પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર - ૫૩

Submitted by swaminarayanworld on Thu, 21/04/2016 - 5:27pm

 

દોહા

ધન્ય ધન્ય આ અવતારને, ઉદ્ધાર્યા જીવ અપાર ।

દયા આણી દીનબંધુએ, સર્વેની લીધી સાર ।।૧।।

અક્ષરધામથી આવિયા, કાવિયા ધર્મના લાલ ।

પ્રીતે કરીને પધારિયા, કૈંકને કર્યા નિયાલ ।।૨।।

અક્ષરાતીત અગમ જે, સુગમ થયા ઘનશ્યામ ।

અનંત અચ્યુત અવિનાશી, જે ધર્યું સહજાનંદ નામ ।।૩।।

અખંડ અકળ અપાર જે, તે થયા મનુષ્યાકાર ।

અજર અમર અમાપ જે, તેણે લીધી સૌની સાર ।।૪।।

 

રાગ સામેરી

અછેદ્ય અભેદ્ય અક્ષરાત્મા, અગોચર થયા ગોચર ।

અરૂપ અનુપમ અતિ ઘણા, તે થયા શ્યામ સુંદર ।।૫।।

અતોલ અમોલ આગમે કહ્યા, તે થયા ધર્મના બાળ ।

નેતિ નેતિ નિગમ કહે, તેણે લીધી છે સંભાળ ।।૬।।

બાલા ભક્તિ જે પ્રેમવતી, તેના થયા છે તન ।

ધર્મવૃષના ધામમાં, રમ્યા જમ્યા જીવન ।।૭।।

અલૌકિક આપે આવી કરી, આપ્યાં અલૌકિક સુખ ।

માત તાતના મનનાં, દૂર કર્યાં છે દુઃખ ।।૮।।

સુખી કરી જન સહુને, પછી પધારિયા ભગવન ।

સઘન વન વસમાં વળી, તે જોયાં સર્વે જીવન ।।૯।।

કૈકૈ કારજ કરિયાં, વાલે વળી વનમાંય ।

ત્યાગી ગૃહી તેમાં મળ્યા, તેની કરી પોતે સા’ય ।।૧૦।।

અનેક જીવ ઉદ્ધારવા, ફરિયા દેશ વિદેશ ।

નિર્ભય કર્યા નારી નરને, આપી ઉત્તમ ઉપદેશ ।।૧૧।।

ધામ તીરથ ધરા ઉપરે, જોયા જે જીવન પ્રાણ ।

દૈવી આસુરી જીવનાં, કર્યાં છે કોટ કલ્યાણ ।।૧૨।।

કલિયુગનું રાજ્ય કાઢિયું, સતયુગ વરતાવ્યો સોય ।

શુદ્ધ ધર્મમાં સહુ રહે, અશુદ્ધ ન આચરે કોય ।।૧૩।।

મનુષ્ય પશુધર્મ પાળતાં, તે શુદ્ધ કર્યાં નર નાર ।

સત અસત ઓળખાવિયું, સમઝાવ્યું સાર અસાર ।।૧૪।।

પંચ વ્રત પ્રગટ કરી, પ્રવર્તાવ્યાં પૃથવી માંય ।

નિ’મ ધાર્યાં નર નારીયે, કળિમળ ન રહ્યું ક્યાંય ।।૧૫।।

પવિત્ર પ્રાણધારી કર્યાં, તે તો પોતાને પ્રતાપ ।

જે અર્થે આપે આવિયા, તે અર્થ સારિયો આપ ।।૧૬।।

કૈકૈ કારજ કરિયાં, જીવના કલ્યાણ કાજ ।

ધ્યાન ધારણા સમાધિયે, સુખી કર્યાં જન આજ ।।૧૭।।

રીત અલૌકિક લોકમાં, દેખાડી દીનદયાળ ।

સુખી અંતરે સૌને કર્યાં, ધન્ય ધન્ય ધર્મના બાળ ।।૧૮।।

ઉત્સવ સમૈયે ભેળા કર્યા, સતસંગી વળી સંત ।

દરશ સ્પરશ દઇ આપનું, આપિયાં સુખ અત્યંત ।।૧૯।।

જુગત્યે જન જમાડિયા, પોતે લઇ પકવાન ।

મગન કર્યા સંત સહુને, દઈને દરશન દાન ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે ત્રિપંચાશત્તમઃ પ્રકારઃ ।।૫૩।।