૧૪ ચતુર્દશોધ્યાય: ગુણત્રયવિભાગયોગ

Submitted by swaminarayanworld on Fri, 05/02/2016 - 6:41pm

અધ્યાય - ૧૪


श्रीपरमात्मने नमः
अथ चतुर्दशोऽध्यायः

श्रीभगवानुवाच
परं भूयः प्रवक्ष्यामि ज्ञानानां ज्ञानमुत्तमम् ।
यज्ज्ञात्वा मुनयः सर्वे परां सिद्धिमितो गताः ॥१४- १॥

શ્રી ભગવાન કહે છે =
સઘળાં જ્ઞાનોના મધ્યે અતિ ઉત્તમ મારૂં પરમ જ્ઞાન હું તને ફરીથી કહું છું. જે જ્ઞાનને જાણીને-સમઝીને સર્વ મુનિઓ આ સંસારમાંથી મુક્ત ભાવને પામીને પરમ સિદ્ધિ પામી ગયા છે. ।।૧૪- ૧।।

इदं ज्ञानमुपाश्रित्य मम साधर्म्यमागताः ।
सर्गेऽपि नोपजायन्ते प्रलये न व्यथन्ति च ॥१४- २॥

આ જ્ઞાનને આશરીને મારા સાધર્મ્યરૂપ પરમ મુક્તિને પામેલા મુકતાત્માઓ સર્ગના આરંભમાં ઉત્પન્નેય થતા નથી અને પ્રલય વખતે કોઇ વ્યથા-વિકારને પણ પામતા નથી. ।।૧૪- ૨।।

मम योनिर्महद्ब्रह्म तस्मिन्गर्भं दधाम्यहम् ।
संभवः सर्वभूतानां ततो भवति भारत ॥१४- ३॥
सर्वयोनिषु कौन्तेय मूर्तयः संभवन्ति याः ।
तासां ब्रह्म महद्योनिरहं बीजप्रदः पिता ॥१४- ४॥

હે ભારત ! જગત્ના કારણભૂત મારી મહત્‌-બ્રહ્મરૂપ માયા તેમાં હું ચેતનસમુદાયરૂપ ગર્ભ ધારણ કરૂં છું-સ્થાપન કરૂં છું. અને તેમાંથી સર્વ ભૂત-પ્રાણીમાત્રની ઉત્પત્તિ થાય છે. હે કૌન્તેય ! નાના પ્રકારની સઘળી યોનિઓમાં જે જે શરીરધારી પ્રાણીઓની આકૃતિઓ ઉત્પન્ન થાય છે. તે સર્વની ગર્ભ ધારણ કરનારી માતાને સ્થાને મહત્‌ બ્રહ્મ માયા છે. અને તેમાં બીજ સ્થાપનારો પિતા હું છું. ।।૧૪- ૪।।

सत्त्वं रजस्तम इति गुणाः प्रकृतिसंभवाः ।
निबध्नन्ति महाबाहो देहे देहिनमव्ययम् ॥१४- ५॥

હે મહાબાહો ! સત્ત્વ, રજ અને તમ એ ત્રણેય ગુણ પ્રકૃતિ- માયામાંથી ઉત્પન્ન થયેલા છે. તે અવ્યય-વિકારશૂન્ય અક્ષરઅવિ નાશી જીવાત્માને શરીરમાં બાંધે છે. ।।૧૪- ૫।।

तत्र सत्त्वं निर्मलत्वात्प्रकाशकमनामयम् ।
सुखसङ्गेन बध्नाति ज्ञानसङ्गेन चानघ ॥१४- ६॥

હે નિર્દોષ અર્જુન ! તે ત્રણ ગુણોમાં સત્ત્વગુણ નિર્મળ હોવાથી પ્રકાશ કરનારો અને નિર્વિકાર છે. તે આ જીવાત્માને સુખાસક્તિથી અને જ્ઞાનસક્તિથી બંધનમાં નાખે છે. ।।૧૪- ૬।।

रजो रागात्मकं विद्धि तृष्णासङ्गसमुद्भवम् ।
तन्निबध्नाति कौन्तेय कर्मसङ्गेन देहिनम् ॥१४- ७॥
तमस्त्वज्ञानजं विद्धि मोहनं सर्वदेहिनाम् ।
प्रमादालस्यनिद्राभिस्तन्निबध्नाति भारत ॥१४- ८॥

હે કૌન્તેય ! રજોગુણ રાગરૂપ છે. અને તે તૃષ્ણા અને આસક્તિનું ઉત્પત્તિસ્થાન છે. એમ જાણ ! માટે તે દેહધારી જીવાત્માને કર્મમાં અને તેના ફળમાં આસક્તિથી દેહમાં બાંધે છે. સર્વ દેહધારીઓને મોહ ઉપજાવનારો તમોગુણ અજ્ઞાનથી થયેલો જાણ ! અને હે ભારત ! તેથી તે તમોગુણ જીવાત્માને પ્રમાદ, આળસ્ય અને નિદ્રા-ખૂબ ઉંઘવું, એવા એવા દુર્ગુણોથી દેહમાં બાંધે છે. ।।૧૪- ૭-૮।।

सत्त्वं सुखे संजयति रजः कर्मणि भारत ।
ज्ञानमावृत्य तु तमः प्रमादे संजयत्युत ॥१४- ९॥

હે ભારત ! સત્ત્વગુણ સુખમાં જોડે છે, રજોગુણ કર્મમાં જોડે છે. અને તમોગુણ તો જ્ઞાનને ઢાંકી દઇને પ્રમાદમાં પૂરેપૂરો નાખી દે છે. ।।૧૪- ૯।।

रजस्तमश्चाभिभूय सत्त्वं भवति भारत ।
रजः सत्त्वं तमश्चैव तमः सत्त्वं रजस्तथा ॥१४- १०॥

હે ભારત ! કયારેક રજોગુણ અને તમોગુણને દબાવીને સત્ત્વગુણ વૃદ્ધિ પામે છે. તેમજ કયારેક સત્ત્વગુણ અને તમોગુણને દબાવીને રજોગુણ વધી જાય છે. અને કયારેક સત્ત્વગુણ અને રજોગુણને દબાવીને તમોગુણ વધી જાય છે. ।।૧૪- ૧૦।।

सर्वद्वारेषु देहेऽस्मिन्प्रकाश उपजायते ।
ज्ञानं यदा तदा विद्याद्विवृद्धं सत्त्वमित्युत ॥१४- ११॥

જ્યારે આ દેહમાં ઇન્દ્રિયોરૂપ સર્વ દ્વારમાં અને અન્તઃકરણમાં પ્રકાશ-ચેતનતા અને જ્ઞાન ઉત્પન્ન થયેલું હોય ત્યારે સત્ત્વગુણ વૃદ્ધિ પામેલો છે એમ જાણવું જોઇએ. ।।૧૪- ૧૧।।

लोभः प्रवृत्तिरारम्भः कर्मणामशमः स्पृहा ।
रजस्येतानि जायन्ते विवृद्धे भरतर्षभ ॥१४- १२॥

હે ભરતર્ષભ ! જ્યારે રજોગુણ વૃદ્ધિ પામે છે. ત્યારે લોભ, પ્રવૃત્તિ અને કર્મોનો સકામ ભાવે આરંભ કરવો, અશાન્તિ અને વિષયભોગની લાલસા એ સઘળાં વધે છે. ।।૧૪- ૧૨।।

अप्रकाशोऽप्रवृत्तिश्च प्रमादो मोह एव च ।
तमस्येतानि जायन्ते विवृद्धे कुरुनन्दन ॥१४- १३॥

હે કુરૂનન્દન ! તમોગુણ જ્યારે વૃદ્ધિ પામે છે ત્યારે અન્તઃકરણમાં અને ઇન્દ્રિયોમાં અપ્રકાશ, કરવા યોગ્ય કર્મોમાં પણ અપ્રવૃત્તિ, તેમજ પ્રમાદ-અસાવધાનતા અને મોહ-નિદ્રા વિગેરે મોહિની વૃત્તિઓ, આ સઘળું ઉત્પન્ન થઇ આવે છે. ।।૧૪- ૧૩।।

यदा सत्त्वे प्रवृद्धे तु प्रलयं याति देहभृत् ।
तदोत्तमविदां लोकानमलान्प्रतिपद्यते ॥१४- १४॥

જ્યારે સત્ત્વગુણ વૃદ્ધિ પામેલો હોય અને જો તે સમયમાં દેહધારી પ્રાણી પ્રલય-મૃત્યુ પામે છે. ત્યારે તો ઉત્તમ કર્મ કરનારા પુણ્યશાળી લોકોને પ્રાપ્યભૂત એવા નિર્મળ સ્વર્ગાદિક લોકોને પામે છે. ।।૧૪- ૧૪।।

रजसि प्रलयं गत्वा कर्मसङ्गिषु जायते ।
तथा प्रलीनस्तमसि मूढयोनिषु जायते ॥१४- १५॥

રજોગુણ વૃદ્ધિ પામેલા સમયમાં મરણ પામીને મનુષ્ય કર્મમાં આસક્તિવાળા મનુષ્યોમાં જન્મ પામે છે. અને તમોગુણ વધેલા વખતમાં મરણ પામીને પશુપક્ષી આદિક મૂઢ યોનિમાં જન્મે છે. ।।૧૪- ૧૫।।

कर्मणः सुकृतस्याहुः सात्त्विकं निर्मलं फलम् ।
रजसस्तु फलं दुःखमज्ञानं तमसः फलम् ॥१४- १६॥

સુકૃત- સાત્ત્વિક કર્મનું ફળ તો જ્ઞાન-સુખ આદિક સાત્ત્વિકજ નિર્મળ ફળ કહેલું છે. રાજસ કર્મનું ફળ દુ:ખ દુ:ખમય છે. અને તામસ કર્મનું ફળ અજ્ઞાન-મોહ વિગેરે છે. ।।૧૪- ૧૬।।

सत्त्वात्संजायते ज्ञानं रजसो लोभ एव च ।
प्रमादमोहौ तमसो भवतोऽज्ञानमेव च ॥१४- १७॥

સત્ત્વગુણ થકી જ્ઞાન ઉત્પન્ન થાય છે. અને રજોગુણ થકી તો નિશ્ચે લોભજ ઉત્પન્ન થાય છે. અને તમોગુણ થકી પ્રમાદ અને મોહ ઉપજે છે. તેમજ અજ્ઞાન પણ ઉપજે છે જ. ।।૧૪- ૧૭।।

ऊर्ध्वं गच्छन्ति सत्त्वस्था मध्ये तिष्ठन्ति राजसाः ।
जघन्यगुणवृत्तिस्था अधो गच्छन्ति तामसाः ॥१४- १८॥

સત્ત્વગુણમાં રહેનારા પુરૂષો સ્વર્ગાદિક ઊંચા લોકોમાં જાય છે. રજોગુણમાં રહેનારા રાજસ પુરૂષો મધ્ય-માનવ લોકમાં રહે છે. અને તમોગુણના કાર્યરૂપ નિદ્રા પ્રમાદ અને આલસ્યાદિક હલકા દોષોમાં રહેનારા તામસ પુરૂષો પશુ આદિક નીચ યોનિઓમાં જાય છે. ।।૧૪- ૧૮।।

नान्यं गुणेभ्यः कर्तारं यदा द्रष्टानुपश्यति ।
गुणेभ्यश्च परं वेत्ति मद्भावं सोऽधिगच्छति ॥१४- १९॥

જ્યારે દ્રષ્ટા-જીવાત્મા ત્રણ ગુણો સિવાય બીજા કોઇને કર્તા નથી દેખતો-સમઝતો. અને ત્રણેય દુણોથી પર રહેલા પોતાના સ્વરૂપને તેમજ પરમાત્મસ્વરૂપને યથાર્થ સમઝે છે. ત્યારે તે પુરૂષ મારા સ્વરૂપને પામે છે. ।।૧૪- ૧૯।।

गुणानेतानतीत्य त्रीन्देही देहसमुद्भवान् ।
जन्ममृत्युजरादुःखैर्विमुक्तोऽमृतमश्नुते ॥१४- २०॥

દેહી-જીવાત્મા દેહના કારણભૂત એ ત્રણેય ગુણોને ઉલ્લંઘન કરીને ગુણાતીત થઇને જન્મ, મૃત્યું, જરા એ આદિક દુ:ખોથી વિમુક્ત થઇને અમૃતને-મોક્ષને પામે છે. ।।૧૪- ૨૦।।

अर्जुन उवाच
कैर्लिङ्गैस्त्रीन्गुणानेतानतीतो भवति प्रभो ।
किमाचारः कथं चैतांस्त्रीन्गुणानतिवर्तते ॥१४- २१॥

અર્જુન પૂછે છે =
આ ત્રણ ગુણોને અતિક્રમણ કરીને રહેલો પુરૂષ કયાં કયાં લક્ષણોથી ઓળખાય છે ? અને તે કેવા આચારવાળો હોય છે ? તેમજ હે પ્રભો ! એ ત્રણ ગુણોને એ કેવી રીતે અતિક્રમણ કરીને વર્તે છે ? ।।૧૪- ૨૧।।

श्रीभगवानुवाच
प्रकाशं च प्रवृत्तिं च मोहमेव च पाण्डव ।
न द्वेष्टि संप्रवृत्तानि न निवृत्तानि काङ्क्षति ॥१४- २२॥

શ્રી ભગવાન કહે છે =
હે પાંડવ ! પ્રકાશ, પ્રવૃત્તિ અને મોહ એ સઘળાં ત્રણ ગુણનાં કર્મો પ્રવર્તેલાંને નથી દ્વેષ કરતો, કે નિવૃત્તિ પામેલાંને નથી આકાંક્ષા કરતો. ।।૧૪- ૨૨।।

उदासीनवदासीनो गुणैर्यो न विचाल्यते ।
गुणा वर्तन्त इत्येव योऽवतिष्ठति नेङ्गते ॥१४- २३॥

જે ઉદાસીનની માફક વર્તતો રહીને ગુણો જેને ચળાયમાન કરી શકતા નથી અને સઘળું ગુણો જ કરી રહ્યા છે એમ માનીને જે સ્વસ્વરૂપાનુસન્ધાન રાખીને પરમાત્મસ્વરૂપમાં સ્થિર વર્તે છે. તો તે પોતાની બ્રહ્મસ્થિતિ થકી કયારેય ચળાયમાન થતો નથી. ।।૧૪- ૨૩।।

समदुःखसुखः स्वस्थः समलोष्टाश्मकाञ्चनः ।
तुल्यप्रियाप्रियो धीरस्तुल्यनिन्दात्मसंस्तुतिः ॥१४- २४॥
मानापमानयोस्तुल्यस्तुल्यो मित्रारिपक्षयोः ।
सर्वारम्भपरित्यागी गुणातीतः स उच्यते ॥१४- २५॥

જે સુખ દુ:ખમાં સમ વર્તે છે. અખંડ સ્વસ્વરૂપમાં જ રહે છે. કચરો, પત્થર અને કાંચન એ સઘળું જેને સરખું જ છે. પ્રિયઅિપ્રયનો સંયોગ પણ જેને તુલ્ય જ ભાસે છે. સદાય ધીરજ રાખનારો છે. અને પોતાની નિંદા અને શ્લાઘા પણ જેને સરખીજ લાગે છે. જે માન-અપમાનમાં પણ સમાન રહે છે. મિત્રપક્ષમાં અને શત્રુપક્ષમાં પણ જે સમાન વર્તે છે અને સર્વ આરંભમાત્રનો પરિત્યાગ કરનારો જે છે. તે પુરૂષ ગુણાતીત એવા નામે કહેવાય છે. ।।૧૪- ૨૪-૨૫।।

मां च योऽव्यभिचारेण भक्तियोगेन सेवते ।
स गुणान्समतीत्यैतान्ब्रह्मभूयाय कल्पते ॥१४- २६॥

હવે-ગુણાતીત થવાનો ઉપાય-પ્રકાર કહે છે વળી-જે મને અવ્યભિચારી-નિશ્ચળ ભક્તિયોગથી નિરન્તર સેવે છે-ભજે છે. તે પુરૂષ આ ત્રણેય ગુણોને ઉલ્લંઘન કરીને બ્રહ્મરૂપ થવાને માટે યોગ્ય બને છે. ।।૧૪- ૨૬।।

ब्रह्मणो हि प्रतिष्ठाहममृतस्याव्ययस्य च ।
शाश्वतस्य च धर्मस्य सुखस्यैकान्तिकस्य च ॥१४- २७॥

કારણ કે- અવિકારી અને અવિનાશી અમૃતસ્વરૂપ બ્રહ્મની પ્રતિષ્ઠા આશ્રય-આધાર હુંજ છું. તેમજ શાશ્વત-સનાતન એકાન્તિક ધર્મનો અને એકાન્તિક-આત્યન્તિક સુખ-આનન્દનો આશ્રય પણ હું જ છું. ।।૧૪- ૨૭।।

ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे गुणत्रयविभागयोगो नाम चतुर्दशोऽध्यायः ॥१४॥

ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે ગુણત્રયવિભાગયોગો નામ ચતુર્દશોઽધ્યાયઃ ।।૧૪।।