સ્નેહગીતા કડવું - ૪૪ ધન્ય ધન્ય સ્નેહ શિરોમણિ, નાવે સાધન કોઈ સમતોલ; પદ - ૧૧

Submitted by swaminarayanworld on Thu, 22/06/2017 - 5:37pm

સ્નેહગીતા જે જન ગાશેજી, સુણતાં સદ્ય આનંદ ઊપજાવશેજી ।
પ્રીતમની પ્રીતની રીત જો જણાવશેજી, સ્નેહી જનને સુધાસમ ભાવશેજી ।।૧।।

ઢાળ –

જણાવશે રીત પ્રીત કરી, હશે કાસલ તે કલાવશે ।
પછી સ્નેહીજન સજજ થઈને, ચિત્ત હરિ ચરણ લાવશે ।।૨।।

વળીદેહ ઈંદ્રિય મન પ્રાણની, કોઈ રુંધવાની રીત કરે ।
તો સર્વે સાધન મેલી મનનાં, પ્રીતે ચિત્ત હરિચરણે ધરે ।।૩।।

અંતઃકરણ ને ઈંદ્રિની વૃત્તિ, લોલુપ કિયાં નથી લોભતી ।
પ્રગટ મૂર્તિ વિના વળી, અન્ય સ્થળે પળ નથી થોભતી ।।૪।।

સર્વે વાસના ત્યારે ગળે, જયારે મળે મનોહર મૂરતિ ।  
સાધન સર્વે થાય પુરાં, એમ ગાય સત્ય નિત્ય સુરતિ ।।૫।।

પ્રભુપદની પ્રીત વિના, વિકાર તે નવ વિસમે ।
વ્રેહ વિના વાસના ન બળે, અન્ય ઊપાયે શીદદેહદમે ।।૬।।

સ્નેહ સાચો સ્નેહી જનનો, શ્રીકૃષ્ણ સાથે કરજો ।
પ્રીત રીતે જો પંડ પડે, તોયે દિલમાંહિ માં ડરજો ।।૭।।

સ્નેહગીતા ગ્રંથ ગાવા, ઈચ્છા કરી અવિનાશ ।  
નિષ્કુલાનંદને નિમિત્તદેઈ, કર્યો ગ્રંથ એહ પ્રકાશ ।।૮।।

એકાદશ પદને ચુંવાળીસ કડવે, કહી સ્નેહની કથા કથી ।  
પંચદોયે કમ જે પાંચસે, છે ચરણ પુરાં ઓછાં નથી ।।૯।।

સર્વે ચરણે સ્નેહકથા, વરણવી વિવિધે કરી,  
હરિને મને હેતે સાંભળી, કરજો પ્રીત હરિ સાથે ખરી ।।૧૦।।

સંવત અઢાર બોતેરના, વૈશાખ શુદ ચતુરથી ।  
હરિજનના હેત અર્થે, સ્નેહગીતા કહી કથી ।।૧૧।। કડવું ।।૪૪।।

પદ-૧૧  
રાગ : ધોળ
‘મારી અવિચળ ચૂંકને રાખજો’ એના જેવો ઢાળ.
ધન્ય ધન્ય સ્નેહ શિરોમણિ, નાવે સાધન કોઈ સમતોલ;
સાંભળજો સ્નેહ સમાન તે શું કહું.
જપ તપ તીર્થ વ્રત જોગ જે, કોઈ કરે જો જજ્ઞ અતોલ; સાં૦ ।। ૧ ।।
અપવાસી ઉદાસી વાસી વન, કોઈ તનમાં ન ધરે પટત;૪ સાં૦
કોઈ ફલ ફૂલ પય પાનશું, કરી આહાર આણે તન અંત. સાં૦ ।। ૨ ।।
પુણ્ય દાન પાળે કોઈ ધર્મને, રહે નીમધારી નરનાર; સાં૦
સર્વે સૂનું એક સ્નેહ વિના, એ તો પ્રપંચનો૫ પરિવાર. સાં૦ ।। ૩ ।।
જોગી થાકયા જોગીપણું પાળતાં, તપી થાકયા સહી શીત તાપ; સાં૦
ધ્યાની થાકયા ધરતાં ધ્યાનને, જપી થાકયા જપતાં જાપ. સાં૦ ।। ૪ ।।
જતિ૧ થાકયા જતને૨ જાળવતાં, મુનિ થાકયા રે’તા વળી મુન્ય;૩ સાં૦
બીજાં અવર સાધન અનેક જે, એક સ્નેહ વિના સર્વે શૂન્ય. સાં૦ ।। ૫ ।।
કોટિ કાયા કલેશને કરતાં, હરિ કેને ન આવ્યા હાથ; સાં૦
પ્રેમવશ થઈ પિયુ પાતળો, સદા રમિયા વ્રજજન સાથ. સાં૦ ।। ૬ ।।
હેત પ્રીતે સ્નેહીને સંગે, અલબેલો આપે છે આનંદ; સાં૦
વાલો નિષ્કુળાનંદનો નાથજી, સ્નેહવશ શ્રીસહજાનંદ. સાં૦ ।। ૭ ।।

ઇતિ શ્રીમદેકાંતિક ધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિશિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતા સ્નેહગીતા સંપૂર્ણા ।
સ્નેહગીતા સમાપ્તા