પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર - ૪૪

Submitted by swaminarayanworld on Thu, 21/04/2016 - 5:22pm

 

દોહા

વળી શ્રીહરિ હેતે કરી, મોટી કહી માહાત્મ્યની વાત ।

પવિત્ર છે સ્પર્શે કરી, આ પૃથવી સાક્ષાત ।।૧।।

જીયાં જીયાં અમે વિચર્યા, વળી રહ્યા જે જે ગામ ।

તે જરુર જન જાણજો, સરવે થયાં છે સ્વધામ ।।૨।।

તિયાં પ્રાણી કોઇ તન તજે, જાણ્યા વિના એહ જાગ્ય ।

કહ્યાં ન જાય વળી કોઇથી, એવાં ઉઘડિયાં એનાં ભાગ્ય ।।૩।।

ચરણે અંકિત જે અવની, વળી પદની સ્પર્શેલ રજ ।

તે જોતાં ન જડે જાણજો, જેને ઇચ્છેછે ઇશ્વર અજ ।।૪।।

 

ચોપાઇ

પદરજના સ્પર્શ પ્રતાપેરે, જન અભય થાય છે આપેરે ।

ભવભય હરણી એ રજરે, થાય નિર્ભય એમાં શું આશ્ચરજરે ।।૫।।

જન ભવનમાં જ્યાં જ્યાં ગયારે, તિયાં દિનરજની જે રહ્યારે ।

એહ ભૂમિકાનાં ભાગ્ય ભારીરે, થઇ ધામરૂપ સુખકારીરે ।।૬।।

એહ પૃથ્વી પર તજે પ્રાણરે, તે તો પામે પદ નિરવાણરે ।

વળી નદી નદ ને તલાવરે, સિંધુ કુંડ કુવા વળી વાવરે ।।૭।।

તિયાં જીયાં જીયાં અમે ના’યારે, સ્પરશ્યું પાણી જે અમારી કાયારે ।

તેહ સ્પર્શનું જેહ પાણીરે, જન ઉદ્ધારણ લિયો જાણીરે ।।૮।।

તેહ તટે તજે કોઇ તનરે, પામે અમૃત ધામે સદનરે ।

એમ કલ્યાણના જે ઉપાયરે, બહુ કર્યા છે આ જગમાંયરે ।।૯।।

બાગ બગીચા ને ફુલવાડીરે, વૃક્ષ વેલી વન વળી ઝાડીરે ।

એહ આદિ જાયગા અપારરે, જીયાં રહ્યા અમે કરી પ્યારરે ।।૧૦।।

એ તો સ્થાનક છે તીર્થરૂપરે, અતિ પવિત્ર જાણો અનૂપરે ।

એહ સ્થાને મૂકે કોઇ દેહરે, પામે અક્ષર ધામને તેહરે ।।૧૧।।

એમ અનેક પ્રકારે આજરે, કર્યા ઉપાય કલ્યાણ કાજરે ।

સર્વે તીર્થનાં તીર્થ કહીએરે, જીયાં સંત અમે ના’યા છીએરે ।।૧૨।।

તિયાં જન કોઇ જઇ ના’શેરે, થઇ પાવન ધામમાં જાશેરે ।

એહ જળમાં જંતુ જે રે’છેરે, ધન્ય ભાગ્ય સંત તેનાં કે’છેરે ।।૧૩।।

એહ પર અંડજ ઉડી જાશેરે, તેહ પરમ પાવન થાશેરે ।

અવધિ આવ્યા સમે તન ત્યાગીરે, જાશે સ્વધામમાંઇ સુભાગીરે ।૧૪।

સર્વે ધામના ધામ એ થિયાંરે, રહ્યા સંત સહિત અમે જીયાંરે ।

બીજાં તીર્થ ધામ બહુ કા’વેરે, પણ અમે રહ્યા તે તુલ્ય નાવેરે ।।૧૫।।

કાંજે પામ્યા અમારો પ્રસંગરે, તેને તુલ્ય આવે કેમ ગંગરે ।

એને સ્પર્શ્યા’તા વામન પાવેરે, તે તો હરિ અવતાર કા’વેરે ।।૧૬।।

પણ અવતારના જે અવતારીરે, વાત તેની તો જાણજો ન્યારીરે ।

જાણો પુરુષોત્તમનો સ્પરશરે, તે તો સહુ થકી જો સરસરે ।।૧૭।।

સર્વે ધામના જે કોઇ ધામીરે, તે તો અમે નારાયણ સ્વામીરે ।

વાત આજની છે અતિ મોટીરે, જેથી જીવ તર્યા કોટિ કોટિરે ।।૧૮।।

ચરાચર સ્થાવર ને જંગમરે, તે સહુને થયું છે સુગમરે ।

સહુ ચાલ્યા જાયછે સ્વધામરે, નથી પડતું કોઇનું કામરે ।।૧૯।।

એમ વે’તિ કરીછે અમે વાટરે, બ્રહ્મમો’લમાં જાવાને માટરે ।

શ્રીમુખે કહે એમ શ્રીહરિરે, સહુ વાત માનજો એ ખરીરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવકનિષ્કુલાનંદમુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે ચતુશ્ચત્વારિંશઃ પ્રકારઃ ।।૪૪।।