દોહા
માટે સહુ ધર્મકુળ માનજો, સહુ કરજો એની સેવ ।
અન્ય જન જેવા એહ નહિ, એ છે જાણજો મોટા દેવ ।।૧।।
એક બ્રાહ્મણને જાણો ભક્ત અતિ, વળી કા’વે અમારું કુળ ।
એને સેવતાં સૌ જન તમો, પામશો સુખ અતુળ ।।૨।।
મનવાંછિત વાત મળશે, વળી સેવતાં એનાં ચરણ ।
એ છે અમારી આગન્યા, સર્વે કાળમાં સુખ કરણ ।।૩।।
મન કર્મ વચને માનજો, એમાં નથી સંશય લગાર ।
એહ દ્વારે મારે અનેકનો, આજ કરવો છે ઉદ્ધાર ।।૪।।
ચોપાઇ
માટે સૌ રે’જો એને વચનેરે, ત્યાગી ગૃહી સહુ એક મનેરે ।
રે’જો ધર્મવંશીને ગમતેરે, વર્તશો માં કોયે મન મતેરે ।।૫।।
એહ કહે તેમ સહુ કરજોરે, પૂછ્યા વિના તો પગ ન ભરજોરે ।
હાથ જોડીને રે’જો હજુરરે, કરી ડા’પણ પોતાનું દૂરરે ।।૬।।
વિદ્યા ગુણ બુદ્ધિને બળેરે, એને દબાવવા નહિ કોઇ પળેરે ।
ત્યાગી રાગી ને કવિ કોઇ હોયરે, તોય એને માનજો સહુ કોયરે ।।૭।।
વાદ વિવાદ કરી વદનેરે, એશું બોલશો માં કોઇ દનેરે ।
એની વાત ઉપર વાત આણીરે, કેદિ વદશો માં મુખે વાણીરે ।।૮।।
એને હોડયે હઠાવી હરવીરે, પોતાની સરસાઈ ન કરવીરે ।
પોતે સમઝી પોતાને પ્રવિણરે, એને સમઝશો માં ગુણે હીણરે ।।૯।।
જેમ એ વાળે તેમ વળજોરે, એના કામ કાજમાં ભળજોરે ।
એની માનજો સહુ આગન્યારે, વર્તશો માં કોયે વચન વિનારે ।।૧૦।।
એને રાજી રાખશો જો તમેરે, તો તમ પર રાજી છીએ અમેરે ।
એને રાજી રાખશે જે જનરે, તેણે અમને કર્યા પરસનરે ।।૧૧।।
કાંજે અમારે ઠેકાણે એ છેરે, તે તો પ્રવિણ હોય તે પ્રીછેરે ।
બીજા જન એ મર્મ ન લહેરે, ભોળા મનુષ્યને ભોળાઇ રહેરે ।।૧૨।।
પણ સમઝવી વાત સુધીરે, અતિ મતિ ન રાખવી ઉંધીરે ।
વચન દ્વારે વસ્યા અમે એમાંરે, તમે ફેર જાણશો માં તેમાંરે ।।૧૩।।
અમે એમાં એ છે અમમાંઇરે, એમ સમઝો સહુ બાઇ ભાઇરે ।
એથી અમે અળગા ન રૈ’યેરે, એમાં રહિને દર્શન દૈયેરે ।।૧૪।।
જેજે જનને થાય સમાસરે, તે તો અમે કરી રહ્યા વાસરે ।
શે’ર પાટણે સનમાન જડેરે, તે તો અમારી સામર્થી વડેરે ।।૧૫।।
દેશ પરદેશે પૂજાયે આપરે, તે તો જાણો અમારો પ્રતાપરે ।
જીયાં જાય તિયાં જય જિતરે, તે તો અમે રહ્યા રૂડી રીતરે ।।૧૬।।
એમ સમઝો સહુ સુજાણરે, અમ વિના ન હોય કલ્યાણરે ।
ધર્મવંશી આચારજ માંયરે, સદા રહ્યો છું મારી ઇચ્છાયરે ।।૧૭।।
અતિ ધર્મવાળા જોઇ જનરે, રે’વા માની ગયું મારું મનરે ।
માટે એને પૂજે હું પૂજાણોરે, તે તો જરૂર જન મન જાણોરે ।।૧૮।।
એનું જેણે કર્યું સનમાનરે, તેણે મારું કર્યું છે નિદાનરે ।
એમ જાણી લેજો સહુ જનરે, એમ બોલિયા શ્રી ભગવનરે ।।૧૯।।
સુણી જન મગન થયારે, ધન્ય ધન્ય સ્વામી કે’વા રહ્યારે ।
પછી સહુએ આચારજ સેવ્યારે, તે તો મોટા સુખને લેવારે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે ચત્વારિંશઃ પ્રકારઃ ।।૪૦।।