પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર - ૦૩

Submitted by Parth Patel on Wed, 07/09/2011 - 11:06pm

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર - ૦૩

દોહા -

શોભા સાગર સુખ સદન, રમા રમણ ઘનશ્યામ ।

કંદર્પ દર્પ વિમોચન, પરમપુરુષ અભિરામ ।।૧।।

રાજત મસ્તક દિવ્ય અતિ, કિરીટ મુગટ કમનીય ।

અતિ ચતુરાઈએ જુકત છે, શોભા સરસ બનીય ।।૨ ।।

નાના રત્ન વૈદૂર્ય મણિ, કૌસ્તુભ સ્ફટિક પીત ।

ઈંદ્રનીલ મર્કતમણી, મણિગણ કણ અગણિત ।।૩।।

ગજમોતી ઘણા છીપસુત, પન્ના પીરોજા લાલ ।

વર પોખર માણિક મધ્યે, કંચન જડીત પ્રવાલ ।।૪।।

ચોપાઈ -

એવી શોભા મુગટની જોઈ રે, રહ્યાં મુકત તણા મન મોઈ રે ।

એવો મુગટ ધર્યો છે માથ રે, રૂડા શોભે છે મુકતોના નાથ રે ।।૫।।

કર્યું કેસર તિલક ભાલ રે, વચ્ચે કુંકુમ ચંદ્રક લાલ રે ।

શોભે અધર અરુણ પ્રવાલ રે, મૃગમદની ટીબકડી છે ગાલ રે ।।૬।।

શરદઋતુ તણું જે કમળ રે, પરમ પુનિત અરુણ અમળ રે ।

તેની પાંખડી સરખાં શોભિત રે, અણીયાળાં લોચન ચોરે ચિત્ત રે ।।૭।।

નેણે વરષે અમૃત અવિનાશ રે, કરે પાન નિત્યે નિજ દાસ રે ।

નિરખી નેણાં તૃપ્ત ન થાય રે, તેમને કલ્પ પલક સમ જાય રે ।।૮।।

શોભે ગલુબંધ કૌસ્તુભ મણિ રે, શોભા સરસ જોયા જેવી બણિ રે ।

રૂડું સરસ સુગંધીમાન રે, એવું શિતળ ચંદન ગુણવાન રે ।।૯।।

તેણે ચરચ્યાં છે સર્વે અંગ રે, નિરખિ લાજે કોટિ અનંગ રે ।

એવી શોભાને ધરતા શ્યામ રે, પુરૂષોત્તમ પૂરણકામ રે ।।૧૦।।

આજાનુ ભુજા અભિરામ રે, બાંધ્યા બાજુ શોભે સુખધામ રે ।

મણિનંગ જડીત બાજુ રાજે રે, જોઈ કોટી રવિ શશિ લાજે રે ।।૧૧।।

કર પોંચી કનક કડાં શોભે રે, વેઢ વટી જોઈ મન લોભે રે ।

ઊર ઊતરી મોતિની માળા રે, શોભે રાજીવ નેણ રૂપાળાં રે ।।૧૨।।

જોઈ શોભા અંગોઅંગ તણી રે, થયો ર્મૂિછત રતિનો ધણી રે ।

મલ્લિકા માલતી રાય વેલી રે, જાઈ જુઈ ને ચંપા ચંમેલી રે ।।૧૩।।

કુંદ કેતકી બકુલ ને નુત રે, પોપ પારિજાત પ્રસૂત રે ।

નવ કંજ કેસર સેવતિ રે, ગુલછવિ ગુલદાવદી અતિ રે ।।૧૪।।

એવાં પુષ્પ સુગંધિ સાર રે, ગણતાં ન આવે વાર ને પાર રે ।

એનાં ભૂષણ રચિ અતિ ભારી રે, પૂજે રાધા રમા સુકુમારી રે ।।૧૫।।

એવી શોભાને ધરતા દયાળ રે, શોભે ભકતતણા પ્રતિપાળ રે ।

ગ્રહિ કર વર વેણુ મુરારી રે, ધરી અધર મધુર સ્વર કારી રે ।।૧૬।।

કરે મધુરે મધુરે સ્વર ગાન રે, સુણી શ્રવણ છુટ્યાં મુનિ ધ્યાન રે ।

સપ્ત સ્વર સરસ ત્રણ ગ્રામ રે, એકવીસ મુર્છના વિશ્રામ રે ।।૧૭।।

તાળ કાળ માન ગતિ જાણિ રે, બાવિશ સુરતિના ભેદ આણિ રે ।

આરોહિ અવરોહિ લેછે રે, અસ્તાઈ સચાઈ કે’છે રે ।।૧૮।।

છો રાગ ને બત્રિશ રાગણિ રે, છત્રીશ કે’છે કવિ ભણિ રે ।

તેના નામ રીતુ સ્વર તાલ રે, વસ્ત્ર ભૂષણ રૂપ રસાલ રે ।।૧૯।।

એમ વેણુમાં ગાયે વિહારી રે, સુખ આપે છે શ્રી ગિરિધારિ રે ।

એમ ગોપ ગોપીના નાથ રે, શ્રીદામાદિ સખા છે સાથ રે ।।૨૦।।

ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે તૃતીયઃ પ્રકારઃ ।।૩।।