૧૦૩. આજ સુધીમાં જે જે અવતાર થયા તે રૂપે રહી હે હરિ ! તે તમામ કાર્ય આપે જ કર્યું છે, એવા ભાવથી સંતોએ સ્

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 4:41pm

પૂર્વછાયો-

અનેક લીળા અનેક ચરિત્ર, કરી કર્યો જનનો ઉધ્ધાર ।

સુંદર નિર્ગુણ મૂરતિ, તેને વંદુ હું વારમવાર ।।૧।।

અનેક નામના નામી સ્વામી, સર્વના સુખધામ ।

અનેક એકની મૂરતિ, અનેક એકનાં નામ ।।૨।।

તે પ્રભુ પ્રકટપણે ફરે, કરે જીવનાં કલ્યાણ ।

મનોહર મૂર્તિ મહારાજની, તેને પ્રણમું જોડી હું પાણ ।।૩।।

પુરૂષોત્તમ પૂરણ પોતે, અઢળક ઢળ્યા આવાર ।

તેનાં ચરિત્ર પવિત્ર અતિ, વળી કહું કરી વિસ્તાર ।।૪।।

એક સમે મુનિ સહુ મળી, આવિયા પ્રભુજી પાસ ।

અતિ હેતે સ્તુતિ કરવા, હઇયે થયા છે હુલાસ ।।૫।।

ચોપાઇ-

નમો કૃષ્ણ નમો નારાયણ, નમો જીવશ્રેય પરાયણ ।

નમો બળવંત બહુનામી, નમો અકળ અંતરજામી ।।૬।।

નમો સહુ જીવના સુખકારી, નમો દીનબંધુ દુઃખહારી ।

નમો દાસના ત્રાસ વિનાશ, નમો સહુના આદિ અવિનાશ ।।૭।।

નમો પુરૂષોત્તમ સહુપર, નમો અક્ષરધામઆધાર ।

નમો નિર્ગુણ સગુણ સ્વામી, સર્વે ધામતણા તમે ધામી ।।૮।।

નમો અપરમપાર અકળ, નમો સર્વના શ્યામ સબળ ।

નમો ક્ષર અક્ષર નિયંતા, નમો ગુણપાર ગુણવંતા ।।૯।।

નમો અવતારના અવતારી, નમો સંતતણા સુખકારી ।

નમો દીનના બંધુ દયાળ, નમો ભક્તવત્સલ પ્રતિપાળ ।।૧૦।।

નમો કૃપાના સિંધુ કૃપાળુ, નમો દયાના નિધિ દયાળુ ।

નમો પ્રભુજી પૂરણકામ, નમો સંતતણા સુખધામ ।।૧૧।।

નમો ઇશતણા મહાઇશ, નમો ભક્તપતિ જગદીશ ।

નમો પરમેશ્વર પરબ્રહ્મ, નમો ભવતારણ ત્રિકમ ।।૧૨।।

નમો વાસુદેવ વરદેણ, નમો કેશવ કમળનેણ ।

નમો ગોપાળ ગોકુળચંદ, નમો ગોપીવલ્લભ ગોવિંદ ।।૧૩।।

નમો નાથ ગોવર્ધનધારી, નમો બાળમુકુન્દ મુરારી ।

નમો પદ્મનાભ પીતાંબર, નમો પુનિત પરમેશ્વર ।।૧૪।।

નમો પવિત્ર પરમાનંદ, નમો પદ્માક્ષ પૃથવિવંદ ।

નમો નારાયણ ર્નિિવકાર, નમો નૃસિંહ નરકનિવાર ।।૧૫।।

નમો નરોત્તમ નરવીર, નમો નાગનાથણ સુધીર ।

નમો રઘુનાથ રામચંદ્ર, નમો રાઘવ સુખસમુદ્ર ।।૧૬।।

નમો રાજીવલોચન રામ, નમો રમાપતિ રાજનામ ।

નમો વામનજી વિશ્વેશ્વર, નમો વિશ્વરૂપ વિશ્વંભર ।।૧૭।।

નમો વિશ્વેશ વિષ્ણુ ને વ્યાસ, વેદવલ્લભ વાણીપ્રકાશ ।

નમો દામોદરજી દયાળ, નમો દેવ દેવકીજી બાળ ।।૧૮।।

નમો દીનનાથજી દૈત્યારી, નમો દેવેશ દેવ મુરારી ।

નમો માધવ મધુસૂદન, નમો મુકુન્દ મુષ્ટિકમર્દન ।।૧૯।।

નમો મહાબાહુ મંજુકેશ, નમો મહાધીર શ્રીદેવેશ ।

નમો કેશવ કરૂણાધામ, નમો કૌમોદકીધર નામ ।।૨૦।।

નમો કામેશ કૃષ્ણ દયાળ, નમો કૌસ્તુભપ્રિય કૃપાળ ।

નમો ભૂધર ભુવનાનંદ, નમો ભૂતનાથ ભવવંદ ।।૨૧।।

નમો ભુવનૈક ભુજગેશ, નમો ભવનસાવણ ઇશ ।

નમો જનાર્દન જદુરાય, નમો જગન્નાથ તવ પાય ।।૨૨।।

નમો જક્ત જાડયન વિનાશ, નમો જગદાધાર અવિનાશ ।

નમો સચ્ચિદાનંદ ચરાચર, નમો ચતુર્ભુજ ચક્રધર ।।૨૩।।

નમો શ્રિયનાથ શ્રિયપતિ, નમો શ્રીવરપ્રદ છો અતિ ।

નમો શ્રીધર શ્રીસુરેશ્વર, નમો સૌમ્ય શ્રીવત્સાંકધર ।।૨૪।।

નમો યોગેશ જીવનપ્રાણ, નમો યશોદાનંદ સુજાણ ।

નમો યમુનાજળ કિલોલ, નમો સંપૂરણ કળા સોળ ।।૨૫।।

નમો શ્રીહરિજી શાલગ્રામ, શુધ્ધ શંખચક્રધર નામ ।

નમો સુરાસુર સદા સેવ, નમો સાધુવલ્લભ અભેવ ।।૨૬।।

નમો ત્રિવિક્રમ તપોઇન્દ્ર, નમો ત્રિસ્થળ તીર્થ રાજેન્દ્ર ।

નમો લીળાધર લક્ષ્મીવર, નમો લોકવંદ લોકેશ્વર ।।૨૭।।

નમો અનંત અચ્યુત અનાદિ, અઘહર આનંદરૂપ આદિ ।

નમો હરિ હળધર ભ્રાત, નમો હિરણ્યાક્ષહનનનાથ ।।૨૮।।

નમો અક્ષરધામ આધાર, તમે સંતના સુખભંડાર ।

સંત હેતે ધરી અવતાર, કરો અનેક જીવ ઉધ્ધાર ।।૨૯।।

જયારે જયારે જેવું પડે કામ, ત્યારે તેવું તન ધરો શ્યામ ।

નમો મત્સ્ય તમને મુરારી, નમો કચ્છરૂપ સુખકારી ।।૩૦।।

નમો તમને વારાહરૂપ, નમો તમને નરહરિ ભૂપ ।

નમો તમને વામન નામ, નમો તમને પરશુરામ ।।૩૧।।

નમો તમને શ્રીરામચંદ્ર, નમો તમને રાજયરાજેન્દ્ર ।

નમો તમને કૃષ્ણ કૃપાળુ, નમો દેવકીનંદન દયાળુ ।।૩૨।।

નમો બુધ્ધ તમે બહુનામી, નમો અકળ અંતરજામી ।

નમો કલકિ કરૂણાધામ, ધરો તન કરો જનકામ ।।૩૩।।

તમે ધરી પુરૂષ અવતાર, બ્રહ્માઆદ્યે રચ્યો આ સંસાર ।

તમે સુયજ્ઞ શરીરધારી, હરિ ત્રિલોકપીડા નિવારી ।।૩૪।।

ધર્યું કપિલ તન માતકાજ, કહ્યું સાંખ્યતત્ત્વ મુનિરાજ ।

તમે થઇ દત્તાત્રેય નાથ, કર્યા યદુ હૈહય સનાથ ।।૩૫।।

તમે સનકાદિક તન ધારી, આત્મતત્ત્વની વાત વિસ્તારી ।

તમે નારાયણ તપ કરતા, કામ ક્રોધ લોભ મદ હરતા ।।૩૬।।

વળી ધરી તન ભગવાન, દિધું ધ્રુવને તમે વરદાન ।

તમે જયારે પૃથુતન ધર્યું, ત્યારે પૃથિવી દોહન કર્યું ।।૩૭।।

તમે ઋષભરૂપે હરિ થયા, પુત્ર બોધી પરમહંસ રહ્યા ।

તમે હયગ્રીવતનધારી, વેદમય વાણીયો ઉચ્ચારી ।।૩૮।।

જયારે હરિ અવતાર ધાર્યો, ત્યારે ગ્રાહથી ગજ ઉગાર્યો ।

થયા હરિ હંસ રૂપ જેવા, બ્રહ્મા નારદને જ્ઞાન દેવા ।।૩૯।।

તમે ધનવંતરી તન ધારી, ટાળ્યો રોગ આયુષ વધારી ।

તમે ધરી વ્યાસ અવતાર, કર્યો એક વેદ વદિ ચાર ।।૪૦।।

તમે નારદનું તન લીયું, નૈષ્કર્મ્ય સાત્ત્વતતંત્ર કહ્યું ।

એવા બહુ ધરી અવતાર, કર્યા અનંત જીવ ઉધ્ધાર ।।૪૧।।

તમે મત્સ્ય થઇને મુરારી, લાવ્યા વેદ શંખાસુર મારી ।

થઇ કૂર્મરૂપે તે અકળ, ધર્યો પીઠપર મંદ્રાચળ ।।૪૨।।

ધરી વારાહરૂપ દયાળ, રાખી પૃથવી જાતિ પયાળ ।

તમે નૃસિંહતન ધરી નાથ, હણ્યો હિરણ્યકશિપુ હાથ ।।૪૩।।

કર્યું પ્રહ્લાદનું પ્રતિપાળ, દાસત્રાસ નિવાર્યો દયાળ ।

વામનરૂપ ધરીને મહારાજ, બળી છળ્યો ઇન્દ્રરાજય કાજ ।।૪૪।।

ધરી પરશુરામ અવતાર, હણ્યા ક્ષત્રિ એકવિશ વાર ।

તમે રામરૂપે થઇ રાજ, માર્યો રાવણ બાંધી સિંધુપાજ ।।૪૫।।

તમે ધરી કૃષ્ણ અવતાર, કર્યાં ચરિત્ર અપરમપાર ।

મારી પૂતના ભાંગ્યું શકટ, માયોર્તૃણાવંત તે વિકટ ।।૪૬।।

યમલાજુર્ ન મૂળ ઉખાડી, માર્યો વત્સ બક ચાંચ ફાડી ।

કાળી નાથી પીધો દાવાનળ, માર્યો ધેનુક તે મહા ખળ ।।૪૭।।

થયા બાળ વત્સ તમે વળી, ભૂલ્યો બ્રહ્મા શક્યો નહિ કળી ।

ધારી ગિરિ ઇન્દ્રદર્પ મોડ્યો, વ્યાળ વરૂણથી નંદ છોડ્યો ।।૪૮।।

શંખચૂડ વૃષભ ને કેશી, તમે માયોર્વ્યોમાસુર દ્વેષી ।

હણ્યો કંસ તે અંશ અસુર, માર્યો અઘાસુર મહાભૂર ।।૪૯।।

માયોર્કાળજવન જરાસંધ, બાણ ભૌમ માર્યો મહાઅઘ ।

માયોર્શાલવ ને શિશુપાળ, હણ્યો દંતવક્રને દયાળ ।।૫૦।।

એવું કરી કૃષ્ણ અવતારે, માર્યા દુષ્ટ બહુ તેહ વારે ।

કરી ચરિત્ર ગોકુળચંદ, આપ્યાં નિજજનને આનંદ ।।૫૧।।

તમે ધરી બુધ્ધ અવતાર, દેખ્યું અવનિયે અઘ અપાર ।

હણ્યા દૈત્ય બોધ્યા બહુ જીવ, તે તે પાર કર્યા તતખેવ ।।૫૨।।

પેખી પાષંડી ભુવે અપાર, તમે લેશો કલકી અવતાર ।

આદ્ય અંતે મધ્યે અવતાર, સર્વે તમારા તે નિરધાર ।।૫૩।।

જેજે કર્યાં પૃથ્વી પર કાજ, તે તો સર્વે તમે મહારાજ ।

વળી થાશે થાય છે જે કાંઇ, તે તો સર્વે તમારી ઇચ્છાય ।।૫૪।।

માટે નમો નમો નાથ તમને, મોટે ભાગ્યે મળિયા છો અમને ।

એમ સ્તવન કયુર્ં જોડી હાથ, ત્યારે બોલ્યા શ્રીમુખે નાથ ।।૫૫।।

પૂર્વછાયો-

જે જે જન તમે કહ્યું, તે સર્વે સાંભળ્યું કાન ।

એહ માંયલું અમે ન કર્યું, તમે કેમ જાણ્યા ભગવાન ।।૫૬।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે સર્વે મુનિજન મળીને સર્વ અવતારના અવતારી મહારાજને જાણીને સ્તુતિ કરી એ નામે એકસોને ત્રીજું પ્રકરણમ્ ।।૧૦૩।।