૧. પુરુષોત્તમ પ્રકાશ

Submitted by Parth Patel on Wed, 07/09/2011 - 12:30am

:: ભૂમિકા ::

સ.ગુ.શ્રીનિષ્કુળાનંદસ્વામીએ સ્વરચિત અનેક કૃતિઓ ઉપર જાણે કળશ ચઢાવ્યો હોય તેવો આ ગ્રંથ છે.

આ ગ્રંથમાં પ્રગટ પુરુષોત્તમ શ્રીસ્વામિનારાયણ ભગવાનના મહિમાનો પૂર્ણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. તેથી આ ગ્રંથનું ‘પુરુષોત્તમપ્રકાશ’ આવું સાર્થક નામ રાખવામાં આવ્યું છે. આ બ્રહ્માંડમાં સર્વોપરી શ્રીહરિ પ્રથમવાર પ્રગટ થયા, ત્યાર પછી અનંત જીવોના મોક્ષ માટે તેમણે જે જે કાર્યો કર્યાં તથા તેમાં અમાપ ઐશ્વર્ય વાપર્યું તેનું આ ગ્રંથમાં આબેહૂબ વર્ણન કરવામાં આવ્યું છે.

કોટિ જીવોના કલ્યાણ માટે સર્વાવતારી શ્રીહરિએ કરેલા આટલા ઉપાયો આ ગ્રંથમાં વર્ણવ્યા છે : (૧) પોતે વનવિચરણ કર્યું. (૨) પોતાનો નિશ્ચય કરાવ્યો. (૩) અલૌકિક સંતો બનાવ્યા ને તેમના ઉપદેશ વડે અનેક જીવના મોક્ષનો માર્ગ ચાલુ કર્યો. (૪) સમાધિ કરાવી તથા પરચા પૂર્યા. (૫) સદાવ્રત બંધાવ્યા. (૬) યજ્ઞયાગ કરાવ્યા. (૭) ભકતોની પૂજા સ્વીકારી. (૮) પોતે દેશોદેશમાં દર્શન દીધાં. (૯) પ્રસાદીની વસ્તુઓ દ્વારા કલ્યાણ કર્યાં. (૧૦) સંતનાં દર્શન - સ્પર્શ કરે, અન્ન-વસ્ત્રાદિકથી સેવા કરે, પક્ષ રાખે કે ગુણ ગ્રહણ કરે તેનું કલ્યાણ કર્યું. (૧૧) પોતાનો સર્વોપરી સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો. (૧૨) મોટા મોટા ઉત્સવો કર્યા. (૧૩) મોટા મંદિરો કરાવી મૂર્તિઓ પધરાવી. (૧૪) આચાર્યની સ્થાપના કરી. (૧૫) પોતાની ચલપ્રતિમાઓ તથા ચરણારવિંદ દ્વારા કલ્યાણ કર્યાં. (૧૬) શિક્ષાપત્રી, વચનામૃત જેવાં શાસ્ત્રો રચ્યાં તથા રચાવ્યાં. (૧૭) પંચવર્તમાન પ્રવર્તાવ્યાં.

એક વાર કારિયાણીમાં શ્રીહરિએ સ.ગુ.શ્રીગોપાળાનંદસ્વામીને પોતાના અવતરણના છ હેતુ સંબંધી વાત કરી. તે વાતને સાંભળ્યા પછી પૂ.નિષ્કુળાનંદસ્વામીને જે જોમ ચડ્યું, તે આ ગ્રંથમાં આલેખાયું છે. પૂ.સ્વામીએ શ્રીહરિનો જે મહિમા વર્ણવ્યો છે, તેમાં તેમનો ઉત્સાહ તથા આત્મવિશ્વાસ અદમ્ય રીતે ઝળકી રહ્યા છે. તેથી જ તેઓ શ્રીહરિની સર્વોપરીતા સ્પષ્ટ શબ્દોમાં લખ્યા વિના રહી શકતા નથી.

આ વારનો જે અવતાર રે, એવો ન થાયે વારંવાર રે

નથી આવ્યા ને આવશું કયાંથી રે, જન જાણજયો સૌ મનમાંથી રે ।।

આ ગ્રંથમાં સ.ગુ.શ્રીનિષ્કુળાનંદસ્વામીએ શ્રીહરિના જે જે સામર્થ્યનું છૂટા હાથે વર્ણન કર્યું છે, તે ઘણી વાર આપણી બુદ્ધિમાં આવે નહિ તેવું છે. પરંતુ પૂ.સ્વામીએ જ તેની શકયતાનું પ્રમાણ સચોટ રીતે આપ્યું છે --

એનું આશ્ચર્ય માનો ન કોય રે, સમર્થથી શું શું ન હોય રે

સમર્થ સરવ પરકારે રે, કરે તે તે જે જે મન ધારે રે ।। (૨૨/૧૧)

તેની કોણ આડી કરનાર રે, ના હોય ધણીનો ધણી નિરધાર રે

માટે સહુ માની લેજો સઈ રે, આજ એમ ઉદ્ધાર્યા છે કંઈ રે ।।  (૨૨/૧૨)

કર્તુમ્, અકર્તુમ્ અને અન્યથાકર્તું સમર્થ એવા શ્રીહરિ માટે કશું જ અશકય નથી. સર્વોપરી રાજાધિરાજ આ વખતે દીન જીવ ઉપર રીઝી ગયા. તેમણે જ આત્યંતિક મોક્ષ આપવાનો સંકલ્પ કર્યો, એટલે અનંત જીવો અક્ષરધામને પામી ગયા.

આવા મોટા સર્વોપરી પુરુષોત્તમ આપણને મળ્યા છે, તેનો એટલો બધો

મહિમા ને કેફ રાખવો કે એક પ્રભુ સિવાય બીજું કાંઈ જ વહાલું ન રહે. અખંડ તેની

મૂર્તિમય થઈ જઈએ.’ આટલો આ ગ્રંથ બનાવવાનો અભિપ્રાય જણાય છે.

આ ગ્રંથમાં કુલ ૫૫ પ્રકાર (અધ્યાય) છે. દરેકમાં ૪ દોહા અને ૨૦ કડીઓ છે. છેલ્લા પ્રકારમાં ૧ કડી વધુ છે. કુલ મળી ૨૨૦ દોહા તથા ૧૧૦૧ કડીઓ છે. ગ્રંથ રચનાનો સમય તથા સ્થાન નિશ્ચત નથી.