પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર - ૧૧

Submitted by swaminarayanworld on Sat, 17/09/2011 - 11:30am

દોહા

પુરૂષોત્તમ પધારિયા, સર્વે અવતારના આધાર ।

અગણિત જીવ આ જગતના, તે સહુની લેવા સાર ।।૧।।

સ્થૂળ સૂક્ષ્મ જે જળે સ્થળે, જીયાં જીયાં રહ્યા’તા જન ।

તિયાં તિયાંથી તારિયા, આવી ભૂમિપર ભગવન ।।૨।।

કોઈ પ્રકારનો પ્રાણધારી, પામિયા જે પ્રસંગ ।

તે સહુ સુખીયા થયા, ગયા અક્ષરે થૈ શુદ્ધ અંગ ।।૩।।

જેમ અર્કને ઊગવે કરી, રહે નહિ અણુએ અંધાર ।

તેમ સહજાનંદ સૂર્યથી, જન પામિયા સુખ અપાર ।।૪।।

ચોપાઈ

બહુ અવતારના જે દાસરે, તેની પુરી કરવાને આશરે ।

ધર્યું રૂપ અલૌકિક એવુંરે, સહુને પૂજવા સેવવા જેવુંરે ।।૫।।

સહુ લોકને આવિયો લાગરે, મળ્યો મહાસુખ લેવાનો માગરે ।

મત્સ્યાદિકના રહ્યા’તા મુંઝાઈરે, સેવી સુખ લેવા મનમાંઈરે ।।૬।।

તે સહુનું ઊઘાડિયું બારરે, નાના મોટાનું એકજ વારરે ।

લિયો લાવો દાવો ભલો આવ્યોરે, આવ્યો અવસર આજ મન ભાવ્યોરે ।।૭।।

જેવી સમૃદ્ધિ જેવી સામગરિરે, તેવે પૂજો પ્રસન્ન થાશે હરિરે ।

અશન વસન ભૂષણે ભાવ ભરીરે, પૂજો ફળ ફુલ મૂળ કંદે કરીરે ।।૮।।

જળ દળ જે જે કાંઈ મળેરે, પૂજો પૂજાશે આજ સઘળેરે ।

કુંકુમ કસ્તુરી કપૂર કેસરરે, અર્ઘ્ય અગર ચંદન અત્તરરે ।।૯।।

ધન ધાન્ય વૃક્ષને વાહનેરે, ગાય ગવા મહિષી સદનેરે ।

વાડી ખેત્ર વસુંધરા વળીરે, સેજ પલંગ પાથરણાં મળીરે ।।૧૦।।

ગાદી તકીયા ઓછાડ ઓસિસેરે, જેજે આપશો તે આજ લેશેરે ।

કમળનાળ ડોડાં ડોડી પાન રે, લઈ રાજી થાશે ભગવાનરે ।।૧૧।।

દુધ મધ દહીં મહી વળીરે, ઘી ગોળ શર્કરા ગળીરે ।

ઈક્ષુદંડ ખાંડ ને ખારેક રે, એહ આદી વસ્તુ જે અનેકરે ।।૧૨।।

પાન બીડી લવીંગ સોપારીરે, જાયફળ એલા તજ સારીરે ।

એહ આદી જમવાનાં જેહરે, આવે ઊત્તમ પૂજવામાં તેહરે ।।૧૩।।

જેજે શુધ્ધ વસ્તુ સુખદાઈરે, તેતે આવે સર્વે સેવામાંઈ રે ।

એવો આજનોછે અવતારરે, સહુ જીવને સુખ દેનારરે ।।૧૪।।

હળી મળી પાસે રહીયેરે, પગ પૂજી સ્પર્શી સુખ લૈયેરે ।

એમ સહુને બહુ સુગમરે, થયા પોતે તે પૂરણ બ્રહ્મરે ।।૧૫।।

સર્વે અવતારનો જે સંકોચરે, ભાગ્યો ભકતનો ન રાખી પોચરે ।

મત્સ્ય કચ્છ વરાહ નરસગરે, તેતો મનુષ્યથી વિજાતિ અંગરે ।।૧૬।।

સજાતિ વિના સુખ ન આવેરે, માટે નરપ્રભુ ભકતને ભાવેરે ।

ધરે નરતન હોય નરેશરે, તોય બહુને ન હોયે ઊપદેશરે ।।૧૭।।

વિપ્ર ક્ષત્રિ ન સાંભળે વાતરે, વૈશ્ય શુદ્ર કરે વાત ઘાતરે ।

માટે આ જે લીધો અવતારરે, શોધી સારતણું ઘણું સારરે ।।૧૮।।

સૌને સુગમ અગમ નહિ અણુંરે, સર્વે આગમે નિગમે ઘણુંરે ।

થયા એવા પોતે પૂર્ણકામરે, પુરી સર્વે જીવની હામરે ।।૧૯।।

તોય વળતું વિચાર્યુ છે એમરે, બહુ જીવ ઊધ્ધરે કેમરે ।

દઈ દર્શન દોષ નિવારૂંરે, તેણે પામે પરમ ધામ મારૂંરે ।।૨૦।।

ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે એકાદશઃ પ્રકારઃ ।।૧૧।।