દોહા –
એહ રીતે અગણિતને, તાર્યા પોતાને પ્રસંગ । તે પો’ચાડ્યા પરમ ધામમાં, સહુને કરી શુદ્ધ અંગ ।।૧।।
જે જે જનને જાણજો, થયો શ્રીહરિને સંબંધ । તરત તે પ્રાણી તણા, છુટિ ગયા ભવબંધ ।।૨।।
અતિશે સાર્મિથ આ સમે, વાવરતાં ન કર્યો વિચાર । ઊદાર મને આવિયા, જન તારવા જગ આધાર ।।૩।।
સુખનિધિ સહજાનંદજી, કીધિ ઈચ્છા આણિ ઊમંગ । અનંત જીવ ઊદ્ધારિયા, એમ પોતાને પ્રસંગ ।।૪।।
ચોપાઈ –
મોટો પરતાપ મૂર્તિતણોરે, કહ્યો થોડો ને રહી ગયો ઘણોરે । હવે પોતાને સંગાથે સંતરે, આવ્યા છે જે મુકત અનંતરે ।।૫।।
તેહ દ્વારે ઊદ્ધારિયા જે જનરે, તેપણ થયા પરમ પાવનરે । જયાં જયાં ફરી મુકતની મંડળીરે, કરી વાત જે જને સાંભળીરે ।।૬।।
સુણિ વાત લાગી અતિ સારીરે, તેતો હેતે લીધિ હૈયે ધારિરે । પછી નિ’મ ધારી નકી મનેરે, રહ્યા જે જે જન વચનેરે ।।૭।।
તેતો તન તજે જેહ વારેરે, આવે નાથ તેડવાને ત્યારેરે । તેડિ જાયે તે પોતાને ધામરે, થાય તે જન પૂરણકામરે ।।૮।।
વળી જેણે આપ્યું અન્ન જળરે, કંદ મૂળ પાન ફુલ ફળરે । એહ આપનાર જેહ જનરે, જાય ધામમાં થાય પાવનરે ।।૯।।
વળી હાથ જોડી પાયે લાગેરે, શિશ નમાવીને બેસે આગેરે । સુણે શ્રદ્ધાયે વાત સંતનીરે, બહુપેરે સુબુદ્ધિવંતનીરે ।।૧૦।।
સુણી વાત લિયે ગુણ હૈયેરે, તેપણ ધામના નિવાસી કહિયેરે । વળી સંતને કોઈ સંતાપેરે, નિરમાની જાણી દુઃખ આપેરે ।।૧૧।।
તેની ભિડ્યમાંહિ પોતે ભળીરે, કરે સંત તણિ સા’ય વળીરે । એવી રક્ષાના કરનારરે, એવા જન ઊદ્ધાર્યા અપારરે ।।૧૨।।
વળી સંત જાણી શીલવંતરે, નાખે માથે આળ અત્યંતરે । ખોટા કલંક ધરે સંત શિરરે, પાપી આળ ચડાવી અચિરરે ।।૧૩।।
તેનો પક્ષ લઈ પોતા માથેરે, કરે લડાઈ લબાડ સાથેરે । એહ પક્ષના જે લેનારરે, જાય તે જન ધામ મોઝારરે ।।૧૪।।
વળી ખાતાં પીતાં સંત જોઈરે, લિધો ગુણ કે’ આવા ન કોઈરે । જોઈ વર્તવું ને વળી વેશરે, સુણી સારો લાગ્યો ઊપદેશરે ।।૧૫।।
જેને વા’લી લાગી સંત વાતરે, રાખ્યાં નિ’મ થઈ રળીયાતરે । તેને તન છુટે તતકાળરે, આવે તેડવા દીનદયાળરે ।।૧૬।।
તેને આપે અક્ષરમાં વાસરે, મહાસુખ પામેછે તે દાસરે । કર્યો સંતનો દરશ સ્પરશરે, ગાયા જીહ્વાયે સંતના જશરે ।।૧૭।।
તે પણ ધામના છે અધિકારીરે, ખરી વાત લખિ છે વિચારિરે । વાત શ્રીમુખથી સાંભળેલરે, નથી બીજે તે કયાંયે લખેલરે ।।૧૮।।
કહ્યું શ્રીમુખે શ્રીભગવાનેરે, તે મ સાંભળ્યું છે મારે કાનેરે । આજ જીવ અનેક પરકારેરે, લઈ જાવા છે જો ધામ મારેરે ।।૧૯।।
એમ મને કહ્યું ’તું મહારાજેરે, રાજી થઈને રાજ અધિરાજેરે । તે પ્રમાણે લખ્યું છે લઇરે, નથી મારા હૈયાની મ કઇરે ।।૨૦।।
ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે એકવશતિતમઃ પ્રકારઃ ।।૨૧।।