દોહા
એહ રીતે અલબેલડે, કર્યાં કંઇ કંઇક કામ ।
આપી આનંદ આશ્રિતને, વળી પુરી હૈયાની હામ ।।૧।।
અમાયિક સુખ આપિયાં, માયિક દેહની માંય ।
તે પ્રસિદ્ધ જાણે છે પૃથવી, નથી છાનિ છપાડી કાંય ।।૨।।
દેશદેશમાં ડંકો દઇ, વળી બેહદ ચલાવી વાત ।
જે નાવે બુદ્ધિની બાથમાં, તે સોંઘી કરી સાક્ષાત ।।૩।।
અભર તે સભર ભર્યા, અતર તાર્યા કાંઇ જન ।
અગમ તે સુગમ કર્યાં, પ્રભુ થઇ પોતે પરસન ।।૪।।
ચોપાઇ
આવી કર્યાં અલૌકિક કામરે, પછી પધારિયા નિજ ધામરે ।
કર્યાં કારજ આશ્ચર્યકારીરે, જેવા આવ્યા’તા ધામેથી ધારીરે ।।૫।।
એવો માંડ્યો’તો આવી અખાડોરે, જીવ તારવાને રાત્ય દા’ડોરે ।
બહુ આખેપ આગ્રહ કરીરે, ભવે જીવ તાર્યા ભાવ ભરીરે ।।૬।।
કરી ગયા મોટાં મોટાં કાજરે, આવી આ ફેરે આપે મહારાજરે ।
ખુબ ખેલિ ગયા એક ખ્યાલરે, જોઈ અનંત જન થયા ન્યા’લરે ।।૭।।
ખરાખરો મચાવીને ખેલરે, રૂડી રમત રમ્યા અલબેલરે ।
એવા ખોળે ન મળે ખેલારુરે, જેને જુવે હજારે હજારુંરે ।।૮।।
બીજા બહુ વેષ બનાવ્યારે, તે તો સહુને અર્થ ન આવ્યારે ।
કોઇ રિઝ્યા ને કોઇ ન રિઝ્યારે, એહ વેષે અરથ ન સિઝ્યારે ।।૯।।
આ તો સર્વે વેષના વેશીરે, જાણે નરા કૃતિની દેશીરે ।
ખોટ્ય ન રાખી ખેલની માંયરે, ભલો ભજાવ્યો આપ ઇચ્છાયરે ।।૧૦
રૂડી રમત્ય રમી રૂપાળીરે, લીધાં જનને નિજધામ વાળીરે ।
એવા રમ્યા ન રમશે કોયેરે, જેહ ખેલને જોઇ જન મોયેરે ।।૧૧।।
એવો અકળ ખેલને ખેલીરે, ગયા સહુને વિલખતાં મેલીરે ।
ઘણું સાંભરેછે સમાસમેરે, તેણે બીજી વાત નવ ગમેરે ।।૧૨।।
જેમ બાજીગરની બાજીરે, જોઇ જોઇ જન થાય રાજીરે ।
જાણે આવી ન દીઠી ન સાંભળીરે, તેને કેમ શકે કોયે કળીરે ।।૧૩।।
અતિ અકળ ખેલને ખેલીરે, ગયા સમેટી બાજી સંકેલીરે ।
નટરીત નાથની ન જાણીરે, જાણ્યું અમટ રાખશે દયા આણીરે ।।૧૪।।
ત્યાંતો સંકેલી ગયા સ્વધામરે, કરી જનનાં જીવિત હરામરે ।
આંખ્યો થઇગઇ અભાગણીરે, ક્યાંથી નિરખે મૂરતિ નાર્થંઈણીરે ।૧૫।
મુખ અભાગિયું થયું અતિરે, ક્યાંથી પામે પ્રસાદી એ રતિરે ।
જિહ્વા અભાગણી ને અનાથરે, ક્યાંથી બોલે હવે હરિ સાથરે ।।૧૬।।
કાન અભાગિયા લીધા જાણીરે, ક્યાંથી સુણે ગે’રે સ્વરે વાણીરે ।
હાથ રહ્યા અભાગિયા એવારે, ક્યાંથી કરે હરિની હવે સેવારે ।।૧૭।।
દરશ સ્પરશ ને જે પ્રસાદિરે, કે’વું સુણવું સંબંધ એ આદિરે ।
થયો સંબંધ પણ રહ્યો અધુરોરે, તે તો કેમ થાય હવે પૂરોરે ।।૧૮।।
ગઇ હાથથી વાત વેગળીરે, હાર્યા મહાચિંતામણી મળીરે ।
પારસ પામ્યા’તા પરિશ્રમ પખિરે, પણ પુરી ભાગ્યમાં ન લખીરે ૧૯
થયા નિરધન ધનને હારીરે, ગયું સુખ રહ્યું દુઃખ ભારીરે ।
એમ થયું સૌ જનને આ વારરે, પધારતાં તે પ્રાણ આધારરે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે એકોનપંચાશત્તમઃ પ્રકારઃ ।।૪૯।।