કરેલી મૈત્રીનું સ્મરણ આવતાં આખનાં આંસુ જેઓના કંઠ સુધી ભરાઇ ગયાં હતાં, એવાં દેવકી અને રોહિણીએ યશોદાનું આલિંગન કરીને કહ્યું કે ‘‘હે વ્રજની ઇશ્વરી ! તમારી નહીં બંધ પડેલી મૈત્રી કે જેનો બદલો ઇંદ્રનું ઐશ્વર્ય મળતાં પણ વાળી શકાય નહીં, તેને કોણ ભૂલે ?૩૬-૩૭ જેઓએ માબાપ જોયાં પણ ન હતાં એવા આ બે અમારા પુત્રો પાંપણના રક્ષણ તળે જેમ આંખો રાખેલી છે, તેમ તમારા રક્ષણ તળે રાખેલા હતા, તેઓ માત પિતારૂપ તમારા હાથથી લાડ, અભ્યુદય, પોષણ અને પાલનને પામી નિર્ભય રીતે રહ્યા. ‘આ પોતાનો આ પારકો’ એવી વિષમતા સત્પુરુષોને હોતી જ નથી.’’૩૮ જે ગોપીઓને જોવામાં નેત્રનાં પાંપણો આડી આવતાં તે પાંપણોને બનાવનાર વિધાતાને પોતે ગાળો દેતી હતી, તે પ્યારા શ્રીકૃષ્ણ ઘણે કાળે જોવામાં આવતાં નેત્રરૂપ દ્વારથી તેમને હૃદયમાં પેસાડી, આલિંગન કરીને સર્વે ગોપીઓ સમાધિમાં નિષ્ઠા રાખનારાઓને પણ ન મળે એવા તદ્રૂપપણાને પામી ગઇ.૩૯ આ પ્રમાણે તદ્રૂપ થયેલી તે ગોપીઓને ભગવાને એકાંતમાં મળી આલિંગન કરી તથા આરોગ્ય પૂછી હસતાં હસતાં આ પ્રમાણે કહ્યું.૪૦ ભગવાન કહે છે હે સખીઓ ! જે અમો સંબંધીઓનું કામ કરવાની ઇચ્છાથી ગયેલા અને તે પ્રસંગમાં શત્રુઓના પક્ષનો નાશ કરવામાં ચિત્ત લાગતાં ઘણા કાળ સુધી રોકાઇ ગયા છીએ તે અમોને સંભારો છો.?૪૧ થોડીક ‘કર્યા ઉપકારને જાણતા નથી’ એવી શંકાથી અમારા ઉપર તમને રીસ ચઢી છે ? કાળ જ પ્રાણીઓને ભેળાં કરે છે અને નોખાં પાડી દે છે એ વાત સત્ય છે.૪૨ જેમ વાયુ વાદળાંના સમૂહને, ઘાસને, તૃણને અને રજને ભેળાં કરીને પાછાં નોખાં પાડી દે છે, તેમ કાળ પ્રાણીઓને ભેળાં કરીને પાછાં નોખાં પાડી દે છે.૪૩ મારી ભક્તિ પ્રાણીઓને મોક્ષ આપવાને સમર્થ છે, માટે તમને મારી પ્રાપ્તિ કરાવે એવો મારામાં સ્નેહ થયો છે, એ ઘણું સારું થયું છે.૪૪ હે સ્ત્રીઓ ! જેમ આકાશ, જળ, પૃથ્વી, વાયુ અને તેજ એ પંચમહાભૂત જ ઘટાદિક પદાર્થોના આદિ, અંત, અભ્યંતર અને બાહ્યરૂપ છે, તેમ હું સર્વપદાર્થોના આદિ, અંત, અભ્યંતર અને બાહ્યરૂપ છું.૪૫ આ પ્રમાણે આકાશાદિ પંચ મહાભૂતો ભૌતિક દેહાદિકને વિષે પરસ્પર વ્યાપ્ય અને વ્યાપક ભાવથી રહેલાં છે. અને પંચમહાભૂતોથી રચાયેલા દેહોને વિષે તથા મહાભૂતોને વિષે ચેતનવર્ગ પોતાની જ્ઞાનશક્તિથી વ્યાપીને રહેલો છે. અને બ્રહ્મપુર ધામને વિષે દિવ્ય મૂર્તરૂપે પ્રકાશતા અને સર્વશ્રેષ્ઠ પુરુષોત્તમ એવા મને ચેતન વર્ગને વિષે તથા અચેતન વર્ગને વિષે અંતર્યામિરૂપે વ્યાપેલો તમે જાણો. આ પ્રમાણે માહાત્મ્યના અધિકપણાથી મારે વિષે સ્નેહનું પણ અધિકપણું થાય છે, માટે ઉપર કહેવા પ્રમાણે મને હમેશાં તમારી સમીપે જ જાણીને ભજો.૪૬
શુકદેવજી કહે છે આ પ્રમાણે શ્રીકૃષ્ણે સ્વસ્વરૂપના ઉપદેશથી સમજાવેલી અને શ્રીકૃષ્ણના સ્મરણથી જેઓનાં લિંગ શરીર છૂટી ગયાં, એવી ગોપીઓ ભગવાનને જ પામી, અને બોલી કે ‘‘હે પદ્મનાભ ! અગાધ બોધવાળા, યોગેશ્વરોએ હૃદયમાં ચિંતવવા યોગ્ય અને સંસારરૂપી કૂવામાં પડેલાઓને આશ્રયરૂપ તમારું ચરણારવિંદ, અમે ઘરને સેવીએ તોપણ અમારા મનમાં સર્વદા પ્રકટ રહેજો.૪૭-૪૮
ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો બ્યાશીમો અધ્યાય સંપૂર્ણ.