મંત્ર (૨૨) ૐ શ્રી આસ્તિકાય નમઃ
આસ્તિક એટલે પ્રભુના સ્વરૂપમાં વિશ્વાસ, મૂર્તિમાં વિશ્વાસ રાખવો. પ્રભુ માનવરૂપે આ પૃથ્વી ઊપર પધાર્યા ત્યારે પોતે સ્વયં પરબ્રહ્મ પુરુષોત્તમ છે, છતાં પણ ભગવાનની પૂજા કરે. જગતના જીવને શીખવ્યું કે તમો મૂર્તિમાં વિશ્વાસ રાખજો, પૂજા કરજો અને થાળ જમાડજો, પણ એક વાતનું ધ્યાન રાખજો, ભગવાનમાં આસ્થા રાખજો કે આ મૂર્તિ ચિત્રની નથી, છબી નથી, કાષ્ટ કે પથ્થરની મૂર્તિ નથી. પણ સાક્ષાત્ ભગવાન છે. આવી આસ્તિકતા રાખજો.
જેને ભગવાનમાં વિશ્વાસ, શ્રધ્ધા અને ભાવ હોય તેને આસ્તિક કહેવાય. જેને ભગવાનમાં વિશ્વાસ ન હોય, શ્રધ્ધા ન હોય, ભાવ ન હોય અને એમ કહેતા હોય કે મને ભગવાનમાં રસ નથી, હું ભગવાનને માનતો નથી, તેને કહેવાય નાસ્તિક. મુકતાનંદસ્વામીએ પણ મુકતાનંદ કાવ્યમાં નાસ્તિકનાં લક્ષણો બતાવ્યાં છે.
નાસ્તિક હરિજનકે વિષે, ગુન સોઇ સ્થાપત દોષ । મુકત કહે મતિમંદ પર કહાલું કિજે રોષ ।।
નાસ્તિક માણસ ભગવાન અને ભગવાનના ભકતને વિષે ગુણ જોઈને દોષનું સ્થાપન કરે છે. મુકતાનંદસ્વામી કહે છે એવા બુધ્ધિહીન માણસો ઊપર યમદૂતો ખૂબ ખીજાય છે. વળી ભગવાનને વિષે પણ દોષનું સ્થાપન કરે છે. અને ભગવાનને પણ માનતા નથી તેને નાસ્તિક કહેલા છે.
ગિરિ ગોવર્ધન કર ધર્યો, કિનો દવકો પાન । મુકત કહે તેહિ ના કહે જવન જૈન ભગવાન ।।
જે ભગવાને ગોવર્ધન પર્વત ધારણ કર્યો, દાવાનળ અગ્નિનું પાન કર્યું, એવા શ્રીકૃષ્ણ ભગવાનને નાસ્તિક એવા જવન અને જૈન લોકો ભગવાન માનતા નથી. અથવા તો શ્રીકૃષ્ણને જે ભગવાન માનતા નથી તે જવન અને જૈન સરખા જ છે.
ભવ બ્રહ્માકો મદ હર્યો, કિયો ઈંદ્રમદ અંત । મુકત કહે તેહિ ના કહે, જવન જૈન ભગવંત ।।
વળી શંકર અને બ્રહ્માજીનો મદ હર્યો અને ઈંદ્રના મદનો પણ અંત આણ્યો એવા શ્રીકૃષ્ણ ભગવાનને નાસ્તિક એવા જવન અને જૈન લોકો ભગવાન માનતા નથી.
કૃષ્ણ કૃષ્ણ મુખસ કહે, મહાપાપી તરી જાત । જવન જૈન અરૂ જ્ઞાનખલ, મુકત ન તેહિ ગુન ગાત ।।
માણસ ગમે તેવો મહાપાપી હોય પણ જો મુખથી કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ એમ ત્રણવાર જો મુખથી કૃષ્ણ નામનો ઊચ્ચાર કરે તો એ મહાપાપી પણ તરી જાય છે. એવા ભગવાનને નાસ્તિક એવા જવન જૈન અને જ્ઞાનથી ખળ અથવા મૂર્ખલોકો તે ભગવાનના ગુણ ગાતા નથી.
ઓછી સમજણ વાળા શું બોલે ખબર છે ? અમે યાત્રા કરવા ગયા હતા, તો અહિ સોનાની મૂર્તિ હતી. શું તમે સોનાનાં દર્શન કરવા ગયા હતા ? આ મંદિરમાં આરસની મૂર્તિ છે, આ ઠેકાણે કાષ્ટની મૂર્તિ છે, આમ ભગવાનમાં પથ્થર અને સોનાની ભાવના કરે તેને આસ્તિક ન કહેવાય તેને નાસ્તિક કહેવાય.
જેને પ્રભુમાં પ્રેમ નહિ, વિશ્વાસ નહિ, સંત, શાસ્ત્રોમાં આસ્થા નહિ, તેને કહેવાય નાસ્તિક. મૂર્તિમાં ચિત્રની ભાવના કે પથ્થરની ભાવના નહિ રાખીને આસ્થા રાખતાં શીખવું. ભગવાન વનમાં ગયા ત્યારે જયાં શિવ મંદિર આવે ત્યાં પ્રભુ એ શિવજીની ઊપર અભિષેક કરે, પૂજન કરે, પ્રાર્થના કરે, આ સાક્ષાત્ શંભુ છે એવી ભાવના કરે.
પ્રભુમાં આસ્થા એ આસ્તિક અને જેને ભગવાનમાં આસ્થા નહિ તે નાસ્તિક. જેને શ્વાસ ચલાવનાર સર્વેશ્વરમાં વિશ્વાસ નથી તે નાસ્તિક. વિશ્વાસનું બીજું નામ છે શ્રધ્ધા.
તમારી પાસે જોખમ હોય, તમે પરદેશથી આવતા હો અને પછી તમને બાથરૂમમાં જવું હોય તો તમે તમારું જોખમ કોને સાચવવા દેશો ? જેના ઊપર તમને વિશ્વાસ હશે તેને તમારું જોખમ સાંચવવા આપશો. બીજા જે રખડતા હોય એને તમારી બેગ સાચવવા નહિ આપો. વિશ્વાસ હોય એને જ અપાય, તમે જેને તેને જોખમ સાચવવા નથી દેતા, તેમ ભગવાનને જેના ઊપર વિશ્વાસ હોય તેને જ ભગવાન કમતી વસ્તુ સાંચવવા આપે છે. ભગવાનની કમતીમાં કમતી વસ્તુ કઈ છે તમને ખબર છે ? ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, શીલ, સંતોષ, શાંતિ, દયા, શ્રધ્ધા, વિશ્વાસ, આનંદ આ સદ્ગુણોનો ભંડાર ભગવાન જેને તેને આપતા નથી, પણ ભગવાનને જેના ઊપર વિશ્વાસ છે તેને જ આપે છે. ભગવાનના વિશ્વાસ પાત્ર બનીએ એવી શ્રીજી પાસે પ્રાર્થના છે.
નાસ્તિક માણસો ભગવાનની મૂર્તિમાં પૂતળાંની અને પથ્થરની બુધ્ધિ કરે છે, પણ ભગવાનનું આવાહન કરવામાં આવે તો ભગવાનનો જરૂર આવિર્ભાવ થાય છે, ભગવાનને ભાવનાથી પૂજનારને મૂર્તિ અભિષ્ટ ફળ આપે છે.
-: તમે જ ન્યાય કરો :-
એક મહાત્માજી ભગવાનનું મંદિર બાંધે છે તેથી ઊદયપુરના રાજા પાસે ફાળો માગ્યો કે, "રાજન્ ! મંદિર માટે કાંઈક પૈસાની સેવા કરો." રાજાએ કહ્યું, "મંદિર બનાવીને શું કરશો ?" મહાત્માજીએ કહ્યું, "તેમાં ભગવાન પધરાવશું પછી તેની પૂજા કરશું, આરતી કરીશું, ભોજન જમાડીશું અને અનેક ભકતજનો તેમાં બેસીને ભજન કીર્તન કરશે."
નાસ્તિક રાજાને સત્તાનો મદ હતો. મદ કોઈ દિવસ સવળું સૂઝાડે નહિ, અભિમાન ઊંધું જ કરાવે. રાજા ઊધ્ધતાઈથી બોલ્યો, "આ દુનિયામાં ભગવાન છે જ નહિ, હું ભગવાનને માનતો નથી, ભગવાન કોઈ દિવસ પથ્થરમાં હોય જ નહિ, એવાં બધાં પૂતળાંને બેસાડીને પૂજવાથી શું વળે ? તમારા જેવા સાધુ સંતને કાંઈ બીજો ધંધો નથી તેથી ફતૂર માંડી બેઠા છો. એવા ખોટા માર્ગે હું એક ટકો પણ આપીશ નહિ, ફોટામાં શું ભગવાન હોય ?"
ત્યારે મહાત્માજીએ શાંતિથી કહ્યું, "તમારે પૈસા ન દેવા હોય તો કાંઈ વાંધો નહિ, અમને બીજા અનેક દાતાર મળી રહેશે. ભગવાનનું કાર્ય ભગવાન પોતે પૂરું કરશે. પણ ભગવાનની મૂર્તિમાં ભગવાન નથી રહેતા એ તમારી ખોટી માન્યતા છે."
ત્યારે રાજાએ કહ્યું, "સાબિત કરી બતાવો તો માનું, બાકી કેવળ વાતો કરશો તો નહિ માનું." મહાત્માજીને થયું આ નાસ્તિકને સરખી રીતે સમજાવવો પડશે.
મહાત્માજીએ કહ્યું, "સાબિત કરી દઉં, પણ તમે ગુસ્સે ન થાવ તો." રાજાએ કહ્યું, "ગુસ્સે નહિ થાઉં." પછી મહાત્માજી રાજાનો ફોટો લઈને આવ્યા. રાજા સામે એક ખુરશી ઊપર તે ફોટો રાખ્યો. પછી મહાત્માજીએ ફોટાને ફૂલનો હાર પહેરાવ્યો. આ જોઈ રાજા ખુશ થઈ ગયા.
પછી મહાત્માજીએ ફોટાને લાડુ જમાડ્યા રાજા ખુશ ખુશ થઈ ગયા, પછી પગે લાગ્યા. ત્યાં તો રાજા હાસ્ય કરીને ઉભા થઈને મહાત્માજીને બાથમાં લઈને ભેટી પડ્યા, "શાબાશ મહાત્માજી ! શાબાશ ! તમને મારા પ્રત્યે કેટલો બધો ભાવ અને પ્રેમ છે" પછી રાજા સોનાના સિંહાસન પર બેઠા, અતિ આનંદમાં હસે છે.
થોડીવાર પછી મહાત્માજી રાજાના ફોટા સામે હાથ લાંબો કર્યો, અને બોલ્યા, આ ફોટો સાવ ખોટો છે, હું એને માનતો જ નથી. એમ કહીને ફોટા ઊપર થૂંક નાખીયું, અને ફોટાને તોડીને ફકી દીધો. ફોટો તૂટી ગયો આવું જોઈને રાજાના ગુસ્સાનો પાર ન રહ્યો, અને બોલ્યો, "અરે !!! મૂર્ખ આ શું કરે છે ? સભા વચ્ચે મારું અપમાન કરે છે ? સમજે છે શું ? સિપાઈઓ એને પકડીને જેલમાં પૂરી દો."
ત્યારે મહાત્માજી શાંતિથી બોલ્યા, "રાજન્ ! ગુસ્સે ન થશો. આ ફોટો હું લાવ્યો છું, તેમાં તમને એક ટકાનો ખર્ચ નથી કરવો પડ્યો. ફેંકી દીધો ને તૂટી ગયો તો તમને નુકશાન નથી, મને નુકશાન છે. છતાં આપ કેમ ખીજાઈ જાવ છો ?
રાજાએ દાંત કચકચાવતાં કહ્યું, "નાયલાક, ગમે તેમ તોય ફોટામાં આકૃતિ તો મારી છે ને ?" મહાત્માજીએ કહ્યું, "રાજન્ ! આ ફોટામાં કાંચ, કાગળ ને લાકડું છે. આપ તો આમાં બેઠા નથી. ફોટાને હાર પહેરાવ્યો તો તમે રાજી થયા, મને ભેટી પડ્યા. ને ફોટાને ફેંકી દીધો તો ગુસ્સે થયા. તેવી જ રીતે પ્રભુની મૂર્તિની કોઈ પૂજા કરે, આરતી ઊતારે, થાળ જમાડે, વસ્ત્ર અલંકાર પહેરાવે, તો પ્રભુ તેના પર રાજી થાય છે અને જે મૂર્તિનું અપમાન કરે, તેના ઊપર ભગવાન નારાજ થાય કે નહિ ? તમે જ ન્યાય કરો." રાજા બરાબર સમજી ગયો, કે વાત સાચી છે. મારા ફોટાનું સન્માન જોઈ હું ખુશ થયો. તેમ ભગવાનનું પૂજન કરવાથી ભગવાન રાજી થાય. રાજાએ બે હાથ જોડી મહાત્માજીને વંદન કરી કહ્યું, "મહાત્માજી ! તમે મારામાં રહેલો જે નાસ્તિક ભાવ હતો તે દૂર કર્યો, બહુ સારું થયું." પછી રાજાને ભગવાન પ્રત્યે આસ્તિક ભાવ બેઠો, તેથી મંદિર બંધાવવા માટે સારી સેવા અર્પણ કરી.
અવતારના અવતારી સ્વામિનારાયણ ભગવાન અયોધ્યામાં હનુમાનગઢીએ દર્શન કરવા જાય, ત્યારે રામચંદ્રજીની મૂર્તિની પૂજા કરે, અને એક પગે ઊભા રહીને સ્તુતિ કરે.
શ્રીરામજીની મૂર્તિ આગે, કરે સ્તુતિ ઊભા એક પગે । ધન્ય ધન્ય ધન્ય રઘુપતિ, તમારો મહિમા મોટો અતિ ।।
કરી ભીલડીને તમે સનાથ, ધન્ય ધન્ય હે જાનકી નાથ ।। તમારા પદરજનો પ્રતાપ, થઈ શીલા અહીંલ્યા તે આપ ।
ભેટ્યા હનુમાનજીને ભરી બાથ, ધન્ય ધન્ય હે જાનકી નાથ ।।
ભગવાન સ્વામિનારાયણ જયાં જયાં ગયા છે, ત્યાં પોતાનાં જ આગળના સ્વરૂપો હોય અથવા તો દેવતાઓની પ્રતિમાઓ હોય તે મૂર્તિની પૂજા કરી છે. જગતના માનવ માત્રને શીખવ્યું કે આસ્તિક થજો, પણ નાસ્તિક કોઈ ન થજો. શતાનંદ સ્વામી કહે- હે પ્રભુ ! તમે આસ્તિક છો.