પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર - ૩૬  ધોલેરા મદનમોહનજી મહારાજનો મહિમા

Submitted by swaminarayanworld on Thu, 21/04/2016 - 5:16pm

 

દોહા

વળી શ્રીહરિ કે’ સહુ સાંભળો, બહુ બહુ બનાવ્યાં મંદિર ।

અનેક જીવ ઉદ્ધારવા, કર્યું કામ અનામ અચિર ।।૧।।

સુંદર મંદિર સારાં થયાં, સ્થાપી મૂરતિયો મનોહર ।

પણ મદનમોહન મારા મનમાં, અતિ સારા લાગેછે સુંદર ।।૨।।

નાનો દેશ નિરસ અતિ, દેહાભિમાનિને દુઃખરૂપ ।

તિયાં ત્યાગી હોય તે ટકે, બીજાને સંકટરૂપ ।।૩।।

માટે મારે એ મંદિરપર, ઘણું ઘણું રહેછે હેત ।

ધન્ય ધન્ય એહ સંતને, જે ઇયાં રહે કરી પ્રીત ।।૪।।

 

ચોપાઇ

મારે વચને જે ઇયાં રહેછેરે, સુખ દુઃખ શરીરે સહેછેરે ।

એક મને કરવાને રાજીરે, નથી રાખી શરીરશું સાજીરે ।।૫।।

એહ સંત બીજા સંત જેહરે, બરોબર માનું કેમ તેહરે ।

હોય બરોબર બેહુ જ્યારેરે, ત્યારે તમ ઘણું ઘેર મારેરે ।।૬।।

પણ એમ જાણશો માં કોયરે, જેહ ત્યાગ વા’લો મને નોયરે ।

માટે સે’જે સે’જે તપ થાયરે, એવું છે જો એ મંદિર માંયરે ।।૭।।

એહ સંતને જમાડશે જેહરે, મોટા સુખને પામશે તેહરે ।

બીજા જક્તના જમાડે ક્રોડ્યરે, તોયે આવે નહિ એની જોડ્યરે ।।૮।।

એને પૂજી ઓઢાડે અંબરરે, વળી પાયે લાગે જોડી કરરે ।

તે તો જન જાયે બ્રહ્મમો’લરે, સત્ય માનજો છે મારો કોલરે ।।૯।।

જેહ જન મારા રાજીપામાંરે, રહે હાથ જોડી ઉભા સામારે ।

એથી સંત બીજા કોણ સારારે, એવા સંત લાગે મને પ્યારારે ।।૧૦।।

દેહાભિમાની તો દિઠા ન ગમેરે, જે કોઇ ભક્તિથી ભાર્ગંઈા ભમેરે ।

એમ શ્રીમુખે કહે વળી વળીરે, સત્ય લખ્યું જાણજો સાંભળીરે ।।૧૧।।

જેવો સંતનો કર્યો સતકારરે, તેવો મૂરતિમાં છે ચમત્કારરે ।

જેહ દિનથી બેઠી એ મૂરતિરે, તેહ દિનથી થયું સુખ અતિરે ।।૧૨।।

શે’રમાં પણ થયો સમાસરે, દેશી પ્રદેશી વસ્યા કરી વાસરે ।

જીયાં હતાં વાંસડાનાં ઘરરે, તિયાં થઇ હવેલિયો સુંદરરે ।।૧૩।।

તે તો મદનમોહન પ્રતાપરે, સહુ સુખિયાં થયાં છે આપરે ।

તે તો જાણે છે પોતાના જનરે, બીજાને તો મનાય નહિ મનરે ।।૧૪।।

પણ જાણે અજાણે જે જનરે, કરશે મદનમોહનનાં દર્શનરે ।

તે તો આલોક પરલોક માંઇરે, મોટા સુખને પામે સદાઇરે ।।૧૫।।

જાણે અજાણે લેશે જે નામરે, તે તો જન છે પૂરણકામરે ।

ભાવ સહિત કરશે ભજનરે, તેનું બ્રહ્મમો’લે છે સદનરે ।।૧૬।।

તેહ સારુ છે ધોલેરે ધામરે, બહુ જીવનું કરવા કામરે ।

દેશી પ્રદેશી આવી ત્યાં બહુરે, કરે હરિનાં દર્શન સહુરે ।।૧૭।।

પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણરે, આવે ત્યાંથી તણાઇ તતક્ષણરે ।

સો સો જોજનથી આવે જનરે, કરે મદનમોહનનાં દર્શનરે ।।૧૮।।

તે તો અવિચળ ધામમાં આપેરે, જાશે પ્રગટ પ્રભુ પ્રતાપેરે ।

તેમાં સંશય કરશો માં કોયરે, હરિ ધારે તે શું ન હોયરે ।।૧૯।।

માટે એ મૂરતિ દ્વારે કરીરે, જાશે બહુ જીવ ભવ તરીરે ।

તેહ સારુ કર્યું છે મહારાજેરે, અમૃતપદ પમાડવા કાજેરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવકનિષ્કુલાનંદમુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે ષટ્‌ત્રિંશઃ પ્રકારઃ ।।૩૬।।