પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર - ૧૭

Submitted by swaminarayanworld on Sat, 17/09/2011 - 12:39pm

દોહા

વળી સંભારવા શ્રીહરિ, જેવી રીતે જોયા હોય ।

સુખ થાવાની સંપત્તિ, એહ જેવી બીજી નહિ કોય ।।૧।।

અન્ન વિના જેમ ભૂખ ન ભાગે, તૃષા જાય નહિ વણ તોય ।

શીત ન વીતે વહ્નિ વિના, તેમ નાથ વિના સુખ નોય ।।૨।।

ઈચ્છે સુખ કોઈ અંતરે, તે સંભારે સુંદર શ્યામ ।

જે સંભારે સુખ ઊપજે, વળી પામિયે પરમ ધામ ।।૩।।

જેમ રવિમંડળે રજની નહિ, શશિમંડળે નહિ તલ તાપ ।

તેમ મૂર્તિ મહારાજની, હરણ સર્વે સંતાપ ।।૪।।

ચોપાઈ

એવી મૂર્તિ અતિ સુખકારીરે, સહુને રાખવી હૃદે સંભારી રે ।

બેઠા દીઠા દીવી અંજવાળેરે, હાંડી મેતાબ રૂડે રુપાળે રે ।।૫।।

જોયા શશિ સૂર્યને તેજેરે, એહ વિના પ્રકાશ બીજે રે ।

ઝળમળતિ મૂરતિ જોવીરે, જોઇ ચિત્તમાંહિ પરોવી રે ।।૬।।

વસંત ઋતુએ વસન વસંતિરે, પે’ર્યાં હોય અનૂપમ અતિરે ।

રમતાં દિઠા હોય સખા સંગેરે, રંગભીનો ભર્યા અતિ રંગેરે ।।૭।।

નાખે પિચકારી વારી ભરીરે, નિજજન પર હેતે હરિરે ।

વળી નાખે ગુલાલ લાલ ઘણોરે, સંભારે એ સમો સોયામણોરે ।।૮।।

એહ મૂર્તિ ધારતાં ઊરરે, બ્રહ્મમો’લે જાવાનું જરૂરરે ।

વળી રંગભીનો ભર્યા રંગેરે, જેવા જોયા હતા સખા સંગેરે ।।૯।।

ના’તા નદી નદ ને તળાવેરે, કુંડ કૂવા ને સાગર વાવ્યેરે ।

તેતો થયાં સરવે તીરથરે, જેમાં ના’યા શ્રીહરિ સમરથરે ।।૧૦।।

એવી મૂર્તિ મળી છે જેનેરે, કાંઈ બીક ન રાખવી તેણેરે ।

કરી લીધું છે સર્વે કામરે, તન છુટે જાશે નિજધામરે ।।૧૧।।

વળી સંભારવા સખા સાથેરે, ચડયા ઘણા મૂલા ઘોડા માથેરે ।

ધરી ઢાલ અલૌકિક અસિરે, છડી લાકડી ને વળી બંસિરે ।।૧૨।।

ખેલે શાંગ્ય કમાન ને તીરેરે, બાંધ્યો કટાર તે મહાવીરેરે ।

છતર ચમર અબદાગરિયેરે, એવી મૂર્તિ અંતરમાં ધરિયેરે ।।૧૩।।

બેઠા આંબા આંબલી છાંયડેરે, આસોપાલવ પીપર વડેરે ।

પીપલ ૩બકોલ ને બોરસડીયેરે, બીજાં બહુ તરુ બોરડિયેરે ।।૧૪।।

જેજે વૃક્ષે બેઠા દિઠા નાથરે, ત્યાં ત્યાં સંભારવા સખા સાથરે ।

એહ સંભારતાં અહોનિશરે, થાય બ્રહ્મમો’લે પરવેશરે ।।૧૫।।

એમ અનેક વિધે આ વારરે, ઊઘાડ્યું છે કલ્યાણનું બારરે ।

વળી બેઠા હોય જેતે જાગેરે, ફુલવાડી ઝાડી બહુ બાગેરે ।।૧૬।।

વન ઊપવન એહ આદિરે, દિઠી મૂર્તિ રૂપાળી રાયજાદિરે ।

વળી રાજા રંકને ભવનરે, શેઠ શાહુકારને સદનેરે ।।૧૭।।

જોયા લોક પટેલને ઘેરરે, વળી બ્રહ્મસભામાં બહુ વેરરે ।

એમ જયાં જયાં જોયા જગપતિરે, મહામનોહર મૂરતિરે ।।૧૮।।

ત્યાંત્યાં સંભારતાં ઘનશ્યામરે, સરે જાણજો સઘળાં કામરે ।

એમ સાઘું કર્યું કલ્યાણરે, સહુ જાણજો જન સુજાણરે ।।૧૯।।

જેજે આ સમે પામ્યા જનમરે, નથી કોય કે’વાતું તેને સમરે ।

જેમ પારસને કોઈ પામેરે, તેનાં સર્વ સંકટ વામેરે ।।૨૦।।

ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે સપ્તદશઃ પ્રકારઃ ।।૧૭।।