મંત્ર (૨૬) ૐ શ્રી જ્ઞાનિને નમઃ
શતાનંદ સ્વામી કહે છે, હે પ્રભુ ! તમે જ્ઞાની છો. તમને જ્ઞાનનો સાક્ષાત્કાર થાય છે. જ્ઞાની કોને કહેવાય ? ચાર પાંચ ભગવાનની વાત કરતાં આવડી જાય એને જ્ઞાની ન કહેવાય. અક્કડ ન બને, અભિમાની ન હોય, જ્ઞાની કયારેય ભારે ન બને, જ્ઞાની કયારેય અતિ ક્રોધ ન કરે, જ્ઞાની કોઈની સામે બાઝે નહિ, જ્ઞાનીની કક્ષા બહુ જ ઊંચી છે, જેમાં બિલ્કુલ અહં ન હોય, સાદગી, સરળતા, અને નમ્ર સ્વભાવ હોય તેને જ્ઞાની કહેવાય. બાકી તો બધા માહિતીવાળા છે.
-: જ્ઞાનીના જ્ઞાન દાતા ભગવાન છે :-
જ્ઞાની કોને કહેવાય ? જેને ચાર શાસ્ત્રનો પૂરો અનુભવ અને જ્ઞાન હોય, તેને જ્ઞાની કહેવાય. ચાર શાસ્ત્ર કયાં ? સાંખ્ય, યોગ, વેદાંત અને પંચરાત્ર આ ચાર શાસ્ત્રનું પૂરું હોય તેને જ્ઞાની કહેવાય, એક શાસ્ત્રનું જેને જ્ઞાન હોય તેને પા જ્ઞાની કહેવાય, બે શાસ્ત્રનું જ્ઞાન હોય તેને અર્ધો જ્ઞાની કહેવાય, ત્રણ શાસ્ત્રનું જેને સમજણ સહિત જ્ઞાન હોય તેને પોણો જ્ઞાની કહેવાય અને ચાર શાસ્ત્રને જે બરાબર જાણે એને પૂરો જ્ઞાની કહેવાય.
પ્રભુ ચાર શાસ્ત્રના જ્ઞાની છે, જ્ઞાનના નિધિ છે, જ્ઞાનના સાગર છે. ભગવાન સ્વામિનારાયણને ઘણા વિદ્વાનો મળ્યા. કોઈ અદ્વૈત મતવાળા મળ્યા, કોઈ દ્વૈત મતવાળા મળ્યા. કોઈ કહે બ્રહ્મ જ સત્ય છે. કોઈ કહે જીવ, ઈશ્વર અને માયા જ સત્ય છે, કોઈ કહે આ બધું ઈશ્વર જ કરે છે. કોઈ કહે આ બધું માયા જ કરે છે, આમ અલગ અલગ વાત કરે છે. ત્યારે પ્રભુ તેમને વેદ વેદાંત અને ઊપનિષદને માધ્યમ બનાવી બરાબર સમજાવે છે. પ્રભુ આવા જ્ઞાની છે.
જગતમાં, સંતોમાં, વિદ્વાનોમાં, આચાર્યોમાં, બધાને જ્ઞાન આપનારા પ્રભુ પુરુષોત્તમ નારાયણ છે. વચનામૃત શાસ્ત્ર સ્વયં પુરુષોત્તમ નારાયણની દિવ્ય વાણી જ્ઞાનથી જ ભરેલું છે. ગીતાશાસ્ત્ર પણ જ્ઞાનથી જ ભરેલું છે, તેમાં ભગવાનની દિવ્ય મધુર વાણી રહેલી છે. વેદ પણ ભગવાનના મુખમાંથી પ્રગટ થયા છે.
જગતમાં જ્ઞાન પ્રસર્યું છે તે ભગવાનમાંથી જ પ્રસર્યું છે. જ્ઞાનીના જ્ઞાનદાતા ભગવાન જ છે. વેદનું તાત્પર્ય ભગવાન જ બરાબર સમજી શકે, બાકી કોઈ જાણી શકે નહિ. શ્રીજીમહારાજ વારંવાર જ્ઞાન આપે કે, હે સંતો ! સજાગ રહેજો, માયા સંતો ઊપર ખીજાણી છે. સંતો મૂર્તિમંત માયા સામે નજર ન કરે, પૈસાને અડે નહિ, તેથી તે માયા વેર વાળવા તૈયાર ઉભી છે. સાવધાન રહેજો.
સંતો માયાને કીધી ખુવાર, વેર વાળવા થઈ છે તૈયાર ।
કળિયુગ રહ્યો લાગ તપાસે, ફાવશે તો બળવાન થાશે ।।
શ્રીજીમહારાજ કહે છે, હે સંતો ! જરાય ગાફેલ ન રહેજો, કલિયુગ લાગ જુએ છે, જો માયાનું ચિંતન કરશો, તો કલિયુગ ઘર કરીને તમારામાં બેસી જશે, માટે ચેતતા રહેજો. જુઓ નળરાજામાં કલિયુગે પ્રવેશ કર્યો તો હેરાન હેરાન થઈ ગયા, જરાય અપવિત્રતા ન રાખજો, અંદર અને બહાર પવિત્ર રહેજો. મનથી અને તનથી પવિત્ર રહેજો. શ્રીહરિ કહે છે :-
જન્મ મૃત્યુ તણી હોય બીક, થાશો નહિ માયામાં આસકત ।
રાજપાટ બંધનકારી જેવું, છે તુંબડું બંધનકારી એવું ।।
જન્મ મરણની બીક હોય, ફરીથી કોઈ માતાના ગર્ભમાં ન જવું હોય તો, નિર્વાસનિક થઈને પ્રભુનું ભજન કરજો, રાજપાટ કે ગામ ગરાસ જ બંધનકારી છે એવું નથી, નાની સૂની વસ્તુમાં પણ જો જીવ બંધાઈ જાય તો તે વસ્તુ પણ બંધનકારી થાય છે.
વેદ વ્યાસનું ભાગવત પણ પરમાત્માના જ્ઞાનથી જ પ્રગટ્યું છે અને વાલ્મીકિનું રામાયણ અને તુલસીદાસનું રામાયણ પણ ભગવાનના જ્ઞાનથી જ પ્રગટ્યું છે. રામાનુજાચાર્ય, શંકરાચાર્ય, વલ્લભાચાર્યના જે સિધ્ધાંતો છે તે પણ પરમાત્માના જ્ઞાનથી જ પ્રગટ્યા છે.
પ્રભુ તમે જ્ઞાનના નિધિ છો, આ મંત્ર સમજવા જેવો છે. દરેકના મનમાં ઓછા વત્તા અંશે એવી માન્યતા હોય છે, કે હું બરાબર સમજુ છું, પછી ભલે એ કાંઈ ન સમજતો હોય. મૂર્ખમાં મૂર્ખ મનુષ્ય પોતાને મૂર્ખ માનતો નથી. તેમાં વડી બે પાંચ ભગવાનની વાત આવડી જાય એવા લોકો પોતાને જ્ઞાની માની લે છે, એ કાંઈ યોગ્ય વાત નથી. પરંતુ એ સાવ ખોટું જ્ઞાનીપણાનું અભિમાન છે, તો સાચો જ્ઞાની કોને જાણવો ? એનાં લક્ષણ શું ?
જેનામાં કોઈ પ્રકારનો વિકાર ન હોય, ક્રોધ ન હોય, પ્રભુ સિવાય કયાંય પ્રીતિ ન હોય, પોતાની ઈંદ્રિયો જીતી લીધી હોય, ક્ષમા અને દયા અખંડ રહેલા હોય, વાણીમાં વિવેક, વિનય અને નમ્રતા હોય એને સાચો જ્ઞાની કહેવાય. હર્ષ, શોકથી પર હોય, મોહ અને માન મોટપ ન હોય, આ જગતથી નિર્વાસનિક હોય, સદા હરિ-ભજનમાં ગરકાવ હોય તેને સાચો જ્ઞાની કહેવાય. હર હમેશાં એવા ભકતજનો ભગવાન પાસે બે હાથ જોડીને ગાતા હોય છે કે, હે ભગવાન ! અમને એવી સદબુદ્ધિ આપો કે અમે તમને ભૂલીએ નહિ. પ્રેમાનંદસ્વામીના કંઠથી ઘૂંટાયેલા સ્વરની ઝલક માણીએ.
વિસરી માં જાશો વહાલા મારા શ્યામળિયા ગિરિધારી રે, વારે વારે કહું છું વહાલા અરજ એ છે મારી રે. વિસરી૦
અમ જેવા ઘણા તમને, મને આશા તમારી રે, તે માટે રાખજો વહાલા, મને પોતાની સંભારી રે.વિસરી૦
અધર અમૃત પાજો રસિયાજી બોલાવી રે, પાતળિયા પાવન કરજો મંદિરે મારે આવી રે. વિસરી૦
સાચી સંપત્તિ એક જ છે, જેટલા ભગવાન યાદ આવે તે સંપત્તિ, ને ભગવાન ભૂલાય એ વિપત્તિ. જ્ઞાની તો એને જ કહેવાય જે એક ક્ષણ પણ ભગવાનથી દૂર ન જાય, અખંડ હરિને હૃદયમાં ધારી રાખે. પ્રેમાનંદ કહે છે.
પ્રેમ સખી મોહી છે વહાલા, રાજીવ નેણે રે, બીજું નવ માગું વહાલા, બોલાવજો મીઠે વેણે રે... વિસરી૦
આવા ઊત્તમ કોટિ મુકતના પણ જ્ઞાનદાતા ભગવાન છે, આત્માને જો સત્સંગ દ્વારા જ્ઞાન મળે તો જીવને અવિનાશી પદની પ્રાપ્તિ થાય છે, તમારો તો બેડો પાર થાય, પણ તમે જે કુળમાં જન્મ્યા હો તે કુળનો પણ ઊદ્ધાર થાય છે. જેની પાસે દુનિયાભરની સત્તા હોય, સંપત્તિ હોય પણ જો પરમાત્મા સંબંધી જ્ઞાન નથી તો તેને હૃદયમાં શાંતિ નથી, શાંતિ નથી તો સુખ કયાંથી ? જ્ઞાનના સાગર સહજાનંદસ્વામીને નમસ્કાર કરી, શતાનંદસ્વામી ૨૭ માં મંત્રનો ઊચ્ચાર કરે છે.