પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર - ૦૬

Submitted by Parth Patel on Thu, 08/09/2011 - 4:08am

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર - ૦૬

દોહા -

જનમિ જનક જનની ઘરે, રહ્યા દયા કરી કાંઈક દિન ।

રમ્યા જમ્યા રૂડિ રીત્યશું, ભકિત ધર્મને ભવન ।।૧।।

ત્યાં બાળચરિત્ર બહુ કર્યાં, પછી આઠમે વર્ષે આપ ।

પિતાથકી તે પામિયા, ઊપવીત અતિ નિષ્પાપ ।।૨।।

ત્રણ વર્ષ તપાસિને રહ્યા, તાતભવન શ્રીઅવિનાશ ।

પછી પ્રભુજી પધારિયા, જઈ કર્યો વનમાંહિ વાસ ।।૩।।

સાત વરષ વન વેઠિયું, વળતો વાલમે કર્યો વિચાર ।

જે અર્થે આ અવતાર છે, તે કરૂં હવે નિરધાર ।।૪।।

ચોપાઈ-

પછી જોગી ગોપાળને મળીરે, કરી એની ઈચ્છા પૂરી વળી રે ।

મળ્યા પ્રભુજી પૂરણ કામ રે, તજી તન ગયા અક્ષરધામ રે ।।૫।।

પછી નવલખે પર્વત પધાર્યા રે, બહુ જોગીને મુદ વધાર્યા રે ।

જોગી નવલાખ જોઈ જીવન રે, થયા નાથ નિરખિને મગન રે ।।૬।।

તેપણ તન તજી નિરધાર રે, અવધે ગયા અક્ષર મોઝાર રે ।

એમ જીવ ઊદ્ધારવા કાજ રે, ફરે હદ્ય બેહદ્યે મહારાજ રે ।।૭।।

જેજે જીવ આવે છે નજરે રે, તેને ધામના નિવાસી કરે રે ।

દરશે સ્પરશે કોઈ દેહધારી રે, થાય અક્ષરના અધિકારી રે ।।૮।।

નર અમર ને જે અસુર રે, પામે પ્રભુ પેખે બ્રહ્મપુર રે ।

એમ જીવ જકતના જેહરે, પામે અક્ષરધામને તેહરે ।।૯।।

તીર્થ શહેર પુર નગ્ર ગ્રામ રે, ફર્યા જેજે ધરણિપર ધામ રે ।

ત્યાં ત્યાં જેણે નિરખ્યા ઘનશ્યામરે, તેતે પામિયા અક્ષરધામરે।।૧૦।।

ગિરિ ગુફામાં જે ગેબ હતા રે, કઈ સમુદ્ર તટ સેવતા રે ।

તેનું કર્યું છે પરમ કલ્યાણ રે, પોતે મળી પ્રગટ પ્રમાણ રે ।।૧૧।।

નિજ મૂર્તિ પ્રતાપે મહારાજ રે, કર્યાં અનેક જીવનાં કાજરે ।

એમ ઊદ્ધારતા બહુ જન રે, આવ્યા સોરઠમાં ભગવન રે ।।૧૨।।

સોરઠદેશે સોયામણું ગામ રે, મન લોભે શોભે લોજ નામ રે ।

તિયાં અલબેલો આવી રહ્યા રે, કરી બહુ જીવપર દયા રે ।।૧૩।।

એમ પધારિયા પ્રાણનાથ રે, પછી સંભારિયો મુકતસાથ રે ।

કરી સુરત્યને જોયા સંભાળી રે, મુનિ મુકતની મંડળી રૂપાળી રે ।।૧૪।।

જયારે નાથે કર્યું ચતવન રે, આવ્યા જયાં હતા ત્યાંથી જન રે ।

આવી મળ્યા મહારાજ સંગ રે, મુકત મંડળ અતિ ઊછરંગ રે ।।૧૫।।

લાવ્યા પાયે જોડી જુગ પાણ રે, બોલ્યા વિનતિ કરી મુખ વાણ રે ।

આગ્યાં હર્ષનાં નયણે નીર રે, જોઈ બોલીયા શ્યામ સુધીર રે ।।૧૬।।

મુનિ સર્વે સુખી છો તમે રે, તમે મળે રાજી થયા અમે રે ।

પછી મરિચ્યાદિ મુનિ સાથ રે, રહ્યા પ્રભુ પાસે જોડી હાથ રે ।।૧૭।।

પછી મુનિ કહે મહારાજ રે, જેમ કો’ તેમ કરિએ આજ રે ।

ત્યારે નાથ કે’ તારવા જંત રે, દેશો દેશ ફરો બુદ્ધિવંત રે ।।૧૮।।

અહસાદિક નિયમ પળાવો રે, જન્મ મર્ણનાં ખાતાં વળાવો રે ।

વળિ અન્ન જળ દેશે જે તમને રે, તે સહુ પ્રાણી પામશે અમને રે ।।૧૯।।

દરશ સ્પરશ કરી પડશે પાય રે, તેની જરૂર કરીશ હું સા’ય રે ।

તમારા ને મારા જે મળેલ રે, તેને થાશે કહું બહુ સે’લ રે ।।૨૦।।

ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે ષષ્ઠઃ પ્રકારઃ ।।૬।।