પૂર્વછાયો-
શુભમતિ સહુ સાંભળો, હરિકથા કહું અનૂપ ।
દુષ્ટને દુઃખદાયી છે, છે સંતને સુખરૂપ ।।૧।।
અસુર જે અવનિ રહ્યા, બદલાવીને બીજો વેશ ।
તેને તે અથેર્શ્રીહરિ, ફરે છે દેશ પ્રદેશ ।।૨।।
જે કારણ અવતાર છે, તે કરવા થયા છે તૈયાર ।
હરિ ઇચ્છાએ આવિયા, પ્રભુ એહ વાડી મોઝાર ।।૩।।
પિબૈક ત્યાં પરિયાંણિયો, કરવા તે સિદ્ધોની ઘાત ।
નિદાન તેમાંથી જે નિપજયું, તેની સાંભળજયો સહુ વાત ।।૪।। ચોપાઇ-
હતો બ્રાહ્મણ મોરે એ શુદ્ધ, મળી વામિએ કર્યોઅશુદ્ધ ।
કૌલાવર્ણવે ભણેલે ભુદેવે, મળી ભષ્ટ કર્યો તતખેવે ।।૫।।
થયો કાલી ઉપાસક ભારી, નિત્ય પ્રત્યે પિવે કુળવારી ।
વળી સિદ્ધને જીતવા કાજ, તેદિ સજયો સરવે સમાજ ।।૬।।
મદ્ય માંસ ખાઇ થયો મસ્ત, તિખું ત્રિશુળ લીધું છે હસ્ત ।
કર્યો સિંદૂરલેપ લલાટે, ચાલ્યો સિદ્ધને જીતવા માટે ।।૭।।
રજે ભિંજેલ કુંકુમ લઇ, ચાલ્યો કપાળે ચાંદલો દઇ ।
વળી કુળવારી ખુબ પીધું, વધ્યું તે શરીરે છાંટી દીધું ।।૮।।
ચાલ્યો મત્સ્ય ચાવી મદમાતો, શિશે બાંધ્યો છે પટકો રાતો ।
માથે ઘણા ઘુંચાળા મુવાળા, તે દિસે છે ભૂંડા ભમરાળા ।।૯।।
સિદ્ધ પ્રસિદ્ધ પોતે કહેવાય, તેને જાણે સહુ દેશમાંય ।
કોઇ સામું આવીને ન ભાખે, ભાખે જો કોઇ તો મારી નાખે ।।૧૦।।
એવો ભૂંડાએ ભર્યો અપાર, મદ્ય ચાર વારનો પિનાર ।
કંઠે બાંધ્યાં છે અસ્થિ માંજાર, થયો સિદ્ધ જીતવા તૈયાર ।।૧૧।।
નરનારી જે રહે ગામવાસે, સંગે લઇ આવ્યો સિદ્ધને પાસે ।
વળતો આવીને બોલિયો એમ, પાખંડિયો સિદ્ધ કાવો કેમ ।।૧૨।।
સિદ્ધ તો એક હું છઉં આજ, તમ જેવા તો છે મારૂં ખાજ ।
મોટામોટાને મેં જીતી લીધા, તમ જેવા શિષ્ય કઇ કીધા ।।૧૩।।
જેજે આવીને મને નમિયા, તેતે સરવે જીવતા રિયા ।
જેણે જેણે બાંધી મુજ સાથે, તેને માર્યા મુકી વીર માથે ।।૧૪।।
માટે તમે મનમાં વિચારી, થાઓ શિષ્ય માળાઓ ઉતારી ।
ઉતારો ઉપવીત અચિર, નહિ તો હમણાં હોકારૂં છું વીર ।।૧૫।।
ભૂત પ્રેત લાવી સંગે ઘણાં, ખાઇ જાશે માંસ તમતણાં ।
એમ બોલ્યો એ બળમાં બહુ, બિના હરિ વિના સિદ્ધ સહુ ।।૧૬।।
કહે જેમ એ કહે તેમ કરીએ, તો આવ્યા મોતમાંથી ઉગરીએ ।
નહિ તો મારશે વીરને મેલી, માટે મેલીએ માળા સંકેલી ।।૧૭।।
મેલો જનોઇ પણ ઉતારી, એમ સહુ સિદ્ધે વાત વિચારી ।
ત્યારે હરિએ સિદ્ધ પ્રત્યે કહ્યું, રાખો ધીરજે હાકલી હૈયું ।।૧૮।।
કરે શિષ્ય મોરે મર મને, પછી થાવું તમારે સહુને ।
તોયે સિદ્ધે ધીરજ ન ધારી, કહ્યું નાખશે તમને મારી ।।૧૯।।
મહા દુષ્ટ એ પાપી છે બહુ, એને અમે જાણું છઉં સહુ ।
એવી સિદ્ધ હરિની જે વાણી, સુણી બોલ્યો અતિ ક્રોધ આણી ।।૨૦।।
ત્યારે પિબૈક કહે બ્રહ્મચારી, તને દેખાડું સામર્થી મારી ।
જો તું આ નીલા વડના હાલ, હમણાં કરૂંછું સુકવી સાલ ।।૨૧।।
એમ કહી નાખી મુઠ જયારે, વડ સુકી ગયો તેહ વારે ।
કહે માન્ય વર્ણી વાત મારી, નહીં તો આ ગતિ જાણજે તારી ।।૨૨।।
ત્યારે હરિ કહે ન બિયું અમે, કરવું હોય તે કરો સુખે તમે ।
એમ કહીને વીરઆસને, બેઠા હરિ તે અચળ મને ।।૨૩।।
બીજાની તો ધીરજ ન રઇ, બેઠા કૃષ્ણ કેડે કંપે જઇ ।
પછી પિબૈકે અડદ મંતરી, નાખ્યા હરિ ઉપર રીશ કરી ।।૨૪।।
તેણે હરિને ન થયું કાંઇ, ત્યારે દ્વિજ કોપ્યો મનમાંઇ ।
કહે રહેજે ખબરદાર થઇ, આજ માર્યા વિના મુકું નઇ ।।૨૫।।
એમ કહિ નાખી મુઠ એણે, ફેર પડ્યો નહિ કોઇ તેણે ।
ત્યારે પિબૈકે પણ એ લીધું, તને માર્યાનું નિશ્ચય મેં કીધું ।।૨૬।।
કરવું હોય તે કર સ્મરણ, આજ આવ્યું તારૂં ચાલી મરણ ।
નાખું છું કાળભૈરવની મુઠું, તારા જીવવાનું જાણે જુઠું ।।૨૭।।
ત્યારે હરિ કહે બેઠો છું હું જ, કરવું હોય તે કરને તું જ ।
ત્યારે મુક્યા છે ભૈરવ વીર, તોય હરિ બેઠા રહ્યા સ્થિર ।।૨૮।।
આવ્યા ભૈરવ ને વીર દોઇ, તેતો સામું શકયા નહિ જોઇ ।
પાછા પિબૈક ઉપર પડ્યા, ઉલટા નાખતલને નડ્યા ।।૨૯।।
પડ્યો કાળી ઉપાસક ઢળી, ચાલ્યું મુખેથી લોહી નિકળી ।
આવી મૂરછા ન રહી શુદ્ધ, પડ્યો અવનીએ ઉંદ્ધમુધ્ધ ।।૩૦।।
પછી મોડેથી મૂરછા વળી, ઉઠી બોલ્યો છે બળમાં વળી ।
કહ્યું ઉભો રહેજે બ્રહ્મચારી, મેલું બટુભૈરવ નાખે મારી ।।૩૧।।
ત્યારે હરિ કહે મોકલો સુખે, મુક્યા બટુવીરને વિમુખે ।
તેતો બિને પાછા વળી ગયા, પાછા પિબૈકને વળગિયા ।।૩૨।।
નાખ્યો ભૂમિયે પાડી પડાક, ધ્ર ુજી ધરણીએ પડ્યો ધડાક ।
વળી તડિ તડફડિ ઉઠ્યો, બોલ્યો પ્રભુજી ઉપર રૂઠ્યો ।।૩૩।।
કહે મુકું છું વીર મહાકાળી, તને નહિ મારે બીજાં એટાળી ।
એમ કહીને તેને મુકીયાં, તેતો હરિ પાસે ન આવિયાં ।।૩૪।।
પાછા ફરીને લાગિયાં એને, ઢાળી પાડિયો ભૂમિએ તેને ।
થયો અસોયો ન રહી શુદ્ધ, તોય વામી ન મુકે વિરૂદ્ધ ।।૩૫।।
પડી પહોર ઉઠી ઉભો થયો, વળી પ્રભુજીને કહેવા રહ્યો ।
કહે છે ઉભો રહે જે બ્રહ્મચારી, હવે કરૂં છું વલે હું તારી ।।૩૬।।
બહુ વીર સહિત હનુમંત, મુકું તેને કરે તારો અંત ।
એમ કહીને મુક્યા તે વાર, આવી તેણે કર્યો નમસ્કાર ।।૩૭।।
કરી પ્રણિપત પાછા ગીયા,બહુપિબૈકપરકોપિયા ।
આવી વળગ્યા તે વિપ્રને સહુ, પડ્યો વિપ્ર ભૂંડે હાલ બહુ ।।૩૮।।
ફાટ્યું મોઢું ને આવિયું ફીણ, પડી અંગની નાડિયો ક્ષીણ ।
માથું ગરી ગયું મહી માંઇ, મુખમાં ગઇ ધુડ્ય ભરાઇ ।।૩૯।।
પડ્યો ભેચક થઇ રીત્ય ભૂંડી, આંખ્યો ઉતરી ગઇ છે ઉંડી ।
નાક મુખમાંથી લોહી વહ્યું, પછી ઉઠવા જેવું ન રહ્યું ।।૪૦।।
ત્યારે તેના સંબંધી સહુ મળી, લાગ્યાં પાય પ્રભુજીને લળી ।
કહે દયા કરો એને હરિ, હવે નહિ કરે એ આવું ફરી ।।૪૧।।
માગતો હતો તે ફળ મળ્યું, મહા અહંકારીનું માન ગળ્યું ।
પછી પ્રભુએ તેને ઉઠાડ્યો, ઉઠી વિપ્ર પ્રભુ પગે પડ્યો ।।૪૨।।
કર્યા દંડવત બહુ વાર, કહે આવ્યો નવે અવતાર ।
પછી સિદ્ધ હતો તેને જોઇ, આપી બ્રાહ્મણે તેને રસોઇ ।।૪૩।।
એમ કરી ગયો ઘેર જયારે, મન રહ્યું નહિ એવું ત્યારે ।
પૂજયો કાળભૈરવને જઇ, મદ્ય માંસ બલિદાન દઇ ।।૪૪।।
મુક્યો હરિ માથે તતકાળ, આવ્યો ભયંકર વિકરાળ ।
ભૂંડું મુખ તે ભર્યું રુધિરે, લાંબો ને નથી વસ્ત્ર શરીરે ।।૪૫।।
આંખ્યું રાતી અતિ કાળો શાહી, લીધું ત્રિશુળ તે કરમાંહિ ।
એવે રૂપે પ્રભુ પાસે આવ્યો, પણ આવિને કાંઇ ન ફાવ્યો ।।૪૬।।
છેટે બેસી રહ્યો આખી રાત્ય, હરિ હસ્યા જોઇ પરભાત્ય ।
પછી નાવા ચાલ્યા જયારે હરિ, ત્યારે એના સામી દ્રષ્ટિ કરી ।।૪૭।।
ત્યારે થરથર ધ્રુજીને ભાગ્યો, જઇ પિબૈકને કેડે લાગ્યો ।
કહે આજ નિશ્ચે એને મારૂં, ત્યારે પ્રભુજીએ કર્યું વારૂં ।।૪૮।।
કહે એનું ખાધું સિધ્ધે અન્ન, તેની તારે કરવી જતન ।
પછી બ્રાહ્મણ પાસે ભૈરવ, જઇ કહી છે વાત સરવ ।।૪૯।।
આજ મૃત્યું કરવું તું તારૂં, પણ ર્વિણએ કયુર્ં છે વારૂં ।
એમ કહીને ભૈરવ ગીયો, દ્વિજ પ્રભુને પાસે આવિયો ।।૫૦।।
જાણી ઇશ્વર નામિયું શિશ, કહે કરજયો ગુના બકશિશ ।
એમ કહીને વારમવાર,કરે બહુ પોતાનેધિક્કાર ।।૫૧।।
કહે ભણીગણી ભજયાં ભૂત, કર્યાં બહુ ભૂંડાં કરતુત ।
કર્યાં કુકર્મ તજી આચાર, એવો પાપી હું તેને ધિક્કાર ।।૫૨।।
એમ કહી ગ્રહ્યું હરિચરણ, પ્રભુ આવ્યો હું તમારે શરણ ।
એમ કહીને થયો છે શિષ્ય, જાણી મહારાજને જગદીશ ।।૫૩।।
ધાર્યો પ્રથમના જેવો ધર્મ, મુક્યાં બીજાં જે કરવાં કુકર્મ ।
કૌલાર્ણવાદિ ગ્રંથ સંભાળી, શાસ્ત્રબાહ્ય જાણી દીધા બાળી ।।૫૪।।
ભાગવત ગીતા પછી ભણ્યો, સાચો ભક્ત શ્રીકૃષ્ણનો બણ્યો ।
એવું ચરિત્ર કરી દયાળ, પછી ત્યાંથી ચાલ્યા તતકાળ ।।૫૫।।
હતા સિદ્ધ તેને શીખ દીધી, પોતે વાટ નવલખાની લીધી ।
મનુષ્યાકૃતિ સામર્થી અપાર, ધન્ય જનમોદન ભંડાર ।।૫૬।।
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે શ્રીહરિ ચરિત્ર નામે બત્રિશમું પ્રકરણમ્ ।।૩૨।।