૩૩. નવલખા પર્વત પર યોગીઓને નવલાખરૂપે ભેટ્યા, કપિલાશ્રમ થઇ જગન્નાથપુરીમાં દસહજાર અસુરોનો નાશ કર્

Submitted by swaminarayanworld on Tue, 05/07/2011 - 7:06pm

પૂર્વછાયો-

બહુ નામી કૃષ્ણદેવનાં, સુણો સવેર્ચરિત્ર રસાળ ।

ભક્ત અભક્ત કારણે, ફરે હદ્ય બેહદ્યે દયાળ ।।૧।।

સંતને સુખ આપવા, દેવા દુષ્ટજનને દંડ ।

તેજ કારણ પ્રભુએ, પૃથિવીએ ધર્યું છે પંડ ।।૨।।

જીયાં જીયાં જાવું ઘટે, તિયાં તિયાં જાય જરૂર ।

સુખ દુઃખ ભૂખ પ્યાસનું, નથી ગણતા નિકટ દૂર ।।૩।।

પછી એકા એક ચાલિયા, મહાવિકટ અદ્રિમાંય ।

નવ લાખ યોગીને નિરખવા, ચાલ્યા પ્રભુજી બહુ ઉછાય ।।૪।।

ચોપાઇ-

ચાલ્યા પર્વત પેખવા હરિ, આવ્યો અતિવસમો અદરિ ।

જાવા વાટ જડે નહિ જીયાં, જાવું જરૂર પોતાને તિયાં ।।૫।।

જાતાં એ દિશે મનુષ્યે વાર્યું, પણ કર્યું છે પોતાનું ધાર્યું ।

ચડ્યા પર્વત ઉપર પોતે, ચાલ્યા શૈલતણી શોભા જોતે ।।૬।।

આવી નવલાખ ધુણી રૂપાળી, તે તો સહેજે બળે વણબાળી ।

તિયાં કુંડ દિઠા છે અપાર, ભર્યાં જળ અમળ તે મોઝાર ।।૭।।

ક્યાંક ટાઢાં જળ ક્યાંક ઉનાં, એમ બહુ કુંડ દીઠા નીરુના ।

પછી ત્યાંના રહેનારા જે સિદ્ધ, મળ્યા તે પણ આવી પ્રસિદ્ધ ।।૮।।

જેની કોઇને ભેટ ન હોય, મર મોટા મુક્તયોગી હોય ।

તેને સહુને મળ્યા એકવાર, કર્યા પરસ્પર નમસ્કાર ।।૯।।

પછી પ્રેમે બેઠા સહુ પાસ, પુછ્યો યોગીને યોગ અભ્યાસ ।

કહ્યું તેણે તેનું વરતંત, સુણી હરિ હરખ્યા અત્યંત ।।૧૦।।

કહ્યું સિદ્ધને છો ધન્ય ધન્ય, એમ કહી રહ્યા ત્રણ્ય દન ।

આપી આનંદ ત્યાંથી ઉતર્યા, ચાલ્યા હરિ બહુ મોદ ભર્યા ।।૧૧।।

નવ લાખ યોગીને નિરખી, ચાલ્યા હસ્તિ મારગે હરખી ।

ત્યાંથી શુદ્ધ ઉત્તરમાં વળી, રહ્યો રામકોટ જળમળી ।।૧૨।।

તિયાં જાવાનું કીધું છે મન, પણ ત્યાંતો ન ગયા જીવન ।

જોતા વન પર્વત વિશાળ, ગયા બાલવા કુંડે દયાળ ।।૧૩।।

જોયો કુંડ એ જુગતે કરી, ત્રણ્ય રીત્યને રહ્યો તે ધરી ।

વાયુ અગ્નિ જળ ત્રણ્ય મળી, તેના સમોહ રહ્યા નિકળી ।।૧૪।।

તિયાં રહ્યા પોતે ત્રણ્ય દન, પછી ત્યાંથી ચાલ્યા ભગવન ।

કર્યોઅગ્નિ ખુણે પરવેશ, ચાલ્યા જોતા જોતા સવેર્દેશ ।।૧૫।।

ગયા ગંગા સિંધુને સંગમે, નાયા તેમાં પોતે જઇ સમે ।

રહ્યા ત્રણ્ય દિવસ તિયાં હરિ, ચાલ્યા સમુદ્ર ખાડી ઉતરી ।।૧૬।।

આવ્યા કપિલજીને આશ્રમે, જેહ જાયગા સહુને ગમે ।

ચ્યારે કોરે શોભે સમુદર, મધ્યે આશ્રમ અતિ સુંદર ।।૧૭।।

સાંખ્યશાસ્ત્રના આચાર્ય જેહ, તેના ગુરૂ કપિલજી તેહ ।

કરે છે તપ પોતે સમર્થ, સર્વે જીવના કલ્યાણ અર્થ ।।૧૮।।

જ્ઞાન વૈરાગ્ય ભક્તિ ને ધર્મ, યોગસહિત પાંચ જે પર્મ ।

તેના સ્થાપનના કરનાર, એવા કપિલનાં કર્યાં દેદાર ।।૧૯।।

રહ્યા ભક્તિ સુત તિયાં માસ, પછી ત્યાંથી ચાલ્યા અવિનાશ ।

આવ્યા પુરૂષોત્તમ પુરીમાંઇ, નિર્ખ્યા જગન્નાથજીને ત્યાંઇ ।।૨૦।।

પછી રહ્યા પોતે એહ ઠામ, કાંયેક ધાર્યું છે કરવું કામ ।

નાય સમુદ્રમાં જઇ નિત્યે, નિરખી જગન્નાથજીને પ્રીત્યે ।।૨૧।।

કર્યું આસન શહેરથી બારૂં, ઇંદ્રદ્યુમ્ન સર જોઇ સારૂં ।

તિયાં દીઠા છે અસુર ઘણા, વેષ લઇ સિદ્ધ સાધુ તણા ।।૨૨।।

કામ ક્રોધ ને મત્સર અતિ, માંહોમાંહિ છે વૈરની મતિ ।

ધર્મદ્વેષી કપટી ને કામી, વેષ શૈવા વૈષ્ણવી ને વામી ।।૨૩।।

મંત્ર જંત્ર જાણે છે અપાર, તેણે વશ કર્યાં નરનાર ।

મુકાવી વર્ણાશ્રમનો ધર્મ, કર્યાં ભ્રષ્ટ બગાડી બેશર્મ ।।૨૪।।

મોટા મોટા સાધુ સેવા ફળ, કહી દેખાડે નારી આગળ ।

એમ કહીને ધર્મથી પાડે, સાધુનિંદાનું પાપ દેખાડે ।।૨૫।।

એવા અધર્મે ભર્યા અપાર, દીઠા હરિએ હજારો હજાર ।

ધર્યાં હાથે તિખાં હથિયાર, લીધા ધોકા છરા ને કટાર ।।૨૬।।

ખડગ ખાંડાં લાકડી લુવાગ્યું, કર કમાન્યું સલકે સાંગ્યું ।

બહુ બંધુકું ને કોક બાણ, ચક્ર ચિપિયા લીધા છે પાણ ।।૨૭।।

પશુર્ત્રિશુળ બરછિયો લઇ, જંજાળ્યો આદ્યે શસ્ત્ર છે કઇ ।

અતિશૂરા ઇચ્છે નિત્ય યુદ્ધ, કેટલાક ન રાખે આયુધ ।।૨૮।।

કેટલાક ત્યાગી તપ કરતા, કેટલાક સૌમ્ય વેશ ધરતા ।

કૌલાર્ણવ ગ્રંથ વાંચે નિત્યે, પૂજે શક્તિ ભૈરવને પ્રીત્યે ।।૨૯।।

એવા દીઠા છે નાથે અપાર, મહા પાપરૂપ ભૂમિ ભાર ।

તિયાં રહ્યા પોતે અવિનાશ, કરવા એવા અસુરનો નાશ ।।૩૦।।

પણ પોતાથી ન થાય રતિ, કાંજે રાખે છે અહિંસાવૃત્તિ ।

બેસી રહ્યા વિચારી એ વિધ, ત્યારે લોકે જાણ્યા છે આ સિદ્ધ ।।૩૧।।

એમ જાણીને પુછે છે જેહ, કહે હરિ થાય તેમ તેહ ।

ત્યારે લોકને આવી પ્રતીત્ય, લાવે અન્ન વસ્ત્ર દ્રવ્ય નિત્ય ।।૩૨।।

તેહ માંયલું કાંય ન લીયે, ભૂત ભવિષ્યનું કહી દિયે ।

એમ કરતાં તે એક દન, આવ્યા પાસળે અસુર જન ।।૩૩।।

કહે કર અમારૂં તું કાજ, લાવ્ય જળ ઇંધણાં સમાજ ।

દઇ ડારો ને બહુ ડરાવ્યા, ન કરવાનાં કામ કરાવ્યાં ।।૩૪।।

કરે કામ જડભરત જેમ, ત્યારે બીજા કે મ કરો એમ ।

તૈયે તેશું બોલ્યા ક્રોધ કરી, એનો પક્ષ મેલો પરહરી ।।૩૫।।

એમ વદતાં પડ્યો વિરોધ, માંહોમાંહિ ઉપન્યો કરોધ ।

પછી તેમાં પડ્યાં તડ બેહુ, નિંદા પરસ્પર કરે તેહુ ।।૩૬।।

એમ કરતાં બંધાણું વેર, ઇછ્યા મારવા નહિ જેને મેર ।

પ્રથમ તો બોલી ઠોલી થઇ, પછી ઉઠ્યા લઠા મોટા લઇ ।।૩૭।।

લીધી લડવા પહેલી લાકડી, તેતો પરસ્પર બહુ પડી ।

પછી લીધાં ખાંડાં કરમાંય, આવ્યા સામસામા મળી ધાય ।।૩૮।।

નાખે ર્બિછયો બહુ સામસામી, ચાલે લુવાગ્યું ન રહે ખામી ।

સલકે સાંગ્ય ને સણેણે તીર, લડે માંહોમાંહે શૂરવીર ।।૩૯।।

કરે પશુર્ ના બહુ પ્રહાર, નાખે ધોકા છરા ને કટાર ।

તીખાં ત્રિશૂળ ચાલે ત્યાં ઘણાં, કરે ઘા ચક્ર ચિપિયા તણા ।।૪૦।।

બંધુકો જંજાળ્યો કોકબાણ, નાખે માંહોમાંહે અસુરાણ ।

એમ જોરે મંડાણું છે યુદ્ધ, પામ્યા ત્રાસ આકાશે વિબુધ ।।૪૧।।

વાજે ઢોલ નગારાં જુજાર્યો, ચાલે સામસામી તરવાર્યો ।

તુરી રણશિંગાં બોલે શંખ, પડે પાપીનાં માથાં અસંખ્ય ।।૪૨।।

મચ્યો યુદ્ધ રહી નહિ મણા, પડ્યાં પૃથિવીએ ધડ ઘણાં ।

તેને દેખી હરખ્યાં માંસારી, કહે ખાશું આજ ખુબ કરી ।।૪૩।।

ભૂત પ્રેત ને આવ્યા ભૈરવ, પિશાચ યક્ષ રાક્ષસ સર્વ ।

ડાકણી સાકણી ને જોગણી, આવી ભૂખી ભૈરવીયો ઘણી ।।૪૪।।

કંક કાગ ને વળી કુતરા, થઇ ગૃધ્ર શિયાળ ને સરા ।

પડ્યાં માથાં પૃથ્વી પર રડે, જાણ્યું દૈત્ય રમી ગયા દડે ।।૪૫।।

કૈકના હાથ પગ કપાણા, કૈક નાશી ભાગીને છપાણા ।

એમ યુદ્ધ થયું બહુ પેર, દશસહસ્ર ગયા યમ ઘેર ।।૪૬।।

એટલા તો ઇયાંતળ રહ્યા, બીજા નાશી ભાગી પણ ગયા ।

તેતો દેશ પ્રદેશે પ્રવરી, બીજા દૈત્યો આગે વાત કરી ।।૪૭।।

કહ્યું એક હતો નાનો બાળ, તેને જાણતા અમે દયાળ ।

તેને અર્થે વધિયો વિરોધ, મુવા માંહોમાંહિ કરી ક્રોધ ।।૪૮।।

ત્યારે અસુર બોલિયા એમ, એને ઓળખીયે અમે કેમ ।

ત્યારે કહ્યું આપીએ એંધાણ, તેણે પડે તમને પેછાણ ।।૪૯।।

અતિ ત્યાગી તપસ્વી છે તને, નથી લોભાતો નારી ને ધને ।

રહે છે સમાધિમાં દિન રાત, વળી જાણે છે મનની વાત ।।૫૦।।

એથી પડ્યો પરસ્પર ભેદ, થયો તેણે આપણો ઉચ્છેદ ।

માટે મળે તો મેલવો નહિ, એવી વાત અસુરને કહિ ।।૫૧।।

એવું સુંણીને બોલ્યા અસુર, હવે ગોતશું એને જરૂર ।

જો મળશે તો મારશું છળે, એમ બંધાણું વેર સઘળે ।।૫૨।।

એમ દૈત્યે કર્યું પરિયાણ, તેને જાણે છે હરિ સુજાણ ।

કહે છે જેમ થશે તેમ ઠીક,નથી આત્માને કેની બીક ।।૫૩।।

એમ કહી જોયું તતખેવ,દીઠા દૈવી સંપત્તિના જીવ ।

તેને પોતે ઉપદેશ આપી, કર્યા સુખી ભવદુઃખ કાપી ।।૫૪।।

આ જે હરિચરિત્ર અનૂપ, કૃષ્ણભક્તને છે સુખરૂપ ।

તેને કહેશે સાંભળશે જેહ, મહાકષ્ટથી મુકાશે તેહ ।।૫૫।।

આલોકમાં પણ સુખી રહેશે, પરલોકે પરમ સુખ લેશે ।

પાપહરણી કથા છે પવિત્ર, જેમાં પ્રગટ પ્રભુનાં ચરિત્ર ।।૫૬।।

ભક્ત હશે તે સુણશે ભાવે, અભક્તને અર્થ નહી આવે ।

કહેશે હેતે સાંભળશે કાન, તે પર રાજી થાશે ભગવાન ।।૫૭।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદ સ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે શ્રીહરિ ચરિત્ર નામે તેત્રિશમું પ્રકરણમ્ ।।૩૩।।