૯૨. અયોધ્યાવાસીને સચ્ચિદાનંદ સ્વામી સાથે દ્વારકા યાત્રા કરવા મોકલ્યા, પૈસા નહિ હોવાથી સ્વામીને

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 4:26pm

પૂર્વછાયો-

ત્યાર પછી એક સમે, બેઠા સભામાંહિ શ્યામ ।

દિયે દર્શન દાસને, હરિજનની પુરે હામ ।।૧।।

મિઠી મિટે માવજી, જયારે જોયા સર્વે જન ।

દોષે રહિત દાસ દેખી, પોતે થયા પ્રસન્ન ।।૨।।

પછી પ્રભુજી બોલિયા, તમે સાંભળજયો સહુ જન ।

આપણે સહુ ઉધ્ધવના, તેને કરવું તીર્થ અટન ।।૩।।

મુનિ સંન્યાસી ત્યાગી ગૃહી, સુણો અવધ્યવાસી આપ ।

જાઓ શ્રીદ્વારામતિ, નાહી લહી આવો સહુ છાપ ।।૪।।

ચોપાઇ-

મળે તીર્થે મોટા મુનિજન, થાય રામકૃષ્ણનાં દર્શન ।

મારકંડેય ધૌમ્ય લોમશ, ધર્માદિ કરે તીર્થ અવશ ।।૫।।

સર્વે તીર્થ છે સુખરૂપ, તેમાં પણ દ્વારિકા અનૂપ ।

તમે અવધ્યવાસી રહો દૂર, માટે જાવું તમારે જરૂર ।।૬।।

જેદિ થયો જાદવનો નાશ, પરસ્પર લડી પરભાસ ।

તેદિ સમુદ્રે જળ હિલોળી, કૃષ્ણભુવન વિના પુરી બોળી ।।૭।।

કુળ સંહારી શ્રીકૃષ્ણ પોતે, રહ્યા નિજઘેર નાથ ગુપતે ।

માટે મોટું તીર્થ દ્વારામતિ, જીયાં અખંડ રહે યદુપતિ ।।૮।।

માટે ગૃહી ત્યાગીને ત્યાં જાવું, વિધિ સહિત ગોમતીમાં ન્હાવું ।

યથાયોગ્ય દાન તિયાં દેવું, સત્યપુરૂષ પૂજી ફળ લેવું ।।૯।।

એમ સર્વેને આગન્યા કીધી, નિજદાસને શિક્ષા એ દિધી ।

પછી કૌશલવાસીને કહ્યું, નિશ્ચે તમારે જાવાનું થયું ।।૧૦।।

મનછારામ નંદરામ દોય, જાઓ ગોપાળ સુફળ સોય ।

પ્રથમ પહેલા શ્રીરામપ્રતાપ, તે પણ ગયાતા દ્વારકાં આપ ।।૧૧।।

ઉધ્ધવસંપ્રદાયની એ રીત, જાવું દ્વારકાં થાવું પુનિત ।

નાહિ ગોમતી વિપ્રજમાડો, પિંડ દઇ પિત્રિ પાર પમાડો ।।૧૨।।

છાપે અંકિત કરી શરીર, બેટ જઇ આવો વહેલા વીર ।

ત્યારે બોલ્યાં છે સંબંધી સઉં, સારૂં જાશું રાજી અમે છઉં ।।૧૩।।

પણ ભોમિયો જોઇએ જરૂર, જાણે વાટ ઘાટ ગામ પુર ।

ત્યારે સભા સામું જોયું સ્વામી, દીઠા સચ્ચિદાનંદ નિષ્કામી ।।૧૪।।

દૃઢસમાધિ નિર્ભય નચિંત, જેને પ્રગટ પ્રભુશું પ્રીત।

તેને આગન્યા આપી છે નાથે, તમે જાઓ ધર્મકુળ સાથે ।।૧૫।।

તમે જઇ પાછા આવો જન, કરી રણછોડજીનાં દર્શન ।

પછી આવશે મુનિ સમસ્ત, જયારે થાશે શીત ઋતુ અસ્ત ।।૧૬।।

હશે વાસુદેવની ઇચ્છાય, મુનિ ને અમે આવશું ત્યાંય ।

તમે તો સહુ થાઓ તિયાર, બાંધો ટીમણ મ કરો વાર ।।૧૭।।

પછી મુનિ બોલ્યા કર ભામી, સુખે યાત્રા કરાવીશ સ્વામી ।

પછી તીરથે જાવાને કાજે, જોવરાવ્યું મુહૂર્ત મહારાજે ।।૧૮।।

ભટ્ટ મયારામે એમ કાવ્યું, શુદી નવમીનું મુહૂર્ત આવ્યું ।

પછી નાથે આજ્ઞા તેને કરી, ચાલ્યા દ્વારકાં સ્મરતા હરિ ।।૧૯।।

માઘવદી એકમને દન, નાહ્યા વિપ્ર ગોમતી દઇ ધન ।

દેખી પરદેશી ધાયા ગુગળી, જેમ પિંડે આવે કાક મળી ।।૨૦।।

કરી ટિલાં ને કહે અમે ગોર, લેવા નાણું થયા તતપર ।

નોય ત્યાગીને તીરથે આડી, પણ મુનિને નહાતાં ના પાડી ।।૨૧।।

વાયસ સરખે વિંટિને લીધા, મોટા મુનિને નાવા ન દીધા ।

બાળ જોબન ને વૃધ્ધ વળી, દિયે ડારા કહે મારશું મળી ।।૨૨।।

તું તો સિધ્ધનું કુપળું દિસે, નાણાં વિના નાવા મન હિસે ।

કાઢ્ય કંથા કોપીનેથી દામ, એમ બોલે પુરૂષ ને વામ ।।૨૩।।

તોય મુનિનું મન ન ક્ષોભ્યું, કૃષ્ણ રમણ રજે મન લોભ્યું ।

ચિત્તે ચડી શ્રીકૃષ્ણ મૂરતિ, હવી મુનિને અંતરવરતિ ।।૨૪।।

થઇ સમાધિ ભૂલ્યા શરીર, પડ્યું પિંડ ગોમતીને તીર ।

તિયાં આવ્યા અયોધ્યા રહેનાર, મુનિ ન જાગે કરે પોકાર ।।૨૫।।

કહે ગોપાળ સહુ સગાને, કેમ લઇ ચાલશું સંગે આને ।

દિન પાંચ દશમાં જાગશે, રહેશું તો દન બહુ ભાંગશે ।।૨૬।।

માટે મ કરો ચિંતા એની કાંઇ, ચાલો છાપું લઇ બેટમાંઇ ।

મુનિ મેલી ગયા આરાંભડે, લીધી ચોંપે છાપો દામવડે ।।૨૭।।

બેસી વાણે ગયા બેટમાંઇ, કર્યાં દર્શન પૂજા દામે ત્યાંઇ ।

કરી તીરથવિધિ શોભતી, પંચ દન રહી આવ્યા ગોમતી ।।૨૮।।

શોધ્યા સચ્ચિદાનંદ ન મળ્યા, અવધ્યવાસી સહુને પૂછી વળ્યા ।

હવે કહું મુનિને જે વીતિ, સહુ સુણો એ ધામની રીતિ ।।૨૯।।

મુનિ અન્ન તજી ત્રણ દહાડે, નાહ્યા વિના ગયા આરાંભડે ।

જઇ ઉતર્યા લાંઘણ ચોરે, જયાં અન્ન વિના જન બકોરે ।।૩૦।।

તિયાં તીર્થવાસી તાવે ઘણું, પડે ઉપરા ઉપર લાંઘણું ।

બાલ જોબન ને વૃધ્ધ બહુ, વિના અન્ને વ્યાકુળ છે સહુ ।।૩૧।।

કૈક કુટે પેટ શિશ છાતી, ભાઇયો ભૂખ નથી જો ખમાતી ।

માટે દીયો છાપો દયા કરી, અમે અન્ન વિના જાશું મરી ।।૩૨।।

નાપે છાપ દ્રવ્યના લેનાર, જેને નહિ દયા મહેર લગાર ।

તીર્થવાસી પાડે બુંમરાણ, આપો છાપો આપ્યા જાણું પ્રાણ ।।૩૩।।

તૈયે બોલ્યો ચારણીયો આપ, ધન વિના તો નહિ દૈયે છાપ ।

મરીમટો જાઓ ઠાલાં ઘેર, તેની અમારે નહિ દયા મહેર ।।૩૪।।

એવું દેખી આરાંભડામાંહિ, મુનિ કરવા લાગ્યા ત્રાહિ ત્રાહિ ।

આતો ગામ યમપુરી જેવું, કહીએ કુરુક્ષેત્ર વળી એવું ।।૩૫।।

જેવા ગોમતીમાંહિ ગુગળી, પાપી અધિક એથી આ વળી ।

સર્વેદુઃખતણાજેદેનાર,આંહિઆવીવશ્યાંનરનાર।।૩૬।।

માટે નહિ દયા કેને લેશ, વારું પુછી જોઉં ખોટી મેશ ।

કહે મુનિ સુણો ભાઈઓ વાત, તમે કૃષ્ણભક્ત છો સાક્ષાત ।।૩૭।।

દિયો છાપો તમે દયા કરી, જાઉં બેટ હું નિરખી હરિ ।

તૈયેં સાંભળી મુનિના બોલ, હસી કહ્યું તું છો પશુતોલ ।।૩૮।।

આવે ધુતા ઘણા તુજ જેવા, વિના ધને છાપો બહુ લેવા ।

ગર્જ હોય તો ધન દેઇને, બુઢા જા ઘેર છાપો લઇને ।।૩૯।।

તૈયેંબોલ્યામુનિસુભાગી,ભાઈધનત્રિયાઅમેત્યાગી।

કહે તું જેવા ત્યાગીને જાણું, રાખે કંથા કોપીનમાં નાણું ।।૪૦।।

પછી કંથા દિધી મુનિ હાથે, જોઇ પટકી પૃથવી માથે ।

કહે જટામાં જયાં ત્યાંહિ રાખે, સાધુ નોય કોઇ ધન પાખે ।।૪૧।।

અમેતો નહિ સાધુ તે જેવા, અમે સ્વામિનારાયણ સેવ્યા ।

જયારે તુંજ સ્વામીજીનો સાધુ, ત્યારે તો નાણું બેસશે વાધુ ।।૪૨।।

તારા સ્વામી પાસે બહુ ધન, કરે છે મોટામોટા જગન ।

માટે શીદ ખોટી થાછ ઠાલો, છાપ લેતો ધન લાવી આલો ।।૪૩।।

એવે સમે આવ્યો એક ખાખી, રોળી રાખમાંહિ દેહ આખી ।

લોહ ચિપિયો લીધો છે હાથે, જટા મોટી વિંટિ વળી માથે ।।૪૪।।

કીધી કેફે કરી આંખ્યો રાતી, ચાલે મરડાતો કાઢતો છાતી ।

ભાંગ્ય ગાંજાની ભેળી કોથળી, બોલે ગળેથી વાણી ગોગળી ।।૪૫।।

આવી અટક્યો કહે દ્યો મને છાપું, અમે ત્યાગી તુંને ધન નાપું ।

બોલ્યો અડબંગાઇમાં ગાળ, સુણી ઉઠ્યો ચારણ તતકાળ ।।૪૬।।

ઝાલી ડાઢી ચુંથી ઝટા વળી, મહોર પાંચ માથેથી નિકળી ।

કહ્યું જો મુનિ આંહિની રીત્ય, અમારે તો પૈસા સાથે પ્રીત ।।૪૭।।

સાધુ તું ધન આપ્ય ને લાવી, નહિ તો થાશે ગતિ તારી આવી ।

કહે મુનિ જટા મારે નથી, કંથા કૌપીનમાં ધન ક્યાંથી ।।૪૮।।

પછી ચાલ્યો ચારણ હાંસી કરી, શીદ વણમોતે જાછ મરી ।

જો આવે તારા બાપનો બાપ, ધન વિના નવ આપિયે છાપ ।।૪૯।।

પછી મુનિ થયા છે ઉદાસી, દીઠાં પીડાતાં તીરથવાસી ।

પરદુઃખે દુઃખાણું છે મન, ચાલ્યા કહે ન લેવું આંહિ અન્ન ।।૫૦।।

બેસી બેડિમાંહિ પહોત્યા બેટ, પડી લાંઘણે મળિયું પેટ ।

કરવા દર્શન પોળ્યમાં પેઠા, છાપ વિના દરવાણિયે દીઠા ।।૫૧।।

કહે જાછ ભાગ્યો કિયાં ભગવા, તું શું આવ્યો છો અમને ઠગવા ।

છાપ વિના જાછ છાંનોમાંનો, કપટી છો કોઇ સાધુ શાનો ।।૫૨।।

દઇ ઠેલા ઉગામી ઠપાટ, મુનિ હસી બેઠા સામે હાટ ।

તિયાં આવ્યો બ્રાહ્મણ ગુગળો, ધરનો ધર્મ થકી વેગળો ।।૫૩।।

તેને કહે એમ મુનિરાજ, મને દર્શન કરાવો મહારાજ ।

વિપ્ર કહે આંહિની એવી રીત્ય, કેવળ પૈસા સાથે સહુને પ્રીત્ય ।।૫૪।।

નાણું લઇ વેચે નિજનારને, આપે સુતા ભગિની જારને ।

તેની આ શહેરમાં નહિ લાજ, બીજાં બહુબહુ કરે અકાજ ।।૫૫।।

તારી પાસે હોય ધન કાંઇ, ચાલ્ય ઉતારૂં હું ઘરમાંઇ ।

સવેર્વાતે થાઇશ સુખિયો, નહિ તો જાઇશ દ્રષ્ણનો દુઃખિયો ।।૫૬।।

તૈયેં કહે મુનિ સ્વામીના છીએ, દામ વામ થકી દૂર રહીએ ।

તૈયેં બોલ્યો વળી વિપ્ર જન, તારા ગુરુ પાસે બોળું ધન ।।૫૭।।

વળી કહેવાય છે પ્રભુ આપે, તેને મુકી આવ્યો શિયે પાપે ।

એમ કહિને બ્રાહ્મણ ગયો, મુનિને મન ક્ષોભ ન થયો ।।૫૮।।

બીજાં બહુ આવે પુરવાસી, દેખી નિરધન ને કરે હાંસી ।

કૈક ડરાવે દેખાડે આંખ્ય, અતિ દુષ્ટ દલે ધનધાંખ્ય ।।૫૯।।

વળતું મુનિયે મન વિચાયુર્ં, ત્યાગી આવશે આંહિ હજારૂં ।

તેહ મુનિની શિપેર થાશે, દર્શન વિના દુઃખી થઇ જાશે ।।૬૦।।

પળ એક હું આંહિ ન રહું, વળું વાટ પંચાળની લહું ।

પણ કરી ગુરુએ આગન્યા, આવિશ માં છાપ દર્શન વિના ।।૬૧।।

એહ વચન ખટકે શરીર, કેમ કરશે હવે બલવીર ।

છાપ દર્શન વિના પાછો જાઉં, ગુરુજીનો ગુનેગાર થાઉં ।।૬૨।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે અયોધ્યાવાસી ને સચ્ચિદાનંદમુનિ દ્વારિકાં ગયા એ નામે બાણુંમું પ્રકરણમ્ ।।૯૨।।