પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર - ર૯ ગઢપુર મહિમા અને લીલા

Submitted by swaminarayanworld on Tue, 19/04/2016 - 9:19pm

 

દોહા

એમ ઉત્સવ કરી હરિ, ફરિ ફરિ દિયે દરશન ।

અનેકને સુખ આપવા, અતિ પોતે છે પરશન ।।૧।।

મહા મનોહર મૂરતિ, અતિ સુખદ સહજાનંદ ।

સહુ જનને સામટું, જાણે આપું મારો આનંદ ।।૨।।

લે’રી આવ્યા બહુ લે’રમાં, અતિ મે’ર કરી મે’રવાન ।

દુઃખીયા જીવ સુખીયા કર્યા, વળી પાપી કર્યા પુણ્યવાન ।।૩।।

ભાગ્ય મોટાં એ ભૂમિનાં, જીયાં હર્યા ફર્યા હરિ આપ ।

પાવન થઇ એ પૃથ્વી, હરિ ચરણને પ્રતાપ ।।૪।।

ચોપાઇ

ધન્ય ધન્ય ઉત્તમ દરબારરે, જીયાં પોતે રહ્યા કરી પ્યારરે ।

રમ્યા ભમ્યા જમ્યા જીયાં નાથરે, જમ્યો મહા મુક્તનો જ્યાં સાથરે ।।૫।।

ધન્ય ઓરડા ધન્ય ઓસરીરે, જીયાં હરિ બેઠા સભા કરીરે ।

દિયે દરશન પોતે પરબ્રહ્મરે, જેને નેતિ નેતિ કે’ નિગમરે ।।૬।।

એહ ભૂમિકાનાં મોટાં ભાગ્યરે, નથી જાણજો એ કહ્યા લાગ્યરે ।

ફળી ચોક વળી શું વખાણુંરે, શ્વેત વૈકુંઠ સમ સહુ જાણુંરે ।।૭।।

ચરણ રજે ભર્યાં ભરપૂરરે, સ્પરશે રજ કરે દુઃખ દૂરરે ।

તિયાં પાપી તજે કોઇ પ્રાણરે, તે પણ પામે પદ નિર્વાણરે ।।૮।।

સોય અગ્ર સમાન અવનીરે, નથી વણ સ્પરશ્યે પાવનીરે ।

ધન્ય શેરી બજાર ને હાટરે, ધન્ય ઉત્તમ ગંગાનો ઘાટરે ।।૯।।

ધન્ય ગઢપુરનાં ઘર ફળીરે, ચરણ અંકિત ભૂમિ છે સઘળીરે ।

ધન્ય વાડી વૃક્ષની છાંયરે, હરિ સ્પર્શ વિના નથી કાંયરે ।।૧૦।।

ધન્ય ધન્ય નારાયણ હૃદરે, સહુ પ્રાણધારી સુખપ્રદરે ।

ધન્ય સીમ ક્ષેત્ર વાવ્ય ખળાંરે, કર્યાં હરિએ પવિત્ર સઘળાંરે ।।૧૧।।

ધન્ય ઘેલા નદીના ઘાટરે, કર્યા પંચ પવિત્ર ના’વા માટરે ।

તિયાં જે જે જન આવી નાશેરે, તે તો અંતર બાહ્ય શુદ્ધ થાશેરે ।।૧૨।।

ના’શે નિરમળ જળ જેહરે, પરમ ધામને પામશે તેહરે ।

જીયાં ના’યા છે જગ જીવનરે, એથી નથી નીર કોય પાવનરે ।।૧૩।।

પુરુષોત્તમ સ્પરશની જે વસ્તુરે, ન મળે જ્યાંલગિ ઉદે ને અસ્તુરે ।

બહુ દેશ બહુ ગામ ઘરરે, કર્યાં સ્પરશિ પવિત્ર સુંદરરે ।।૧૪।।

જીયાં જીયાં વિચર્યા વાલમરે, કર્યાં ઘર તે વૈકુંઠ સમરે ।

સ્પરશિ જાગ્યે ત્યાગે કોય તનરે, જાય બ્રહ્મમો’લ તેહ જનરે ।।૧૫।।

એમ ધારી આવ્યા છે અવિનાશિરે, કરવા બહુને ધામના વાસીરે ।

નિજબળને પ્રતાપે કરીરે, બહુ જીવને તારે છે હરિરે ।।૧૬।।

તેહ સારુ વિચરે વસુધાયરે, બીજો અર્થ નથી એને કાંયરે ।

અર્થ એહ ઉદ્ધારવા પ્રાણીરે, આવ્યા શ્યામ એ કામે લિયો જાણીરે૧૭

માટે જીયાં જીયાં હરિ રહ્યારે, જેજે સ્થાનકે પોતે હરિ ગયારે ।

તે તો સ્થાનક કલ્યાણકારીરે, જેજે જોયા તે રાખવા સંભારીરે ।।૧૮।।

એછે દોયલા દનની દોલત્યરે, સહુ માની લેજો વાત સત્યરે ।

હરિને આગ્રહ છે આજ અતિરે, કરાવવા પોતાની પ્રાપતિરે ।।૧૯।।

એજ અર્થ કરવો છે સિદ્ધરે, જીવ તારવા છે બહુ વિદ્ધરે ।

એહ સારુ આવ્યા છે આ વારરે, તે તો નિશ્ચે જાણો નિરધારરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે એકોનત્રિંશઃ પ્રકારઃ ।।૨૯।।