૧૫ પંચદશોધ્યાય: પુરુષોત્તમયોગ

Submitted by swaminarayanworld on Fri, 05/02/2016 - 6:44pm

અધ્યાય - ૧૫


श्रीपरमात्मने नमः
अथ पञ्चदशोऽध्यायः

श्रीभगवानुवाच
ऊर्ध्वमूलमधःशाखमश्वत्थं प्राहुरव्ययम् ।
छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् ॥१५- १॥

શ્રી ભગવાન કહે છે =
આદિ-પુરૂષ પરમાત્મારૂપ ઉંચે મૂળ જેનું છે. નીચે બ્રહ્માદિક શાખાઓ જેની પ્રસરેલી છે. એવા સંસારરૂપ પીપળાના વૃક્ષને અવ્યય-અવિનાશી-નિત્ય કહેછે. અને વેદો જેનાં પાંદડાં છે. આવા સમૂળ સંસાર વૃક્ષને જે યથાર્થ સમઝે છે. તેજ વેદના તાત્પર્યને જાણનારો છે. ।।૧૫- ૧।।

अधश्चोर्ध्वं प्रसृतास्तस्य शाखा
गुणप्रवृद्धा विषयप्रवालाः ।
अधश्च मूलान्यनुसंततानि
कर्मानुबन्धीनि मनुष्यलोके ॥१५- २॥

સત્ત્વાદિક ત્રણ ગુણોથી વૃદ્ધિ પામેલી અને વિષયોરૂપ સુન્દર પલ્લવ-કુંપળોવાળી એવી તે વૃક્ષની શાખાઓ નીચે અને ઉપર સર્વત્ર ફેલાઇ રહેલી છે. અને વળી મનુષ્ય લોકમાં કર્માનુસારે બન્ધાયેલાં અનેક વાસનાઓરૂપ મૂળો નીચે-ઉપર બધેય ફેલાઇ રહેલાં છે. ।।૧૫- ૨।।

न रूपमस्येह तथोपलभ्यते
नान्तो न चादिर्न च संप्रतिष्ठा ।
अश्वत्थमेनं सुविरूढमूल-
मसङ्गशस्त्रेण दृढेन छित्त्वा ॥१५- ३॥
ततः पदं तत्परिमार्गितव्यं
यस्मिन्गता न निवर्तन्ति भूयः ।
तमेव चाद्यं पुरुषं प्रपद्ये
यतः प्रवृत्तिः प्रसृता पुराणी ॥१५- ४॥

આ સંસાર-વૃક્ષનું વર્ણન કર્યું તેવું રૂપ આ લોકમાં તો ઉપલબ્ધ થતુંજ નથી. તેમજ આનો અન્ત અને આદિ પણ ઉપલબ્ધ થતો નથી અને એની સમ્પ્રતિષ્ઠા-ખરે ખરી રીતે એ શેમાં રહ્યો છે. એ પણ સમઝાતું નથી. આવા અતિ જામી ગયેલાં ઊંડાં મૂળવાળા આ સંસારવૃક્ષને અનાસક્તિરૂપ દૃઢ શસ્ત્રથી છેદી નાખીને. તે પછી કે પદ-અવિચળ સ્થાન ખોળી કાઢવું જોઇએ. કે જે સ્થાનમાં ગયેલા મુક્તાત્માઓ ફરીથી સંસાર-મંડળમાં પાછા ફરતા નથી અને તે સર્વના આદિ પુરૂષ પરમાત્માનેજ હું શરણ પામું છું. કે જે પુરૂષ-પરમાત્મા થકી આ પુરાતન સંસારપ્રવૃત્તિ ચાલેલી છે. ।।૧૫- ૩-૪।।

निर्मानमोहा जितसङ्गदोषा
अध्यात्मनित्या विनिवृत्तकामाः ।
द्वन्द्वैर्विमुक्ताः सुखदुःखसंज्ञै-
र्गच्छन्त्यमूढाः पदमव्ययं तत् ॥१५- ५॥

તે અવિચળ પદ પામનારાઓનાં લક્ષણ કહે છે જેમ ના માન-મોહાદિક નષ્ટ થઇ ગયા હોય છે. જેમણે આસક્તિરૂપ દોષને સર્વથા જીતી લીધેલો હોય છે. આત્મજ્ઞાનમાં જે નિરન્તર દઢ સ્થિતિ પામેલા હોય છે. જેમની કામનાઓ સર્વાંશે નિવૃત્ત થયેલી હોય છે. અને સુખ દુ:ખાદિક નામનાં દ્વન્દ્વો થકી સર્વથા રહિત થયેલા હોય છે. આવા અમૂઢ-જ્ઞાની જનોજ તે અવ્યય-અક્ષર પદને પામે છે. ।।૧૫- ૫।।

न तद्भासयते सूर्यो न शशाङ्को न पावकः ।
यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम ॥१५- ६॥

તે ધામને સૂર્ય પ્રકાશ કરી શકતો નથી, તેમજ ચન્દ્રમા કે અગ્નિ પણ પ્રકાશ કરી શક્તો નથી. અને જે સ્વયંપ્રકાશ ધામને પામીને પામનારા મુક્તાત્માઓ પાછા ફરતા નથી તે મારૂં પરમ-સર્વોત્કૃષ્ટ ધામ છે. ।।૧૫- ૬।।

ममैवांशो जीवलोके जीवभूतः सनातनः ।
मनःषष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति ॥१५- ७॥

આ જીવલોકમાં મારો અંશભૂત સનાતન જીવાત્મા પ્રકૃતિમાં રહેલાં અને મન જેમાં છઠ્ઠું છે. એવાં પાંચેય ઇન્દ્રિયોને પોતા તરફ ખેંચે છે-વશમાં રાખે છે. ।।૧૫- ૭।।

शरीरं यदवाप्नोति यच्चाप्युत्क्रामतीश्वरः ।
गृहित्वैतानि संयाति वायुर्गन्धानिवाशयात् ॥१५- ८॥

આ દેહનો સ્વામી-જીવાત્મા જે શરીરમાંથી નીકળે છે. તેમાંથી વાયુ પુષ્પાદિક સ્થાનમાંથી ગન્ધનેજ જેમ એમ આ મને સહિત ઇન્દ્રિયોને ગ્રહણ કરીને જે શરીરને પામે છે તેમાં તે મન-ઇન્દ્રિયોએ સહિત જાય છે. ।।૧૫- ૮।।

श्रोत्रं चक्षुः स्पर्शनं च रसनं घ्राणमेव च ।
अधिष्ठाय मनश्चायं विषयानुपसेवते ॥१५- ९॥

અને તે શરીરમાં આ જીવાત્મા શ્રોત્ર, ચક્ષુ અને ત્વચા તથા રસના અને ઘ્રાણ, તેમજ મન, આટલાંનો આશ્રય લઇને શબ્દાદિક વિષયોનું સેવન-ઉપભોગ કરે છે. ।।૧૫- ૯।।

उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितम् ।
विमूढा नानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः ॥१५- १०॥

આ પ્રમાણે શરીરમાંથી નીકળતો, શરીરમાં રહેતો, વિષયોને ભોગવતો અને સત્ત્વાદિક ગુણોએ યુક્ત જણાતો આ જીવાત્મા તેને સર્વથા મૂઢ-અજ્ઞાની જનો નથી દેખતા, પણ જ્ઞાનરૂપ ચક્ષુ જેમનાં ખૂલી ગયેલાં છે તેવા જ્ઞાની જનો તો દેખે છે- અનુભવે છે. ।।૧૫- ૧૦।।

यतन्तो योगिनश्चैनं पश्यन्त्यात्मन्यवस्थितम् ।
यतन्तोऽप्यकृतात्मानो नैनं पश्यन्त्यचेतसः ॥१५- ११॥

યત્ન કરનારા યોગીજનો જ આ શરીરમાં રહેલા આત્માને જોઇ શકેછે, પણ જેમનાં અન્તઃકરણ અશુદ્ધ-મલીન છે તેવા અજ્ઞાની જનો તો યત્ન કરવા છતાં પણ એ આત્માને નથી દેખતા. ।।૧૫- ૧૧।।

यदादित्यगतं तेजो जगद्भासयतेऽखिलम् ।
यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकम् ॥१५- १२॥

સૂર્યમંડળમાં રહેલું જે તેજ સમગ્ર જગતને પ્રકાશ કરી રહ્યું છે. તેમજ જે ચન્દ્રમંડળમાં તેજ છે, તથા અગ્નિમાં જે તેજ છે. તે તેજ મારૂં જ-મેં જ આપેલું છે એમ જાણ ! ।।૧૫- ૧૨।।

गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा ।
पुष्णामि चौषधीः सर्वाः सोमो भूत्वा रसात्मकः ॥१५- १३॥

અને હુંજ પૃથ્વીમાં પ્રવેશ કરીને મારા સામર્થ્યથી સર્વભૂતોને ધારણ કરૂ છું. તથા રસમય સ્વરૂપવાળા ચન્દ્રમારૂપે થઇને સર્વ ઔષધિઓનું હું જ પોષણ કરૂં છું અર્થાત્‌ પૃથ્વીમાં ધારણ શક્તિ અને ચન્દ્રમાં પોષક શક્તિ એ મારીજ છે. એમ તું સમઝ ! ।।૧૫- ૧૩।।

अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः ।
प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधम् ॥१५- १४॥

હું જ વૈશ્વાનર આગ્નિરૂપે થઇને પ્રાણીઓના દેહમાં રહીને પ્રાણઅપાન વાયુએ યુક્ત થકો ભક્ષ્ય-ભોજ્યાદિક ચારેય પ્રકારના અન્નને પચવું છું. ।।૧૫- ૧૪।।

सर्वस्य चाहं हृदि संनिविष्टो
मत्तः स्मृतिर्ज्ञानमपोहनं च ।
वेदैश्च सर्वैरहमेव वेद्यो
वेदान्तकृद्वेदविदेव चाहम् ॥१५- १५॥

હું જ સર્વ પ્રાણીઓના હ્રદયમાં અન્તર્યામી-અંદર રહીને નિયમન કરનારારૂપે રહેલો છું. સર્વ પ્રાણી-માત્રને સ્મૃતિ, જ્ઞાન અને વિસ્મરણ, એ બધુંય કર્મફળપ્રદાતા એવા મારા થકીજ પ્રવર્તે છે. સર્વ વેદાદિક સચ્છાસ્ત્રોથી જાણવા-સમઝવા યોગ્ય હુંજ છું. અને વેદાન્તનો કરનારો અને વેદના રહસ્યને જાણનારો પણ હું જ છું. ।।૧૫- ૧૫।।

द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च ।
क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते ॥१५- १६॥

(માટેજ વેદના રહસ્થાર્થ રૂપ તત્ત્વત્રયને નિરૂપણ કરતાં પોતેજ કહે છે-) આ લોકમાં બે પુરૂષ છે. એક ક્ષર અને બીજો અક્ષર. સર્વ ભૂત-પ્રાણીમાત્ર ક્ષર-બદ્ધ પુરૂષ જીવાત્મા છે. અને બીજો કૂટસ્થ શુદ્ધ નિર્વિકાર અક્ષર-મુક્ત પુરૂષ છે. એમ કહેવાય છે. ।।૧૫- ૧૬।।

उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहृतः ।
यो लोकत्रयमाविश्य बिभर्त्यव्यय ईश्वरः ॥१५- १७॥

અને ઉત્તમ પુરૂષ ભગવાન તો એ બન્નેથી જુદાજ છે. અને પરમાત્મા એવા નામે કહેલા છે. કે જે-ત્રણેય લોકમાં અન્તર્યામિભાવે પ્રવેશ કરીને તેને ધારણ કરે છે. અને સ્વરૂપથી જે નિર્વિકાર છે. અને તે સર્વના ઇશ્વર-સ્વામી એવા શ્રીનારાયણ છે. ।।૧૫- ૧૭।।

यस्मात्क्षरमतीतोऽहमक्षरादपि चोत्तमः ।
अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः ॥१५- १८॥

હે અર્જુન ! જે કારણથી હું ક્ષરથી-સર્વ પ્રાણીવર્ગથી સ્વભાવથી અતીત-ન્યારો છું અને શુદ્ધ બ્રહ્મ અક્ષર-મુક્ત કરતાંય હું સ્વરૂપ- સ્વભાવથી પણ અતિશય ઉત્તમ-સર્વોપરિ છું. માટે સકળ લોકમાં અને વેદોમાં પણ હું પુરૂષોત્તમ એવા મારા અસાધારણ નામથી પ્રસિદ્ધ છું. ।।૧૫- ૧૮।।

यो मामेवमसंमूढो जानाति पुरुषोत्तमम् ।
स सर्वविद्भजति मां सर्वभावेन भारत ॥१५- १९॥

હે ભારત ! જે જ્ઞાની ભક્ત મને આ પ્રમાણે ચોખ્ખી રીતે સાક્ષાત્‌ પુરૂષોત્તમ જાણે છે. તે સર્વ વાતને તત્ત્વથી સમઝનારો છે. અને તે સર્વભાવથી-પ્રકારથી મનેજ ભજે છે-મારીજ ઉપાસના કરે છે. ।।૧૫- ૧૯।।

इति गुह्यतमं शास्त्रमिदमुक्तं मयानघ ।
एतद्‌बुद्ध्वा बुद्धिमान्स्यात्कृतकृत्यश्च भारत ॥१५- २०॥

હે નિર્દોષ અર્જુન ! આ પ્રમાણે આ રહસ્ય ગોપનીય શાસ્ત્ર મેં તને કહ્યું છે. આ શાસ્ત્રને આ કહ્યું એમ સમઝીને માણસ બુદ્ધિમાન્‌-તત્ત્વવેત્તા થાય છે. અને કૃતાર્થ થઇ જાય છે. ।।૧૫- ૨૦।।

ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुन संवादे पुरुषोत्तमयोगो नाम पञ्चदशोऽध्यायः ॥ १५ ॥

ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે પુરૂષોત્તમયોગો નામ પંચદશોઽધ્યાયઃ ।।૧૫।।