"જે સંપ્રદાયના જે ઇષ્ટદેવ હોય તેનાં પ્રાદુર્ભાવથી લઇને અંતર્ધાન સુધીના જે ચરિત્ર અને ઉપદેશ તેનાથી યુકત જે ગ્રંથ હોય તે જ તે સંપ્રદાયની પાછળથી કાયમ માટે પુષ્ટિ કરતો રહે છે."
શ્રીજીમહારાજના આ મત પ્રમાણે સંતોએ આપણાં સંપ્રદાયમાં સત્સંગિજીવન અને ભકતચિંતામણિ જેવા અનેક ગ્રંથોનું સર્જન કર્યું છે, જે આજ દિન સુધી અનુયાયીઓને અતિ ઉપયોગી થયા છે.
તેમાં પણ સદ્.શ્રી નિષ્કુળાનંદસ્વામી રચિત ભકતચિંતામણિ તો ખરેખર સત્સંગીની ચિંતામણિ જ છે. તેનું જે કોઇ ભાવથી શ્રવણવાંચન કરે છે તેને આ ગ્રંથ સુખ, શાંતિ અને સંકલ્પની સિદ્ધિ એમ બધું જ આપે છે.
આ ગ્રંથમાં ૧૬૪ પ્રકરણ છે. કુલ મળી ૮૭૨૭ દોહા ચોપાઇ છે. પ્રથમ ૧૦૦ પ્રકરણમાં શ્રીહરિનાં જન્મથી આરંભીને સર્વે ચરિત્રોનું વિસ્તારથી વર્ણન છે. પછીના પાંચ પ્રકરણમાં સ્વામિનારાયણ ભગવાનનો મહિમા અને સર્વોપરીપણું છે. ત્યારબાદ છ પ્રકરણમાં પંચવર્તમાનની વિસ્તારીને વાત કરી છે. પછીના ૧૬ પ્રકરણમાં, ૨૦ પ્રાંતના, પ્રાયઃ ૮૦૦ ઉપરાંત સ્થાનમાં રહેતા, ૭૦ જ્ઞાતિના, ૪૨૨૨ જેટલા મુખ્ય મુખ્ય સત્સંગી બાઇ-ભાઇની નામાવલિ આલેખી છે. જેમાં ૭૭૨ સોની, ૩૨૨ વાણિયા, ૧૨૦૦ ઇતરજ્ઞાતિના, ૧૭૬ પાર્ષદો તથા કર્મયોગી ભકતોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ એક અભૂતપૂર્વ કાર્ય કર્યું છે. આજે પણ એ હરિભકતોના વંશજો પોતાના પૂર્વજોના નામ ભકતચિંતામણિ જેવા મહાગ્રંથમાં વાંચી ગૌરવ અનુભવે છે. પછીના ૩૧ પ્રકરણમાં પરચા અને છેલ્લા ૬ પ્રકરણમાં ધામ વર્ણન, અંતરધાન લીલા, વિયોગવર્ણન અને ગ્રંથમહિમાનું વર્ણન કર્યું છે.
એકદમ નવા સત્સંગીથી લઇને સિદ્ધદશા સુધીનાં તમામ ભકતજનોને ઉપયોગી અને આનંદપ્રદ એવો આ ગ્રંથ ગુજરાતી ભાષાનો એક વિરલ મહાગ્રંથ છે.
સ્વયં શ્રીહરિની આજ્ઞાથી તેમની ઉપસ્થિતિમાં જ ગઢપુરની લક્ષ્મીવાડીમાં આ ગ્રંથનું અધિકાંશ સર્જન થયું છે. પ્રગટ પ્રભુએ તેને વાંચી, સાંભળી અત્યંત પ્રસન્નતા દાખવી આશિષ આપેલા છે.
- સદ્.શ્રી નિષ્કુળાનંદસ્વામીનું જીવનચરીત્ર [ “ભકતચિંતામણિ”, પુસ્તક પ્રકાશક - શ્રી સ્વામિનારાયણ મંદિર, તીર્થધામ કુંડળ તથા શ્રી સ્વામિનારાયણ મંદિર, કારેલીબાગ-વડોદરા માંથી સાભાર. સંપર્ક - http://swaminarayanbhagwan.com/ ]
[ પ્રકરણને અંતે ભકતચિંતામણિ સંગીતમય ગાન -- શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અમદાવાદ (રાજકોટ્ની શાખા) ની ભકતચિંતામણિ MP3-CD માંથી સાભાર ]
[ “ભકતચિંતામણિ”, પુસ્તક પ્રકાશક - શ્રી સ્વામિનારાયણ મંદિર, તીર્થધામ કુંડળ તથા શ્રી સ્વામિનારાયણ મંદિર, કારેલીબાગ-વડોદરા માંથી સાભાર. સંપર્ક - http://swaminarayanbhagwan.com/ ]