પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર - ૫૨

Submitted by swaminarayanworld on Thu, 21/04/2016 - 5:27pm

 

દોહા

જય જય જગ જીવનને, જય જય જગપતિરાય ।

જય જય જગદીશને, જય જય કહી જન ગાય ।।૧।।

જય કૃપાળુ જય દયાળુ, જય દીનબંધુ દુઃખહર ।

જય જય સમર્થ શ્રીહરિ, જય સુખદ શ્યામ સુંદર ।।૨।।

જય પ્રતાપ પ્રગટ પ્રબળ, જય પરાત્પર પરબ્રહ્મ ।

જય જય જગકારણ, જય જય કહે નિગમ ।।૩।।

જયકારી પ્રગટ્યા પૃથવી પર, જયકારી કિધાં કૈંક કામ ।

જયકારી ધારી મૂરતિ, પુરી સહુના હૈયાની હામ ।।૪।।

 

ચોપાઇ

જયજય જગના જીવનરે, જયજય પ્રભુજી પાવનરે ।

જયજય જનહિતકારીરે, જય જન્મ મરણ દુઃખહારીરે ।।૫।।

જયજય જનક જીવનારે, સુખદાયક છો સદૈવનારે ।

જય જનના જનની જેવારે, જય સદા ઇચ્છોછો સુખ દેવારે ।।૬।।

જયજય જીવન જગવંદરે, જયજય સ્વામી સહજાનંદરે ।

જયજય સુખદ ઘનશ્યામરે, જયજય કર્યાં બહુ કામરે ।।૭।।

જય જે કર્યાં આવી કારજરે, જોઇ જન પામ્યા છે આચરજરે ।

અતિ અલૌકિક કામ કિધાંરે, આશ્રિતને અભયદાન દિધાંરે ।।૮।।

બહુ ઉપાય કલ્યાણ કેરારે, કર્યા આવી આ જગે ઘણેરારે ।

તે તો લખ્યા જેટલા લખાણારે, કૈંક રહ્યા ને કૈંક કે’વાણારે ।।૯।।

બહુ પ્રકારે ઉદ્ધાર્યા પ્રાણીરે, તેની લેશ લખી છે એધાણીરે ।

સાંગોપાંગ અથ ઇતિ કે’વારે, નથી વાલમિક વ્યાસ જેવારે ।।૧૦।।

જેજે દીઠી આવી જાણ્યા માંઇરે, તેતે લખી થોડી ઘણી કાંઇરે ।

એક દિવસની વાત વળીરે, લખતાં ન લખાય સઘળીરે ।।૧૧।।

તેવાં વરષ ઓગણપંચાસરે, તેપર એક દિન દોય માસરે ।

એટલામાં કર્યાં જેજે કાજરે, તેને કોણ લખે કવિરાજરે ।।૧૨।।

થોડામાંય લેજો ઘણું જાણીરે, સર્વે વાત કેથી ન કે’વાણીરે ।

આ છે ગ્રંથ માહાત્મ્યનો ઘણોરે, તેમાં કહ્યો પ્રતાપ પ્રભુતણોરે ।।૧૩।।

તે તો સર્વે જાણજો સત્યરે, નથી અક્ષર એકે અસત્યરે ।

પણ પૂરી પ્રતીતિ જેને નોયરે, તેને આગળ્ય કેશો માં કોયરે ।।૧૪।।

એને લખી લખાવી માં દેશોરે, જેને હોય હરિમાં અંદેશોરે ।

તેને અર્થે આ વાત નહિ આવેરે, જેનું મન માન્યું કાવે દાવેરે ।।૧૫।।

જે નો’ય પુરી પ્રતિતીવાળારે, તે તો ક્યાંથી થાય સુખાળારે ।

સુખ લેશે સાચા સતસંગીરે, સુણશે કે’શે આ ગ્રંથ ઉમંગીરે ।।૧૬।।

ગાશે કે’શે સુણશે આ ગ્રંથરે, તેના સર્વે સરશે અર્થરે ।

આ લોકમાં આનંદ રે’શેરે પરલોકે મોટું સુખ લેશેરે ।।૧૭।।

માહાત્મ્ય કહ્યું છે અતિશે મોટુંરે, ખરાખરું જાણો નથી ખોટુંરે ।

રખે અપોચિયાની લઈ ઓટરે, પરિપૂરણમાં ખોળો ખોટરે ।।૧૮।।

સમર્થથી શું શું ન થાયરે, એમ સહુ સમજો મન માંયરે ।

એમ સમઝી સરવે સુજાણરે, વાત પકી કરી છે પ્રમાણરે ।।૧૯।।

તેને તક પાકી ગઇ પુરીરે, કોઇ વાત ન રહી અધુરીરે ।

પામ્યા પૂરણ પરમાનંદરે, થયા ન્યા’લ કે’ નિષ્કુલાનંદરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે દ્વિપંચાશત્તમઃ પ્રકારઃ ।।૫૨।।