દોહા
વળી એક કહું ઉપાયને, તમે સાંભળજો સહુ જન ।
કર્યો કલ્યાણને કારણે, અતિ અમે થઇ પ્રસન્ન ।।૧।।
જેહ ઉપાયે આ જીવને, સર્વે પ્રકારે શ્રેય થાય ।
મોટા સુખને ભોગવે, આ લોક પરલોક માંય ।।૨।।
લાજ ન જાયે આ લોકમાં, પરલોકે પરમ આનંદ ।
કર્યો ઉપાય એવો અમે, સહુ જાણજો જનવૃંદ ।।૩।।
સત્ય શાસ્ત્ર સારાં કર્યાં, ભર્યાં અર્થે અતિ અનુપ ।
તેમાં બાંધી રૂડી રીતને, ત્યાગી ગૃહીને સુખરૂપ ।।૪।।
ચોપાઇ
ત્યાગી ગૃહીને તારવા અર્થરે, બાંધ્યા ઘણા સુખદાયિ ગ્રંથરે ।
તેમાં બહુ પ્રકારની વાતરે, સૂચવિ છે અમે સાક્ષાતરે ।।૫।।
કહ્યા ત્યાગી ગૃહિના વળી ધર્મરે, સહુને પાળવા સારુ પર્મરે ।
રીત જુજવી કહી જણાવીરે, વર્ણાશ્રમ ધર્મની કહી સંભળાવીરે ।।૬।।
સહુ સહુના ધર્મમાં રે’વારે, અમે ગ્રંથ કર્યા કહું એવારે ।
દ્વિજ ક્ષત્રિય વૈશ્ય ને શુદ્રરે, તેને તરવા સંસાર સમુદ્રરે ।।૭।।
વળી બટુ ગૃહી વાનપ્રસ્થરે, સંન્યાસિ આશ્રમ સુજશરે ।
દ્વિજ વર્ણના ધર્મ વિચારીરે, સર્વે અમે કહ્યા સુખકારીરે ।।૮।।
શમ દમ ક્ષમા ને સંતોષરે, અધર્મ સર્ગથી રે’વું અદોષરે ।
એહ આદિ ધર્મ અપારરે, કહ્યા વાડવના નિરધારરે ।।૯।।
ક્ષત્રી વર્ણના ધર્મ વર્ણવીરે, કહ્યા સર્વે રીતના સૂચવીરે ।
કરવી સહુજનની રખવાળરે, અતિ દિલમાં થઇ દયાળરે ।।૧૦।।
ધારી વિચારી ધરવી ધીરરે, કામ પડે થાવું શૂરવીરરે ।
એહ આદિ જે ક્ષત્રીના ધર્મરે, રાખે જરુર રાખવા શ્રમરે ।।૧૧।।
વૈશ્ય વર્ણના ધર્મ છે જેહરે, રાખે ગૌ ધન વે’પાર તેહરે ।
ખેતી વ્યાજ વોરાં પણ કરેરે, દગા કપટ પાપ પરહરેરે ।।૧૨।।
એવી રીતે વરતે વૈશ્ય વળીરે, એવી રીત લખી છે સઘળીરે ।
શૂદ્ર સેવા કરે તે સહુનીરે, ત્રણ વર્ણ કહ્યા તેહુનીરે ।।૧૩।।
એમ ચારે વર્ણની જો રીતરે, અમે લખાવી ગ્રંથ પુનિતરે ।
વર્ણિધર્મ કહ્યા જે વખાણીરે, તેપણ ગ્રંથમાં છે લિયો જાણીરે ।।૧૪।।
અષ્ટ પ્રકારે ત્રિયા ધન ત્યાગરે, વિષય સુખ સાથે છે વૈરાગરે ।
ભારે બ્રહ્મચર્ય વ્રત ધારીરે, રાખે ભાવે કરી બ્રહ્મચારીરે ।।૧૫।।
ગૃહસ્થાશ્રમના ધર્મ છે ઘણારે, તેપણ સર્વ લખ્યા તેહ તણારે ।
વાનપ્રસ્થના વિવિધ પ્રકારેરે, લખ્યા એહ આશ્રમ અનુસારેરે ।।૧૬।।
એને આસરે સંન્યાસી આશ્રમરે, તેના પણ લખાવ્યા છે ધર્મરે ।
ચારે વર્ણ ને આશ્રમ ચારરે, તેપણ લખ્યા છે કરી વિચારરે ।।૧૭।।
સહુનાં કલ્યાણ કરવા સારુંરે, અતિ તાન માનો છે અમારુંરે ।
વળી અતિ ત્યાગીના જે ધર્મરે, તેપણ લખ્યા છે કરી શ્રમરે ।।૧૮।।
તેહ શાસ્ત્રનાં સાંભળો નામરે, સહુને સુણતાં છે સુખધામરે ।
ધર્મામૃત નિષ્કામશુદ્ધિરે, વળી શિક્ષાપત્રી લખી દિધિરે ।।૧૯।।
એહ વિના બીજા છે જે ગ્રંથરે, કર્યા અમે કલ્યાણને અર્થરે ।
એમ કહ્યું શ્રીજીએ શ્રીમુખેરે, સહુ જનને તારવા સુખેરે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે ષટ્ચત્વારિંશઃ પ્રકારઃ ।।૪૬।।