પૂર્વછાયો-
વળી કહું એક વારતા, સુણો સહુ થઇ સાવધાન ।
કૃપાનિધિ કૃષ્ણદેવનાં, કહું ચરિત્ર અમૃત સમાન ।।૧।।
નાથ પ્રતાપે નિજ આતમા, દેખે અખંડરૂપે અનુપ ।
તેની બ્રહ્મ સાથે કરી એકતા, પછી થયા બ્રહ્મસ્વરૂપ ।।૨।।
એવા યોગને શિખિયા, ગોપાળયોગી જેહ ।
સ્નેહે કરી શ્રીહરિએ, તેને શિખવિયું છે તેહ ।।૩।।
તેણે કરી તર્ત થયા, યોગી તે બ્રહ્મસ્વરૂપ ।
અતિ પ્રકાશક આતમા, તેહ જાણ્યું પોતાનું રૂપ ।।૪।।
ચોપાઇ-
પછી યોગીને જણાણું એમ, આને મનુષ્ય કહેવાય કેમ ।
થયું જ્ઞાન યથારથ જયારે, બોલ્યા ગોપાળયોગી તે વારે ।।૫।।
નરનારાયણ ઋષિરાય, થઇ બ્રહ્મચારી આવ્યા આંય ।
બહુ જીવનાં કરવા કાજ, આપે પ્રગટ થયા મહારાજ ।।૬।।
એમ નિશ્ચે કર્યો નિરધાર, નારાયણ તે આ બ્રહ્મચાર ।
એવા જાણી પછી ધર્યું ધ્યાન, ચોટી વૃત્તિ મૂર્તિમાં એકતાન ।।૭।।
તેણે વિસરિયો નિજ દેહ, થયો મૂર્તિમાં અતિ સનેહ ।
જાણ્યું આપ મળ્યું સુખ મોટું, બીજું સરવે લાગ્યું છે ખોટું ।।૮।।
એવા મોટા યોગી જે ગોપાળ, તેતો ભુલ્યા દેહ થોડે કાળ ।
અતિ વિસ્મૃતિ થઇ જયારે, મુક્યો માયિક દેહને ત્યારે ।।૯।।
પછી શ્રીકૃષ્ણ દેવ પ્રતાપે, ગયા ગોલોકમાં યોગી આપે ।
પછી બ્રહ્મચારી નીલકંઠે, કરી ક્રિયા તેની રૂડી પેઠે ।।૧૦।।
પછી મુકી પોતે એહ સ્થાન, ચાલ્યા પૂરવમાં ભગવાન ।
રહી અખંડ બ્રહ્મસ્વરૂપ, ચાલ્યા આપે આપ બ્રહ્મરૂપ ।।૧૧।।
નાસાગ્ર દષ્ટિ કરીને સ્થિર, ચાલ્યા જેમ કમાનનો તીર ।
કૃષ્ણમાંહિ છે દષ્ટિ અખંડ, નથી દેખતા પિંડ બ્રહ્માંડ ।।૧૨।।
દિશ વિના નથી બીજો રાહ, ગયા ત્યાં થકી આદિવારાહ ।
તિયાં ત્રણ દિવસ પોતે રહ્યા, ત્યાંના વાસીને દર્શન થયાં ।।૧૩।।
નિરખી આનંદ પામિયાં અતિ, જાણું આવ્યા શું આ બૃહસ્પતિ ।
એમ જનને આનંદ આલી, પછી ત્યાં થકી નિસર્યા ચાલી ।।૧૪।।
ગયા બંગદેશમાં દયાળ, આવ્યું સીરપુર શહેર વિશાળ ।
સિદ્ધવલ્લભ તેનો છે રાયે, ગયા પોતે ત્યાં અણઇચ્છાયે ।।૧૫।।
તે નરેશે પ્રાર્થના કરી, રાખ્યા ચોમાસું ત્યાં ભાવ ભરી ।
દીઠા અતિ ત્યાગી એકાએક, રાખ્યો પાસળે એક સેવક ।।૧૬।।
તેનું નામ છે ગોપાળદાસ, કરે ટેલ્ય રહે નિત્ય પાસ ।
તિયાં બીજા ભેખધારી બહુ, રાખ્યા ચોમાસું કરવા સહુ ।।૧૭।।
તે તમોગુણી મંત્રઅધ્યાસી, સર્વે ક્ષુદ્રદેવના ઉપાસી ।
તેના જુજવા જુજવા વેશ, કોઇ મુંડેલ કેનેક કેશ ।।૧૮।।
કોઇ નાગા કોઇને કૌપીન, કોઇ ન રાખે વસ્ત્ર નવીન ।
તેમાં સોએક તપસ્વી સઇ, તેતો બેસે તડકામાં જઇ ।।૧૯।।
કોઇ વર્ણી ને કોઇ સન્યાસી, કોઇ હંસ ને કોઇ ઉદાસી ।
કોઇ કહે મુખે કાળી કાળી, કોઇ કહેતું બેચરાવાળી ।।૨૦।।
કોઇ ભૈરવ ભૈરવ રહ્યા ભણી, કોઇ ભજે ભવાની જોગણી ।
કોઇ મુનિ ને કોઇક બોલે, કોઇ અહોનિશ આંખ્ય ન ખોલે ।।૨૧।।
કૈક ખાખી કૈક હુડધંગા, એમ મળ્યા બહુ અડબંગા ।
થયા સિદ્ધ ભુંશી બહુ સેલી, ભંગી જંગી ભેળા થયા ફેલી ।।૨૨।।
તેને રાજા જાણી મોટાસિદ્ધ, આપે રસોઇયો રૂડી વિદ્ધ ।
આસન સારૂં આપી ગાદલાં, કરે સનમાન રાજા ભલાં ।।૨૩।।
ત્યારે યોગી બોલે બળે બહુ, કરે વાત સિદ્ધાઇની સહુ ।
એમ કરતાં આવ્યો વરષાત, વાયો વાયુ થયો ઉતપાત ।।૨૪।।
ખવે વિજળી વારમવાર,વરષે મેઘ તે મુશળધાર ।
ગરજે ઘોર ને કડાકા કરે, ઉપરે જળ અખંડ ઝરે ।।૨૫।।
એવી અખંડ મંડાણી એલી, ચાલ્યાં પૃથવીએ પુર રેલી ।
તેમાં પોઢી રહ્યા પોતે નાથ, તન પર ચડી રેતી હાથ ।।૨૬।।
પછી સેવક આવી સવારે, કાઢ્યા કાદવ માંહિથી બારે ।
વર્ષે મેઘ મચી બહુ ઝડી, આંખ્ય ઉઘડે નહિ એક ઘડી ।।૨૭।।
એમ ચારે માસ વુઠો ઘન, પહોંચે સિદ્ધાઇ કેટલા દન ।
અતિ વર્ષાતે અસોયા થયા, પછી રાત્યે રાત્યે ભાગી ગયા ।।૨૮।।
ધીરે ધીરે સિદ્ધ ગયા નાશી, કરવા લાગ્યા લોક તેની હાંસી ।
કહે મોટા સિદ્ધ ગયા ચાલી, આ જો પડ્યાં છે આસન ખાલી ।।૨૯।।
એક બેઠા રહ્યા બ્રહ્મચારી, તેને જોઇ નમ્યાં નરનારી ।
કહે સિદ્ધ તો આ એક ખરા, બીજા દંભી ભાગી ગયા પરા ।।૩૦।।
રાજા નમ્યો જાણી હરિ મોટા, બીજા સવેર્ ને જાણ્યા છે ખોટા ।
વાધ્યું પ્રભુજીનું બહુ માન, બીજાનું ન કરે સનમાન ।।૩૧।।
તેણે કરી બળ્યા બીજા બહુ, આવ્યા મળી મારવાને સહુ ।
નાખી અડદ મંતરી મુઠું, પડ્યું જે જે કર્યું તે તે જુઠું ।।૩૨।।
પછી સેવક હતો જે પાસ, કરતો સેવા જે ગોપાળદાસ ।
તેને માથે નાખી એણે મુઠ્ય, પડ્યો ભૂમિએ ન ફેરે પુંઠ્ય ।।૩૩।।
આવ્યું મોઢે ફીણ તેને જોઇ, નહિ જીવે કહે સહુ કોઇ ।
પછી રાજાએ સિદ્ધ બોલાવી, કહ્યું આને લેવો જ ઉઠાવી ।।૩૪।।
ત્યારે સિદ્ધને છે મરડ ભારી, કહ્યું જીવાડશે બ્રહ્મચારી ।
ત્યારે રાયે આવી જોડ્યા હાથ, કહ્યું આને જીવાડીયે નાથ ।।૩૫।।
પછી હરિ તેને પાસે જઇ, ઉઠાડ્યો શ્રીકૃષ્ણ મંત્ર કઇ ।
ઉઠ્યો તર્ત લાગી નહિ વાર, પામ્યાં વિસ્મય સહુ નરનાર ।।૩૬।।
કહે આતો છે પોતે શ્રીકૃષ્ણ, મોટાં ભાગ્ય થયાં એનાં દ્રષ્ણ ।
વળી એમ કહે નરનારી, કૃષ્ણ નહિ તો કૃષ્ણ ભક્ત ભારી ।।૩૭।।
પછી મુઠ્ય નાખીતિ જે સિદ્ધે, પડી તેને માથે ભલી વિધ્યે ।
પડ્યો પડાક પૃથિવી માંઇ, મુખમાં ગઇ ધુડ્ય ભરાઇ ।।૩૮।।
આવ્યું મોઢે ફીણ ફાટ્યું ડાચું, થયું જીવ્યાની કોરનું કાચું ।
પછી તેણે તેના સિદ્ધ લાવી, કર્યા ઉપાય બહુ બોલાવી ।।૩૯।।
તેણે ફેર પડ્યો નહિ રતિ, ત્યારે કરી હરિને વિનતિ ।
પછી નાથ તેને પાસ આવી, કહી મંત્ર ને લીધો જીવાવી ।।૪૦।।
ત્યારે સિદ્ધ રાજા સહુ મળી, કરી સ્તુતિ હરિજીની વળી ।
જાણ્યા રાજાએ મોટા છે સરે, થયો પરિવાર સહિત આશરે ।।૪૧।।
જેજે હતો એ સિદ્ધનો વર્તા, મુઠ્ય નાખી બાળી પેટ ભર્તા ।
તેતો નીલકંઠે ભાંગ્યો ભય, થયા મનુષ્ય સહુ નિરભય ।।૪૨।।
લાવી વસ્ત્ર ધન આગે ધરે, હરિ ત્યાગી છે તેને શું કરે ।
એટલાકમાં વિપ્ર તૈલંગ, આવ્યો નારી સુત લઇ સંગ ।।૪૩।।
ભણ્યો વેદ શાસ્ત્ર ને પુરાણ, પ્રસિદ્ધ વિપ્ર પૃથ્વી પ્રમાણ ।
આવ્યો સિદ્ધવલ્લભરાય પાસ, મને દાન લેવાની છે આશ ।।૪૪।।
પછી તે રાજા છે ધર્મવાન, આપ્યું ભણ્યો જાણી ભારે દાન ।
આપ્યો હસ્તિ ને કાળ પુરૂષ, લેતાં વિપ્ર થયો કાળો મષ ।।૪૫।।
ગૌર મટીને થયો છે શ્યામ, ત્યારે નિંદા કરવા લાગ્યું ગામ ।
પછી હરિ પાસે વિપ્ર આવી, અતિ દિનતાએ વાણી કાવી ।।૪૬।।
હે મહારાજ ! હું તો હતો દુઃખી, દાન લઇ થવા ગયો સુખી ।
ત્યાં તો સામું દુઃખ થયું ઘણું, હવે શું માહાત્મ્ય જીવ્યાતણું ।।૪૭।।
માટે ત્યાગીશ હું હવે તન, થાય તો તમે કરો જતન ।
પછી દુઃખી વિપ્ર હરિ જાણી, દયાળે દયા એ પર આણી ।।૪૮।।
કહ્યો શ્રીકૃષ્ણનો મંત્ર કાને, મટી શ્યામ થયો ગૌર વાને ।
પછી બ્રાહ્મણ લાગ્યો પાય, કહ્યું રહ્યો હું મન્યખા માંય ।।૪૯।।
પછી ગાતો પ્રભુજીના ગુણ, ગયો દેશ પોતાને બ્રાહ્મણ ।
એવા પ્રભુજી બહુ પ્રતાપી, કર્યાં સુખી બહુ દુઃખ કાપી ।।૫૦।।
ત્યાગ વૈરાગ્ય ઉરમાં અતિ, સહુપર વર્તે મહામતિ ।
એમ કરતાં ગયું ચોમાસું, આવ્યો ર્કાિતક ઉતર્યો આસુ ।।૫૧।।
પછી હરિ ને બીજા જે સિદ્ધ, તેને પૂજયા નૃપે બહુ વિદ્ધ ।
પછી ચાલ્યા છે ત્યાં થકી સહુ, હરિસંગે બીજા સિધ્ધ બહુ ।।૫૨।।
આવ્યા કામાક્ષિદેવીની ઝાડીએ, ઉતર્યા સિદ્ધ સહુ વાડીએ ।
પછી રસોઇ કરવા કાજ, કર્યો ભેળો સરવે સમાજ ।।૫૩।।
તેને સમીપે છે એક ગામ, વશે દ્વિજ ત્યાં પિબેક નામ ।
સિદ્ધમંડળ આવ્યું સાંભળી, ઉઠ્યો તર્ત તિયાં થકી બળી ।।૫૪।।
કહે સિદ્ધાઇ એની ચુંથી નાખું, કરી ગુલામ ને ઘેર રાખું ।
જોજયો માતાજીએ કરી મેર, આવ્યાં વણગોત્યાં પશુ ઘેર ।।૫૫।।
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદ સ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે શ્રીહરિ ચરિત્ર નામે એકત્રીશમું પ્રકરણમ્ ।।૩૧।।