પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર - ૧૮

Submitted by swaminarayanworld on Sat, 17/09/2011 - 12:50pm

દોહા

એમ અનેક રીત્યે વળી ઉરમાં, જે સંભારે સુંદર શ્યામ ।।

તે તન છૂટે પામશે, અખંડ અક્ષર ધામ ।। ૧ ।।

મંગળકારી સારી મૂરતિ, ધરી આજ દેવા આનંદ।।

એહ મૂર્તિની સ્મૃતિયે, તર્યા કંઈક જનનાં વૃંદ ।। ૨ ।।

સુખનિધિ આ સંસારમાં, સહુ જન જાણો જરૂર ।।

મૂરતિ શ્રી મહારાજની, દઢ ધારવા જેવી ઉર ।। ૩ ।।

જેમ જેમ જોયા જગદીશને, તેમ તેમ સંભારે સંત ।।

સર્વે આચરણને સંભારતાં, પામે સુખ અત્યંત ।। ૪ ।।

ચોપાઈ

વળી સંભારવા ઘનશ્યામ રે, પુરુષોત્તમ પૂરણકામ રે ।।

કેને દેતા ફૂલડાંની માળ રે, કેને દેતા પ્રસાદીના થાળ રે ।। ૫ ।।

કેને દેતા વસ્ત્ર ને ઘરેણાં રે, કેને ફળ દલ સુખદેણાં રે ।।

કેને અન્નકણ કોરી રૂપૈયા રે, દિયે નાથ દેખીને દુઃખિયા રે ।। ૬ ।।

કેને આપે છે ઘોડા ઘરેણાં ભારી રે, કેને આપે છે પાઘ ઉતારી રે ।।

એવા દીનબંધુ છે દયાળુ રે, સંભારતાં થાયે જો સુખાળુ રે ।। ૭ ।।

કેને મળે છે બાથમાં ઘાલી રે, કેને મગન કરે ચરણ આલી રે ।।

કેને મીઠી વાણ્યે બોલાવે રે, કહે એવું જેવું એને ભાવે રે ।। ૮ ।।

કેને અમૃત દષ્ટે નિહાળે રે, જોઈ જનતણા તાપ ટાળે રે ।।

કેને બેસારે પ્રભુજી પાસ રે, કેને સાથે કરે હરિ હાસ રે ।। ૯ ।।

એવી મૂરતિ અંતર ધારી રે, સૂતાં બેઠાં રાખે જે સંભારી રે ।।

તે સૌ અક્ષરના અધિકારી રે, થાશે નિશ્ચે કરી નર નારી રે ।। ૧૦ ।।

જાણો આદ્ય અંત ને મધ્યે રે, સુખી થયા શ્યામ સંબંધે રે

જેણે જોયા જગનો આધાર રે, તેનો બેડો થયો ભવપાર રે ।। ૧૧ ।।

હસતા રમતા ભમતા ભોમે રે, દીઠા જોઈ રે’તા વાલો વ્યોમે  રે ।।

વળી ગાતા વાતા ને ફરતા રે, કાજુ  કરનાં લટકાં કરતા રે ।। ૧૨ ।।

નીર ક્ષીર  સમીર પીતા રે, આસન કરતા ને મૌન ગ્રહેતા રે ।।

એમ જે જે રીત્યે જને જોયા રે, નીરખી નાથને નયણે મોહ્યા રે ।। ૧૩ ।।

તે તો પામિયા પરમ પ્રાપતિ રે, કરી અક્ષરધામમાં ગતિ રે ।।

આજ અનેક રીત્યે અવિનાશ રે, જોઈ સુખ પામ્યા બહુ દાસ રે ।। ૧૪ ।।

એવો મોટો મહિમા મૂર્તિનો રે, નવીન સુખ પામવા નગીનો  રે ।।

કહી કહી ને કહ્યું જે ઘણું રે, મોટું માહાત્મ્ય મૂર્તિ તણું રે ।। ૧૫ ।।

તોયે જથારથ છે જેમ રે, કે’તાં કે’તાં ન કે’વાય તેમ રે

આજ પ્રગટાવી પ્રતાપ રે, તાર્યા અનેક જીવને આપ રે ।। ૧૬ ।।

સામર્થી સહુથી છે ન્યારી રે, વાવરી  છે સમર્થ સુખકારી રે

અનંત પોં’ચાડ્યા અક્ષરધામે રે, સુખદાયક શ્રી ઘનશ્યામે રે ।। ૧૭ ।।

ધર્મ એકાંતિક તે સ્થાપિયો રે, નિજ આશ્રિતમાં તે વ્યાપિયો રે

અસુર ગુરુ નૃપનો કીધો નાશ રે, નિજ સામર્થીએ અવિનાશ રે ।। ૧૮ ।।

પુરુષોત્તમ પોતે પધારી રે, લીધા અનેક જીવ ઉદ્ધારી રે ।।

આપ સામર્થી વાવરી ઘણી રે, જોઈ નહિ કરણી જીવતણી રે ।। ૧૯ ।।

આજ બહુ જન તારવા આવ્યા રે, આવી સ્વામી સહજાનંદ કા’વ્યા રે ।।

જે જન સમરશે સહજાનંદ રે, તે જન પામશે પરમ આનંદ રે ।। ૨૦ ।।

ઇતિ શ્રીસહજાનંદસ્વામી ચરણકમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે અષ્ટાદશઃ પ્રકારઃ ।।૧૮।।