રાગ સામેરી –
પોતે પધાર્યા ગઢડે, અને સંત ગયા ગુજરાત ।
અપાર લીળા કરે હરિ, તેની કહી ન જાય વાત ।।૧।।
શેષ મહેશ ને શારદા, હરિચરિત્ર પાર નવ લહે ।
અજ ન પામે પાર જેનો, નેતિનેતિ નિગમ કહે ।।૨।।
અપાર લીળા અપાર સામર્થ્ય, અપાર અતિચરિત્ર છે ।
અપાર તેજ પ્રતાપ અતિ, અપાર યશ પવિત્ર છે ।।૩।।
અપાર કરૂણા અપાર કૃપા, અપાર દયા દલમાં ।
અપાર ધીર ગંભીર ઘણા, નવ કળાય કોઇ કાળમાં ।।૪।।
અપાર મહિમા અપાર મોટ્યપ, અપાર દાતા ઉદાર છે ।
અપાર કળા અપાર કીરતિ, વળી ગુણ જેના અપાર છે ।।૫।।
અપાર લીળા એક જીભાએ, કવિ કહી કેમ શકે ।
મહાનિધિમાં ચિડિયા ચંચે, ઉલેચતાં આપે થાકે ।।૬।।
જેનું મનન કરતાં મન થાકે, ચિંતવતાં ચિત્ત સહિ ।
જેનું વર્ણન કરતાં વાણી થાકે, તેને કોણ શકે કહિ ।।૭।।
જેમ અંડજ ઉડે આકાશમાં, એકએકથી ઉંચા ચડે ।
પહોંચ રાખે પહોંચવા પણ, અંબરને કોઇ ન અડે ।।૮।।
તેમ કવિ કોટિક કથે, એકએકથી બુદ્ધિબળે ।
પણ અપાર અપાર કહિ છુટે, અકળ ને કોણ કળે ।।૯।।
તે હરિ નરતન ધરી, કરે લીળા કોટિ ઘણી ।
તે સાંગોપાંગ સર્વે કહેવા, નથી સામર્થી મુજતણી ।।૧૦।।
કહું કિંચિત કોટિઅંશે, સુંદર ચરિત્ર શ્યામનાં ।
ચતુર નરને શક્ય ન આવે, છે હરિભક્તના કામનાં ।।૧૧।।
તુક ચોકને જડ ઝમકનું, જાણપણું જેને હૃદે ।
કવિપણાના કષાયમાંઇ, હરિગુણમાં દોષ વદે ।।૧૨।।
ચણેર્ ચર્ણે ચિંતવન હરિનું, જે કાવ્યમાં નવ થાય ।
તેને વિવેકી એમ વદે, તીર્થ કાકનું કહેવાય ।।૧૩।।
માટે ડહાપણ દૂર કરીને, કહી લીળા લાલની ।
સર્વે જન મળી સાંભળો, કહું વાત વળી વરતાલની ।।૧૪।।
વરતાલે વાલમ આવિયા, હરિજનને કર્યું જાણ ।
નરનારી એમ ચાલિયાં, જેમ નદી મળવા મેરાણ ।।૧૫।।
બાલ વૃદ્ધ બેશી વાહને, આવ્યાં દર્શન કારણે ।
પ્રભુ પધાર્યા સાંભળી, કોઇ રહ્યું નહિ ઘરબારણે ।।૧૬।।
સંત સર્વે તેડાવિયા, આવિયા મુનિજન મંડળી ।
નાથ નિરખિ હૈયે હરખી, લાગ્યા પાયે લળીલળી ।।૧૭।।
સતસંગી સવેર્મળ્યા, નર નારી નિર્મળ છે ઘણાં ।
પુરૂષનો નહિ પાર ગણતાં, મળ્યાં યૂથ યુવતિતણાં ।।૧૮।।
તેણે દર્શન કરી હરિનાં, પ્રેમે લાગ્યા પાય ।
ભલે પધાર્યા ભાગ્ય મોટાં, આજ કહ્યાં નવ જાય ।।૧૯।।
સવેર્જનને સુખી કીધાં, દીધાં દરશન દાન ।
અમે તમારે તમે અમારે, એમ બોલીયા ભગવાન ।।૨૦।।
એમ વાત કરતાં વહી ગઇ, વળી રજની રંગભરી ।
પ્રભાતે અતિ પ્રસન્ન વદને, હસિને બોલ્યા હરિ ।।૨૧।।
આજ દિન છે ઉત્સવનો, સર્વે સુણો સંત સુજાણ ।
રંગ કરાવો રમવા, એમ બોલ્યા સુખમેરાણ ।।૨૨।।
જોઇતું હતું જેહ જનને, તે વાલે કહ્યું વચન ।
ઉઠ્યા દાસ ઉતાવળા, કરવા પ્રભુજી પ્રસન્ન ।।૨૩।।
પછી રૂડા રંગ કઢાવિયા, વળી ઘણો મંગાવ્યો ગુલાલ ।
પીચકારી બહુ પેરની, મોરે કરી મેલિતિ મરાલ ।।૨૪।।
ચરુ રંગેડાં રંગે ભર્યાં, વળી ભરીયાં મોટાં માટ ।
મહારાજ બેઠા માળિયે, જન જોઇ રહ્યા વળી વાટ ।।૨૫।।
તૈયે મોહને મોરથી, નાખી ગુલાલની મુઠ્ય ।
પછી સખા સજજ થયા, વળી થઇ રમવાની છુટ્ય ।।૨૬।।
પછી પાંચ દશ પોતા પાસે, લીધા તે સંત સુજાણ ।
નાખે રંગ બહુ નાથજી, જન ઉપર જીવનપ્રાણ ।।૨૭।।
ચાલે પિચકારી ચૌ દિશે, વળી જાણ્યું મંડાણો મેઘ ।
આંખ્ય ન દીયે ઉઘાડવા, વહે શેડ્ય સમૂહનો વેગ ।।૨૮।।
ત્રિકમ ભરીભરી ત્રાંસળાં, નાખે રંગ કેસર તણો ।
જયજય મુખે જન બોલે, ઉડે અબીર ગુલાલ ઘણો ।।૨૯।।
ચડી ગરદી ગુલાલની, વળી થયો અરુણ પ્રકાશ ।
દેવ આવ્યા દેખવા, રમે હરિ હરિના દાસ ।।૩૦।।
રમતાં રંગ ખુટી ગયો, પછી પ્રભુજીએ કળ કરી ।
તાળી પાડી ધુન્ય કરતાં, રંગ મગાવ્યો બહુ ભરી ।।૩૧।।
પછી નાથે હાથશું, રસબસ કરીયા જન ।
ભલી ભજાવી હુતાસની, વળી પોતે થઇ પ્રસન્ન ।।૩૨।।
પછી નાવા ચાલિયા, નાહિને આવ્યા નાથ ।
ગાતાવાતા ગામમાં, પધાર્યા સખાને સાથ ।।૩૩।।
પછી બેસારી પંગતિ, મુનિજનની જમવા કાજ ।
પોતે આવ્યા પિરસવા, ઘણું રાજી થઇને રાજ ।।૩૪।।
એહ દિવસ અલબેલડે, અલૌકિક લીળા કરી ।
બીજે દિવસ પુરબારણે, પધારીયા પોતે હરિ ।।૩૫।।
એક સુંદર આંબો સોયામણો, ત્યાં બાંધ્યો હિંડોળો હેતશું ।
અલબેલો ત્યાં આવિયા, સર્વે સખા સમેતશું ।।૩૬।।
હિંડોળે હરિ વિરાજિયા, ત્યાં આવ્યા જન અપાર ।
પાર ન આવે પેખતાં, બહુ મળિયા નરનાર ।।૩૭।।
સંતને આપી આગન્યા, કરો પૂજા તમે પ્રીત્યશું ।
કેસર ચંદન કુસુમમાળા, ધુપ દીપ આરતી રીત્યશું ।।૩૮।।
સંત સુંદર સાજ લઇ, કરી પૂજા પરમાનંદની ।
ચરણ ચરચિ ચંદને, છાપી છાતિ મુનિવંદની ।।૩૯।।
આનંદ આપી અતિ ઘણો, પછી ઉભા થયા અવિનાશ ।
હરિજન સહુ હાર લઇ, વળી ઉભા હતા હરિ પાસ ।।૪૦।।
કૈક હાર પહેર્યા કંઠમાં, અને કૈક બાંધ્યા બાંય ।
કૈક ચરણે બાંધિયા, એમ ફુલી રહ્યા ફુલમાંય ।।૪૧।।
હિંડોળે હાર વળગાડીયા, કૈક આરોપ્યા આંબાડાળ ।
કૈક બાંધ્યા છડીએ, તેની કરી કાવડ્ય દયાળ ।।૪૨।।
એવી અનંત લીળા કરી, હરિ જનને કરવા ધ્યાન ।
આપી સુખ એમ અતિ ઘણું, પછી ચાલિયા ભગવાન ।।૪૩।।
એવી લીળા કરી હરિ, ફાગણવદી સાતમ્ય સહિ ।
કરી લીળા વરતાલમાં, તે સંક્ષેપે કાંઇક કહિ ।।૪૪।।
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે વરતાલે ઉત્સવ કર્યો એ નામે છાસઠમું પ્રકરણમ્ ।।૬૬।।