૯૧. અયોધ્યાવાસીએ દેશનાં સમાચાર અને કુળ-કુટુંબનો પરિચય આપ્યો, પછી સંતોની સંમતિથી અયોધ્યાપ્રસાદ અ

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 4:22pm

પૂર્વછાયો-

અયોધ્યાવાસી આવિયાં, હરિપ્રસાદનો પરિવાર ।

સંબંધી શ્રીમહારાજનાં, સતસંગનો શણગાર ।।૧।।

ચોપાઇ-

થયાં રાજી અયોધ્યાનાં વાસી, નયણે નિરખ્યા શ્યામ સુખરાશી ।

પછી સંગે તેડી તેને શ્યામ, આવ્યા પ્રભુજી ગઢડે ગામ ।।૨।।

તેને આપ્યાં ઉતરવા ઘર, ઘણું ઘટિત સારાં સુંદર ।

પછી કરી છે રૂડી રસોઇ, જમ્યા માવ ભાવ તેનો જોઇ ।।૩।।

પછી જમ્યા છે અયોધ્યાવાસી, વળતી વાલ્યમે વાત પ્રકાશી ।

પુછ્યાં દેશ નગર ને ગામ, પુછ્યાં સર્વે ઠેકાણાં ને ઠામ ।।૪।।

પુછ્યાં વન વાડી વૃક્ષ વટ, પુછ્યાં નદી તળાવ ને તટ ।

પુછ્યાં શહેર બજારો ને ઘર, પુછ્યાં ત્યાગી ગૃહી નારી નર ।।૫।।

પુછ્યાં હરિમંદિર ધર્મશાળા, પુછ્યા તીરથ ઘાટ સઘળા ।

તેનાં આપીઆપીને એંધાણ, કર્યાં સર્વે સ્થળનાં વખાણ ।।૬।।

પછી કહ્યું વાસી અયોધ્યાને, કાંઇક દીઠા સાંભળ્યા છે કાને ।

સર્વે યથારથ નવ જાણું, એમ કહીને જોડી છે પાણું ।।૭।।

પછી બોલ્યા આપે અવિનાશી, તમે સાંભળો અયોધ્યાવાસી ।

જેજે સ્થળનાં લીધાં છે નામ, તેમાં ફરતા અમે આઠું જામ ।।૮।।

રહેતા રમતા ઘટે તેનું જમતા, હતા નાના સહુને ગમતા ।

પડી ટેવ તેણે બહુ ફરતા, મોટીમોટી નદીયો ઉતરતા ।।૯।।

રહેતા થોડું અમે ઘરમાંય, આજ ઇયાં કાલ વળી ક્યાંય ।

હતું હેત હરિકથામાંઇ, બીજી વાત ન ગમતી કાંઇ ।।૧૦।।

ગમતા ભક્તિવાન ત્યાગી જ્ઞાની, ભૂંડા લાગતા દેહાભિમાની ।

હતો સ્વભાવ ચટકીદાર, કઠણ વચન ન સહેતા લગાર ।।૧૧।।

હાંસી મશ્કરી ન ગમે ક્યારે, ઠઠા ઠિંગાઇશું વેર મારે ।

જે કોઇ બેઠું હોય અમપાસ, તે પણ કરી શકે નહિ હાસ ।।૧૨।।

અમે કહ્યો અમારો સ્વભાવ, એમ કહી રહ્યા મૌન માવ ।

પછી બોલ્યા અયોધ્યા રહેનાર, એમાં નથી પ્રભુ ફેરફાર ।।૧૩।।

એમ કરતાં સાંભળતાં વાત, વહીગઇ વિનોદમાં રાત ।

પછી દિવસ બીજે દયાળે, કહ્યું જેજે પુછિયું કૃપાળે ।।૧૪।।

સુત મામાનો મનછારામ, અતિવૃધ્ધ જાણો બહુનામ ।

તેને પુછે છે સુંદરશ્યામ, કહો અમારાં કુળનાં નામ ।।૧૫।।

બાલપણામાં અમે નિસર્યા, કુળ કુટુંબનાં નામ વિસર્યા ।

માટે કુળપરંપરા જેહ, કહો પરિવાર સહિત તેહ ।।૧૬।।

ત્યારે બોલ્યાં અયોધ્યાનાં વાસી, તમે સાંભળજો સુખરાશી ।

જેજે જાણ્યાં સાંભળ્યાં મેં નામ, તેહ કહું સુણો મારા શ્યામ ।।૧૭।।

પુણ્યવાન પાંડે કન્હિરામ, રહે શર્વારે ઇટાર ગામ ।

તેના સુત તે બાલકરામ, તેની ત્રિયા ભાગ્યમાની નામ ।।૧૮।।

તેના સુત એક શુભમતિ, દોષે રહિત દયાળુ અતિ ।

નામ હરિપ્રસાદ તે કહીએ, તેતો ધર્મનો અવતાર લઇએ ।।૧૯।।

મોટા યશવાળા સહુ જાણે, સારા સ્વભાવ સહુ વખાણે ।

એવા હરિપ્રસાદનો કહું, જેના પુણ્યનો પાર ન લહું ।।૨૦।।

લુણાપારના ત્રવાડી કહીએ, બાળકૃષ્ણના કાલુ તે લહીએ ।

તેને ઘેર છે ભવાની નાર, તેતો અતિ પવિત્ર ઉદાર ।।૨૧।।

તેને ત્રણ સુત સુતા ત્રણ, તેહ કહું સુણો અશરણ શરણ ।

વિશરામ સુબુધ્ધ ઘેલહિ, કાલુસુત કહ્યા ત્રણ તેહિ ।।૨૨।।

ચંદન વસંતા ને બાલાબાઇ, કાલુસુતા એ ત્રણ કહેવાઇ ।

ચંદનપતિ પાંડે શરધાર, વસંતાપતિ બલધિધાર ।।૨૩।।

બાલાબાઇ જે નિશ્ચે ભગતિ, તેના હરિપ્રસાદજી પતિ ।

કહું તેનો હવે પરિવાર, તમે સાંભળો પ્રાણઆધાર ।।૨૪।।

તેના સુત સુખરૂપ ત્રણ, તમે સહિત ભવદુઃખહરણ ।

મોટેરા તે શ્રીરામપ્રતાપ, બીજા તમે શ્રીહરિજી આપ ।।૨૫।।

ત્રીજા ઇચ્છારામજી કહેવાય, જેની મોટ્યપ કહી ન જાય ।

બેઉ ભાઇ અતિશે ઉદાર, જેનો યશ ઉત્તમ અપાર ।।૨૬।।

સર્વે રીત્યે સુખિયા છે એહ, એક તમ વિના દુઃખી તેહ ।

નીલકંઠ આવ્યા તમે આંઇ, બીજા કેડ્યે રહ્યા જે બે ભાઇ ।।૨૭।।

કહું તેનો હવે પરિવાર, તમને મળવા ઇચ્છતા અપાર ।

રામપ્રતાપ ઘેરે સુવાસી, તેતો તમ વિના હતાં ઉદાસી ।।૨૮।।

તેના ત્રણ સુત એક સુતા, તેનાં નામ પરમ પુનિતા ।

નંદરામ ને ઠાકોરરામ, ત્રીજા અયોધ્યાપ્રસાદ નામ ।।૨૯।।

સુતા શ્રીધનુબા નિરધાર, પાંડે જોખનનો પરિવાર ।

નંદઘેર છે લક્ષ્મી નાર, રામશરણ સુત નિરધાર ।।૩૦।।

નારાયણ પ્રસાદ હરિચંદ્ર, ચોથા સુત પણ છે સુંદર ।

ઠાકોરરામ ઘેર શિવકુંવરી, રામસુખ સુત દો દીકરી ।।૩૧।।

અયોધ્યા ઘેર સુનંદા નાર, કહ્યો જોખનનો પરિવાર ।

ઇચ્છારામ ઘેર વસુમતિ, જેને પ્રભુમાંહિ પ્રીત્ય અતિ ।।૩૨।।

તેના પુત્ર પંચ પુણ્યવાન, સુતા બેઉ તે કહું નિદાન ।

ગોપાળજી રઘુવીર નામ, વૃંદાવન વળી સીતારામ ।।૩૩।।

પાંચમો સુત નાથબદરી, સુતા ફુલશ્રી ને ફુલઝરી ।

ઇચ્છારામનો એ પરિવાર, ગોપાળજી ઘેર મેનાં નાર ।।૩૪।।

રઘુવીરને ઘેર વીરજા, બાકી કહું હવે ત્રણ બીજા ।

વૃંદાવન ઘેર ઇંદિરાવાસી, સીતારામ ઘેર ઇંદિરાસી ।।૩૫।।

એ હરિપ્રસાદ પરિવાર, ધર્મકુળ અતુલ ઉદાર ।

કહેતાં સુણતાં તેહનાં નામ, થાય પવિત્ર પામિયે ધામ ।।૩૬।।

વળી એ દેશના જે રહેવાસી, તેપણ તમ વિના છે ઉદાસી ।

રાત્ય દન સંભારેછે બહુ, તમ વિના આતુર છે સહુ ।।૩૭।।

એમ કહ્યું છે મનછારામે, સુણી લીધું છે સુંદરશ્યામે ।

પછી પુછી બીજી બહુ વાત, સુણી સહુ થયા રળિયાત ।।૩૮।।

એમ કરતાં કાંયેક દિન ગિયા, પછી વસંતના દિન આવિયા ।

ત્યારે વાલ્યમે કર્યો વિચાર, તેડાવ્યા ત્યાં સંત મોટા ચાર ।।૩૯।।

કહે સહુ મળી જુવો વિચારી, આ ગાદીના કોણ અધિકારી ।

આવ્યું છે અમારા જાણ્યામાંઇ, તેમાં ફેર રહેશે નહિ કાંઇ ।।૪૦।।

રામપ્રતાપ ને ઇચ્છારામ, તેના સુત સારા સુખધામ ।

એને આપું આ ગાદી અમારી, અતિ સારૂં છે જુવો વિચારી ।।૪૧।।

જેવું અમારૂં કુળ મનાશે, તેને તુલ્ય બીજું કેમ થાશે ।

ત્યારે સંત કહે સાચી વાત, આજ અમે થયા રળિયાત ।।૪૨।।

તમે કર્યા છે સંત જે ઘણા, તેમાં પણ નથી કાંઇ મણા ।

પણ આ વાતનું ઉંડું મૂળ, કાંજે કાવે છે ધર્મનું કુળ ।।૪૩।।

પછી પુછ્યું પરસ્પર બહુને, ગમી વાત હૈયામાં સહુને ।

પછી વિત્યા થોડા ઘણા દન, આવ્યા વરતાલે જગજીવન ।।૪૪।।

સર્વે સંબંધી લેઇ સંઘાથ, આવ્યા ઉત્સવ કરવા નાથ ।

કર્યોઅન્નકોટ ઉત્સવ આવી, પરબોધની તે ભલી ભજાવી ।।૪૫।।

કીધા દત્તપુત્ર પોતે દોય, અવધપ્રસાદ રઘુવીર સોય ।

આપી ગાદી આચારજ કીધા, તેને મંદિર દેશ વહેંચી દીધા ।।૪૬।।

કરી દીધું ચોખું એમ આપે, કેડ્યે કોઇ કેને ન સંતાપે ।

એવી રીત્યે કરી એહ કામ, પછી પધાર્યા ગઢડે ગામ ।।૪૭।।

સર્વે દાસને દર્શન દીધાં, કરી વાત કૃતારથ કીધાં ।

નિત્ય નિર્ખે મૂર્તિ મનગમી, ત્યાંતો આવી વસંતપંચમી ।।૪૮।।

લાવ્યા ગુલાલ ને રંગ ઘણો, કર્યો સામાન રમવાતણો ।

અતિ આનંદે ભર્યા છે નાથ, નાખે છે રંગ પોતાને હાથ ।।૪૯।।

રેડે રંગ ને નાખે ગુલાલ, તેણે સખા થયા સહુ લાલ ।

સખે નાખ્યો છે નાથને રંગ, તેણે શોભેછે શ્યામનું અંગ ।।૫૦।।

સવેર્વસ્ત્ર થયાં રંગે રાતાં, જોઇ જન તૃપ્ત નથી થાતાં ।

પછી નાવાને ચાલિયા નાથ, સર્વે સખા લઇ પોતા સાથ ।।૫૧।।

નાહી આવી જમ્યા નાથ જન, કર્યો ઉત્સવ થઇ પ્રસન્ન ।

એમ આપે છે જનને આનંદ, ઘણે હેતે શ્રીસહજાનંદ ।।૫૨।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે અયોધ્યાપ્રસાદજી ને તથા રઘુવીરજીને આચાર્ય કર્યા ને વસંતપંચમીનો ઉત્સવ કર્યો એ નામે એકાણુંમું પ્રકરણમ્ ।।૯૧।।