શતાનંદસ્વામી કહે છે- હે પ્રભુ ! તમે સ્વયં ભગવાન છો, પરબ્રહ્મ તત્ત્વ છો છતાં પણ તમે રાધાકૃષ્ણદેવને ઈષ્ટદેવ તરીકે માનો છો. તમે એમની જ સર્વ જગ્યાએ સ્થાપના કરો છો. વળી રામાનંદસ્વામીની પાસે પ્રાર્થના કરતાં કહ્યું હતું કે- હે સ્વામી! તમને જેમ પૂજામાં સ્વયં શ્રીકૃષ્ણ ભગવાન દર્શન આપે છે, તમારી પૂજાનો સ્વીકાર કરે છે, તેમ મને પણ દર્શન આપે અને મારી પૂજાનો સ્વીકાર કરે. એવા આશીર્વાદ આપો. આ પ્રમાણે સર્વ જગ્યાએ શ્રીકૃષ્ણ ભગવાનને જ પ્રથમ પૂજય રાખ્યા છે.
વળી શિક્ષાપત્રીમાં શ્રીજીમહારાજ કહે છે, અમારા સત્સંગી હોય તેમણે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું. અને તે મંદિરને વિષે, શ્રીરાધીકાજીના પતિ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેના નામનું ઊચ્ચ સ્વરે કરીને કીર્તન કરવું. ।।૬૩।। અને વળી પહેલા શ્લોકમાં પણ કહે છે.
હું જે તે મારા હૃદયને વિષે શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું, તે શ્રીકૃષ્ણ કેવા છે તો જેના ડાબા પડખાને વિષે રાધિકાજી રહ્યાં છે અને જેના વૃક્ષઃસ્થલને વિષે લક્ષ્મીજી રહ્યાં છે, અને વૃંદાવનને વિષે વિહારના કરનારા છે. ।।૧।।
એ શ્રીકૃષ્ણ ભગવાનનું સ્વામિનારાયણ ભગવાન કહે છે કે હું ધ્યાન કરું છું. રાધાજીને અને લક્ષ્મીજીને ભગવાને જરાય જુદાં નથી રાખ્યાં, સાથે જ રાખ્યાં છે.
જેને ઘડીએ ન મેલે રમા રાધિકારે લોલ, એવા દુર્લભ સુલભ થયા આજ મારી બેની,
પ્રગટ હરિ મુજને મળ્યા રે લોલ.
આ કથા જો સાધારણ મનુષ્ય સાંભળે તો એના મનમાં એમ તર્ક થાય કે, સ્વામિનારાયણ જો રાધાકૃષ્ણદેવનું ધ્યાન કરે તો સ્વામિનારાયણ ભગવાન છે કે ભકત છે ? આવો જેને મનમાં સંશય થાય, તો તેનો નિશ્ચય પાકો નથી કાચો છો. કારણ કે ભગવાન આ પૃથ્વી ઊપર અવતાર ધારણ કરે છે, ત્યારે તે ભકતજનોને શીખવવા માટે પોતાનાં જ આગલાં અવતરેલાં સ્વરૂપનું પૂજન, ધ્યાન, અર્ચન વિગેરે કરે છે. તેથી ભગવાનમાં કાંઈ ન્યૂનતા નથી. ભગવાનના સર્વે અવતારો સરખા જ છે. અને આ પૃથ્વી ઊપર અવતરેલા અવતારમાં જ અવતારી તત્ત્વ રહેલું છે.
આ મંત્ર ધ્યાન પૂર્વક સમજવા જેવો છે, સમગ્ર શકિતની અધિષ્ઠાતા દેવી રાધિકાજી છે, અને ધનની અધિષ્ઠાતા દેવી મા લક્ષ્મીજી છે. આ બન્ને દેવીઓનું તમામ દેવીઓમાં અગ્ર સ્થાન છે. ભગવાનની પૂજા ભગવાનની શકિતની સાથે થાય છે. ભગવાનને એકલા રહેવું ગમતું નથી, તેથી ભગવાન સદાય શ્રેષ્ઠ ભકતને સાથે જ રાખે છે.
-: સમજાય કયારે ? સંતો સમજાવે ત્યારે :-
શિક્ષક હોય એ બી.એ. કે બી.કોમ. ભણેલો હોય અથવા એથી પણ વધારે ભણેલો હોય એ સાવ નવા વિદ્યાર્થીને ભણાવે ત્યારે તે એમ બોલે એકડે એક, એ એકડો શિખડાવે, . . . .બારાખડી શિખડાવે ત્યારે શિક્ષક બોલે ક કલમનો ક. ખ ખડિયાનો ખ. નવો વિદ્યાર્થી બોલે ક કલમનો ક. ખ ખડિયાનો ખ. ત્યારે અજ્ઞાની અણસમજું એમ શંકા કરે કે આ માસ્તરને કાંઈ આવડતું નથી, તેથી એકડો બગડો બોલે છે ને બારાખડી ગોખે છે, આવું સમજે તે ગાંડો કહેવાય.
સ્વામિનારાયણ ભગવાન જો કોઈનું ધ્યાન, પૂજન કરવાથી કે ઈષ્ટદેવ તરીકે માનવાથી ભકત થઈ જતા હોય, તો પૂર્વે રામાવતારમાં પણ શ્રીરામચંદ્રજી ભગવાન પોતે સ્વયં ભગવાન છે છતાં પણ પોતાના જ અનન્ય ભકત જે શિવજી તેમની રામેશ્વરમાં સ્થાપના કરી, ત્યારે ભગવાને શિવજીને દંડવત્ પ્રણામ કર્યા, નમસ્કાર કર્યા, પૂજા કરી, આરતી ઊતારી, હાથ જોડીને બેઠા તો શું શિવજી ભગવાન અને રામચંદ્રજી ભકત એવો ભાવ છે ? તેથી શું રામચંદ્રજી શિવજીના ભકત કે આશ્રિત થઈ ગયા ? ના એતો ભકતને શીખવવાને વાસ્તે કરે છે.
શિવજી તો પરમાત્માના ભકત છે અને શ્રીરામચંદ્રજી તો પુરુષોત્તમ નારાયણ છે. તે જ રીતે ભગવાન શ્રીકૃષ્ણચંદ્ર પણ હંમેશાં રાજમહેલમાં પધરાવેલી ચતુર્ભુજ મૂર્તિનું પૂજન કરતા, તેમની જ વંદના કરતા, આરાધના કરતા, થાળ જમાડતા. જયારે નારદજી પરીક્ષા કરવા મહેલમાં આવ્યા ત્યારે શ્રીકૃષ્ણ ભગવાન તે જ ચતુર્ભુજ મૂર્તિની પૂજા કરતા હતા. ત્યારે નારદજીને શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું કે આ અમારા ઈષ્ટદેવ છે. તો શું આમાં શંકા કરવી ? કે મૂર્તિમાં રહેલા ચતુર્ભુજ નારાયણ ભગવાન છે, અને શ્રીકૃષ્ણચંદ્ર પોતે ભકત છે ? આવું બુધ્ધિશાળી માણસ કયારેય ન વિચારે. શિષ્ટાચારની રીતિ છે, માનવમાત્રના ઈષ્ટદેવ હોવા જ જોઈએ. ભગવાન મનુષ્ય શરીર ધારણ કરે, ત્યારે પૂર્ણ પણે શિષ્ટાચારનું પાલન કરે છે. પછી ભગવાન ગમે તેવાં ચરિત્ર કરે તો પણ એ ચરિત્રને કલ્યાણકારી જ માને, પણ તે ચરિત્રને જોઈને આ પૃથ્વી ઊપર રહેલા ભગવાનને વિષે કયારેય પણ ન્યૂન ભાવ લાવે નહિ. અને શંકાસ્પદ એવા તર્ક વિતર્ક પણ કરે નહિ. તેમને જ ઊત્તમ ભકત કહેલા છે, તેને જ આસ્તિક કહેલા છે.
જુઓ ભાગવતજીમાં રાજા પરીક્ષિતને રાસલીલા સાંભળતાં શંકા થઈ, કે ભગવાન થઈને યુવાન સ્ત્રીઓ સાથે રાસ રમે... આને ભગવાન કઈ રીતે માનવા ? મન હચમચી ગયું, ત્યારે સંત શુકદેવજીએ કહ્યું, રાજન્ ! શંકા ન કરો. . . કૃષ્ણ તો પરબ્રહ્મ પુરુષોત્તમનારાયણ છે. એને કોઈ પણ જાતનો દોષ લાગતો નથી, એની ક્રિયામાં કયારેય પણ મનુષ્યની ક્રિયા સમાન ક્રિયા ભાવ લેવાય નહિ. ભગવાનનાં દિવ્ય ચરિત્ર અને મનુષ્ય ચરિત્રમાં હમેશાં દિવ્યભાવ રાખવો. એ જ કલ્યાણનો ઊત્તમ માર્ગ છે.
અને શ્રુતિઓ પણ ભગવાનનું વર્ણન કરી કરીને થાકી જાય પણ સાક્ષાત ભગવાનનાં પારને પામી શકે નહિ, તો આપ જેવા સામાન્ય માણસ થઈ ભગવાનના આ ચરિત્રોમાં શંકા કરવી યોગ્ય નથી. આમ શુકદેવજીએ સમજાવ્યું છતાં રાજાનો સંશય ટળ્યો નહિ, ત્યારે ભગવાન કૃષ્ણે બધી ગોપીઓને ભગવાનમય બનાવી દીધી... કેવલ કૃષ્ણ, કૃષ્ણ સાથે જ ખેલે છે ને રાસ રમે છે, આ પ્રસંગમાં મુકતાનંદ સ્વામીએ સરસ કીર્તન ગાયું છે.
રાસ રચ્યો વનમાળી, વૃંદાવન રાસ રચ્યો વનમાળી.
પ્રેમેશું પલવટ વાળી, વૃંદાવન રાસ રચ્યો વનમાળી.
કોઈ સખી તાલ મૃદંગ બજાવે, કોઈ બજાવે કરતાળી;
કરનાં લટકાં કરી કોઈ નાચે, કોઈ ફરે ફુદડી રૂપાળી. વૃંદાવન૦
રાધા રાસમાં રંગ જમાવે, મોહન સંગ મરમાળી;
મુકતાનંદ મોહન સંગ રમતા, ન શકી આપ સંભાળી... વૃંદાવન૦
બધી જ ગોપીઓને કૃષ્ણમય બનાવી દીધી, ત્યારે પરીક્ષિત રાજાનો સંશય ટળ્યો, ભગવાનના ભકતને નિશ્ચય સંતો દ્વારા જ દૃઢ થાય છે, કેવળ શાસ્ત્ર વાંચી વાંચીને નિશ્ચય દૃઢ થતો નથી. સંતનું શરણું લેવું જ પડશે.
ભગવાન સ્વામિનારાયણ કહે છે; મારા ઈષ્ટદેવ રાધાકૃષ્ણદેવ છે. તો આપણા ઈષ્ટદેવ કોણ ? આપણા ઈષ્ટદેવ સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન છે. શતાનંદ સ્વામી રાધાકૃષ્ણદેવને નમસ્કાર કરી ૧૭ મા મંત્રથી વંદના કરે છે.