૯૦. વડતાલ જઇ લક્ષ્મીનારાયણ દેવ તથા પોતાની મૂર્તિ હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા, અયોધ્યાવાસી આવ્યા, ત

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 4:21pm

પૂર્વછાયો-

ચાલ્યા પછી ગઢડા થકી, સંઘ લઇને સુંદર શ્યામ ।

ભક્ત ભાવિક બોટાદમાં, રહ્યા રાત્ય એક એહ ઠામ ।।૧।।

ચોપાઇ-

પછી ત્યાંથી ચાલ્યા સંઘસાથ, આવ્યા સુંદરીયાણે શ્રીનાથ ।

જમી જન જીવન સધાવ્યા, જઇ વાગડ અણિયાળિ આવ્યા ।।૨।।

રહે જસકે રોજકે જન, દીધાં દયાળે તેને દર્શન ।

પછી રહ્યા કમિયાળે નાથ, જાણી જખમ જનનો હાથ ।।૩।।

જમી બોરુ રહ્યા ગળિયાણે, આવ્યા વરતાલમાં સંધ્યા ટાણે ।

દીધાં દાસને દર્શન દાન, નિરખ્યા જને ભાવે ભગવાન ।।૪।।

પછી જન બોલ્યા જોડી હાથ, ભલે આવ્યા અનાથના નાથ ।

બહુ દિનના હતા પિયાસી, દીધાં દર્શન આજ અવિનાશી ।।૫।।

એમ કહી બેઠા સન્મુખ, નાથ નિરખી નિગમ્યાં દુઃખ ।

જને રસોઇ કરાવી ભલી, જમ્યા તેમાંથી નાથ રોટલી ।।૬।।

પાસે હતા મુનિ બે મરાળ, આપ્યો અલબેલે તેને થાળ ।

પછી પોઢિયા પ્રાણજીવન, જાગ્યા બ્રાહ્મમુહૂર્તે ભગવન ।।૭।।

કરી દાતણ ને સ્નાન કીધાં, પછી દાસને દર્શન દીધાં ।

પછી શ્રીનારાયણની મૂર્તિ, જોઇ વખાણી છે વળી અતિ ।।૮।।

પછી વડોદરા થકી જન, આવ્યા હતા કરવા દર્શન ।

તેના સંઘમાં જઇને શ્યામ, દઇ દર્શન ને પુરી હામ ।।૯।।

પછી જને કરાવ્યાતા થાળ, જમ્યા દયા કરીને દયાળ ।

પછી શાલ દુશાલ અંગરખી, હાથે પહેરાવ્યાં હરિને હરખી ।।૧૦।।

ધૂપ દીપ ઉતારી આરતિ, પછી કરજોડી કરી વિનતિ ।

ભલે પ્રકટ્યા પ્રાણઆધાર, અમ જેવાનો કરવા ઉધાર ।।૧૧।।

આજ સુફળ થયો જનમ, મળ્યા પ્રગટ પુરૂષોત્તમ ।

હવે છીએ તમારા હો નાથ, કુળ કુટુંબ અમે સહુ સાથ ।।૧૨।।

પછી નાથ કહે નિર્ભય રહીએ, છો અમારાં ઝાઝું શું કહીએ ।

કહી એટલું ચાલિયા નાથ, ગયા ચોતરે સહુ જનસાથ ।।૧૩।।

તિયાં કર્યા ઉત્તર પ્રશન, સુણી સહુ જન થયા મગન ।

એવી વાત કરી અવિનાશે, સુણી અતિ હેતે કરી દાસે ।।૧૪।।

એવી વાત થાય નિત્ય નિત્ય, સાંભળે જન દઇ મનચિત્ત ।

સારા સુંદર વરષમાંય, ર્કાિતકસુદિ દ્વાદશી કહેવાય ।।૧૫।।

તેદિ મુહૂર્ત જોઇ શુભ અતિ, સ્થાપી શ્રીનારાયણની મૂરતિ ।

વેદ વિધિ કરી વિપ્રજને, પધરાવ્યા પ્રભુ શુભ દને ।।૧૬।।

લક્ષ્મીનારાયણ સુખદાય, સ્થાપ્યા મધ્યના મંદિરમાંય ।

ભક્તિ ધર્મ પોતાનું સ્વરૂપ, સ્થાપ્યું ઉત્તર ડેરે અનૂપ ।।૧૭।।

રાધા ને વૃંદાવનવિહારી, પાસે પોતાની મૂરતિ સારી ।

કર્યો દક્ષિણ ડેરામાં સ્થાપ, નિજજનના ટાળવા તાપ ।।૧૮।।

તીયાં વરત્યો છે જયજયકાર, ધન્યધન્ય બોલે નરનાર ।

પછી જમાડિયા વિપ્રજન, આપ્યાં મનવાંછિત ભોજન ।।૧૯।।

દીધિ દક્ષિણા વસ્ત્ર રૂપૈયા, તેણે વિપ્ર રાજી મન થયા ।

પછી પાંચ દિવસ પોતે રહ્યા, ત્યાંથી વસોયે વાલો આવિયા ।।૨૦।।

વસે વસોમાંહિ જન ઘણાં, સવેર્પ્યાસી પ્રભુદર્શનતણાં ।

તેને ઘરો ઘર જઇ નાથ, દઇ દર્શન કર્યાં સનાથ ।।૨૧।।

પછી સંગે હતા મુનિજન, તેને કાજે કર્યાંતાં ભોજન ।

તેતો પિરશિયાં પોતે વળી, જમાડી સહુ સંત મંડળી ।।૨૨।।

પછી ઘોડે થયા અસવાર, કર્યો મુનિને નમસ્કાર ।

મુનિ રહેજયો આનંદમાં તમે, મળશું વેલા વેલા વળી અમે ।।૨૩।।

એમ કહી ચાલ્યા ભગવાન, સવેર્સંત થયા શોકવાન ।

અહો બહુદિન રાખ્યા સાથ, આજ ગયા વિજોગીને નાથ ।।૨૪।।

અહો નિત્યે થાતાં દર્શન, એક હતા એવા પણ દન ।

આજ મૂકીને ચાલ્યા મોહન, હવે ક્યારે થાશે દર્શન ।।૨૫।।

એમ કહી અકળાણા અતિ, પછી અંતરે ધારી મૂરતિ ।

થયા સચેત સહુ મુનેશ, ગયા ફરવા દેશપ્રદેશ ।।૨૬।।

તેદિ જમતા પાનબીડી નાથ, તે જમાડતો હું મારે હાથ ।

ત્યાંથી આવ્યા વટામણ ગામ, રહ્યા રાત ત્યાં સુંદરશ્યામ ।।૨૭।।

જમી જાખડેથી કમિયાળે, દીધાં દર્શન જનને દયાળે ।

રહી રાત ચાલ્યા ત્યાંથી નાથ, લઇ મુક્તાનંદજીને સાથ ।।૨૮।।

ગાંફ ખડર્ય ઝિંઝર રહ્યા જાણી, ત્યાંથી કુંડળ ને કારીયાણી ।

પછી આવ્યા ગઢડે મહારાજ, કરી અલબેલો એહ કાજ ।।૨૯।।

તિયાં રહ્યા રાજી થઇ આપે, દિયે દર્શન ને દુઃખ કાપે ।

જન જમાડે પ્રભુને પ્રીત્યે, જમે પાનબીડી પોતે નિત્યે ।।૩૦।।

જમ્યા પાન દિન પંચવિશ, પછી ન જમીયા જગદીશ ।

ત્યાર પછી રહ્યા દિન દશ, લિધા અભાગિયે અપજશ ।।૩૧।।

પછી દુષ્ટની દુષ્ટતા જાણી, પ્રભુ પધારિયા કારિયાણી ।

તિયાં રહ્યા દન દોયચાર, પછી આવ્યા ગઢડા મોઝાર ।।૩૨।।

ગઢડામાં રહે ઘણું ઘણું, ધન્ય ભાગ્ય એ ભૂમિકાતણું ।

એક રહી ગઇ વાત અનૂપ, સુણ્યા સરખી છે સુખરૂપ ।।૩૩।।

આગે આવ્યાંતાં અયોધ્યાવાસી, તેની વાત મેં નોતિ પ્રકાશી ।

તેહ હવે કહું છું વિસ્તારી, સુણી સુખ પામે નરનારી ।।૩૪।।

અનુક્રમે મળી કે ન મળી, પણ કહેવી છે વાત સઘળી ।

રામપ્રતાપ ને ઇચ્છારામ, તેતો રહ્યા હતા નિજધામ ।।૩૫।।

તિયાં સંતે વાત જઇ કરી, તમારે ઘેરે પ્રકટ્યા હરિ ।

કહી એંધાણી સહિત વાત, આવી પ્રતીતિ થયા રળિયાત ।।૩૬।।

એવું સુણી ચાલ્યાં તતકાળ, વૃધ્ધ જોબન ને નાનાં બાળ ।

સંગે લઇ અશ્વ ને પાલખી, આવ્યાં સહજમાં ન થયાં દુઃખી ।।૩૭।।

પશ્ચિમ ખંડમાં પંચાળ દેશ, જીયાં હરિ વિચરે હમેશ ।

કાજુ ગામ વરતાલ જાણી, પોતે હતા ત્યાં સારંગપાણી ।।૩૮।।

તિયાં આવ્યાં અયોધ્યાનાં વાસી, સામા જઇ મળ્યા અવિનાશી ।

ર્કાિતક માસ શુદી ચતુરથી, તેદિ આવ્યાં અયોધ્યાપુરથી ।।૩૯।।

આવ્યાં અયોધ્યાવાસી એ દન, કર્યાં મહારાજનાં દરશન ।

મળી લળી લાગ્યાં સહુ પાય, ચાલ્યાં નીર તે નયણમાંય ।।૪૦।।

કરી રૂદન ચરણ ન મૂકે, આંખ્યમાંહિથી આંસુ ન સૂકે ।

હેતે હિબસે વિયોગ દુઃખે, ભાંગ્યા અક્ષર બોલેછે મુખે ।।૪૧।।

હે મહારાજ આવું કેમ કીધું, ચાલ્યા ફરીને દર્શન ન દીધું ।

જેમ દર્શન ન દીધું દયાળ, તેમ પાછી ન લિધી સંભાળ ।।૪૨।।

શિયો વાંક અમારો હો નાથ, ચાલ્યા અમને કરી અનાથ ।

વાલા તમે અમને વિસાર્યાં, અમે વિલખિ વિલખિ હાર્યાં ।।૪૩।।

તમે ચાલ્યા ત્યાંથી જગદીશ, તેને વર્ષ થયાં અઠ્યાવિશ ।

તેમાં એક સંદેશો ન કહાવ્યો, એવડો શિયો અભાવ આવ્યો ।।૪૪।।

હશે વાંક વાલાજી અમારો, એમાં દોષ નથી જો તમારો ।

હશે અપરાધ અમારા નાથ, જોશો માં એમ કહી જોડ્યા હાથ ।।૪૫।।

નાથ કહે નથી દોષ તમારો, છે સ્વભાવ એવો જ અમારો ।

જીયાં રહીએ તિયાં હળિમળિ, વિસાર્યા ન સંભારીએ વળી ।।૪૬।।

હોય હરિમાંહિ હેત જેને, અમે નિત્ય સંભારૂં છું તેને ।

બીજાં સાથે છે થોડેરૂં હેત, એમ બોલ્યા કરૂણાનિકેત ।।૪૭।।

જેમ હતું પોતાનું વર્તન, તેમ જણાવી દીધું જીવન ।

એમ મળ્યા સંબંધિને શ્યામ, પામ્યા અયોધ્યાવાસી આરામ ।।૪૮।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે શ્રીલક્ષ્મીનારાયણદેવની પ્રતિષ્ઠા કરી એ નામે નેવુંમું પ્રકરણમ્ ।।૯૦।।