દોહા
મોટી મે’ર કરી હરિ, પધારિયા પૂરણકામ ।
અનેક જીવને આપવા, પોતાનું પરમ ધામ ।।૧।।
દયાનિધિ દયાકરી, જીવ જકતના ઊપર જોર ।
તાન એક જીવ તારવા, ધારિ વપુ ધર્મકિશોર ।।૨।।
અહોનિશ એ ઊપાયમાં, રહ્યા છે રાજ અધિરાજ ।
અમિતને અભય કરવા, સાપવા સુખ સમાજ ।।૩।।
પડતું મેલ્યું પૂજા સ્પર્શનું, દરશનનું રાખ્યું દાન ।
જે જન નિરખે નાથને, તે પામે સુખ નિદાન ।।૪।।
ચોપાઈ
એહ અર્થે કરે છે ઊપાયરે, નિત્ય નવાનવા મનમાંયરે ।
જાણે સૌજન દર્શન કરેરે, ભાવે અભાવે નામ ઓચરેરે ।।૫।।
લેતાં સ્વામિનારાયણ નામરે, થાયે પ્રાણી તે પૂરણકામરે ।
લેશે નામ નિરખશે નેણેરે, પરમ પ્રાપ્તિ પામશે તેણેરે ।।૬।।
માટે મોટા ઊત્સવ સમૈયારે, કરું જાય નહિ કેણે કૈયારે ।
પછી ફુલદોલ રામનૌમીરે, પ્રબોધની એકાદશી સૌમીરે ।।૭।।
તે દિ આવે લાખો લેખે જનરે, કરે મહાપ્રભુનાં દરશનરે ।
જુવે સભા સામું સુખકંદરે, અમૃતદ્રષ્ટિએ આપે આનંદરે ।।૮।।
સહુજન તણા તાપ હરેરે, સુખશાંતિ અંતરમાં કરે રે ।
સહુ સુખિયા થઈ જન મનેરે, જાય પોત પોતાને ભવનેરે ।।૯।।
રાત્યદિ સાંભરે સ્વામી સંતરે, તેણે રાજી રહેછે અત્યંતરે ।
કરતાં એ લીળાનું ચિંતવનરે, તેણે પામે પરમ ધામ જનરે ।।૧૦।।
એવા સમૈયા વરસો વરસરે, કરે એકબીજાથી સરસરે ।
તેમાં કૈક પૂજે કૈક સ્પરશે રે, સૌને આનંદના ઘન વરસેરે ।।૧૧।।
નિત્ય નવી કરે નાથ લીળારે, ત્યાગી ગૃહી કરી બહુ ભેળારે ।
સંત બટુ સન્યાસી સમોહરે, જેને કામ લોભ નહિ મોહરે ।।૧૨।।
જોઈ એવાને જકતના જનરે, સહુ કે’છે કરી ધન્ય ધન્યરે ।
સંત શ્રીહરિને દરશનેરે, પામે મહામોટો આનંદ મનેરે ।।૧૩।।
એવા જન જગતમાં જેહ રે, પામ્યા અક્ષરધામને તેહરે ।
એવો કર્યો મોટો ઊપકારરે, બહુ જીવ કરવા ભવપારરે ।।૧૪।।
બંધ થઈ ગયાં બીજાં બારરે, પરમપદ પામ્યા નરનારરે ।
જીવ સંયમનીએ શીદ જાયરે, પ્રગટ પ્રભુજી છે પ્રથવી માંયરે ।।૧૫।।
આજ શક્કો સહજાનંદ તણોરે, બેઠો બળવંત બળિયાનો ઘણોરે ।
જયારે પ્રગટિયા પ્રભુ પોતે રે, જોયા નજરે આવ્યા જીવ જોતેરે ।।૧૬।।
સ્વર્ગ મર્ત્યલોક ને પાતાળરે, દિઠા તેને દુઃખિયા દયાળરે ।
તેને છોડાવ્યા બંધથી છેકરે, ગયા એ પણ ધામે અનેકરે ।।૧૭।।
બેસે રાજા ગાદિ પર કોયરે, છોડે બંધીવાનના બંધ સોયરે ।
તેમ બંધથી છોડાવ્યા બહુ જનરે, પોતે પ્રગટી શ્રીભગવનરે ।।૧૮।।
મહા મોટો પ્રતાપ પ્રગટાવીરે, રીત નૌતમ ન્યારી ચલાવીરે ।
જેને ઊપર નહિ બીજો કોયરે, તેતો જેમ કરે તેમ હોયરે ।।૧૯।।
સૌના નાથ નિયંતા સ્વામીરે, સૌ ધામતણા પણ ધામીરે ।
તેતો અઢળક આજ ઢળિયારે, થયા સુખી જન જેને મળિયારે ।।૨૦।।
ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે દ્વાદશઃ પ્રકારઃ ।।૧૨।।