પૂર્વછાયો
રામશરણજીએ પુછિયું, સુણો ગુરુ સુખસાજ । ત્યાર પછી તે સૈન્યમાંએ, શું કરે છે મહારાજ ।।૧।।
ઘનશ્યામાત્મજ બોલિયા, સુણો શુભમતિ સાર । શ્રીહરિએ કરી સહાયતા, તે કહું સર્વે વિસ્તાર ।।૨।।
અંતરજામી ત્યાં આવ્યા છે, ધારીને કરવા કામ । જીત કરાવવા જોખનની, વ્હાલો તે સુંદર શ્યામ ।।૩।।
ચોપાઇ
બોલ્યા વાલમજી તેણીવાર, સુણો ૧ચક્રીપતિ નિરધાર । આઠ હજાર યોદ્ધા લ્યો સંગે, ચાલો યુદ્ધે જઇએ ઉમંગે ।।૪।।
ત્યારે સર્વે કહે બહુ સારૂં, માન્યું છે એમાં મન અમારૂં । પછી પોતે લાવ્યા છે જે દહીં, મોટાભાઇ આદિ જમ્યા સહી ।।૫।।
થયા યુદ્ધ કરવા તૈયાર, સાથે યોદ્ધા છે આઠ હજાર । ચાલ્યા સૈન્ય લઇને સંગાથ, અગાડી થયા છે દીનોનાથ ।।૬।।
સામા રાજાનું સૈન્ય છે જ્યાંય, ગયા એના સમીપમાં ત્યાંય । સામું સૈન્ય રહ્યું ગાઉ એક, ત્યારે વ્હાલો બોલ્યા છે વિશેક ।।૭।।
તમે ભાઇ સુણો સહુ આજ, હું કહું તેમ કરજ્યો અવાજ । હજાર માણસ સાથે ભડાકા, કરો બંધુકોના જે તડાકા ।।૮।।
બંધ થાવા ન દેશો અવાજ, ત્યારે નિશ્ચે થશે તવ કાજ । દરેકને કરવા હજાર, ફતેહ પામી જાશો આણીવાર ।।૯।।
ચાલતાં થકાં કરવું એમ, પછે જુઓ બને છેત્યાં કેમ । એવું સુણીને એજ પ્રમાણે, કરે સાથે અવાજ તે ટાંણે ।।૧૦।।
રણભૂમિ ભણી ચાલ્યા જાય, જાણે પાત વિદ્યુતના થાય । સિંહનાદ કરે શૂરવીર, શબ્દ ચાલ્યો ગગને ગંભીર ।।૧૧।।
દળ વાદળ પ્યાદળ જોડે, કોપે જાણે કૃતાંતને ત્રોડે । જાણે કાળ ચડીને શું આવ્યો, પ્રલેકાળનો ભય બતાવ્યો ।।૧૨।।
મોટા મહારથીનું એ કામ, સૈન્ય દેખી હારી જાય હામ । થયો સવિતા ધુંધલ વર્ણ, દેખાડ્યું ભયંકર આચરણ ।।૧૩।।
ડોલ્યા દિગ્ગજ ને દિગ્પાલ, કંપી ઉઠી ધરા તતકાળ । પુરૂષોત્તમજીના જે યોધ, જેનો સુણે ત્રિલોક વિરોધ ।।૧૪।।
એવો સૈન્યનો ઠાઠ મચાવ્યો, સામાવાળાને ત્રાસ બતાવ્યો । શત્રુએ જાણ્યું મન મોઝાર, આવે છે સૈન્ય આંહી અપાર ।।૧૫।।
લાખો યોદ્ધાને લેઇને લારે, કોઇક યોદ્ધો આવે છે ભારે । એવું સમઝીને પામ્યા ત્રાસ, સામું સૈન્ય કરે નાસાનાશ ।।૧૬।।
આવ્યું નજીકમાં હવે મોત, જાશું પરબાર્યા પ્રાણ સોત । ઘેર સમાચાર કોણ કેશે, ખબર કોણ કેની આલશે ।।૧૭।।
માટે આંહિથી નાશે તે ભલા, બારે વાટે ભાગી જાઓ અલા । ગોેળિયો ચાલે છે ગણેણાટ, ૧હય કરે છે આ હણેણાટ ।।૧૮।।
ત્વરિતા કરીને ત્યાગો ત્યાગો, ભય આવ્યો હવે ભાગો ભાગો । નાઠા પ્રાણ લઇને નાદાર, ભારે યોદ્ધાના છુટિયા માર ।।૧૯।।
કોઇ કોઇની ન જુએ વાટ, ઘડાયો જાણે સર્વેનો ઘાટ । કોઇ કેતું નથી તે આ શું છે, પુછે તેને પરમેશ્વર પુછે ।।૨૦।।
પોતપોતાનાં જે હથિયાર, પડ્યાં મુકીને નાઠા તેવાર । માર્યા માર્યા કહીને તે નાસે, ત્રાહે ત્રાહે કરીને તે ત્રાસે ।।૨૧।।
અસ્ત્ર શસ્ત્ર આદિ તરવાર, ધર્યાં રહ્યાં છે ધરણી મોજાર । તોપ ૨કવચ ભાથા ને બાણ, પડ્યાં રહ્યાં ચાપ ને નિશાણ ।।૨૨।।
રણભૂમિનો કર્યો છે ત્યાગ, લીધો નાસવાનો ભલો લાગ । પાછું જોતા નથી પુંઠ વાળી, કેડે લાગી રહી રંગ તાળી ।।૨૩।।
હાથી ઘોડા મેના સુખપાલ, તંબુ તોપો પડ્યા રહ્યા પાલ । એમ નાશી ગયું સૈન્ય સર્વ, હરિએ ઉતારી નાખ્યો ગર્વ ।।૨૪।।
પ્રભુતા બતાવી છે પ્રમાણ, ૩શત્રુબળ કર્યું ભંગરાણ । પછે અનંત ને ઘનશ્યામ, સૈન્ય સહિત આવ્યા તે ઠામ ।।૨૫।।
જુએ તો પડ્યા છે ખાલી ખોખાં, રણભૂમિનાં સ્થાનક ચોખ્ખાં । કરી આજ્ઞા નટવર નાથે, લેવરાવ્યો તે સામાન સાથે ।।૨૬।।
વાજતે ગાજતે પાછા વળ્યા, જીતીને સૈન્ય ફતેહ મળ્યા । રોપાવ્યું છે પોતાનું નિશાન, એવા બહુનામી ભગવાન ।।૨૭।।
પછે ત્યાં થકી તે ચાલ્યા ગયા, લશ્કરમાં આવી ભેગા થયા । મોટા મોટા જે લશ્કરી હતા, તે હરિ પાસે આવ્યા નમતા ।।૨૮।।
જમાદાર નાયક દીવાન, સર્વે મળ્યા છે મુકીને માન । બોલ્યા પ્રેમ સહિત તે ગીરા, રામપ્રતાપજી સુણો વીરા ।।૨૯।।
તમારા ભાઇ શ્રીઘનશ્યામ, ભલે પધાર્યા પૂરણકામ । એમને આવ્યે આપણી જીત, થઇ છે જાણો સર્વે અભિત ।।૩૦।।
એમ કહીને તૈયાર થયા, સર્વે મહીપતિ પાસે ગયા । રાજાને કહ્યા સૌ સમાચાર, સવિસ્તર હકીકત સાર ।।૩૧।।
રામપ્રતાપના નાના ભ્રાત, એમણે જીતાડ્યા છે વિખ્યાત । એવાં વચન સુણી રાજન, અતિશે થયા મન પ્રસન્ન ।।૩૨।।
રાજાએ વગડાવ્યાં વાજીંત્ર, ઘણું સારૂં થયું મારા મિત્ર । પાસે બોલાવ્યા રાયે દિવાન, વળી પુછે છે દેઇને માન ।।૩૩।।
કેવી રીતે પામ્યા તમે જીત, પુરી વાત કરો દેઇ ચિત્ત । ત્યારે દિવાન કે સુણો રાય, ખરી વાત કહું સુખદાય ।।૩૪।।
રામપ્રતાપના નાના બંધુ, એ આ ઘનશ્યામ ગુણસિંધુ । એમના પ્રતાપે થઇ જીત, યુદ્ધમાં બન્યું છે એવી રીત ।।૩૫।।
રૂડા રાજા થયા બહુરાજી, કરે ઘનશ્યામને આજીજી । પછે મંગાવ્યા પોશાક ભારે, બન્ને ભાઇને આપ્યા તે વારે ।।૩૬।।
વસ્ત્ર આભૂષણ તેહવાર, આપ્યા રૂપિયા પાંચ હજાર । પછે ગાડી આપી એક સારી, વાહન બેસવા તે વિચારી ।।૩૭।।
એવી રીતે કરી મન ભાવ, બેભાઇને આપ્યો સરપાવ । સભામાં બેઠા છે સહુ જન, શ્રીહરિએ દીધાં છે દર્શન ।।૩૮।।
જેવો જેના મને હતો ભાવ, આપ્યો પ્રભુએ તેવો દેખાવ । તેવા રૂપે દેખ્યા ઘનશ્યામ, સર્વે સ્થિર થયા છે તે ઠામ ।।૩૯।।
રાજાએ દેખ્યા સુહૃદરૂપે, મહા તેજસ્વી કાંતિ અનૂપે । એવું જોઇને ભૂપતિ લોભા, સભા સર્વે જોતા થયા ઉભા ।।૪૦।।
લીધો કરમાં મોતીનો હાર, પ્રભુને પેરાવ્યો તેણીવાર । અતિ આનંદ સાથે અપાર, પ્રભુજીને કર્યો નમસ્કાર ।।૪૧।।
પછે આપ્યો રેવાનો મુકામ, રંગમોલસમ વડધામ । રસોઇ કરાવી પૂર્ણ પ્રીતે, પછે જમાડ્યા છે રૂડી રીતે ।।૪૨।।
ખાનપાન દીધાં બહુ માન, સતકાર કર્યો ધરી જ્ઞાન । ધર્મ સહિત જે બેઉ તન, જમીને થયા પ્રસન્ન મન ।।૪૩।।
બીજે દિવસે રામપ્રતાપ, ગયા રાજાજીને પાસે આપ । સુણો વચન મારૂં ભૂપાલ, અમને આપો રજા આકાળ ।।૪૪।।
ઘણા માસ થયા છે આઠારે, હવે ઘેર જાવું છે અમારે । આવ્યા છે મારા બંધુ ને તાત, એ સંગાથે જાવું નક્કી વાત ।।૪૫।।
પછે રાજા થયા છે પ્રસન્ન, રજા આપી છે નિર્મલ મન । ધર્મદેવ પ્રત્યે તે રાજન, બોલ્યા નમ્ર મધુર વચન ।।૪૬।।
તમારા આવ્યાથી મહારાજ, લોક વિષે રહી અમારી લાજ । ત્યારે બોલ્યા છે શ્રીઘનશ્યામ, તમે રાય સુણો રૂડું કામ ।।૪૭।।
પ્રભુએ રાખી તમારી લાજ, અમે શું કરી જાણીએ કાજ । વળી કેવા લાગ્યા નરનાથ, મુને નિશ્ચે થયો મન સાથ ।।૪૮।।
તમે દર્શન દીધું છે આજ, કૃતાર્થ કર્યો મહારાજ । મારી જીત કરાવી છે તમે, એ જરૂર જાણી ગયા અમે ।।૪૯।।
તમે ઇશ્વર છો ઘનશ્યામ, પુરૂષોત્તમ પૂરણકામ । એવું કહી વિવેક કરીને, વલોટાવ્યા છે ભાવ ભરીને ।।૫૦।।
ત્રૈણે બેઠા તે ગાડી મોઝાર, ગયા કાશીજીએ નિર્ધાર । દેવદત્ત પોતાનો જે ગોર, રેછે પથરગલી તે ઠોર ।।૫૧।।
ઉતારો કર્યો છે તેને ઘેર, સ્નાન માટે ગયા રૂડી પેર । જગપાવની ગંગાજી જ્યાંય, મણિકર્ણિકાનો ઘાટ ત્યાંય ।।૫૨।।
સ્નાન કરીને તૈયાર થયા, વિશ્વનાથનાં દર્શને ગયા । કર્યાં દર્શન તેહવારે, પછે આવ્યા પોતાને ઉતારે ।।૫૩।।
રસોઇ કરી જમ્યા ઉમંગે, ઘણા દિવસ રહ્યા ત્યાં રંગે । ત્યાંથી ચાલ્યા હર્ષ કરી ઉર, સર્વે આવ્યા છે છુપૈયાપુર ।।૫૪।।
દેખીને ભક્તિ થયાં પ્રસન્ન, સુવાસિની આદિ બીજાં જન । માતાએ ઉષ્ણ વારી મુકાવ્યું, ત્રૈણે જણાને સ્નાન કરાવ્યું ।।૫૫।।
ક્ષણમાત્રમાં રસોઇ કરી, જમાડ્યા ત્રૈણેને પ્રીત પ્રોઇ । જમી તૃપ્ત થયા છે જીવન, પાનબીડાં લીધાં છે પાવન ।।૫૬।।
પાન જમતા શ્રીવાસુદેવ, આવ્યા આંબલીને હેઠે એવ । ચોત્રા ઉપર બેઠા ચતુર, ત્યાં સખા આવેલા છે જરૂર ।।૫૭।।
હિંદીપુર લડાઇની વાત, કરેછે બેઠા ભૂધરભ્રાત । તે સમે માતાજી આવ્યાં પાસ, જ્યાં બેઠા છે પોતે અવિનાશ ।।૫૮।।
ભક્તિ આવીને ઉભાં સુજાણ, મસ્તકે મુક્યો દક્ષિણ પાણ । પછે શ્રીહરિને માતા પુછે, પુત્ર પીઠે કોને શું વાગ્યું છે ।।૫૯।।
ઘનશ્યામ કહે સુણો માતા, એતો વાગેલું છે સુખદાતા । રાતે પડી ગયા ગાડીમાંથી, બાવળની સુળ વાગી ત્યાંથી ।।૬૦।।
એવું કહી સખા લેઇ સંગે, સ્નાન કરવા ચાલ્યા ઉમંગે । ગયા ધર્મધુરંધર ધીર, નારાયણ સરોવર તીર ।।૬૧।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિએ હિંદીપુરની લડાઇમાં મોટાભાઇની જીત કરાવી એ નામે અઠયાશીમો તરંગ ।।૮૮।।