દોહા
દેશોદેશથી આવે દરશને, નિ’મ ધારી સહુ નરનાર ।
આવિને નિરખે નાથને, તેણે લિયે સુખ અપાર ।।૧।।
સમૈયે સમૈયે સુખદેવા, ઊત્સવ કર્યા અનેક ।
દયા કરી દીનબંધુએ, જીવ નિર્ભય કરવા નેક ।।૨।।
તેહજ અર્થે તાન છે, જીવ મોકલવા નિજધામ ।
આવ્યા કારજ એ કરવા, ઘણે હેતે કરી ઘનશ્યામ ।।૩।।
એટલા માટે અનેક રીતે, કરે ઊપાય આઠું જામ ।
જયાંજયાં ઊત્સવ સમૈયા કર્યા, કહું તે તે ગામનાં નામ ।।૪।।
ચોપાઈ –
સહુથી મોર્યે ઊત્સવ માંગરોલરે, થયા જન ત્યાં ભેળા અતોલરે ।
પછી લોજે કરી બહુ લીળારે, ત્યાં પણ થયા’તા જન બહુ ભેળારે ।।૫।।
અગત્રાયે આઠમ ઊત્સવરે, કરી તાર્યા જીવ કૈ ભવરે ।
ભલી ભાડેરે આઠમ ભજાવીરે, કરી લીળા માણાવદ્ર આવીરે ।।૬।।
મેઘપુરના ઊત્સવ માંઈરે, દ્વિજ જમાડી કરી ભલાઈરે ।
પંચાળાનો સમૈયો પ્રસિદ્ધરે, આપ્યાં સુખ સહુને બહુવિધરે ।।૭।।
જૂનેગઢ જઈ મહારાજરે, કરી ઊત્સવ કર્યાં બહુ કાજરે ।
ધોરાજીની લીળા ધન્યધન્યરે, જોઈ જન થયા છે મગનરે ।।૮।।
કરિયાણામાં ઊત્સવ કીધોરે, બહુ જનને આનંદ દીધોરે ।
ગઢડાની તો નહિ આવે ગણતિરે, યાં તો ઊત્સવ કર્યા છે અતિરે ।।૯।।
કારિયાણીના કેટલાક કહુંરે, યાં તો લીળા કરી બહુ બહુરે ।
સારંગપુર છે સારૂં ગામરે, કરી ઊત્સવ સાર્યું સૌનું કામરે ।।૧૦।।
બોટાદમાં લીળા બહુ બનીરે, ભલી ભજાવિ છે હુતાશનીરે ।
લોયે લીધો સહુ જને લાવરે, પુરા કર્યા છે ભકતના ભાવરે ।।૧૧।।
નાગડકાની લીળા જન જાણેરે, સારો સમૈયો સુંદરીયાણેરે ।
કરમડની વાત શું કહુંરે, નાથ નિરખી સુખી થયા સહુરે ।।૧૨।।
કાળુતળાવ માંડવી તેરારે, કર્યા ભુજે ઊત્સવ કઈ વેરારે ।
મછિયાવ્યમાં મહારાજ આવીરે, ભલિ હુતાશની ત્યાં ભજાવીરે ।।૧૩।।
જેતલપુરમાં જગન કીધારે, કંઈ જનને શરણે લીધારે ।
અમદાવાદની ચોરાશી કીધીરે, કર્યું ખોખરે કામ પરસિધિરે ।।૧૪।।
આદરોજનો અન્નકૂટ કીધોરે, કર્જીસણે જને લાવો લીધોરે ।
સિદ્ધપુરનો સમૈયો સુંદરરે, કર્યો અલબેલે આનંદભરરે ।।૧૫।।
વડથલ પિપળિ તવરા કાવ્યારે, થયા સમૈયા પોતે ન આવ્યારે ।
ડભાણની લીળા કહી દાખુંરે, જિયાં જન મળ્યા હતા લાખુંરે ।।૧૬।।
વડતાલની લીળા વખાણીરે, લખે લખતાં મેં ન લખાણીરે ।
વડોદરામાં વાલ્યમ જઇરે, તાર્યા જન દરશન દઈરે ।।૧૭।।
સુરત પધારિ શ્યામ સુંદરરે, તાર્યા દરશને કઇ નારી નરરે ।
ધર્મપુરમાં ધરિયો મુગટરે, કર્યો વાંસદે ઊત્સવ અમટરે ।।૧૮।।
એહ રીત્યે બીજે ઘણે ગામરે, સંગે સંત લઈ ફર્યા શ્યામરે ।
એમ પવિત્ર કરી પૃથવીરે, તાર્યા જીવ કાઢિ રીત નવીરે ।।૧૯।।
અતિ આનંદ જનને પમાડ્યુંરે, બ્રહ્મમો’લનું બાર ઊઘાડ્યુંરે ।
સહુ જાઓ ધામમાં આ સમેરે, સ્વામી સહજાનંદને હુકમેરે ।।૨૦।।
ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે ત્રયોદશઃ પ્રકારઃ ।।૧૩।।