૯૩. ૧૧ ઉપવાસ થયા પછી સ્તુતિ કરતા શ્રીકૃષ્ણે દર્શન દઇ ગોમતી સહિત વડતાલ આવવા વરદાન આપ્યુ,ગઢડા આવી સ

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 4:27pm

પૂર્વછાયો-

જેવી ગણીયે ગોમતી, તેવું જ આરાંભડું ગામ ।

બેટ પણ બીજું નહિ, જાણું ત્રણે ધર્મનાં ધામ ।।૧।।

બ્રાહ્મણ ક્ષત્રિ વૈશ્ય શુદ્ર, સહુ કરે દામ દામ ।

પૈસા કારણ પ્રાણ લેવા, બેઠાં પુરૂષ ને વામ ।।૨।।

દામ વિના દરશનની, છુટિ તે ન કરે છેક ।

આશા તજી મુનિ અંતરે, પછી કર્યોએમ વિવેક ।।૩।।

અંતરજામી આપશે, દર્શન જાણી નિજદાસ ।

દૃઢ આસને બેઠા મુનિ, મનમાં આણી વિશવાસ ।।૪।।

ચોપાઇ-

પછી મુનિ બેઠા દૃઢ ધ્યાને, માંડ્યું અખંડ ભજન એકતાને ।

હતા આપે લક્ષવાન અતિ, હૃદે દેખે હરિની મૂરતિ ।।૫।।

તોય ગુરુએ કહ્યું છે વચન, તેમ કરવા ઇચ્છે છે દર્શન ।

થયા એ ઠામે ઉપવાસ ચાર, વળી તજી તોયનો આધાર ।।૬।।

મુનિ હાથ જોડી હરિ આગે, કરે સ્તવન દર્શન માગે ।

જયકૃષ્ણ પ્રસન્ન થાઓ આજ, દિયો દર્શન મને મહારાજ ।।૭।।

જય જદુપતિ જગવંદ, જય રૂકિમણીપતિ રાજંદ ।

જય ભવ બ્રહ્માપતિ નાથ, જય સ્તવન કરે સુરસાથ ।।૮।।

ર્કીિત ભક્તિ સત્ય ધર્મ કહીએ, તેના આશ્રયરૂપ હરિ લહીએ ।

દ્વારામતિ પતિ દીન જાણી, કરો મેર લેર મન આણી ।।૯।।

તમે આગે ઉગારિયા દાસ, કરી અસુરજનનો નાશ ।

પુર્યાં દ્રૌપદી ચિર દયાળ, આવ્યા ગરૂડ તજી તતકાળ ।।૧૦।।

તાણ્યા કેશ દુષ્ટે કરી અન્યા, તેની ત્રિયા કરી કેશ વિના ।

વળી દુરવાસા દેવા શાપ, આવ્યા શિષ્ય સંગે લઇ આપ ।।૧૧।।

તેથી પાંડવ ઉગારી લીધા, જમી શાક તૃપ્ત સહુ કીધા ।

પારિજાતક સ્વર્ગથી આણી, રાજી કરી સત્યભામા રાણી ।।૧૨।।

ભૌમાસુર મારી કર્યું કામ, હર્યો ગર્વ સુરેશનો શ્યામ ।

બીજાં કરી બહુ બહુ કાજ, જન આગે ઉગાર્યા મહારાજ ।।૧૩।।

ઉધ્ધવીય હું તમને આશરી, કોટી કોટી જતન મેં કરી ।

કેમ દેતા નથી દરશન, રાય રણછોડ થઇ પ્રસન્ન ।।૧૪।।

આવી કેમ કરી કઠણાઇ, હુંતો વિચારૂં છું મનમાંઇ ।

વસુદેવ દેવકી બંધાવી, કરી લીળા ગોકુળમાં આવી ।।૧૫।।

રાખ્યાં બાર વર્ષ બંધીખાણે, તે તો સહુ જગતમાં જાણે ।

તેદી કર્યું તું કઠણ મન, નથી તજયું શું હજી મોહન ।।૧૬।।

ઘણું હેત કરી ગોપીસાથ, તેને તજી આવ્યા આંહિ નાથ ।

મેલી રોતી રઝળતી વને, તેની મહેર નહિ કાંઇ મને ।।૧૭।।

તેની તેજ મેલી નથી મતિ, મારી કેમ સાંભળો વિનતિ ।

વળી કરી નિજકુળ નાશ, આવી આંહિ વશ્યા અવિનાશ ।।૧૮।।

જાણી યાદવ ભૂમિનો ભાર, કર્યો છોટામોટાનો સંહાર ।

એજ વેગમાં ચઢ્યું છે મન, તે સારૂં પીડો છો નિજજન ।।૧૯।।

પાપી પાસળે જન પીડાવો, તમે દીનબંધુ શાના કહાવો ।

ધનવાળા ધક્કા બહુ આપે, નિરધનને નિત્ય સંતાપે ।।૨૦।।

પ્રભુ ત્યાગી જો તમારા જન, તેને પાસળ ક્યાં થકી ધન ।

તેનું કરતા નથી ઉપરાળું, તમે કાવો છો દીનદયાળુ ।।૨૧।।

નિર્ધનનું ધન છો મહારાજ, વળી કહાવો ગરીબ નિવાજ ।

અનાથના નાથ ભગવાન, કાંરે ન સુણો વિનતિ કાન ।।૨૨।।

તમને વહાલા ઉધ્ધવ અત્યંત, તેના સંપ્રદાયનો હું સંત ।

જેવો છઉં તેવો નાથ તમારો, વાલાજી મુજને મ વિસારો ।।૨૩।।

થાય છોરૂં કછોરૂં જો કોય, તજે નહિ તેને તાત તોય ।

એમ કહીને ધરીયું ધ્યાન, દીઠા અંતરમાં ભગવાન ।।૨૪।।

આરત્યવાનની આરત્ય જાણી, મળ્યા મુનિને સારંગપાણી ।

મહાવદિ એકાદશી વિજયા, તે નિશિ મુનિપર રિઝિયા ।।૨૫।।

દીધાં અંતરમાં દર્શન નાથે, લક્ષ્મી સત્યભામા છે સાથે ।

કોટી સૂર્યસમ અજવાળે, ઉધ્ધવ સાત્યકિ ચમર ઢાળે ।।૨૬।।

અર્જુને છત્ર કનકનું ધર્યું, નૌતમ રૂપે મુનિમન હયુર્ં ।

નીલ કલેવર નીરદ જેવું, મુનિ કરે દર્શન એવું ।।૨૭।।

દીઠા અંતરે અંતરજામી, વાધ્યું આનંદ વેદના વામી ।

પછી ભાવે બોલ્યા ભગવાન, મુનિ માગ્ય માગ્ય વરદાન ।।૨૮।।

જે માગિશ મુનિ મુજ પાસે, તે આપીશ અધિક હુલાસે ।

એમ કહી અંતર્ધાન થિયા, મુનિ ધ્યાનથી તર્ત જાગિયા ।।૨૯।।

થઇ વ્યાકુળ નીસર્યા બહાર, દીઠા તેમના તેમ મુરાર ।

અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ છે સુખકારી ।।૩૦।।

કંઠે હાર મનોહર મોતિ, પ્રસન્નમુખે શોભે શશિજયોતિ ।

ભુજ ચારમાં આયુધ ચાર, શંખ ચક્ર ગદા પદ્મ સાર ।।૩૧।।

એવા આયુધ ધરીને હાથે, દિધાં દર્શન દ્વારિકા નાથે ।

વળી પ્રેમાધીન મુનિ જોયા, સહ્યું કષ્ટ જાણી નાથ મોહ્યા ।।૩૨।।

પછી અલબેલો અઢળ ઢળ્યા, મુનિને ઉરમાં લઇ મળ્યા ।

વાલો કહે તમને જે વહાલું, માગોમાગો મુનિવર આલું ।।૩૩।।

મુનિ કહે જય મંગળ મૂરતિ, યદુપતિ ન મેલું ઉરથી ।

તમે છો કરુણાના દરિયા, દર્શન દઇ દુઃખ સંકટ હરિયાં ।।૩૪।।

હવે માગું છું હું બહુનામી, સુણો ચિત્ત દઇ મારા સ્વામી ।

અમારે ગુરૂએ આજ્ઞા કીધી, ત્યાગી ગૃહીએ શિષ ધરી લીધી ।।૩૫।।

દ્વારિકાંની યાત્રા કરી લેવી, હમણાં આજ્ઞા અમને છે એવી ।

મુનિ કહે ગૃહી ધન ધરશે, ત્યાગી કેમ કરી તીર્થ કરશે ।।૩૬।।

મને જે વીતી તે કહી દાખું, એ વિધ્યે લોક પીડાય લાખું ।

ગોમતીમાં નાતાં બંધી કિધી, મને છાપો પણ નવ દિધી ।।૩૭।।

થયા ઉપવાસ અગિયાર, ત્યારે તમે મળિયા મુરાર ।

નમેરા બેઠા પઇસા લેવા, ન મળે ત્યાગીને નાણું દેવા ।।૩૮।।

માટે એ માગું ચિત્ત ધરીએ, સહુને તીર્થ થાય તેમ કરીએ ।

પછી નાથ બોલિયા વિચારી, કહ્યું વચન સર્વે હિતકારી ।।૩૯।।

મુનિ સત્ય માને વાત મારી, સવેર્પૂરીશ ઇચ્છા હું તારી ।

લોભી નિર્દય તીર્થ રહેનારા, લુંટે ધન પીડે જન મારા ।।૪૦।।

તે માટે વરતાલ આવીશ, સવેર્તીરથ સંગે લાવીશ ।

લક્ષ્મીનારાયણનીમૂરતિ,તેમાંવસિશકહેયદુપતિ ।।૪૧।।

છાપ ગોમતી સંગે લઇશ, ત્યાગી ગૃહિને દર્શન દઇશ ।

થાશે સહુને દર્શન ત્યાંઇ, હવે નથી રહેવું પળ આંઇ ।।૪૨।।

સત્ય વચન માનો મુનિ મારૂં, તમે આવે થયું ઘણું સારૂં ।

હવે સુખે ચાલો તમે યાંથી, જુવે વાટ ગોમતીએ સંગાથી ।।૪૩।।

એમ મુનિને કહિ ભગવાન, પછી થયા છે અંતરધાન ।

મુનિએ વિચાર્યું મનમાંયે, થયાં દરશન ગુરૂકૃપાયે ।।૪૪।।

પછી મગન થઇ મુનિ વળ્યા, આવી અયોધ્યાવાસીને મળ્યા ।

પુછી ખબર પરસ્પરે, કહ્યું ન કહ્યું તે મુનિવરે ।।૪૫।।

હતો દિવસ તે દ્વાદશિ, કરી પારણાં ત્યાં રહ્યા નિશિ ।

થયું સવાર ચાલિયા સહુ, સાંભરે દ્વારિકાં બહુ બહુ ।।૪૬।।

દલે દુઃખી સુવે સહુ જયારે, દેખે સ્વપ્નામાં કૃષ્ણને ત્યારે ।

જાણું સંગે આવે છે મહારાજ, ભેળો લઇ સર્વે સમાજ ।।૪૭।।

એમ નિત્યે કરતા દર્શન, આવ્યા ગઢડામાં સહુ જન ।

સંધ્યાસમે સભામાંહિ શ્યામ, બેઠાતા સંતના સુખધામ ।।૪૮।।

તિયાં કર્યાં દંડવત આવી, હેતે લીધા પાસળ બોલાવી ।

ભલે જઇ આવ્યા દ્વારામતિ, ધન્ય ધન્ય તમારી ભગતિ ।।૪૯।।

પછી બોલ્યા મુનિવર આપે, આવ્યા કુશળ તમ પ્રતાપે ।

સ્નાન છાપ દર્શનનું દુઃખ, તેતો કેમ કહ્યું જાય મુખ ।।૫૦।।

સુણી ત્યાગી થયા છે ઉદાસે, તિયાં આપણે કેમ જવાશે ।

વર દીધાની વાત કહી જયારે, ત્યાગી પ્રસન્ન થયા સહુ ત્યારે ।।૫૧।।

સુંણી ગુરુએ કર્યો સતકાર, ભાગ્યવાન તું સાધુ અપાર ।

મુનિ કહે પ્રતાપ તમારો, હવે વરતાલ વહેલા પધારો ।।૫૨।।

સ્વામી પ્રસન્ન થઇ એમ કહ્યું, જાવું વરતાલે નિશ્ચે એ થયું ।

ફુલદોલ જે ફાગણશુદિ, પહોચવું પુન્યમ દન તેદિ ।।૫૩।।

ત્યાગી ગૃહી બાઇ ભાઇ જેહ, લખી કાગળ તેડાવ્યા તેહ ।

તે રાત્રિ સહુ સ્મરણ કરતા, સર્વે સંત આનંદમાં સુતા ।।૫૪।।

દિઠા સ્વપ્નામાં લાડિલો લાલ, રમા સહિત જાતા વરતાલ ।

બોલ્યા પરસ્પર પરભાત, કહી સ્વપ્નાની ગુરૂને વાત ।।૫૫।।

સ્વામી કહે સત્ય વાત સારી, કરો વરતાલ જાવા તૈયારી ।

ચાલ્યા સાતમ્યે સહુ જનવૃંદ, ગઢડેથી સ્વામી સહજાનંદ ।।૫૬।।

કરી ઉત્સવ પર તૈયારી, સંગે લેઇ ઘોડાની અસવારી ।

વાજીવાગ ગ્રહી ડાબે હાથે, લીધા સુભટ જન બહુ સાથે ।।૫૭।।

ઘોડી શોભે સોનેરી સાજે, શ્વેત વસ્ત્ર પહેર્યાં છે મહારાજે ।

કેશર કુંકુમ તિલક કર્યાં, નૌતમ રૂપે જન મન હર્યાં ।।૫૮।।

મજલે મજલે થાય ઉતારા, સંઘ સહિત રહે ગામ બારા ।

કુંડળ ખસતેથી બોરૂ રહ્યા, સીંજીવાડેથી વરતાલ ગયા ।।૫૯।।

શુદી એકાદશી વરતાલ, આવ્યા નાથ સાથ લઇ મરાલ ।

આવ્યા તે દિન દ્વારકાંનાથ, રાણી રૂકિમણી લઇ સાથ ।।૬૦।।

લક્ષ્મીનારાયણરૂપે કૃષ્ણ, કરે બહુ દેશનાં જન દ્રષ્ણ ।

દ્વારિકાંથી રણછોડ આવ્યા, વસ્યા વરતાલે જનમન ભાવ્યા ।।૬૧।।

કર્યોઉત્સવ ફુલદોલ ભારી, પૂજયા શિષ્યે સ્વામીએ મુરારી ।

દ્વારિકાંથી ચાલ્યા જેદી નાથ, સર્વે દેવ તીર્થ આવ્યાં સાથ ।।૬૨।।

ધાર તળાવ સુંદર અતિ, કૃષ્ણ કહે ત્યાં રહો ગોમતી ।

બીજા દેવ તીર્થ આસપાસ, વાલે કરાવ્યો વરતાલે વાસ ।।૬૩।।

કહ્યું સ્વપ્નામાં દ્વારિકાનાથે, મારાં આયુધ છાપજયો હાથે ।

વચને છાપ આપી વરતાલ, નરનારી થયાં સહુ નિહાલ ।।૬૪।।

રામનવમીએ પૂજા કરી, વિમળા એકાદશી અર્ચ્યા હરિ ।

તિયાં જયજય બોલે છે જન, દેખી દુષ્ટનાં દાઝિયાં મન ।।૬૫।।

એમ થાય લીળા નિત્ય નવી, કહે એક મુખે કેમ કવિ ।

નિત્ય તળાવે બિરાજે નાથ, મુનિ સતસંગી લઇ સાથ ।।૬૬।।

તિયાં થાય ઉત્તર પ્રશન, કરે અનેક જન દર્શન ।

વાજે વાજીંત્ર તિયાં અપાર, લાવે પૂજા જન બહુ વાર ।।૬૭।।

લઇ પીચકારી હરિ હાથ, રમે રંગે સખા સંગે નાથ ।

વળી આપી આજ્ઞા અવિનાશ, ગાઓ ગરબી રમો જન રાસ ।।૬૮।।

ગાળે સર સતસંગી સહુ, દેખી રાજી થાય વાલો બહુ ।

જયારે આવે ઉતારે મહારાજ, ઉપડાવે ઇંટ્યો મંદિરકાજ ।।૬૯।।

એક દિન રાજી થઇ નાથ, મળ્યા મુનિને ભરી ભરી બાથ ।

વળી જમાડે જનને આપે, એતો વાત આવે કેમ માપે ।।૭૦।।

એમ લીળા કરી બહુ દન, જોઇ જન થયા છે મગન ।

કર્યો ઉત્સવ એક માસનો, પુરીયો મનોરથ દાસનો ।।૭૧।।

પછી પ્રભુજી ત્યાંથી પધાર્યા, આવી ગઢડે આનંદ વધાર્યા ।

સુંદર વર્ષ તે સારૂં કહીએ, ચૈત્રશુદી એકાદશી લહીએ ।।૭૨।।

તેદિ ઉત્સવ કરાવ્યો વાલે, આવ્યા દ્વારકાનાથ વરતાલે ।

સત્ય વાત નજરની દિઠી, લાગે હરિજનને એ મીઠી ।।૭૩।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે સચ્ચિદાનંદ સ્વામીએ સ્તુતિ કરીને દ્વારિકાનાથે દર્શન દિધાં ને વરતાલ આવ્યા એ નામે ત્રાંણુંમું પ્રકરણમ્ ।।૯૩।।