મંત્ર (૧૦૬) ૐ શ્રી સદાચારપ્રિયતરાય નમઃ
શતાનંદસ્વામી કહે છે : હે પ્રભુ ! તમને સદાચાર પ્રિય છે, તમને સદાચાર ગમે છે. તમે તમારા આશ્રિતોને સદાચારમાં વર્તાવો છો. ઉજળી રીત શીખવાડો છો. ઋષિઓએ જે સદાચારની સ્થાપના કરી છે તેવો સદાચાર પ્રભુને પ્રિય છે. સદાચાર એટલે સારા આચાર, સારા વિચાર, જે સદાચારનું પાલન કરે છે તે આ લોક અને પરલોકમાં સુખી થાય છે.
શિક્ષાપત્રી સદાચાર સંહિતા છે. જન્મથી મૃત્યુ સુધી કેમ વર્તવું અને દિવસ ઉગ્યાથી આથમ્યા સુધી કેમ વર્તવું તે બધી બાબત શ્રીજીમહારાજે સરખી રીતે સમજાવેલ છે. સવારે જાગ્યા કે તરત પ્રભુને સંભારવા, પછી સ્નાન કરીને પૂજાપાઠ એકાગ્ર ચિત્તથી કરવા. પવિત્રતાથી રસોઈ બનાવવી, પછી પ્રભુને જમાડીને જમવું.
જમવા વખતે મૌન રાખી કોળીયે કોળીયે ભગવાનને યાદ કરતા જમવું. એવી રીતે જમે છે તેને ઉપવાસનું ફળ મળે છે. પછી ન્યાય નીતિથી ધંધો કરવો. વિગેરે સદાચારની રીત પ્રભુએ શીખવાડી.
શરીરથી, વાણીથી અને મનથી પવિત્ર રહેવું. અનાજનો બગાડ કરવો નહિં. જમવા માટે જેટલી વસ્તુ જોઈએ તેટલી લેવી, પણ વધારવું નહિં. ભોજનને વધારીને પછી ગટરમાં ફેંકી દેવું તે પણ પાપ છે. માટે જોતતું ભોજન લેવું. વિગેરે સદાચાર શ્રીજીમહારાજે બહુ સારી રીતે શીખવ્યો છે.
વળી કેવો સદાચાર શીખવ્યો ? બજારમાંથી ખરીદેલ બકાલું ને શાક ભાજી લો પણ પાણીથી ધોઇને પછી ઘરમાં વાપરવું. જે પાણીમાં નાના જંતુ હોય તે પાણીથી સ્નાન પણ કરવું નહિ, કેમ કે તે જંતુ મરી જાય તો હિંસા થાય. સ્નાનથી પવિત્ર થવાને બદલે અપવિત્ર થઇ જવાય, ને પાપ લાગે, સૂક્ષ્મ જંતુ ચામડી ઉપર ચોટે તો મરી જાય.
વળી કેવો સદાચાર શીખવ્યો ? ગમે તેવો આપત્કાળ આવે તો પણ આત્મઘાત કરવો નહિ. કલંક નાખવું નહિ. લાંચ લેવી નહિ. નિંદા કરવી નહિ. કુસંગીનો સંગ કરવો નહિ. વિધિ નિષેધની વ્યાખ્યા બરાબર સમજવી. માતા પિતાની, ગુરૂની અને રોગાતુર માણસની સેવા કરવી. પારકી વસ્તુ લેવી નહિ. જગતમાં જેટલી સ્ત્રીઓ છે તે પ્રત્યે મા, બેન અને દીકરીની ભાવના રાખવી. જગતમાં જેટલા પુરુષો છે તે પ્રત્યે બાપ, ભાઇ અને દીકરાની ભાવના રાખવી, ક્યારેય પણ દાનત બગાડવી નહિ.
સદાચારને બરાબર જીવનમાં ટકાવી રખાવ્યો છે. સંયમ અને ક્ષમારૂપી સદાચારનું પાલન શ્રીજીમહારાજે સરખી રીતે શીખવ્યું છે. સદાચાર મહારાજને બહુ પ્રિય છે.