પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર - ર૬ વડતાલ લીલા

Submitted by swaminarayanworld on Tue, 19/04/2016 - 9:15pm

 

દોહા

ચલ ઉત્સવ ચડોતરે, વરતાલે વારમવાર ।

ઠીક પોતે ઠરાવિયા, જગ તારવા જીવ અપાર ।।૧।।

રામનૌમી એકાદશી, પ્રબોધની જે પાવન ।

આવે અગણિત એ સમે, સહુ જન કરે દરશન ।।૨।।

સંત અનંત સૌ મળે, વળી ભેળા હોય ભગવંત ।

તેનાં દરશન કરતાં, પામે પરમ પદ અનંત ।।૩।।

વળી મનોહર મૂર્તિયો, મંદિરમાં સુંદર સાર ।

જે નિરખે નયણાં ભરી, તે પામી જાય ભવપાર ।।૪।।

 

ચોપાઇ

ધન્ય ધન્ય ધામ વરતાલરે, સારો આવ્યો છે સર્વે તાલરે ।

જેમ મંદિર સારું સુંદરરે, તેમ મૂર્તિયો મનહરરે ।।૫।।

નિર્ખિ જન મગન થાયરે, હર્ખી હર્ખી હરિગુણ ગાયરે ।

જળ અમળ નાયે ગોમતીરે, જીયાં નાહ્યા પોતે જગપતિરે ।।૬।।

કરે ઓટા દેરીનાં દર્શનરે, લિયે છાપ તે થાય પાવનરે ।

અતિ અમુલ્ય આંબલા છાયરે, બેઠા હરિ કરી જ્યાં સભાયરે ।।૭।।

સુંદર સારું શોભેછે તલાવરે, જીયાં જોયા મનોહર માવરે ।

તિયાં આંબલી એક રૂપાળીરે, બેઠા સંતપતિ પાટ ઢાળીરે ।।૮।।

આંબા ઉભે શોભેછે અતોલેરે, જીયાં હરિ બેઠા હિંડોલેરે ।

પ્રેમે પે’ર્યાતાં સોનેરી પટરે, વળી માથે ધર્યો’તો મુગટરે ।।૯।।

એવી જુવેછે જે સર્વે જાગ્યરે, તેનાં કહ્યાં ન જાયે ભાગ્યરે ।

ધન્ય કૂપ અનુપ એ બેહુરે, નાહ્યા નાથ સાથે સંત સહુરે ।।૧૦।।

ધન્ય ભૂમિકા ભાગ્ય અમિતરે, થઈ હરિચરણે અંકિતરે ।

ધન્ય ધન્ય એ શે’રી બજારરે, જીયાં હરિ ફર્યા બહુવારરે ।।૧૧।।

ધન્ય ઘર ઓસરી આંગણાંરે, જીયાં પગલાં થયાં પ્રભુ તણાંરે ।

ધન્ય રાણ્યવાડી ધર્મશાળારે, જીયાં જમ્યાછે સંત સઘળારે ।।૧૨।।

(લાડુ જલેબી સુતરફેણિરે, સેવદલ શિરો ને રોટલી ઝિણિરે ।

દુધપાક ને પુરી કંસારરે, હરિયે હાથે ફેર્યા વારં વારરે ।।૧।।

સાટા ઘેબર ને માલપુડારે, રસ દહીં દુધ મોતિયા રુડારે ।

ફર્યા પંગતમાં પંચ વારરે, જમ્યા સંત થયો જેજે કારરે ।।૨।।)

એહ આદિ બીજાં બહુ સ્થાનરે, જીયાં જમ્યા રમ્યા ભગવાનરે ।

જુવે સર્વે સ્થળ એ સંભારીરે, એક એકથી કલ્યાણકારીરે ।।૧૩।।

ભારે ભાગ્ય છે એ ભૂમિતણાંરે, રમ્યા રાજ રાખી નહિ મણારે ।

જેજે જન જાયગા એ જોશેરે, તે તો અતિ મોટી ખોટ ખોશેરે ।।૧૪।।

લેશે અલભ્ય લાભ અપારરે, તે તો નિશ્ચે જાણો નિર્ધારરે ।

બ્રહ્મમો’લ જાવાને નિસરણીરે, એવી ઘનશ્યામે કરી ઘણીરે ।।૧૫।।

બહુપેરે ઉઘાડ્યાં છે બારરે, અક્ષરધામે જાવા આવારરે ।

બહુ રીત કરી બહુનામીરે, આપ્યાં સુખ રાખી નથી ખામીરે ।।૧૬।।

જે અર્થે અક્ષરથી આવ્યારે, સંગે મુગત સરવે લાવ્યારે ।

તતપર છે તેહ કરવારે, કર્યું એ ધામ બહુ જન તરવારે ।।૧૭।।

કૈંક કરશે દર્શન આવીરે, કૈંક પૂજશે પૂજા લાવીરે ।

કૈંક જોડશે આવીને હાથરે, તે તો થઈ ચુક્યા છે સનાથરે ।।૧૮।।

બેઠા માથેથી મટાડી બીકરે, ઠરી બેસશે ધામમાં ઠીકરે ।

અવશ્ય કરવાનું હતુ તે થયુંરે, પામ્યા ધામ કામ સરી ગયુંરે ।।૧૯।।

તે તો પુરુષોત્તમ પ્રતાપેરે, બહુ ઉદ્ધારિયા જન આપેરે ।

હરિ ધારે તે શું શું ન થાયરે, તેનું આશ્ચર્ય ન માનો કાંયરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે ષડવિંશઃ પ્રકારઃ ।।૨૬।।