મંત્ર (૨૭) ૐ શ્રી પરમહંસાય નમઃ

Submitted by swaminarayanworld on Sat, 27/02/2016 - 4:28pm

મંત્ર (૨૭) ૐ શ્રી પરમહંસાય નમઃ

શતાનંદ સ્વામી કહે છે, પ્રભુ ! તમે પરમહંસ છો, અને વચનામૃતમાં શ્રીજીમહારાજ સંતોને પરમહંસ કરીને સંબોધે છે. હે પરમહંસો ! તમે આગળ આવો. એમ કહીને પ્રશ્ન પૂછે છે, શિક્ષાપત્રીમાં પ્રભુએ કહ્યું છે, પરમહંસ એવા જે મારા સાધુ તેમણે જડભરતની જેમ વર્તવું, શ્રીજીમહારાજ સાધુને પરમહંસ કહીને બોલાવે છે, ત્યારે આ જનમંગલના મંત્રમાં શતાનંદજી શ્રીજીમહારાજને પરમહંસ કહે છે, તો ભગવાન પરમહંસ કે એના સાધુ પરમહંસ ?

હંસમાં એક ગુણ છે. તે નીર અને ક્ષીરને જુદાં કરવાની શકિત ધરાવે છે. પાણી અને દૂધ ભેળાં થઈ જાય પછી પાણી અને દૂધ જુદાં ન થઈ શકે પણ હંસ દૂધ પી જશે અને પાણી પડ્યું રહેશે. એજ રીતે સાધુ દેહ અને આત્માને બરાબર સમજી જાણે છે તેથી સીધુને પરમહંસ કહ્યા છે, સાધુ દેહમાં રહેવા છતાં આત્મારૂપે વર્તે છે. સાધુ દેહદર્શી નથી,આત્માદર્શી છે.

સાધુને હંસની ઊપમા એટલે આપી છે કે એ દેહ અને આત્માને બરાબર સમજી જાણે છે, દેહમાં રહેવા છતાં આત્મારૂપે વર્તે છે, દેહ દર્શી નથી, પણ આત્માદર્શી છે.

-: સત્ ચિત્ ને આનંદ તે હું છું :-

શ્રીજીમહારાજ સંતોને હંસ કહે છે, સાધુ સંતો સદાય એમ માને છે કે, હું આત્મા છું, સત્ ચિત્ ને આનંદ તે હું છું. દેહ છે તે હું નથી, પણ એની અંદર આત્મા છે, તે ચૈતન્ય છે, તે હું છું. દેહને દુઃખ થાય છે પણ આત્માને દુઃખ નથી. શરીર નાશ પામે છે, આત્મા નાશ પામતો નથી. શરીર અંધકારમય છે, આત્મા પ્રકાશિત છે. શરીર જડ છે, આત્મા ચૈતન્ય તત્ત્વ છે. આવી રીતે જેને અખંડ ચિંતન  હોય તેને કહેવાય હંસ.

દેહભાવ કાઢી નાખે અને આત્મારૂપે વર્તે પછી શું કરવું ? પછી પ્રભુના દાસ થઈને રહેવું. ઋષભદેવ પણ પરમહંસ રૂપે રહ્યા છે, અને પરમહંસોના ધર્મ પ્રવર્તાવ્યા છે. તમને બધા અવતારના ગુણ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનમાં જોવા મળશે. પોતે પરમહંસ તરીકે રહ્યા અને એવા સંતો તૈયાર કર્યા.

પરમહંસ કોને કહેવાય ? નિવૃત્તિ પ્રધાન જીવન ગાળે, પૂર્ણ નિર્વિકારપણે રહેતા હોય તેને કહેવાય પરમહંસ, પરમ એટલે ઊત્તમ, કેવું ઊત્તમ જીવન હોય પરમહંસનું ખબર છે ? જળકમળવત, કમળ પાણીમાં રહે પણ એને પાણી સ્પર્શ ન કરે. પાંદડાં ઊપર ઝાકળનાં ટીપાં પડે તો સરકી જાય, તેમ સાધુ સંતો આ જગતમાં રહે પણ જગતનાં ઝાંઝવાંનાં જળનું એને પ્રલોભન હોય નહિ, તુચ્છ થઈ જાય.

સંસારીનાં સુખ એવાં ઝાંઝવાનાં પાણી જેવાં । તુચ્છ જાણી આશા ટાળી રે, શિરને સાટે વર્યા મેં તો વનમાળી રે ।।

આ દુનિયામાં રહે પણ એક પરમાત્માના સ્વરૂપનો જ સ્વાદ લે. બીજા સ્વાદ બધા ફિક્કા થઈ જાય. ઝાંઝવાનાં જળને મૂકી દે છે, ને દૂધરૂપી પ્રભુનાં સ્મરણનું પાન કરે છે.

ધ્યાન દો ! દૂધ અને પાણી સાથે હોય તો દૂધ જેવું દૂધ જ દેખાય, પાણી ન દેખાય, તેમ સંતો આ જગતમાં રહે, બીજા માણસ જેવા જ દેખાય પણ સંતોમાં અને માયામાં ખૂંચેલા જીવમાં આકાશ અને પાતાળ જેટલો ફરક છે. સંતો દૂધનું પાન કરે છે, સંસારના પાણી એને ડૂબાડતાં નથી, તેથી તેને પરમહંસ કહેવાય છે. આવા પરમહંસના પણ પરમહંસ ભગવાન છે.

હંસ કયાં રહે છે ખબર છે ? હંસ માનસરોવરના કિનારે રહે છે, હંસ કયારેય પણ ગટર કે ઊકરડા ઊપર બેસે નહિ, ત્યાં ભૂલે ચૂકે પણ ઊતરતા નથી. હંસ આહાર વિહાર માનસરોવરના કિનારા ઊપર જ કરે છે. તેમ પરમહંસો છે, તે ભક્તિના માનસરોવરના કિનારે જ રહે છે, સત્સંગના કિનારે રહે છે, ભૂલે ચૂકે પણ ગટર અને ઊકરડા જેવા કુસંગમાં જતા નથી.

કુસંગી હોય તે ગટર જેવી હોટલ, સિનેમા, જુગાર અને દારૂના કિનારે બેસી જાય છે, અને જિંદગી બરબાદ કરે છે. હંસ જેવા બળીયા જીવ માનસરોવરના કિનારે જ આહાર વિહાર કરે, જમે, રમે, ફરે અને આનંદ કરે, કાગડા હોય તે ઊકરડે બેસે, અભક્ષ્ય ખાય, હિંસક પક્ષીઓનું ભક્ષણ કરે અને રખડે, હંસ તો મોતીનો ચારો કરે, હંસ જેવા થજો, કાગડા જેવા નહિ, સત્સંગનાં દૂધ પીજો, સત્સંગનું અમૃત પીશું તો આત્મા અવિનાશી પદને પામશો.

સત્સંગ છે તે માનસરોવર છે. વગર આમંત્રણે તમામ તીર્થો તમામ પવિત્ર સરોવરો અહિ ઉભાં છે, માનસરોવર આખું અહિ સત્સંગથી ભર્યું છે, એના આધારે તો આપણે જીવીએ છીએ.

પરમાત્માકી કથા સુનનેસે ચિત્ત પવિત્ર હોતા હૈ, ઔર હૃદયમેં શાંતિ મિલતી હૈ, શાંતિ હૈ વહી બડા તપકા ફલ હૈ, બહુત ધન હો. બંગલા હો, કિન્તુ હૃદય કી શાંતિ ન મિલે, તો મંદિરમેં જાકર પ્રભુકા શરણ લેના ચાહિયે, સમજકર સત્સંગ કરના ચાહિયે.

સમજીને સત્સંગી થઈએ, લાભ અલૌકિક લેવાજી ।

હરિ કથાને કીર્તન કરીએ, સદાય સુખના મેવાજી. સમજી૦

જીવનમાં સત્સંગ હશે તો, ભલે ખાવાનાં સાંસા હોય છતાં પણ વિદુરજીની જેમ શાંતિ હશે. કેળાંની છાલ જમીને કૃષ્ણ ભગવાનને તૃપ્તિનો અનુભવ થયો. જેના હૃદયમાં હરિનું હેત હશે, વાણીમાં વહાલાનાં કીર્તન હશે તે જ ખરેખર ભાગ્યશાળી છે.

જેને હરિ કથામાં રુચિ છે, જેના જીવનમાં આત્મજ્ઞાનનો પ્રકાશ છે. તેને ગમે તેટલી જીવનમાં સગવડ હશે, તો પણ તે માનવીના હૃદયમાં પરમપદની યાત્રા થશે, અને સુખના સાગર સુધી પહોંચશે.

મનની શાંતિમાં પરમહંસનો પ્રવેશ થઈ જાય, પછી સંતના શબ્દો સાંભળો તો તમારો બેડો પાર થઈ જાય. સંત પ્રભુની મસ્તીમાં હોય ત્યારે દર્શન કરશો તો ખબર પડશે કે કેવા સુખના ઝૂલામાં ઝૂલે છે. આવા પરમહંસોની અમૃત દૃષ્ટિથી હજારોને કલ્યાણનું દાન કરી શકે છે. દૃષ્ટિના પલકારાથી સંતો હજારો માણસોને આનંદના ધોધમાં નવડાવી શકે છે, નાહનારા પણ જોઈએ અને નવડાવનારા પણ જોઈએ. આવા પરમહંસના પણ પરમહંસ સ્વામિનારાયણને વારંવાર નમસ્કાર કરીએ છીએ.