દોહા
એવી વાત વાલમે કરી, ધરી હરિ હૈયે ઘણું હેત ।
સુણિ મગન મુનિ થયા, વળી સતસંગી સમેત ।।૧।।
આશ્ચર્ય પામ્યા સહુ અંતરે, એવાં સુણી વાલાનાં વેણ ।
જાણું જીવ ઉદ્ધારવા, આવ્યા આપે શ્યામ સુખદેણ ।।૨।।
પ્રાણધારી જે પ્રથવીએ, તે સહુને લેવા સ્વધામ ।
એહ આગ્રહ ઉરમાં, ઘણો ઘણો કરે ઘનશ્યામ ।।૩।।
જોઇ મહારાજની મરજી, હાથ જોડી કહે મુનિરાજ ।
જેમ કહો તેમ કરિયે, કે’જો કૃપા કરી હરિ આજ ।।૪।।
ચોપાઇ
તારે નાથ કહે સુણો સંતરે, આજ તારવા જીવ અનંતરે ।
માટે જેમ જેમ જીવ તરેરે, એમ કરવુંછે સહુને સરેરે ।।૫।।
માટે દેશો દેશમાં દેવળેરે, માંડો સારી મૂર્તિયો સઘળેરે ।
એહ મૂર્તિનાં દર્શન કરશેરે, તે તો અપાર પ્રાણી ઉદ્ધરશેરે ।।૬।।
જાણો એહ ઉપાય છે ભારીરે, સહુ જુવો મનમાં વિચારીરે ।
માટે કચ્છમાં મંદિર કરવુંરે, થાય પ્રાણીને પાર ઉતરવુંરે ।।૭।।
એવું સુણી સંત સજ્જ થઇરે, કર્યું ભુજમાં મંદિર જઇરે ।
માંહી બેસાર્યા નરનારાયણરે, કચ્છ દેશ તારવા કારણરે ।।૮।।
વળી ધોળકે મંદિર કરાવીરે, તેમાં મૂર્તિ સારી પધરાવીરે ।
એવો કરિયો એહ ઉપાયરે, જેણે કરી જન સુખી થાયરે ।।૯।।
(મોરલીમનોહર હરિકૃષ્ણરે, પોતે શ્રીજી થઈ અતિ પ્રશ્નરે ।
જીવ અનંત ઉદ્ધારવા કાજરે, આવ્યા ત્યાં ઘણીવાર લઈ સમાજરે૧)
કરાવિયું એ કાજ સંતરાજેરે, બહુ જીવને તારવા કાજેરે ।
વળી નાથ કે’ કહુંછું અમેરે, કરજો થાય તો મંદિર તમેરે ।।૧૦।।
પછી સંત જોઈ જોઈ જાગ્યારે, દેશો દેશ દેરાં કરવા લાગ્યારે ।
જેજે દેશમાં દેવળ થયાંરે, તેતે દેશમાં જન જે રહ્યાંરે ।।૧૧।।
તે તો ઉત્સવ સમૈયા માથેરે, આવે સહુ દરશને સાથેરે ।
કરી દર્શન પ્રસન્ન થાયરે, મુખે સ્વામિનારાયણ ગાયરે ।।૧૨।।
લેતાં સ્વામિનારાયણ નામરે, થાય શુદ્ધ સહુ નર વામરે ।
સ્વામિનારાયણ નામ જેવુંરે, નથી બીજું નામ કોઇ એવુંરે ।।૧૩।।
માટે જે જપશે એ નામરે, તે તો પામશે અક્ષરધામરે ।
એવો એ નામનો પરતાપરે, પ્રગટાવ્યો પૃથ્વીપર આપરે ।।૧૪।।
બહુ પ્રકારે કરવા કલ્યાણરે, નાથે ધારિયું છે નિરવાણરે ।
માટે જેજે ક્રિયાઓ કરેછેરે, તેમાં અનંત જીવ તરેછેરે ।।૧૫।।
એમ જીવ જગતના સહુરે, કર્યા તારવા ઉપાય બહુરે ।
એહ ઉપાયમાં જે આવી ગયારે, તે સહુ ભવપાર થયારે ।।૧૬।।
એહ અર્થે આપે આવિયારે, કરી બહુ જીવપર દયારે ।
આજ જક્તના જીવ છે જેહરે, તર્યા પ્રભુ પ્રતાપથી તેહરે ।।૧૭।।
અતિ સામર્થી વાવરી છે આજરે, આવી પુરુષોત્તમ મહારાજરે ।
સહુ પાર સહુને સરેરે, આજ એવી સામર્થી વાવરેરે ।।૧૮।।
જેજે જાણશે તેતે વખાણશેરે, બિજા જન તેહ શું જાણશેરે ।
નથી વાત જેવડી એ વાતરે, એમ જાણે છે સંત સાક્ષાતરે ।।૧૯।।
તે તો કહેછે કર વજાડીરે, ચોખા ચોખી જો વિગતિ પાડીરે ।
તેની પ્રતીતિ ન પડે જેનેરે, ના’વે અલૌકિક સુખ તેનેરે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે ત્રયસ્ત્રિંશઃ પ્રકારઃ ।।૩૩।।