૨૨ જુદા જુદા ગ્રહોની સ્થિતિ અને ગતિનું વર્ણન

Submitted by swaminarayanworld on Thu, 25/02/2016 - 6:28pm

અધ્યાય - : - ૨૨

જુદા જુદા ગ્રહોની સ્થિતિ અને ગતિનું વર્ણન

રાજા પરીક્ષિતે કહ્યું - હે ભગવાન ! તમે જે કહ્યું કે જોકે ભગવાન સૂર્ય રાશિઓની તરફ જાતે સમયે મેરુ અને ધ્રુવને ડાબી બાજુ રાખીને ચાલતા જણાય છે, પરંતુ વસ્તુતઃ તેની ગતિ દક્ષિણાવર્ત હોતી નથી. આ વિષયને અમે કેવી રીતે સમજીએ ?૧

શ્રીશુકદેવજી કહે છે- હે રાજન્‌ ! જેવી રીતે કુંભારના ફરતા ચાકડા પર ચડેલી, તેની સાથે ચક્કર ફરતી કીડીની પણ ગતિ ચાકડાથી જુદી દિશામાં દેખાય છે કરણ કે તે કીડી જુદા-જુદા સમયે તે ચક્રના જુદા-જુદા ભાગમાં જોવા મળે છે. તેવી રીતે નક્ષત્ર અને રાશિઓથી ઉપલક્ષિત કાળચક્રમાં પડીને ધ્રુવ અને મેરુને ડાબી બાજૂ રાખીને ઘૂમનાર સૂર્ય વગેરે ગ્રહોની ગતિ વાસ્તવમાં તેનાથી જુદી છે; કારણ કે તે કાળના ભેદથી જુદી-જુદી રાશિ અને નક્ષત્રોમાં દેખાઇ આવે છે. ૨ વેદ અને વિદ્વાન લોકો પણ જેની ગતિને જાણવા માટે ઉત્સુક રહે છે, તે સાક્ષાત્‌ આદિપુરુષ ભગવાન નારાયણ જ લોકોના કલ્યાણ અને કર્મોની શુદ્ધિ માટે પોતાના વેદમય વિગ્રહને કાળના બાર મહિનામાં વિભાજિત કરીને વસંત વગેરે છ ઋતુઓમાં તેના યથાયોગ્ય ગુણોનું વિધાન કરે છે. ૩ આ લોકમાં વર્ણ અને આશ્રમના ધર્મને અનુસરનાર પુરુષ ત્રણે વેદ દ્વારા પ્રતિપાદિત નાના-મોટા કર્મોથી ઇન્દ્ર વગેરે દેવતાઓના રૂપમાં અને યોગના સાધનોથી અંતર્યામીરૂપમાં તેની શ્રદ્ધાપૂર્વક આરાધના કરીને સુગમતાથી જ પરમ પદને પ્રાપ્ત કરે છે. ૪ ભગવાન સૂર્ય સર્વ પ્રાણીઓના આત્મા છે. તે પૃથ્વી અને દ્યુલોકના મધ્યમાં રહેલા આકાશમંડળની અંદર કાળચક્રમાં સ્થિર રહીને બાર મહિનાને ભોગવે છે, જે સંવત્સરના અવયવો છે અને મેષ વગેરે રાશિઓના નામથી પ્રસિદ્ધ છે. તેમાંથી પ્રત્યેક માસ ચંદ્રમાનથી શુક્લ અને કૃષ્ણ એમ બે પક્ષનો પિતૃમાનથી એક રાત અને એક દિવસનો તથા સૌરમાનથી સવા બે નક્ષત્રોનો બતાવવામાં આવે છે. જેટલા કાળમાં સૂર્યદેવ આ સંવત્સરનો છઠો ભાગ ભોગવે છે, તેટલા સમયને એક ઋતુ કહેવામાં આવે છે.૫ આકાશમાં ભગવાન સૂર્યનો જેટલો માર્ગ છે, તેનો અડધો ભાગ તે જેટલા સમયમાં પાર કરી લે છે, તેને એક વર્ષ કહેવાય છે. ૬ તથા જેટલા સમયમાં તે પોતાની મંદ, તીવ્ર અને સમાન ગતિથી સ્વર્ગ અને પૃથ્વીમંડળ સહિત સમગ્ર આકાશનું ચક્કર લગાવી લે છે. તેને અવાન્તર ભેદથી સંવત્સર, પરિવત્સર, ઇડાવત્સર, અનુવત્સર અથવા વત્સર કહે છે.૭

આ પ્રમાણે સૂર્યની કિરણોથી એક લાખ જોજન ઉપર ચન્દ્રમા છે. તેની ગતિ ઘણી તીવ્ર છે. તેથી તે બધા નક્ષત્રોથી આગળ રહે છે. તે સૂર્યના એક વર્ષના માર્ગને એક મહિનામાં, એક મહિનાના માર્ગને સવા બે દિવસમાં અને એક પક્ષના માર્ગને એક દિવસમાં જ ફરી લે છે. ૮ આ કૃષ્ણપક્ષમાં ક્ષીણ થતી કળાઓથી પિતૃગણના અને શુક્લપક્ષમાં વધતી જતી કળાઓથી દેવતાઓના દિવસ રાતનું વિભાજન કરે છે તથા ત્રીસ-ત્રીસ મુહૂર્તોમાં એક-એક નક્ષત્રને પાર કરે છે. અન્નમય અને અમૃતમય હોવાને કારણે આ જ બધા જીવોનો પ્રાણ અને જીવન છે. ૯ આ જે સોળ કળાઓથી યુક્ત મનોમય, અન્નમય, અમૃતમય પુરુષસ્વરૂપ ભગવાન ચન્દ્રમા છે એ જ દેવતા, પિતર, મનુષ્ય, ભૂત, પશુ, પક્ષી, સરીસૃપ અને વૃક્ષ વગેરે સમસ્ત પ્રાણિઓના પ્રાણોને પોષણ કરે છે; તેથી તેને ‘સર્વમય’ કહે છે. ૧૦

ચન્દ્રમાથી ત્રણ લાખ જોજન ઊપર અભિજિત સહિત અઠ્યાવિશ નક્ષત્ર છે. ભગવાને તેને કાળચક્રમાં નિયુક્ત કરી રાખ્યા છે, તેથી એ મેરુને ડાબી બાજુ રાખીને ફર્યા કરે છે. ૧૧ તેનાથી બે લાખ જોજન ઊપર શુક્ર જોઇ શકાય છે. તે સૂર્યની શીઘ્ર, મંદ અને સમાન ગતિઓને અનુસારે તેની સમાન ક્યારેક આગળ, ક્યારેક પાછળ અને ક્યારેક સાથે રહીને ચાલે છે. આ વરસાદ કરનાર ગ્રહ છે, તેથી લોકોને પ્રાયઃ હંમેશાં અનુકુળ રહે છે. તેની ગતિથી એવું અનુમાન થાય છે કે આ વરસાદ રોકનાર ગ્રહને શાન્ત કરી દે છે. ૧૨

શુક્રની ગતિને સાથે બુધની પણ વ્યાખ્યા થઇ ગઇ, શુક્રને અનુસારે જ બુદ્ધની ગતિ પણ સમજી લેવી જોઇએ. આ ચન્દ્રમાના પુત્ર શુક્રથી બે લાખ જોજન ઊપર છે. આ પ્રાયઃ મંગળકારી જ છે; કિન્તુ જ્યારે સૂર્યની ગતિનું ઉલ્લંઘન કરી ચાલે છે ત્યારે અતિશય આંધી, વાદળ અને દુષ્કાળના ભયની સૂચના દે છે. ૧૩ એનાથી બે લાખ જોજન ઉપર મંગળ છે. તે જો વક્રગતિથી ચાલતો નથી, તો એક-એક રાશિને ત્રણ-ત્રણ પક્ષમાં ભોગવતો રહીને બારે રાશિઓને પાર કરે છે. આ અશુભ ગ્રહ છે અને પ્રાયઃ અમંગળનો સૂચક છે. ૧૪ તેની ઉપર બે લાખ જોજન દૂર ભગવાન બૃહસ્પતિનો ગ્રહ છે. તે જો વક્ર ગતિથી ચાલતો નથી, તો એક-એક રાશિને એક-એક વર્ષમાં ભોગવે છે આ પ્રાયઃ બ્રાહ્મણકુળ માટે અનુકૂળ કહેવાય છે. ૧૫

બૃહસ્પતિથી બે લાખ જોજન ઉપર શનૈશ્ચર જોવામાં આવે છે. તે ત્રીસ મહિના સુધી એક-એક રાશિમાં રહે છે. તેથી તેને સર્વ રાશિઓને પાર કરવા માટે ત્રીસ વર્ષો લાગી જાય છે. આ પ્રાયઃ બધા માટે અશાન્તિકારક છે. ૧૬ તેની ઉપર અગિયાર લાખ જોજન દૂર કશ્યપ વગેરે સપ્તર્ષિ દેખાય છે. તે બધા લોકો માટે મંગળ કામનાઓ કરતા રહીને ભગવાન વિષ્ણુના પરમ પદ ધ્રુવલોકની પ્રદક્ષિણા કર્યા કરે છે.૧૭

ઇતિ શ્રીમદ્  ભાગવતે મહાપુરાણે પંચમ સ્કંધે જ્યોતિશચક્ર વર્ણન નામનો બાવીશમો અધ્યાય સંપૂર્ણઃ (૨૨)